Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કોઈ એને સ્પીડબ્રેકર સમજીને ઠેકી ગયું

કોઈ એને સ્પીડબ્રેકર સમજીને ઠેકી ગયું

Published : 08 June, 2025 04:09 PM | IST | Mumbai
Hiten Anandpara

જિંદગીનાં લેખાંજોખાં કરવા બેસીએ ત્યારે શું મેળવ્યું અને શું ગયું  એનો તાગ મેળવવો પડે. સુરેન્દ્ર કડિયા શું રહી ગયું છે એની વાત છેડે છે...

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


જે સ્વજન સમયની પાર ગયું છે તે પાછું નથી આવવાનું. ઘણી વાર કોઈ જાણીતી વ્યક્તિ આપણી નજર સામેથી પસાર થાય છતાં આપણા ધ્યાનમાં એ આવતું નથી. જિંદગીનાં લેખાંજોખાં કરવા બેસીએ ત્યારે શું મેળવ્યું અને શું ગયું  એનો તાગ મેળવવો પડે. સુરેન્દ્ર કડિયા શું રહી ગયું છે એની વાત છેડે છે...


યાર, અનરાધાર, બેસુમાર જાવું રહી ગયું
આપણું એકાદ ઇચ્છાપાર જાવું રહી ગયું



પગરવોના પગરવોની પાર પહોંચી ગ્યા પછી
પગ ઉપાડી સહેજે ડેલી બહાર જાવું રહી ગયું


વૃદ્ધાવસ્થા આવે ત્યારે ઘરની બહાર જવાનું પણ દુષ્કર થઈ પડે. જિંદગી આખી દોડાદોડ કરી હોય એ પગ જાણે રિસાઈને બેસી ગયા હોય એવું લાગે. લાકડીનો ટેકો ડગુમગુ થતા પગને વિશ્વાસ આપવાનો પ્રયત્ન કરે. અવસ્થા અવસ્થાનું કામ કરવાની, પણ આયુષ્ય ખુમારી ટકાવી રાખે એ અગત્યનું છે. કિસન સોસાની પંક્તિઓમાં આશ્વાસન પણ વર્તાશે અને સ્વીકાર પણ દેખાશે...

સોહું છું ગૌરવર્ણમાં હુંયે ભર્યો ભર્યો
બેનમૂન બાહુએ હું બાજુબંધ છું


આંટણ સમું પડી ગયું વાત ઓર છે
બાકી ફૂલોના ભારથી ઝૂકેલ સ્કંધ છું

સ્કંધ શબ્દનો પ્રચલિત અર્થ ખભો છે. એ ઉપરાંત અનેક અર્થો જોઈએ તો સ્કંધ એટલે ડાહ્યો માણસ, થડ, યુદ્ધ, રાજા, દેહ, શિક્ષક, પ્રકરણ વગેરે. બૌદ્ધ સમુદાયમાં પાંચ સ્કંધ છે : રૂપસ્કંધ, વેદનાસ્કંધ, સંજ્ઞાસ્કંધ, સંસ્કારસ્કંધ અને વિજ્ઞાનસ્કંધ. ચક્ષુ, શ્રોત્ર, ઘ્રાણ, જિહવા, કાય અને મન એમ છ વિજ્ઞાનનો સમાવેશ વિજ્ઞાનસ્કંધમાં કરવામાં આવ્યો છે. આધુનિક સમયની વાત કરીએ તો વિજ્ઞાનની પહોંચ વૈકુંઠનીયે આરપાર નીકળી ગઈ છે. ઈ-વાહનનો વિચાર ગંજાવર સ્કેલમાં સાકાર થાય એ જરૂરી છે. કાર્બન ઉત્સર્જન ફેલાવતા પારંપરિક બળતણની ચુંગાલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ બધા જ દેશોએ કરવો પડશે. પંચમ શુક્લ લખે છે...

શ્વાસની છે ચડ-ઊતર ને ફેફસાંમાં કૈં નથી
શુષ્ક કાંચળી સિવાય સાણસામાં કૈં નથી

ખાણની ભીંસમાં ઝરી ગયું પરમ જ્વલન
લાલચોળ વેદના છે, કોલસામાં કૈં નથી

ખાણિયાઓની જિંદગીમાં અકસ્માતની સંભાવના રહે છે. જાન્યુઆરીમાં આસામની કોલસાની ખાણમાં રૅટ-હોલ માઇનિંગ કરનાર ૯ કામદારો ફસાઈ ગયા હતા. આખરે તેઓ રામશરણ થયા. રૅટ-હોલ એટલે હાથેથી ખોદવામાં આવતી અત્યંત સાંકડી ટનલ. ગેરકાયદે ચાલતી ખનન પ્રવૃત્તિમાં સલામતી નેવે મુકાય છે. ગયા વર્ષે રશિયાની ખાણમાં ફસાઈ ગયેલા ૧૩ કામદારોની શોધ બે અઠવાડિયાંના પ્રયાસો પછી પડતી મૂકવામાં આવી હતી. રોજીરોટી માટે જીવલેણ કામો પણ કરવાં પડે છે. ધૂની માંડલિયા સાવધ રહેવાનું સૂચવે છે...

માછલી તું મોજથી હરફર કરી શકે
એટલું તો ઝાંઝવે ઊંડાણ પણ હશે

મૂઠ દાણા જોઈ પંખી ભૂલી ગયું
આટલામાં પીંજરું ને બાણ પણ હશે

થોડાઘણા પૈસાની લાલચ આપીને ખિસ્સાં ખંખેરવાની અનેક યોજનાઓ ચાલે છે. ટૉરસ જ્વેલરી કૌભાંડમાં મોટો ગફલો કરવામાં આવ્યો. સોનાની ખરીદી પર ૪૮ ટકા અને ચાંદીની ખરીદી પર ૯૬ ટકા વળતરની ખાતરી આપવામાં આવી હતી. કાંદિવલીમાં પોઇસર નજીક એક રેસ્ટોરામાં જમવા ગયેલા ત્યારે એની બાજુમાં જ ટૉરસની શૉપ હતી. આકર્ષક વળતરનો લાભ લેવા સેંકડો લોકોની લાઇન લાગી હતી. લાલચ બૂરી બલા છે એ સગ્ગી આંખે નિહાળેલું. હર્ષદ ત્રિવેદી તર્ક મૂકે છે...

જેના હાથમાંથી તીર તો છૂટી ગયું છે ક્યારનું
શું થશે, જો પ્રતીક્ષા-મૃગ માયાવી હશે!

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં
તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે?

ટૉરસ કૌભાંડમાં સવા લાખ લોકોના અંદાજે હજારેક કરોડો રૂપિયા ફસાઈ ગયા. ફિક્સ્ડ ડિપોઝિટથી લઈને મ્યુચ્યુઅલ ફન્ડ કે ઇક્વિટીમાં રોકાણ કરવાથી સામાન્ય રીતે છથી વીસ ટકા જેવું વળતર મળતું હોય છે. આનાથી બે-પાંચ ગણું વળતર આપવાની વાત કોઈ કરે ત્યારે ચેતી જવું પડે, નહીંતર નિસાસાઓ હાથ લાગે. ગણપત પટેલ ‘સૌમ્ય’ લખે છે...

લગાતાર યત્નો થકી ઊઘડ્યાં છે
ફરી હાથ દૈને દ્વાર વાસો

ચમનમાં ફૂલો એમ નાહક ખીલે ના
અહીં કોઈ રોપી ગયું છે નિસાસો

લાસ્ટ લાઇન

રોડની વચ્ચે પડ્યું ભાંગી ગયેલું ગામડું

કોઈ એને સ્પીડબ્રેકર સમજીને ઠેકી ગયું

            ટ્યુબલાઇટ ચાલુ હો તો રૂમમાં તડકો પડે

            છેવટે અંધારભૂખ્યું ગોદડું બોલી ગયું

બારશેકો સ્પર્શ તારો બહુ દઝાડે છે મને

ચામડીની જેમ મન પરથી શરીર ઊખડી ગયું

            ઘાવ પર મૂકેલા રૂમાં જીવ ફૂંકાયો કે શું?

            સ્હેજ અડક્યો ત્યાં તો પણ કેટલું દુઃખી થયું

કાપવા બેઠો હતો ગમતી ક્ષણો કાતર લઈ

ને જૂનું વર્ષ બે-ત્રણ માસ લંબાઈ ગયું

- કુલદીપ કારિયા

Whatsapp-channel Whatsapp-channel

08 June, 2025 04:09 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK