Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > લવ જેહાદ છે શું?

લવ જેહાદ છે શું?

Published : 26 November, 2022 06:57 PM | IST | Mumbai
Dr. Dinkar Joshi

આ શબ્દમાં જે જેહાદની ભાવના છે એ સમજી લેવા જેવી છે. વિધર્મી યુવતીને પોતાનો ધર્મ ત્યજી મુસ્લિમ બનાવ્યા પછી નિકાહ કરવા એમાં ક્યાંય લવ નથી

પ્રતીકાત્મક તસવીર

ઊઘાડી બારી

પ્રતીકાત્મક તસવીર


આજકાલ રોજ સવાર પડે ત્યારે કાં તો અખબારોમાં અથવા ટીવીના પડદા પર ‘લવ જેહાદ’ નામનું શબ્દ-જોડકું વાંચીએ છીએ અથવા સાંભળીએ છીએ. લવ અને જેહાદ આ બે જુદા-જુદા શબ્દોને જોડી દઈને આ શબ્દ-જોડકું વપરાશમાં મૂકવામાં આવ્યું છે. આ બન્ને શબ્દોથી આપણે સદીઓથી પરિચિત છીએ, પણ આ શબ્દ-જોડકાથી આપણે થોડાક દસકાઓ પહેલાં મુદ્દલ પરિચિત નહોતા. લવ અંગ્રેજી ભાષાનો શબ્દ છે (એનું ઓરિજિન ગ્રીક અથવા લેટિન હોઈ શકે). એનો સીધોસાદો અર્થ પ્રેમ એવો થાય છે. જોકે આ પ્રેમ એટલે શું એનાં વિવિધ અર્થઘટનો પણ થયાં છે. પ્રેમ એક એવી લાગણી છે જેમાં ‘પરસ્પર’નો ભાવ અભિપ્રેત છે કે નહીં એવો વિવાદ સતત ચાલતો રહ્યો છે. એ જ રીતે આ જેહાદ શબ્દ પણ સમજવા જેવો છે. આ શબ્દ મૂળ તો અરબી ભાષાનો છે. આ શબ્દ ઇસ્લામ સાથે સંકળાયેલો મજહબી અર્થ ધરાવે છે. એનું ઓરિજિન કુરાન છે અને મુલ્લા મૌલવીઓએ એનો જે અર્થ કર્યો છે એ મુજબ ઇસ્લામના શત્રુઓ સામેની લડત એવો પણ થયો છે. આમ લવ જેહાદ એક જોડકું ભલે હોય, પણ જોડકું થવા જેટલી ક્ષમતા આ બન્ને શબ્દો મુદ્દલ ધરાવતા નથી. લવને મજહબી કે અન્ય કોઈ સીમા હોતી નથી. જેહાદ પાર વિનાની સીમા ધરાવે છે.

લવ, નિકાહ અને પછી...
કોઈ મુસ્લિમ યુવક બીજા કોઈ ધર્મની યુવતી સાથે પ્રેમ કરે (આમાં પેલી યુવતી પણ વળતો એવો જ પ્રેમ કરે છે એવું સમજી લેવાનું) અને પછી બેઉ નિકાહ કરે. અહીં નિકાહનું મહત્ત્વ છે, લગ્નનું નહીં. લગ્ન અનેક પદ્ધતિઓથી થઈ શકે છે. આમાં ધર્મ ક્યાંય વચ્ચે આવતો નથી. યુવક અને યુવતી પોતપોતાની કૌમાર્યાવસ્થાને અકબંધ રાખીને કાયદેસર પતિ-પત્ની બની શકે છે અથવા તો બેમાંથી કોઈ પણ એક ધર્મપરિવર્તન કરીને પરિવાર બનાવી શકે છે. નિકાહમાં આમ થઈ શકતું નથી. અહીં સ્ત્રીએ પોતાનો જન્મદત્ત ધર્મ ત્યજી દઈને ઇસ્લામ અંગીકાર કરવો પડે છે. આમ નિકાહ એટલે ધર્માંતર પણ ખરું. બન્ને વચ્ચે લવ હતો એવું કહેવામાં તો આવે છે, પણ આ લવમાં ક્યાંય મુસ્લિમ યુવક ઇસ્લામ છોડતો નથી.



