ભગવાન બનવાની ઇચ્છા સૌને થાય, પરંતુ ભગવાન જેવા ગુણો અપનાવવું સહેલું નથી. આ લેખ સમજાવે છે કે પ્રેમ, કરુણા, ક્ષમા અને નિઃસ્વાર્થતા જેવા ગુણો જ પરમાત્માની સાચી ઓળખ છે. ફરિયાદો છોડીને બીજાના હિતમાં વિચારીએ તો જીવન વધુ અર્થપૂર્ણ બની શકે છે.
પ્રતીકાત્મક તસવીર
કેટલાંક વર્ષો પહેલાં એક ફિલ્મ આવેલી જેનો મુખ્ય નાયક પોતાના કંગાળ જીવનનો દોષ ભગવાનને આપતો રહેતો અને બધાની સામે તેમની સતત ગ્લાનિ કરતો રહેતો. તેની આવી પ્રવૃત્તિને જોઈને એક દિવસ પ્રભુ સ્વયં તેની સમક્ષ પ્રકટ થયા અને ખૂબ જ પ્રેમપૂર્વક તેમણે પોતાની સર્વશક્તિમાનની ગાદી પર ૨૪ કલાક બેસીને તેમની સર્વોચ્ચ સત્તાનો આનંદ માણવાની તક પેલાને આપી. સામી બાજુએ પેલા નાયકે પણ પ્રભુએ આપેલી એ તક સહર્ષ સ્વીકારી લીધી (આમ પણ ભગવાન બનવાનું કોને ન ગમે). જોકે ઈશ્વરના સ્થાન પર બેસતાંની અમુક ક્ષણની અંદર જ તેનો નશો સાવ ઊતરી ગયો, કારણ કે સર્વશક્તિમાનની જે કલ્પના તેણે પોતાના મનમાં કરેલી એનાથી સાવ જ વિપરીત અનુભવ તેને થવા માંડ્યો. તેણે જોયું કે સંસારના મોટા ભાગના લોકો સતત ભગવાનને ફરિયાદ, તિરસ્કાર અને નકારાત્મકતાઓથી ભરેલા પત્રો તેમ જ સંદેશા મોકલતા રહે છે અને સાથે-સાથે દયા અને કૃપાની ભીખ માગતા રહે છે. આ બધું આખો દિવસ જોઈને અંતે તેને એ હકીકતનું ભાન થયું કે ‘બાપલા, આ ભગવાન બનવું એ કંઈ સહેલું કામ નથી.’ ત્યાર બાદ તે તન અને મનથી પ્રભુને સમર્પિત થયો અને તેમની માફી માગી. આ વાર્તાનો નૈતિક બોધ એ જ છે કે ‘માણસ ક્યારેય ભગવાન બની ન શકે. પછી ભલેને તે કેટલો પણ હોશિયાર કે બુદ્ધિશાળી કેમ ન હોય, રહેશે તો માણસ જ.’
જો આપણે ચીવટપૂર્વક પોતાની અંદર તેમ જ પોતાની આસપાસ નિરીક્ષણ કરીશું તો આપણને સ્પષ્ટપણે એ જોવા મળશે કે લગભગ આપણે સૌ આખો સમય ભગવાનને પોતાની ફરિયાદો અને અસંતુષ્ટતાઓથી પરેશાન કરતા રહીએ છીએ અથવા તો તેમની સાથે સોદાબાજી કરતા રહીએ છીએ. જરાક વિચારો, સર્વશક્તિમાન પરમાત્મા જેમની પાસે આપણા સૌ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારની લાંબી યાદી છે તેઓ કેવી રીતે આટલું બધું થવા છતાં આપણી પ્રાર્થનાની અરજ સાંભળીને આપણને મદદ કરવા દોડી આવે છે? એવો તે કયો ગુણ છે તેમની અંદર જે તેમને પરોપકારી અને નિ:સ્વાર્થી બનાવી દે છે? આનો જવાબ માત્ર એક શબ્દમાં સમાયેલો છે અને એ છે બેહદ એટલે કે અસીમિત. આપણે મનુષ્યો જીવનભર પોતાની હદના વિચારો અને કાર્યો સુધી જ સીમિત થઈને જીવતા રહીએ છીએ, પરંતુ પરમાત્મા જેઓ પ્રેમના સાગર છે તેઓ નિરંતર સંસારના દરેક જીવાત્મા પર પોતાના પ્રેમ અને કરુણાનો વરસાદ વરસાવતા રહે છે. આપણે મનુષ્યો સ્વહિતની આગળ વિચારતાં શીખ્યા જ નથી, જ્યારે પરમાત્મા તો સદા પરહિત એટલે કે બીજાના હિત વિશે જ વિચારતા રહે છે તેમ જ તેમનું દરેક કાર્ય જનહિતના કલ્યાણ માટે જ હોય છે. આપણે આજીવન અન્યો દ્વારા અનુભવેલા દગા, વિશ્વાસઘાત અને છેતરામણીનો બોજ પોતાના મન પર લઈને જીવતા રહીએ છે, જ્યારે પરમાત્મા તો દરેક પાપીને માફ કરીને સુધરવાની નવી તક તેને આપતા રહે છે. આટલી બધી વિશેષતાઓ સાંભળ્યા બાદ શું તમને નથી લાગતું કે ભગવાનની જગ્યાએ બેસવું ખૂબ જ રોમાંચક હશે? પ્રયત્ન કરીને જુઓ. એક દિવસ માટે નહીં તો એક કલાક માટે અથવા તો અમુક મિનિટો માટે તો કરી જુઓ.
