આપણી જીવનદોરીનું હાસ્ય, કંટાળો, જરૂરિયાત, દુઃખ ફોનની સ્ક્રીન પર ઝબકતાં નામ નક્કી કરતાં હોય છે.
પ્રતીકાત્મક તસવીર
ફોનની ઘંટડી વાગે અને માણસ ખિસ્સામાંથી ફોન કાઢે અને સ્ક્રીન પર નામ જુએ ત્યાં સુધીમાં જિજ્ઞાસાથી માન્યતા સુધીનો એક કાળ પસાર થઈ જાય છે. નામ વાંચતાં મનનું ચક્ર નક્કી કરી લે ફોન આવવાનું કારણ, સામેવાળા હલ્લો બોલે એ પહેલાં આપણે આપવાના જવાબ, કેટલી વારમાં ફોન મૂકવાનો છે અની ગણતરી, જો ખુલાસો આપવાનો હોય તો શબ્દોની ગોઠવણી અને એવું કેટલુંયે મન ઠેરવી લે. ચહેરો જોયા વગર આત્મિક સંવાદોની ભૂમિકા રચાતી હોય ત્યારે શબ્દ-માધ્યમ જ આધાર અને એનો જ વિશ્વાસ કરીને આગળ વધવાનું હોય છે. આજકાલ મળીને જેટલી વાત નથી થતી એટલી વાત ફોન પર થઈ જાય છે. ફૂલ, કૉફી-ચા અને શુભેચ્છાઓ ફોન પર મોકલાવી સંબંધો જીવતા રાખી શકાય છે. ફૉર્વર્ડ અને કૉપી-પેસ્ટમાં વધુ મહેનત નથી કરવી પડતી, પણ પેલો પરિચિત હોવાનો કે કાળજી હોવાનો તાર જીવંત રાખી શકાય છે.
આપણી જીવનદોરીનું હાસ્ય, કંટાળો, જરૂરિયાત, દુઃખ ફોનની સ્ક્રીન પર ઝબકતાં નામ નક્કી કરતાં હોય છે. સ્ક્રીન પર આવતાં કેટલાંક નામો ખાસ હોય છે, પ્રસન્ન અનુભૂતિનાં નામ. એ નામ સ્ક્રીન પર જોતાં હોઠ મલકાય કે તરત જ ફોન ઉપાડી લેવાનું મન થાય, ગમે તે ઉંમરના હોઈએ અને ગમે ત્યાં હોઈએ. કારણ એ નામો આપણી સહજ અવસ્થાને પોષક અને ખલેલ ન પહોંચાડનારાં હોય છે.
ADVERTISEMENT
વડની આસપાસ પણ રંગીન ફૂલ ખીલી શકે છે, પણ કેટલાંક વ્યક્તિત્વ એવાં હોય છે જેના સહવાસમાં ખીલવાનું નહીં; માત્ર શોષાવાનું હોય છે અને મનુષ્ય એનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ કેટલાંક વ્યક્તિત્વ એવાં હોય જેના સહવાસમાં સાથે હોવાને કારણે, જેમની સાથે વાત કરવાને કારણે તમને સારું હોવાની અનુભૂતિ લાગે. તમે માત્ર બે મિનિટ પણ એ સહવાસમાં ભરચક જીવનના ટાઇમટેબલમાં ઑક્સિજન મળ્યાની અનુભૂતિ કરો છો. શક્તિ અને કૌશલ્યથી હાવી ન થઈએ, આપણું નામ આવે અને સામેનાને ખીલવાનું, હસવાનું, કહેવાનું મન થાય એવા ખુલ્લા આકાશ જેવા બનીએ. સ્ક્રીન પર નામ આવે અને સામેવાળાની આંગળી ફોન ઊંચકવા આતુર બને, હળવાશથી વહેવા આતુર બને, આપણે જરા એવું નામ બની જોઈએ? મજા આવશે!
ગણતરીમાં વર્ષો વિતાવ્યા પછી કેટલાક દાખલાઓ ખોટા ભલે પડે, પણ નફા-નુકસાનીમાં જરાક ઘસરકો પડે, અહમની ઠેસને જરાક ખોડંગાવું પડે, એકાદ વાર મૂર્ખ બન્યાની અનુભૂતિ થાય; પણ ત્યારે હૃદયની ધમણીઓમાં જરાય ગાંઠ નહીં બંધાય એ પાક્કું અને હાસ્યમાં નિર્દોષ સૂરની સિમ્ફની સર્જાય એ પણ પાક્કું! આ વધતા-ઘટતા વ્યાજ દર વચ્ચે આપણું નામ વિશ્વાસુ સ્ટૉક જેવું બને એનાથી મોટો અવસર કદાચ કોઈ નહીં, શું લાગે છે તમને? અને હા, પછી તમારા હેલો બોલ્યા વગર જ સ્ક્રીન પર તમારું નામ આવતાં વરસાદી પ્રેમ વગર બોલ્યે પહોંચશે એ પાક્કું!
- પ્રા. સેજલ શાહ