લવ જેહાદ સામે વિરોધ શા માટે?
‘લવ જેહાદ’ શબ્દમાં જે જેહાદની ભાવના છે એ સમજી લેવા જેવી છે. વિધર્મી યુવતીને પોતાનો ધર્મ ત્યજી દઈને મુસ્લિમ બનાવ્યા પછી જ નિકાહ કરવા એમાં ક્યાંય લવ નથી. પરસ્પર વિધર્મીઓ લગ્ન કરે અને પતિ-પત્ની બને તો એનો કોઈએ વિરોધ કરવો ન જોઈએ. એમાં પરસ્પર વચ્ચેના કહેવાતા પ્રેમની વાત છે. અહીં પ્રેમ પાછળ હડસેલાઈ જાય છે અને કુરાનમાં ધર્માંતર માટેનો જે આગ્રહ કરવામાં આવ્યો છે એ સર્વોપરી થઈ જાય છે. એમાં પણ આજકાલ આપણે જોઈએ છીએ કે આમાં મુસ્લિમ યુવક હોય છે અને હિન્દુ યુવતી હોય છે. યુવક અને યુવતી બન્ને પુખ્ત વયનાં હોય છે અને સ્ત્રી રાજીખુશીથી ધર્મપરિવર્તન કરે છે એટલે એમાં પ્રક્રિયાની દૃષ્ટિએ કશું ખોટું પણ હોતું નથી. જે ખોટું છે એ થોડા સમય પછી દેખાય છે. યુવકનો આશય લગ્ન કરવાનો હોતો જ નથી. તેનો આશય તો મુસ્લિમ વસ્તીની સંખ્યામાં એકનો વધારો કરવાનો જ હોય છે. થોડા સમયમાં જ લવ અદૃશ્ય થઈ જાય છે અને પેલી જેહાદની ભાવના બળકટ બની જાય છે. હવે કાં તો તલાક આવે છે અને પેલી સ્ત્રી પોતાના સમાજ અને પિયરપક્ષને સાવ ત્યજી દીધો હોવાથી સાવ નિરાધાર થઈને રસ્તા પર રખડતી થઈ જાય છે. જો આમ નથી બનતું તો પેલી સ્ત્રીની હત્યા પણ થઈ જાય છે. આવું કરનાર મુસ્લિમ યુવકને તેનો સમાજ ધિક્કારતો નથી. આ અમાનુષી છે એવું કોઈ તેને કહેતું નથી, કારણ આખી ક્રિયામાં મજહબ મુખ્ય સ્થાને રહ્યો હોય છે.


આવું કેમ થાય છે?
મુસ્લિમ યુવકો અને એનો સમાજ આવા નિકાહને સ્વીકારતો હોય અને સામા પક્ષે હિન્દુ યુવતીઓ આ બધું જોયા-જાણ્યા અને સમજ્યા પછી પણ આવા માર્ગે કેમ જાય છે એ વિચારવું જોઈએ. હિન્દુ માબાપો કાં તો પોતાની પુત્રીઓને સાચા અને સારા સંસ્કાર આપતાં નથી અથવા તો આ કન્યાઓ પેલા મુસ્લિમ યુવકના પ્રેમ નામના આડંબર હેઠળ જે ધનરાશિ વાપરવામાં આવે છે એનાથી આકર્ષાઈ જાય છે. સંભવ છે કે આવા જેહાદીકરણને ક્યાંકથી નાણાં પણ પૂરાં પાડવામાં આવતાં હોય. મૂળ વાત આવા લવ જેહાદ સામે સમૃદ્ધ સંસ્કાર આપવામાં આવે અને એના વિશે સાચી સમજણ કેળવવામાં આવે એ જ છે. જ્યાં ક્યાંય પણ કશું ખોટું કે ખરાબ લાગતું હોય ત્યાં માત્ર શાબ્દિક ઉકળાટ કરીને બેસી રહેવાનો કોઈ અર્થ નથી. જો તમે તમારા ઘરનાં બારીબારણાં સાબૂત નહીં રાખો તો દોષ બીજાનો નથી, તમારો પોતાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2022 06:57 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK