વાર્તાઓ જેમનું જીવન છે તે વ્યક્તિઓ માટે વાર્તા ક્યારેય ‘વાર્તા’ નથી હોતી, એ હકીકત હોય છે
પ્રતીકાત્મક તસવીર
નાનપણમાં હું મારાં બા એટલે કે મારાં નાની પાસે ખાસ્સો વખત રહી છું. આખો દિવસ તેઓ ઘરકામમાં વ્યસ્ત રહેતાં અને જેવાં બે મિનિટ પણ ફ્રી થાય એટલે હું તેમને પકડી લેતી અને કહેતી કે બા, વાર્તા સંભળાવોને. ઘરકામથી થાકીને બે ઘડી આડાં પડેલાં મારાં બા મને કહી શકતાં હતાં કે બે ઘડી શ્વાસ તો લેવા દે; પણ બા તો જૂના જમાનાનાં સ્ત્રી હતાંને, તેમને ‘થાક’ નામના શબ્દની ખબર જ ક્યાં હતી? મારા કરતાં બમણા ઉત્સાહથી તેઓ મને વાર્તાઓ કહેતાં; મહાવીરસ્વામીની, ચંદનબાળાની, સગાળશા શેઠની, કૃષ્ણ-સુદામાની, શ્રવણકુમારની એમ અનેકોનેક વાર્તાઓ. એ સમયે તો એક વાર્તા પતે તો બા બીજી, બીજી પતે તો બા ત્રીજી, પ્લીઝ... પ્લીઝ... એક હજી સંભળાવોને. બા પણ કંટાળો લાવ્યા વગર મને સંભળાવતાં. આ લખતી વખતે વચ્ચે એક ગિલ્ટ ઊભરાઈ આવ્યું કે જ્યારે મારી દીકરી શૈવી મને કહે છે કે એક વાર્તા સંભળાવ તો બા જેવો ઉત્સાહ મારી અંદર નથી, કારણ કે હું તો મૉડર્ન વુમન છું અને હું તો ‘થાકી’ જાઉં છું. આ ગિલ્ટનો થાક બાજુ પર મૂકીને આગળ લખવા માંડી.
બાની વાર્તાઓ મારું જીવન બની ગયેલી. મને યાદ છે કે એ વાર્તાઓની વરાઇટીમાં એક પ્રકારની વાર્તાઓ એવી હોતી’તી જેમાં વાર્તાના અંતમાં ખબર પડતી હતી કે ભગવાન રૂપ બદલીને આવેલા. ખબર નહીં કેમ પણ એ વાર્તાઓમાં ભગવાન હંમેશાં ગરીબ કે ભિક્ષુક બનીને જ આવ્યા હોય અથવા કંઈક ને કંઈક માગણી મૂકી હોય. જેમ કે એક વાર્તામાં એક ગરીબ પાસે એક જ રોટલો બચ્યો હતો. ઘરમાં પતિ-પત્ની અને બે બાળકો હતાં. ચારેય જણ વચ્ચે રોટલાના ચાર ભાગ કરવામાં આવ્યા. બધાએ પોતપોતાનો ભાગ હાથમાં લીધો કે દ્વાર પર કોઈએ કહ્યું, ‘ભિક્ષાં દેહી. ૪ દિવસથી કંઈ ખાધું નથી. મને કંઈ આપો.’ એમાં પિતાએ પહેલો ટુકડો તેમને આપ્યો. એ પલકવારમાં ખાઈ જઈને પેલા ભિક્ષુકે કહ્યું કે તેને તો હજી પણ ભૂખ લાગી છે. એટલે માએ પોતાનો ટુકડો પેલા માણસને આપ્યો. તો પણ તે માણસ ભૂખ્યો હતો. માતા-પિતાને જોઈને બાળકો પણ શીખે એમ બન્ને બાળકોએ પણ કકડતી ભૂખને બાજુ પર રાખીને પોતાનો રોટલો આ માણસને આપી દીધો. છેલ્લે આ ભિક્ષુકે રૂપ બદલ્યું. તે ભગવાન હતા અને તેમણે આ ગરીબ પણ પરોપકારી પરિવારનું ભલું કર્યું. આ વાર્તામાં શીખ હતી પરોપકારની. જોકે મારી બાળકબુદ્ધિને જેમાં મજા આવી જતી એ મજા હતી ક્લાઇમૅક્સમાં, જેમાં એ સંદેશ પાકો હતો કે ભગવાન રૂપ બદલીને આવે છે.
ADVERTISEMENT
વાર્તાઓ જેમનું જીવન છે તે વ્યક્તિઓ માટે વાર્તા ક્યારેય ‘વાર્તા’ નથી હોતી, એ હકીકત હોય છે. એના શબ્દેશબ્દ પર વ્યક્તિને વિશ્વાસ હોય છે. ઘણીબધી વ્યક્તિઓ ખરા અર્થમાં વાર્તાને જીવતી હોય છે. એટલે જ ફિલ્મ આવ્યાને ૩૦ વર્ષ થઈ ગયાં પછી પણ કેટલીયે છોકરીઓને એવું છે કે જેમ સિમરનને મળ્યો એમ તેમના જીવનનો રાજ તેમને મળશે. કેટલાય ઠાકુરોને તેમના જીવનના ગબ્બર સાથે બદલો લેવો છે. કેટલાય વિજયને બૅન્ક-બૅલૅન્સ, ગાડી, બંગલા કમાઈ લીધા પછી માની કમી અનુભવાય છે. મારું બાળમન પણ એ વાર્તાઓ જીવતું હતું અને મને લાગતું હતું કે ‘મારે પણ ભગવાનને જોવા છે. શું તે મારી સમક્ષ પણ વેશ બદલીને આવશે? જો આવશે તો કેવી મજા પડશે.’
આમ તો હું જૈન, પણ શંકર ભગવાનને માનું એટલે દર સોમવારે મારી નાનકડી સાઇકલ લઈને મંદિરે ઊપડી જતી. મમ્મી મને ૧૦ રૂપિયા આપતી. એમાંથી દૂધ અને ફૂલ બન્ને ખરીદીને હું પૂજા કરવા જતી. એ દિવસે હું દૂધની ડેરીએ પહોંચી. લોટામાં દૂધ લીધું. ડેરીથી બહાર નીકળી ત્યારે મગજમાં સ્કૂલનું હોમવર્ક ભમતું હતું. સાઇકલનું સ્ટૅન્ડ સીધું કર્યું ત્યાં મારી લગોલગ એક વિચિત્ર સફેદ દાઢીવાળા, મહિનાઓથી ન નહાયા હોય એવા એક દાદા આવીને ઊભા. તેમની સાથે ફાટેલો સાડલો પહેરેલાં માજી હતાં. તેમણે કહ્યું, મને ભૂખ લાગી છે. મારા ૧૦ રૂપિયા તો ખર્ચાઈ ગયેલા. મેં તેમને કહ્યું કે મારી પાસે કંઈ નથી. સામાન્ય રીતે કોઈ પણ ભિક્ષુકને કહો કે મારી પાસે કંઈ નથી તો તે ચાલતી પકડે; પણ આ દાદા જવા જ તૈયાર નહીં, મને ડેરી બતાવીને કહે કે અહીંથી કંઈક લઈ આપને. હું તેમના વર્તનથી વિચલિત થઈ ગઈ અને મેં ગળગળા સ્વરે કહ્યું, અરે, મારી પાસે કંઈ નથી, હું કેવી રીતે આપું? તેમણે મારા લોટા તરફ આંગળી ચીંધી. મેં કહ્યું, દાદા એ તો પૂજા માટે છે, મને જવા દો. એમ કહીને હું મંદિર તરફ ભાગી. મને ડર લાગ્યો કે તે મારી પાછળ ન આવી ગયા હોય. મંદિરના દરવાજે ચંપલ ઉતાર્યાં અને એક પગ અંદર મૂક્યો ત્યાં મને પ્રશ્ન થયો કે તેમણે મારી પાસે દૂધ કેમ માગ્યું? એક ક્ષણ અને વાર્તા જીવંત થઈ ગઈ. અરે, તે ભગવાન તો નહોતા? તે દાદા શંકર અને પેલાં માજી પાર્વતી મા? તેમણે મારી પાસે દૂધ માગ્યું અને મેં ન આપ્યું? હું એ લોટો લઈને ડેરી તરફ દોડી. જઈને જોયું તો બે જ મિનિટના અંતરમાં તે બન્ને ગાયબ થઈ ગયાં. બાજુની શેરીમાં જોયું, આજુબાજુના લોકોને પૂછ્યું પણ કોઈને ખબર નહોતી કે તે બન્ને ક્યાં ગયાં. બે મિનિટમાં કોઈ કેવી રીતે ગાયબ થઈ શકે? હું ત્યાં જ ભાંગી પડી. આંખમાંથી દળ-દળ આંસુ વહેવા લાગ્યાં. મારી સામે ભગવાન આવ્યા, તેમણે મને દર્શન આપ્યાં અને હું મૂરખ ઓળખી જ ન શકી?
આપણે સૌ જાણીએ છીએ કે કણકણમાં ઈશ્વર છે છતાં મંદિર-મસ્જિદની ભીડમાં તેમને શોધીએ છીએ. દર્શન વ્યવસ્થિત ન થાય તો દુખી થઈ જઈએ છીએ, પણ માણસમાં વસેલા ઈશ્વરને જ્યારે નથી ઓળખી શકતા ત્યારે અફસોસ થાય છે ખરો? શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઈશ્વરના દર્શનમાત્રથી બધાં કષ્ટોનું નિવારણ થાય છે, પણ આ કયા પ્રકારનાં દર્શન? જો દરેક મનુષ્ય બીજા મનુષ્યની અંદર છુપાયેલા ઈશ્વરનાં દર્શન પામી શકે તો પૃથ્વીનાં કરોડો કષ્ટોનું નિવારણ એ જ ક્ષણે આવી જાય. ઈશ્વરને એ જ પ્રાર્થના કે આપણને સૌને આ પ્રકારનાં દર્શનનો લાભ તે આપે. (ઈશ્વરે તથાસ્તુ કહી દીધું છે, લાભ ઉઠાવી લો.)


