‘દીકરા-દીકરી ઉછેરવાં હવે સહેલી વાત નથી રહી, બાપા! તમને કહું, અપેક્ષાબહેન તમારી આ બધી દલીલો સાચી, પણ આપણાં સંતાનોની આ જનરેશન કરતાં આપણે સારાં તો હતાં જ. મા-બાપ કોઈ બાબત વિશે ના કહે તો આપણે ચૂપચાપ બેસી જતાં હતાં.’ પ્રવીણાબહેન બોલ્યાં.
કેમ આજે મોડું થયું?
‘દીકરા-દીકરી ઉછેરવાં હવે સહેલી વાત નથી રહી, બાપા! તમને કહું, અપેક્ષાબહેન તમારી આ બધી દલીલો સાચી, પણ આપણાં સંતાનોની આ જનરેશન કરતાં આપણે સારાં તો હતાં જ. મા-બાપ કોઈ બાબત વિશે ના કહે તો આપણે ચૂપચાપ બેસી જતાં હતાં.’ પ્રવીણાબહેન બોલ્યાં.
અપેક્ષાબહેન હળવું હસ્યાં અને કંઈક બોલવા જ જતાં હતાં ત્યાં તેમનો દીકરો સમીર પ્રવેશ્યો, ‘હેય લેડીઝ, કિટી પાર્ટી ઇઝ ઑન, હં...! વેરી ગુડ, વેરી ગુડ...’ કહેતાં તે પોતાની રૂમ તરફ ચાલવા માંડ્યો
ADVERTISEMENT
નવા લેખકોને આમંત્રણ
તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો.
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો.
જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.
પ્રવીણા, દક્ષા, અપેક્ષા, રુચિ અને ચારુલતા. પાંચ મિત્રોની આ ટોળકીના મિત્રતાના સંબંધને આજે બરાબર દસ વર્ષ થયાં. પાંચેય સહેલીઓ હવે ઉંમરના એવા પડાવ પર પહોંચી ગઈ હતી જ્યાં ઘરકામ અને છોકરાઓની જવાબદારી લગભગ-લગભગ પૂરી થઈ ચૂકી હતી. સંતાનો હવે પોતાની જવાબદારી ઉપાડતાં થઈ ગયાં હતાં. પ્રવીણાબહેનનો દીકરો કૉલેજમાં હતો. દક્ષાબહેનની દીકરી કૉલેજ પૂરી કરવાની તૈયારીમાં હતી તો નાનો આશિષ કૉલેજમાં પ્રવેશ્યો હતો. અપેક્ષાબહેનનો સમીર કૉલેજના બીજા વર્ષમાં હતો, જ્યારે રુચિ અને ચારુલતાનાં સંતાનો બારમા ધોરણ પછીની ફરધર સ્ટડી માટે હૉસ્ટેલમાં ઍડ્મિશન લઈ ચૂક્યાં હતાં. એક જ સોસાયટીમાં બધા આડોશ-પાડોશમાં રહેતા હોવાને કારણે અવારનવાર મળવાનું થયા કરતું. લગભગ આઠ વર્ષ પહેલાં બધાએ ભેગા મળીને પંદર દિવસે એક વાર કિટી પાર્ટી કરતા રહેવાનું નક્કી કર્યું હતું.
આર્થિક દૃષ્ટિએ પાંચેય પરિવાર સધ્ધર હતા. ઘરમાં નોકર-ચાકરનો વૈભવ હતો. આથી હવે દિવસ દરમિયાન ખાસ કંઈ કામ કરવાનું રહેતું નહોતું. પાંચેય સ્ત્રીઓ કોઈ એક સહેલીના ઘરે બપોરનું ભોજન પતાવીને મળે. અલકમલકની વાતો થાય, થોડી રમતો રમાય અને સાંજનું ડિનર પાંચેયનો પરિવાર સાથે મળીને કરતો. જોકે વર્ષોથી ચાલતા આ રૂટીનમાં છેલ્લા થોડા સમયથી એક બદલાવ આવ્યો હતો. કોઈ ને કોઈ એકાદ-બે પરિવારનાં સંતાનો આ સહભોજનમાં સામેલ થતાં નહોતાં. કારણ બીજું કંઈ નહોતું. બસ, સંતાનો પણ હવે મોટાં થઈ ચૂક્યાં હતાં એટલે તેમનું પણ એક અંગત વિશ્વ હતું અને એ વિશ્વમાં ક્યારેક કોઈ પાર્ટી હોય કે ક્યારેક ક્યાંક ગેટ-ટુગેધર, ફિલ્મ કે પિકનિક. આથી મા-બાપના આ ગ્રુપમાં તેઓ સામેલ થઈ શકતાં નહોતાં. આજે આ કિટી પાર્ટીમાં સેલિબ્રેશનનો માહોલ હતો. અપેક્ષાબહેનને ત્યાં બધા ભેગા થયા હતા અને તેમના આ મિત્રતાના સંબંધને દસ વર્ષ પૂરાં થયાં એનું સેલિબ્રેશન ચાલી રહ્યું હતું.
