થોડાં અઠવાડિયાં પહેલાં પડી જવાને લીધે ચેમ્બુર રહેતાં મંજુલાબહેન કામદારની ચપળતામાં થોડી ધીલાશ આવી છે, પરંતુ તેમની સાઇકોલૉજિકલી આજે પણ સ્પીડ તેમનો મંત્ર છે. ચટાકેદાર ભોજન, અમિતાભ બચ્ચનની ફિલ્મો અને વાતો કરવાનાં શોખીન શતાયુ બાને મળીએ
૧૦૨ વર્ષનાં આ બાને ડૉક્ટરો મસ્તરામ શા માટે કહે છે?
ઉંમર શરીરની થાય, મનની નહીં અને જો ઉંમરને તમે મન પર ન ચડવા દો તો ૧૦૦ વર્ષે પણ તમે કેવાં અલમસ્ત રહી શકો એનું ઉત્તમ ઉદાહરણ છે ચેમ્બુર રહેતાં મંજુલાબહેન કામદાર. વજન તેમનું હશે લગભગ ૩૮ કિલો અને ઉંમર છે ૧૦૨ વર્ષ. પણ જો જુસ્સાની વાત કરવી હોય તો બસ વાત જ નહીં પૂછો એવો. એટલો તરવરાટ અને ઉત્સાહ કે યુવાનો ઝાંખા પડે તેમની સામે. બીજી તેમની ખૂબી એ છે કે બધા સાથે જોરદાર સંપથી રહે. બહુ જ પ્રેમાળ એટલે પરિવારના એકેય વ્યક્તિને અળખામણાં ન લાગે. નવા જમાના સાથે ચાલે અને કોઈ વાતને વખોડવાની નહીં. આ બાબતને કારણે તેમની પુત્રવધૂઓ તેમની દીવાની છે. હસતાં રહો અને સૌનો તેઓ જેવા છે એવો સ્વીકાર કરો એ આ બાનો પ્રાથમિક સિદ્ધાંત છે જે કદાચ તેમની દીર્ઘાયુનું પણ રહસ્ય છે. થોડાં અઠવાડિયાં પહેલાં પડી જવાથી હવે બહુ હલનચલન કરવામાં તકલીફ પડે છે એથી ઘરનાં બીજાં કામમાંથી થોડો બ્રેક લીધો છે તેમણે, બાકી પોતાનાં કામ તો આજે પણ તેઓ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. ડૉક્ટરો તેમને મસ્તરામ કહે છે, કારણ કે પડે અને વાગે એ જુદી વાત છે, પણ એ સિવાય તેમને નખમાંયે રોગ નથી. મહામહેનતે ડૉક્ટરોના કહેવાથી અને પરિવારના આગ્રહથી હવે વિટામિનની અને ક્યારેક દુખાવાની દવા લે છે, પણ એ સિવાય તો દવાથી પણ ૧૦૦ ગાઉ છેટાં. પરિવારનાં લાડીલાં બનીને આયુષ્યની શતાબ્દી પૂરી કરનાર આ બાને થોડા વધુ વિસ્તારથી સમજવાના પ્રયાસ કરીએ.
બહુ જ પ્રેમાળ
બાને મળો ત્યારે તેઓ હસતાં જ હોય અને એટલે જ દિવસમાં એક આંટો બા પાસે ન મારું તો મને મજા ન આવે એમ જણાવીને મંજુલાબહેનના પુત્ર ભરતભાઈ કહે છે, ‘બાનાં સંતાનોમાં અમે ચાર ભાઈ અને એક બહેન. જોકે હવે મોટા ભાઈ ગુજરી ગયા છે. ઘણાં વર્ષ અમે સૌ સાથે જ રહ્યા, પણ પછી પરિવાર મોટો થતો ગયો એટલે નાછૂટકે જુદા રહેવું પડ્યું. તેમની પાસે
બેસો એટલે તમને નિરાંતનો અનુભવ થાય. એવું નહીં કે હું તેમનો દીકરો છું એટલે આ કહું છું. મારી પત્ની, તેમની બધી વહુઓ, અમારાં સગાંસંબંધીઓનો આ કૉમન અનુભવ છે. તેમનો
ઓરા એટલો પૉઝિટિવ છે કે તમે તેમની નજીક બેસો એટલે તમને શાંતિ જ લાગે.’
