પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા નવાબ મોહબત ખાને હિન્દુ તહેવારો ઊજવવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો, પણ માતાજીની આરાધના છોડવી ન હોવાથી જૂનાગઢવાસીઓએ એનો પણ ઉપાય કાઢીને બેઠા ગરબા શરૂ કર્યા
ફાઈલ ફોટો
આપણે વાત કરીએ છીએ દેશભરના એવા રાસ-ગરબાની જેના વિશે લોકોને જૂજ ખબર છે. એમાં આપણે હવે વાત કરવાની છે બેઠા ગરબાની. આ નામ સાંભળીને જ તમને પહેલાં તો આશ્ચર્ય થાય, પણ આ સાચું છે. આજે પણ જૂનાગઢ અને એની આસપાસના વિસ્તારોમાં બેઠા ગરબા થાય છે અને એ બેઠા ગરબા એવી જ ભાવના અને આસ્થા સાથે થાય જેવી ભાવના અને આસ્થા પ્રાચીન દાંડિયાના ખેલૈયાઓના મનમાં હોય છે. આ બેઠા ગરબા પાછળ એક નાનકડો ઇતિહાસ છે.
આઝાદી પહેલાંનો કાર્યકાળ હતો અને એવું નક્કી થઈ ગયું હતું કે દેશના બે ભાગ કરીને હિન્દુસ્તાનને આઝાદી આપવામાં આવશે તો સાથોસાથ એ પણ નક્કી હતું કે કોઈ રાજ્ય પર રાજકીય દબાણ કરવામાં નહીં આવે, જેણે જે કોઈ દેશ સાથે જોડાવું હોય એની પરમિશન રહેશે. જૂનાગઢના નવાબ મોહબત ખાને નક્કી કર્યું કે તે પાકિસ્તાન સાથે જોડાશે, પણ જો જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય તો ભૌગોલિક રીતે ભારતને બહુ નુકસાન થાય. જૂનાગઢની નેવું ટકા પ્રજા હિન્દુ હતી. રાજવી ઉપરાંત માત્ર પાંચ જ ટકા મુસ્લિમ પ્રજા. આવા સમયે જો જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાય તો બાકીની નેવું ટકા પ્રજાની લાગણીનું શું, તેમની ઇચ્છાનું શું એ પણ યક્ષપ્રશ્ન હતો.
ADVERTISEMENT
એ પછી જે કંઈ થયું એ બધાની ચર્ચા કરવાનું આ સ્થાન નથી એટલે આપણે મૂળ વિષય પર આવી જઈએ.
નવાબે નક્કી કરી લીધું કે તે પાકિસ્તાન સાથે જોડાશે. નિર્ણય લઈને તેણે વાઇસરૉયને જાણ પણ કરી દીધી અને વાઇસરૉયે એ નિર્ણયને સ્વીકાર્ય પણ ગણી લીધો. જોકે જૂનાગઢ શહેરની પ્રજાને એ નિર્ણય મંજૂર નહોતો એટલે તેમણે નવાબ સામે આંશિક સ્તર પર અહિંસક બળવો શરૂ કર્યો, જેને લીધે નવાબે પ્રજાનો અવાજ દબાવવા માટે સૈનિકોને રસ્તા પર ઉતારી દીધા. રસ્તા પર ઊતરી ગયેલા સૈનિકોએ લોકોને શાંત તો કરી દીધા; પણ હિન્દુ પ્રજા વધારે આક્રમક ન બને, એકઠી થઈને ફરીથી નવાબ વિરુદ્ધ કોઈ ચર્ચા-વિચારણા ન કરે એવા હેતુથી નવાબે હિન્દુ તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ લાદી દીધો. એ પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો જે સમયે નવરાત્રિના દિવસો શરૂ થવાની તૈયારીમાં હતા. પ્રતિબંધ મુજબ નવરાિત્રમાં કોઈ ગરબા કરી શકવાનું નહોતું અને જાહેરમાં માતાજીની સ્થાપના પણ કરી શકવાનું નહોતું. જો કોઈ એવી ભૂલ કરે તો તેને ફાંસી આપવાનો ઑર્ડર આપી દેવામાં આવ્યો હતો.