‘હા, તમારી વાત સાવ સાચી છે. આજકાલના છોકરાઓને સમજણ, શરમ અને સંસ્કાર જેવું કંઈ છે જ નહીં! ઘણી વાર તો આપણે એવી અસમંજસમાં મુકાઈ જઈએ કે શું બોલવું અને શું કહેવું એ પણ સમજાય નહીં.’ પ્રવીણાબહેન બોલ્યાં.
‘તમને સાચું કહું? મને તો ખરેખર હમણાં-હમણાં એવો ડર રહે છે કે આ છોકરાઓ ક્યાંક-ક્યારેક આપણને કોઈ શરમજનક પરિસ્થિતિમાં નહીં મૂકી દે તો સારું!’ દક્ષાબહેને પણ તેમનો બળાપો ઠાલવ્યો.
ત્યાં રુચિએ ટાપસી પુરાવી, ‘હા, તમારી વાત સાચી છે. લિપ્સ કિસ અને એકબીજાને હગ કરવાનો તો જાણે હવે આજકાલના છોકરાઓને કઈ છોછ રહ્યો જ નથી. મા-બાપ તેમની સાથે ઊભાં હોય તો પણ દસમા-બારમામાં કે કૉલેજમાં ભણતાં ટેણિયાંઓ એકબીજાને એ રીતે ભેટીને મળતાં હોય છે જાણે આપણે તેમને કોઈ સંસ્કાર જ નહીં આપ્યા હોય!’
આ બધી વાતો ચાલી રહી હતી ત્યાં ચારુલતાબહેને જાતઅનુભવનો એક કિસ્સો સંભળાવ્યો. ‘અરે, તમને શું કહું? હમણાં ગયા અઠવાડિયે જ હું સીમાના પપ્પા જોડે શૉપિંગ માટે લોઅર પરેલ ગઈ હતી. અમારી કાર હજી તો મૉલના એન્ટ્રન્સ પર જ હતી ત્યાં મેં જોયું કે બાઇક પર એક છોકરો અને છોકરી અમારી બાજુમાંથી પ્રવેશ્યાં. છોકરીએ અચાનક પેલા છોકરાની હેલ્મેટ ઉતારી અને બિન્દાસ તેને ગાલ પર પપ્પી કરવા માંડી. બાપ રે, આ જોઈને મારી તો હાલત ખરાબ થઈ ગઈ. તરત મને વિચાર આવ્યો કે અમારી સીમા તો અમારાથી દૂર હૉસ્ટેલમાં રહે છે. શું તે પણ આ જ રીતે કોઈ લફંગા સાથે ચેનચાળા કરતી હશે? મેં તો સીમાના પપ્પાને કહી દીધું કે આપણે કોઈ જરૂર નથી છોકરીને બહાર ભણાવવાની. આ વર્ષ પૂરું થાય એટલે તેને પાછી ઘરે બોલાવી લો.’
ચારુલતાની વાત સાંભળીને રુચિ અને દક્ષાબહેનના મોઢે એકસરખી વાત એકસાથે આવી ગઈ. ‘તો શું, ગમે તેમ તોય છોકરાઓ આપણી નજર સામે તો રહે. આજકાલનો જમાનો જોઈને મનમાં ઉચાટ રહ્યા કરે, બાપા!’
પ્રવીણાબહેને ફરી તેમની વાત દોહરાવતાં કહ્યું, ‘તમારી વાત સાવ સાચી છે ચારુ. એટલે જ કહું છુંને કે સમજણ, શરમ અને સંસ્કાર જેવું આજની પેઢી કંઈ શીખી જ નથી.’
આ બધા લોહીબળાપા ચાલી રહ્યા હતા ત્યાં જ અપેક્ષાબહેન બોલ્યાં, ‘સમજણ, શરમ અને સંસ્કાર એ અદ્દલ હિન્દી સિનેમા અને એનાં ગીતો જેવું છે.’
સામે બેઠેલી ચારેય મિત્રોની આંખો અને મોં પહોળાં થઈ ગયાં. ચારેયના મનમાં એક વિચાર એકસાથે ઝબકી ગયો, ‘આ અપેક્ષાબહેન ઢીંચીને આવ્યાં છે કે શું? આપણે શાની વાત કરીએ છીએ અને તે શેની વાત કરે છે? ક્યાં સમજણ, શરમ અને સંસ્કાર અને ક્યાં હિન્દી સિનેમા અને એનાં ગીતો?’
જાણે બધાનાં મન વાંચી શકતાં હોય એમ અપેક્ષાબહેન બોલ્યાં, ‘તમને થતું હશે કે આ શું વિચિત્ર વાત કરી રહી છે? બંનેને ક્યાં કોઈ લેવાદેવા છે, ખરુંને? પણ મને કહો કે આપણા સમયની ફિલ્મો અને એનાં ગીતો આપણાં મા-બાપને ક્યારેય ગમ્યાં હતાં અને તેમના સમયની ફિલ્મો અને એનાં ગીતો શું તેમનાં મા-બાપને ક્યારેય ગમ્યાં હતાં? અરે એટલું જ નહીં, શું તમને પણ હમણાંની ફિલ્મો અને એનાં ગીતો ઢંગધડા વગરનાં નથી લાગતાં? શું તમે ક્યારેય એવું નથી કહ્યું કે હમણાંનાં ગીતોમાં લિરિક્સ, સંગીત કે મેલડી જેવું કંઈ છે જ નહીં!’
‘આપણે અનેક વાર કહેતા રહીએ છીએ કે ગીતો તો અમારા સમયનાં હતાં. શું એકથી એક ચડિયાતાં ગીતો... આહાહાહા... એક-એક ગીતમાં કેવું સુમધુર સંગીત! અરે, દરેક ગીતની એક-એક લાઇન અર્થસભર હતી. અને આ હમણાંનાં ગીતો, સાવ બેકાર... આવું નથી કહ્યું આપણે? અને મજાની વાત એ છે કે આપણા સમયમાં આપણાં મા-બાપ પણ આવું જ કહેતાં અને ત્યારે આપણને તેમની એ વાતો વાહિયાત લાગતી હતી અને તેમને પોતાનાં મા-બાપની... બસ સમજણ, શરમ અને સંસ્કારનું પણ એવું જ છે.’ અપેક્ષાબહેને કહ્યું. ત્યાં બેઠેલી દરેક સ્ત્રી તેમની વાત સાથે સહમત તો નહોતી, પણ છતાં સામે દલીલ કરવા માટે તેમની પાસે કોઈ શબ્દો પણ નહોતા.
ચર્ચામાં થોડો વિરામ આવ્યો. બધાએ શરબતના ગ્લાસ હાથમાં લીધા અને પત્તાંની જોડ ગોઠવતાં રમતની શરૂઆત કરી. ત્યાં રુચિ બોલી, ‘આ મોબાઇલ અને વેબસિરીઝે દાટ વાળ્યો છે. ક્યારેક તો એમાં એટલી ગાળો અને સીન્સ આવતાં હોય કે હવે ફૅમિલી સાથે બેસીને એ બધું જોઈ પણ નહીં શકાય.’
પ્રવીણાબહેને રુચિની વાતને અનુમોદન આપતાં કહ્યું, ‘તો શું. આ એકતા કપૂર આણિ કંપનીએ તો જાણે આપણાં ઘર બગાડવાનું બીડું ઝડપ્યું હોય એ રીતે બધા મંડી પડ્યા છે.’
