આજે પણ મતદારોએ મતદાનના દિવસે પહેલાં પોલિંગ-બૂથ શોધવા નીકળવું પડતું હોય છે. બૂથ મળી જાય તો પછી ત્યાં જઈને પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં એ શોધવાનું રહે છે
‘આશિષ મહેતા ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટ’ નામની કંપનીના પ્રોપ્રાઇટર છે આશિષ મહેતા
આગામી અઠવાડિયામાં મહારાષ્ટ્રની મ્યુનિસિપલ કૉર્પોરેશનોની ચૂંટણી છે. એની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રચાર, પ્રસાર, સુરક્ષા, મતદાન-વ્યવસ્થા, ચૂંટણી-પ્રક્રિયા વગેરે પાછળ નાણાંનો ધોધ વહેવાનો શરૂ થઈ ગયો છે અને જેમ-જેમ ચૂંટણી નજીક આવશે એમ આ ધોધ વધુ પુરજોશમાં વહેશે. જોકે મને એક જ વિચાર આવે છે કે એક ઇલેક્શનની પાછળ આટલા બધા રૂપિયાનો ખર્ચ કરવો કેટલો યોગ્ય છે? શું આપણે એના કોઈ વિકલ્પ પર વિચાર ન કરી શકીએ? એવો કોઈ માર્ગ અપનાવીને મતદાનની પ્રક્રિયા મતદારો માટે સરળ અને અર્થવ્યવસ્થા માટે કૉસ્ટ-ફ્રેન્ડ્લી ન બનાવી શકીએ? આજે દુનિયા ટેક્નૉલૉજીમાં ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે. તો એનો ઉપયોગ આપણે મતદાન કરવાની પ્રક્રિયામાં કેમ કરી રહ્યા નથી? પ્રચાર માટે ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે તો પછી મતદાન કરવા માટે પણ એનો સહારો લેવો જોઈએ. માત્ર મતદાનના દિવસે જ અનેક વ્યવસ્થા અને સુરક્ષા પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. સાથે મતદાન કરવાની વર્તમાન પ્રક્રિયા ટાઇમ-કન્ઝ્યુમિંગ તો છે જ. આજે પણ મતદારોએ મતદાનના દિવસે પહેલાં પોલિંગ-બૂથ શોધવા નીકળવું પડતું હોય છે. બૂથ મળી જાય તો પછી ત્યાં જઈને પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં એ શોધવાનું રહે છે અને છેલ્લે પછી તડકામાં લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડતું હોય છે. ઘણી વખત બધાં પ્રૂફ અને વોટિંગ કાર્ડ હોવા છતાં કેટલાક લોકોને વોટિંગ કરવા મળતું ન હોવાના કેસ પણ દર વખતે સામે આવે છે. આવી સિસ્ટમ અને અમુક મિસમૅનેજમેન્ટને લીધે ઘણા લોકો વોટ આપવા જવાનું ટાળે છે. આ તો થઈ મતદારોની વ્યથા. ઇલેક્શન-ડ્યુટીની સાથે સંકળાયેલા હોય તેમની હાલત પણ દયનીય બની જતી હોય છે. શિક્ષકો, ચૂંટણી-અધિકારીઓ, પોલીસફોર્સ વગેરેને ખડે પગે કામ કરવું પડતું હોય છે. નાણાકીય દૃષ્ટિકોણથી પણ એ ખર્ચાળ તો છે જ જે અર્થવ્યવસ્થા માટે યોગ્ય નથી. હ્યુમન ફોર્સ અને મની એ બન્ને મતદાન-પ્રક્રિયા પાછળ ખૂબ જ વેડફાય છે જે આડકતરી રીતે દેશની અર્થવ્યવસ્થા પર અવળી અસર કરે છે. એથી મતદાન કરવાની પ્રક્રિયામાં ફેરફાર લાવવાની મને જરૂર લાગી રહી છે. વર્તમાન મતદાન-પ્રક્રિયાના વિકલ્પરૂપે મોબાઇલ દ્વારા વોટિંગ કરી શકાય એવી સગવડ કરી શકાય. સિસ્ટમૅટિક અને પ્રોટેક્ટેડ મોબાઇલ પ્રોગ્રામ જે આધાર કાર્ડ સાથે કનેક્ટ હોય અથવા તો ઍપ લૉન્ચ કરીને સમગ્ર મતદાન-પ્રક્રિયાને ઑનલાઇન લાવી શકાય જેનાથી લોકો ઘેરબેઠાં પણ વોટિંગ કરી શકશે. ઘણા અશક્ત, બીમાર, વયોવૃદ્ધ, શહેરની બહાર ગયા હોય એવા લોકો પોતાના વોટિંગ અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. તેમને આ વિકલ્પ ખૂબ ઉપયોગી થશે. સિસ્ટમૅટિક અને પ્રોટેક્ટેડ મોબાઇલ પ્રોગ્રામથી ડબલ વોટિંગ, બોગસ વોટિંગ વગેરે લગભગ બંધ પણ થઈ શકશે.