ખાવાનાં શોખીન
સવારે ઊઠીને રૂટીન પતાવીને માળા કરવા બેસી જવાનું. અત્યાર સુધી તેમનું ખાવાનું બરાબર હતું, હવે બદલાયું છે. તેમનાં પુત્રવધૂ કહે છે, ‘પડી ગયા પછી તેઓ શરીરથી થોડાં નબળાં પડ્યાં છે. જોકે આજે પણ પોતાનાં કામ તેઓ જાતે જ કરે. તેમને અમારી મદદની જરૂર નથી પડતી. પહેલાં ઘરનાં કામમાં પણ ખૂબ મદદ કરતાં. તેમના હાથનાં એકેક શાક ખાવા માટે વિદેશ રહેતા અમારા સંબંધીઓ પણ ખાસ ઘરે આવતા. ટ્રેડિશનલ વાનગીઓની તેમની રેસિપી અમે ઘરે બનાવીએ તો પણ તેમના જેવો સ્વાદ નથી આવતો. હવે ઓછું ખાય તો પણ બધું જ ભાવે તેમને. પાંઉભાજી, પીત્ઝા, વડાપાંઉ જેવી આઇટમો તેમની ફેવરિટ છે. મીઠાઈઓ પણ તેમને ભાવે. કોઈ પણ ખાવાની વસ્તુની તેઓ ક્યારેય ના ન પાડે.’
મોજીલાં માણસ
આ બા વાતો કરવાનાં શોખીન છે અને બધાના જ ખબરઅંતર પૂછે. તેમના પરિવારના સભ્યો કહે છે, ‘ક્યારેક એવું બને કે કોઈક દૂરના સંબંધીનો ફોન આવે તો બાને તેઓ તો ઠીક, તેમના આડોશપાડોશમાં રહેતા લોકોનાં નામ પણ યાદ હોય. તેમના પણ ખબરઅંતર પૂછી લે અને બધાને યાદ કરે. ‘જૂના જમાનામાં સારું હતું અને આજે જમાનો બગડી ગયો છે’ જેવી ફરિયાદો કે એને લગતી રોકટોક પણ આટલાં વર્ષોમાં તેમણે ક્યારેય નથી કરી. ‘ચાલશે, ભાવશે અને ફાવશે’ના મંત્ર સાથે જ જીવ્યાં છે અને દરેક વખતે એ જ મંત્ર પ્રમાણે તેમણે અમને પણ રાખ્યા છે. આજ સુધી ઊંચા અવાજે તેમણે અમને વઢવું નથી પડ્યું. દરેક બાબત એટલી પ્રેમથી સમજાવે કે તેમની ઉપરવટ ક્યારેય જવાનું મન જ નથી થયું. ખોટેખોટી રોકટોક કે રોફ તેમણે જમાવ્યાં નથી. દરેક સંજોગોમાં બસ ‘ચાલ્યા કરે’ કહીને વાતને તેઓ જવા દે છે. આ જ કારણ છે કે તેઓ હંમેશાં સ્વસ્થ રહે છે. પડી જવાને કારણે ઇન્જરી થઈ હોય તો પણ સાડી જ પહેરવાની અને એ પણ જાતે જ. અમે તેમને ગાઉન પહેરવા સમજાવ્યાં, પણ તેમણે પોતાની ટ્રેડિશન જાળવી રાખી છે. ટીવી જોવાનાં અને વાંચવાનાં શોખીન છે. તેમની રૂમમાં ટીવી ચાલુ હોય તો એમાં મોટા ભાગે અમિતાભ બચ્ચનની જ ફિલ્મ હોય અને તેઓ અમિતાભ બચ્ચનને લંબુ કહે છે. તેમને અમિતાભ સિવાય કોઈની ફિલ્મ જોવાનું નથી ગમતું.’
પોતાની ચોથી પેઢી સાથે જીવતાં અને બધાનાં જ લાડીલાં આ બાને જીવનથી કોઈ ફરિયાદ નથી. ‘ઈશ્વર જે કરે એ સારા માટે’ એવું માનીને તેમણે જીવનને બે હાથે સ્વીકાર્યું છે અને પૂરેપૂરી સાદગી સાથે જીવનનાં ૧૦૨ વર્ષ સુધીના આયુષ્યની મજલ તેમણે કાપી છે. અત્યારે પણ મૃત્યુ આવે તો સારું કે હજીયે જીવવા મળે તો સારું એવા કોઈ આગ્રહ નથી. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જે થશે એ સર આંખો પર એ સિદ્ધાંતને તેઓ વળગી રહ્યાં છે.
ચોથી પેઢી સાથે જીવતાં અને બધાનાં જ લાડીલાં આ બાને જીવનથી કોઈ ફરિયાદ નથી. ‘ઈશ્વર જે કરે એ સારા માટે’ એવું માનીને તેમણે જીવનને બે હાથે સ્વીકાર્યું છે