નવરાત્રિના દિવસો શરૂ પણ થયા અને લોકો ઘરમાં ચૂપચાપ બેસી રહ્યા, પણ માતાજીની આરાધનાની ભાવના તેમના મનમાં અકબંધ હતી એટલે તેમને મૂંઝવણ થયા કરે કે હવે કરવું શું? શું નવાબના આદેશને માનીને માતાજીની આરાધના ભૂલી જવી કે પછી આપવામાં આવેલા આદેશમાં કોઈ એવો રસ્તો કાઢીને માતાજીની આરાધના કરવી?
જૂનાગઢવાસીઓએ રસ્તો કાઢ્યો અને માતાજીની આરાધના કરવાનું નક્કી કરી લીધું. આ નિર્ણયથી જે નવું જ ગરબાનું રૂપ સામે આવ્યું એ ગરબા એટલે બેઠા ગરબા. આ બેઠા ગરબામાં લોકો ઘરમાં બેસી પલાંઠી વાળીને ગરબા કરે અને ઊભા થયા વિના, બસ હાથથી જ પોતાનાં સ્ટેપ્સ કરે. બેઠા ગરબા બનાવવાનું કારણ પણ એ હતું કે નવાબના સૈનિકોને ખબર ન પડે. બેઠા ગરબામાં એ સમયે એવું ધ્યાન રાખવામાં આવતું હતું કે અવાજ બહાર જાય નહીં એટલે એ દિવસોમાં તાળીઓ પાડીને કે પછી મોટેથી ગરબા ગાઈને એની ઉજવણી કરવામાં નહોતી આવતી, પણ સમય જતાં દેશ આઝાદ થયો અને જૂનાગઢ ભારત સાથે જોડાયું એ પછી બેઠા ગરબાની ઉજવણીમાં ફેરફાર કરવામાં આવ્યો.
માતાજીની આરાધનાને કારણે જોખમ લેવાયું હોવાથી બેઠા ગરબા બંધ ન કરવા એવું પણ લોકોએ નક્કી કર્યું, જે આજ સુધી ચાલુ રહ્યું છે. માતાજી સામે ખુલ્લા માથે જવાનું ન હોય એ વાતને ધ્યાનમાં રાખીને બેઠા ગરબામાં મસ્તક પર રૂમાલ બાંધવામાં આવે છે અને ઘર કે પછી કોઈ મોટી બંધ જગ્યામાં બધા સાથે મળીને આ બેઠા ગરબા કરે છે. આ બેઠા ગરબામાં હવે તો ખેલૈયાઓ વચ્ચે થોડું ડિસ્ટન્સ રાખે છે, પણ એમાં હજી પણ ઊભા થવામાં આવતું નથી. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગરબા બેસેલી અવસ્થામાં જ કરવાના અને છેક છેલ્લે આરતી થાય એ પછી જ ઊભા થવાનું. બેઠા ગરબામાં શરીરનો ઉપરનો ભાગ ગરબા કરતો હોય પણ નીચેનો ભાગ એમ જ સ્થિર રહે.
આ બેઠા ગરબા તમે એક વાર જુઓ તો ખરેખર મોહી પડો. બેઠા ગરબા નવાબ સામેના વિદ્રોહની પણ શરૂઆત હતી એટલે એમાં મહિલાઓએ જૉઇન ન થવું એવું નક્કી થયું હતું, જે વાત હવે નીકળી ગઈ છે. હવે તો મહિલાઓ પણ હોંશે-હોંશે બેઠા ગરબામાં જોડાય છે અને માતાજીની આરાધના કરે છે.

