° °

આજનું ઇ-પેપર
Saturday, 21 May, 2022


બાની વાત આવે એટલે મને એક જ ઍક્ટ્રેસ યાદ આવે

24 January, 2022 01:26 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

‘બાએ મારી બાઉન્ડ્રી’ સમયે પણ એ જ થયું અને બાના કૅરૅક્ટર માટે મને તરત જ પદમારાણી યાદ આવી ગયાં અને પદમાબહેને પુરવાર પણ કર્યું કે તેમના જેવું બાનું કૅરૅકટર ગુજરાતી રંગભૂમિ પર કોઈ કરી ન શકે, ક્યારેય નહીં

જન્મતિથિ અને મૃત્યતિથિ સમયે અનાયાસ જ પદમારાણીની વાત થઈ રહી છે એનાથી વધારે જોગાનુજોગ બીજો કયો હોય?

જન્મતિથિ અને મૃત્યતિથિ સમયે અનાયાસ જ પદમારાણીની વાત થઈ રહી છે એનાથી વધારે જોગાનુજોગ બીજો કયો હોય?

‘વિપુલે મને એની વાર્તા હતી સંભળાવી, વાર્તા બહુ સરસ છે... આપણે એ જ નાટક કરવું જોઈએ, હિટ સબ્જેક્ટ છે.’
ઇમ્તિયાઝ પટેલે મને કહ્યું એટલે જે વાર્તા મેં રિજેક્ટ કરી હતી એ જ વાર્તા પર આગળ વધવા માટે મેં ગ્રીન લાઇટ આપતાં કહી દીધું કે તમે આગળ વધો. એક વાર રિજેક્ટ કરેલી વાર્તા પર આગળ વધવાની મેં શું કામ હા પાડી એ જાણવું બધા માટે જરૂરી છે. મારી એ ‘હા’ પાછળ એક ઘટના કારણભૂત છે. 
અગાઉ મને એક મરાઠી નાટક જોવા મારો પાર્ટનર કૌસ્તુભ ત્રિવેદી લઈ ગયો. કૌસ્તુભની ઇચ્છા હતી કે એ નાટક આપણે ગુજરાતીમાં કરીએ. મેં એ નાટક જોયું અને મને એ નાટક બહુ ગમ્યું નહીં. મેં ના પાડી દીધી કે મને આ નાટકમાં મજા ન આવી. કૌસ્તુભે મને સમજાવવાની કોશિશ કરી, પણ મારી પાસે મારા પૉઇન્ટ્સ હતા એટલે હું એકનો બે થયો નહીં અને પછી એ નાટક ગુજરાતીમાં બીજા પ્રોડ્યુસરે કર્યું અને એ ગુજરાતી નાટક એવું તે સુપરહિટ રહ્યું કે આજે પણ દુનિયા એને યાદ કરે છે. 
એ નાટકનું ગુજરાતી નામ ‘લગે રહો ગુજ્જુભાઈ’. 
હા, એ મૂળ મરાઠી નાટક ‘મેરે સપનોં કી રાની’ હતું. કૌસ્તુભ જોવા લઈ ગયો અને નાટક મેં ટોટલી રિજેક્ટ કર્યું. એ ઘટના પછી મેં નક્કી કર્યું કે મારે મારું બહુ ડહાપણ ડહોળવું નહીં. કોઈ આપણને વાર્તા કહે તો તેની વાત સાંભળીને, ધીરજ સાથે બીજા લોકોનો મત લઈને જ નિર્ણય લેવો. જોકે આ નિયમ લીધા પછી પણ મેં જીવનમાં ઘણી ભૂલો કરી છે, જેની વાતો સમય આવ્યે આપણે કરીશું. અત્યારે આપણે વાત કરીએ વિપુલ મહેતાએ જે સ્ટોરી તૈયાર કરી હતી એ નાટકની એટલે કે મારા પ્રોડક્શનમાં તૈયાર થયેલા ૩૫મા નાટક ‘બાએ મારી બાઉન્ડ્રી’ની.
હું મારી અમદાવાદની ટૂર પર ચાલ્યો ગયો અને વિપુલ મહેતા-ઇમ્તિયાઝ પટેલે નાટકની વાર્તા ડેવલપ કરવાનું કામ ચાલુ કર્યું. વાર્તા ડેવલપ થઈ એટલે વાત આવી કાસ્ટિંગની. નાટકની વાર્તા મેં તમને ગયા સોમવારે કરી હતી. એમાં બાનું કૅરૅક્ટર લીડમાં હતું અને બહુ મહત્ત્વનું હતું. બાના પાત્રમાં કોને લેવાં એવો પ્રશ્ન આવ્યો એટલે પહેલું જ નામ અમારા સૌના મનમાં એક જ આવ્યું - પદમારાણી. પદમાબહેન સિવાય આ કૅરૅક્ટર કોઈ કરી જ ન શકે. બા તરીકે પદમાબહેન મને બહુ ફળ્યાં છે એવું મેં અગાઉ કહ્યું છે અને બે વર્ષ પહેલાં મધર્સ ડે નિમિત્તે મેં ‘મિડ-ડે’માં મારી લાઇફમાં મહત્ત્વનો રોલ ભજવનારી ત્રણ બા વિશે લેખ પણ લખ્યો હતો.
પદમારાણી સાથે મેં ખૂબબધાં નાટક કર્યાં છે અને આ જ વાત પદમાબહેન માટે પણ હશે. પદમારાણીએ કોઈ એક પ્રોડ્યુસર સાથે સૌથી વધારે નાટક કર્યાં હોય તો તે હું હતો. યોગાનુયોગ આવતી કાલે એટલે કે ૨પ જાન્યુઆરીએ પદમારાણીની જન્મજયંતી અને પુણ્યતિથિ પણ છે. બહેનને શત્ શત્ નમન. અમે પદમાબહેનને વાત કરી. પદમાબહેન તરત તૈયાર થઈ ગયાં એટલે વાત આવી તેમના હસબન્ડના રોલ માટે. હસબન્ડના રોલમાં સનત વ્યાસનું નામ મારા મનમાં આવ્યું અને સનત વ્યાસે પણ હા પાડી એટલે બા-બાપુજી બન્ને મળી ગયાં. પછી વાત આવી બાકીની કાસ્ટની એટલે અમે દીકરાના રોલમાં લિનેશ ફણશેને તો તેની વાઇફના રોલમાં સ્નેહલ ત્રિવેદીને ફાઇનલ કરી. દીકરી તરીકે અમે આર્યા રાવલને કાસ્ટ કરી. હજી બે કૅરૅક્ટર બાકી હતાં જે મહત્ત્વનાં હતાં. એક કૅરૅક્ટર એટલે ભાણિયો અને બીજું કૅરૅક્ટર એટલે બાના સ્કૂલ-ટાઇમ ફ્રેન્ડનું.
ભાણિયો અમેરિકાથી આવે છે અને બાની આખી લાઇફ ધરમૂળથી બદલી નાખે છે. એ કૅરૅક્ટર ઇમોશનલી જેટલું મહત્ત્વનું હતું એટલું જ મહત્ત્વનું ફન-લેવલ પર પણ હતું, કારણ કે અમેરિકામાં જ બૉર્ન-બ્રૉટઅપ થયેલો એ ભાણિયો સતત ખોટું ગુજરાતી બોલીને બધાને મજા પણ કરાવે છે. અમે નક્કી કર્યું કે આ બન્ને કામ જો કોઈ બેસ્ટ રીતે કરી શકે તો એ છે જિમિત ત્રિવેદી. જિમિત સાથે આ અમારું ચોથું નાટક હતું. આ જિમિત એટલે એ જ જે ‘ગુજ્જુભાઈ’ સિરીઝની બન્ને ફિલ્મોમાં સિદ્ધાર્થ રાંદેરિયા સાથે જોવા મળ્યો છે તો ‘૧૦૨ નૉટઆઉટ’માં અમિતાભ બચ્ચન અને રિષી કપૂર સાથે સ્ક્રીન શૅર કરી છે. જિમિતને વાત કરી. તેણે રોલ સાંભળ્યો અને તરત હા પણ પાડી દીધી તો બાના ચાઇલ્ડહુડ ફ્રેન્ડના રોલમાં રોહિન્ટન ચેસનને ફાઇનલ કર્યો.
કાસ્ટિંગ પૂરું થયું એટલે અમે હંસરાજ મોરારજી સ્કૂલમાં રિહર્સલ્સ શરૂ કર્યાં.
૭ ફેબ્રુઆરી અને વર્ષ ૨૦૦૬.
નાટકના મુહૂર્તની તારીખ મને આજે પણ યાદ છે, કારણ કે મુહૂર્ત સમયે જ કૌસ્તુભ ત્રિવેદીએ બૉમ્બ ફોડ્યો હતો કે આપણી પાસે સંજય ગોરડિયા પ્રોડક્શનમાં પાંચમી માર્ચની ડેટ અવેલેબલ છે એટલે આપણે નાટક ત્યારે ઓપન કરવું જોઈએ.
૭ ફેબ્રુઆરી અને પાંચમી માર્ચ.
એક્ઝૅક્ટ પચ્ચીસ દિવસનો સમય અને ડેટ તેજપાલ ઑડિટોરિયમની. મિત્રો, નાટક સાથે જે જોડાયેલા હશે તેમને ખબર હશે કે તેજપાલ ઑડિટોરિયમની ડેટ કેવી મૂલ્યવાન કહેવાય. તેજપાલની ડેટને અમે ‘હલવા જેવી’ ડેટ કહીએ. નાટક જો સારું હોય અને તેજપાલથી ઓપન થાય તો એ મોટા ભાગે હિટ જ નીવડે. નાટકના ઓપનિંગ માટેનું અવ્વલ દરજ્જાનું ક્રાઉડ જો ક્યાંય મળતું હોય તો એ તેજપાલ ઑડિટોરિયમ છે. જેમ કહ્યું કે નાટક સારું હોય તો એ હિટ જવાના ચાન્સિસ વધી જાય એવી જ રીતે ધારો કે નાટક ખરાબ હોય તો પણ તેજપાલના પહેલા શોમાં આવેલું ક્રાઉડ, જેને પૅટ્રન્સ કહેવામાં આવે છે એ હૂટિંગ કરીને નાટકના કલાકારોનું અપમાન ક્યારેય નહીં કરે. 
આ બધી વાત વિપુલ અને ઇમ્તિયાઝને ખબર અને તેઓ પણ જાણે કે આનાથી ઉત્તમ ઓપનિંગ ડેટ બીજી કોઈ હોઈ જ ન શકે એટલે એ બન્ને પણ મચી પડ્યા. રોજ સીન લખાય, સીન રિહર્સલ્સમાં આવે, પછી સીન સેટ થાય. વિપુલનાં સજેશન્સ પણ સાથે આવતાં જાય એટલે ફરી પાછો સીન રીરાઇટ થાય, ફરી સેટ પર આવે, ફરી ચેન્જિસ અને રીરાઇટ અને પછી ફાઇનલ સીન અને આમ કામ આગળ વધતું જાય. નાટક સેટ થવા લાગ્યું. 
બે-ચાર દિવસનાં રિહર્સલ્સ પછી બાની દીકરી બનતી આર્યા રાવલે આવીને કહ્યું કે નાટકમાં મારો રોલ ખાસ કંઈ બનતો નથી એટલે મને મજા આવતી નથી, હું નાટક છોડું છું. અમે તેને સમજાવી કે રોલ ભલે ઓકે-ઓકે રહ્યો, પણ નાટકની માસ-અપીલ બહુ મોટી છે, બહુ શો થશે. જોકે તે માની નહીં અને તેણે નાટક છોડી દીધું. 
ચાલુ રિહર્સલ્સે કોઈ કલાકાર નાટક છોડી દે તો એ કૅરૅક્ટર પર પનોતી લાગી જતી હોય છે. ઘણી વાર એવું બન્યું છે કે કલાકાર છોડી દે પછી એ કૅરૅક્ટર માટે કોઈ ઍક્ટર તરત તૈયાર ન થાય. એક તો ડેડલાઇન માથા પર. પચ્ચીસ દિવસ પણ હવે નહોતા રહ્યા અને એમાં આર્યાએ નાટક કરવાની ના પાડી દીધી. કરવું શું હવે?
આગળની વાતો કરીશું હવે આવતા સોમવારે.