‘દીકરા-દીકરી ઊછેરવાં હવે સહેલી વાત નથી રહી, બાપા! તમને કહું, અપેક્ષાબહેન તમારી આ બધી દલીલો સાચી, પણ આપણાં સંતાનોની આ જનરેશન કરતાં આપણે સારાં તો હતાં જ. મા-બાપ કોઈ બાબત વિશે ના કહે તો આપણે ચૂપચાપ બેસી જતાં હતાં.’ પ્રવીણાબહેન બોલ્યાં.
‘હા તો વળી શું. અરે, તમે એ વાત કરો છો? હું તો કહું છું કે હજી આજેય મારાથી મારી મમ્મી કે સાસુ સામે કેટલીયે બાબત માટે દલીલો નથી થઈ શકતી. ક્યારેક કોઈ વિષયમાં તે કહી દે કે બસ, આમ કરવાનું છે કે આમ જ થવું જોઈએ એટલે આપણે તો મૂંગે મારી ગપ. આને કહેવાય સંસ્કાર.’ દક્ષાબહેન બોલ્યાં.
‘અને આજે તમે કોઈ બાબતે આ જુવાનિયાઓને કહો, હરામ છે જો તે લોકો સાંભળે.’ ચારુલતાએ સૂર પુરાવ્યો.
‘અપેક્ષા, આ વિશે તારી કોઈ વિશેષ ટિપ્પણી, એક્સપર્ટ ઓપિનિયન?’ રુચિએ અપેક્ષાબહેનની વાતની મજાક ઉડાવતાં કહ્યું.
અપેક્ષાબહેન હળવું હસ્યાં અને કંઈક બોલવા જ જતાં હતાં ત્યાં તેમનો દીકરો સમીર પ્રવેશ્યો, ‘હેય લેડીઝ, કિટી પાર્ટી ઇઝ ઑન, હં...! વેરી ગુડ, વેરી ગુડ...’ કહેતાં તે પોતાની રૂમ તરફ ચાલવા માંડ્યો.
અપેક્ષાબહેને પૂછ્યું, ‘સમીર, કેમ આજે મોડું થયું દીકરા?’
સમીરે કાંડાઘડિયાળ તરફ જોયું અને બોલ્યો, ‘ઓહ યસ, આઇ ઍમ લેટ બાય હાફ એન અવર મૉમ! ઍક્ચ્યુઅલી આજે મારી ફ્રેન્ડ શ્રેયાનો પહેલો દિવસ હતો અને તેને બ્લીડિંગ વધારે થતું હતું તો તેની સાથે મેડિકલ સ્ટોર ગયો હતો. તેને સૅનિટરી પૅડ લેવાં હતાં. ધેન આઇ થૉટ કે આવી કન્ડિશનમાં તેને ક્યાં એકલી છોડવી? એટલે હું તેને ઘરે મૂકીને આવ્યો એમાં મોડું થઈ ગયું.’
સમીરની વાત સાંભળીને પ્રવીણાબહેન અને દક્ષાબહેનની આંખો અને મોં ફરી એક વાર પહોળાં થઈ ગયાં. ચારુ અને રુચિએ તો શરબતનો ગ્લાસ હાથમાં પકડ્યો હતો એ પણ એમનો એમ રહી ગયો. ફરી બધાના મનમાં એ જ વિચાર એકસાથે ઝબકી ગયો. ‘જોયું, જોયું... કેવી બેશરમ જનરેશન છે આ અને સંસ્કાર જેવું તો કંઈ છે જ નહીં!’
ત્યાં જ અપેક્ષાબહેન બોલ્યાં, ‘વેરી ગુડ માય સન. આઇ ઍમ પ્રાઉડ ઑફ યુ!’
બાકીની ચારેય સ્ત્રીઓમાં કંઈક હળવો ગણગણાટ થયો અને થોડી ક્ષણોમાં તેઓ ઊભા થતાં બોલી, ‘ચાલો અપેક્ષાબહેન, અમે નીકળીએ. આજે તો અમારું એવું બિઝી શેડ્યુલ છે કે ડિનરનો પ્રોગ્રામ કૅન્સલ જ રાખવો પડશે.’

