રેસ્ટોરાંમાં રાત્રિભોજનમાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ; પણ પુસ્તકો મોંઘાં છે, ઘરમાં જગ્યા ક્યાં છે જેવાં બહાનાંઓ કાઢીને પુસ્તકો વસાવતા નથી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણા દેશમાં પુસ્તકોનું મહત્ત્વ જોઈએ એટલું સ્વીકારાયું નથી. આપણી ભાષા અને સંસ્કૃતિના સંવર્ધન માટે પુસ્તકોનું મહત્ત્વ જાણતા હોવા છતાં આપણે પુસ્તકો વસાવતાં પહેલાં વિચાર કરતા હોઈએ છીએ. આપણે ટીવી, મોબાઇલ, કપડાં કે અન્ય અનેક મોંઘી વસ્તુઓ ઝટપટ વસાવીએ છીએ. રેસ્ટોરાંમાં રાત્રિભોજનમાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ; પણ પુસ્તકો મોંઘાં છે, ઘરમાં જગ્યા ક્યાં છે જેવાં બહાનાંઓ કાઢીને પુસ્તકો વસાવતા નથી. પુસ્તકપ્રેમીઓનો વર્ગ છે, પણ એ કુલ ગુજરાતીઓની વસ્તીના એક કે બે ટકા જેટલો જ છે. ગુજરાતીઓ પુસ્તકો વસાવતા થાય એ માટે પુસ્તકપ્રસારની અનેક યોજનાઓ અમે કરી છે જેમાં વાંચન સાથે મનોરંજનને સાંકળીને સભ્ય થનારને ભેટપુસ્તકો ઉપરાંત સંગીત અને કવિસંમેલન જેવા કાર્યક્રમો પણ માણવા મળે એવી ‘હેમંતોત્સવ’ જેવી યોજનાઓ પણ કરીને ૧૦ વર્ષ સુધી ચલાવી હતી. જોકે સભ્ય થનારા ઘણા વાચકો ભેટપુસ્તકો લેવા પણ નથી આવતા. જન્મભૂમિ ભવન ખાતે આવેલી ‘રેફરન્સ લાઇબ્રેરી’ બંધ કરવી પડી ત્યારે જન્મભૂમિના તંત્રી કુંદનભાઈએ અમારી ‘ઠક્કર લાઇબ્રેરી’ને સત્તર પાર્સલો ભરીને અમારી પસંદગીનાં પુસ્તકો ભેટરૂપે આપ્યાં હતાં. એવો જ બીજો કિસ્સો કોટ હિન્દુ સ્ત્રી મંડળની લાઇબ્રેરીનો છે. તેમણે તો આખી લાઇબ્રેરીનાં તમામ પુસ્તકો અમારી ‘ઠક્કર લાઇબ્રેરી’ને ભેટ આપી દીધાં હતાં. આવા સમયમાં વાચકોને પુસ્તકોમાં રસ લેતા કરવા માટે અમે મુંબઈનાં વિવિધ પરાંઓમાં ૩૫ જેટલા પુસ્તકમેળાઓનું આયોજન છેલ્લાં પચીસ વર્ષોમાં કર્યું હતું. ગુજરાતી વાચકોને પુસ્તકોમાં રસ નથી એવું પણ નથી. તેઓ જ્યારે પણ પુસ્તકમેળાઓ યોજાય છે ત્યારે મોટી સંખ્યામાં પુસ્તકો ખરીદે જ છે પરંતુ અત્યારે પ્રકાશકોને મોટી તકલીફ પુસ્તકમેળા માટે હૉલનાં મોંઘાં ભાડાંનો છે. પુસ્તકમેળા માટે હૉલનું ભાડું પ્રકાશકોને પોસાય એવું હોતું નથી. ગોરેગામના સરદાર પટેલ ભવન ખાતે ટ્રસ્ટીઓએ સતત ૧૦ વર્ષ સુધી પુસ્તકમેળા માટે અમને હૉલ ફ્રીમાં આપ્યો હતો. અત્યારે અમે કેટલીક સંસ્થાઓ સાથે વાતચીત કરીને હૉલ ફ્રી મેળવવા કોશિશ કરી રહ્યા છીએ. પુસ્તકપ્રેમીઓ જાણે જ છે કે પુસ્તકોનો કોઈ જ વિકલ્પ નથી. આપણી માતૃભાષાને જીવંત રાખવા માટે અને જીવનને સમૃદ્ધ બનાવવા માટે પુસ્તકો જરૂરી છે. સારાં પુસ્તકોના વાંચનથી આપણો સમાજ અને વ્યક્તિ પ્રત્યેનો અભિગમ બદલાઈ જતો હોય છે અને છેલ્લે તમે જો ચૉકલેટને બદલે ચોપડી ભેટ તરીકે આપશો તો પ્રેમની પ્રાપ્તિ વધારે ઝડપથી થશે, કારણ કે પુસ્તકો ભેટ તરીકે ચિરંજીવ છે. ભેટ અપાયેલી ચૉકલેટ ભુલાઈ જશે, પણ પુસ્તક વાંચનાર તમને દરરોજ યાદ કરતો રહેશે.
ADVERTISEMENT
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)