24 January, 2022 01:26 PM IST | Mumbai | Sanjay Goradia

અન્ય લેખો

...અને આવી તક પહેલી વાર ડબલ રોલની

હરિન ઠાકરે તારક મહેતા લિખિત નાટક પરથી પોતાનું વર્ઝન તૈયાર કર્યું, મેં સ્ક્રિપ્ટ વાંચવા મગાવી, પણ એ વાંચીને મને ગતાગમ પડે નહીં. જોકે મને પછી સમજાયું કે તેમણે સ્ક્રિપ્ટ જ એવી રીતે મોકલી હતી કે કોઈ એનો સીધો ઉપયોગ ન કરી શકે

16 May, 2022 12:47 IST | Mumbai | Sanjay Goradia

કાન્તિ મડિયાનાં નાટકો પછી પહેલી વાર ‘જંતરમંતર’માં રિવૉલ્વિંગ સેટ વપરાયો

દસ સેકન્ડમાં નવો સેટ ગોઠવાઈ જાય અને સીન ચાલુ પણ થઈ જાય. આ કમાલ ડબલ રિવૉલ્વિંગ સેટની હતી. જોકે આ પ્રકારના સેટ માટે ઍક્ટરોએ પણ ટ્રેઇનિંગ લેવી પડે

09 May, 2022 11:48 IST | Mumbai | Sanjay Goradia

કોણ છે એ ગાંડો ડિરેક્ટર?

મીઠીબાઈ કૉલેજની એકાંકી નાટ્યસ્પર્ધામાં દીકરા અમાત્યને લીડ ઍક્ટર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો એ જાણીને મારું પહેલું રીઍક્શન આ હતું. મીઠીબાઈમાં ઍડ‍્મિશન લીધું ત્યાં સુધી દીકરાને દૂર-દૂર સુધી નાટકલાઇનમાં ઇન્ટરેસ્ટ નહોતો

02 May, 2022 05:02 IST | Mumbai | Sanjay Goradia

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK