Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હિન્દુઓની એકતા માટે આપણે શું કરી રહ્યા છીએ, બોલો?

હિન્દુઓની એકતા માટે આપણે શું કરી રહ્યા છીએ, બોલો?

27 August, 2022 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દર મંગળવારે સાંજે ૭ વાગ્યે પોતપોતાના વિસ્તારમાં રહેલા કોઈ પણ મંદિરમાં બધા હિન્દુઓ ભેગા થઈને ચૅન્ટિંગ કરે એવી અપીલ કરી હતી, જેને લોકો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. આ અપીલ પાછળનું ધ્યેય અને એની ઇફેક્ટ લૉન્ગ ટર્મ છે એની વાત આજે કરી લઈએ

હિન્દુઓની એકતા માટે આપણે શું કરી રહ્યા છીએ, બોલો?

સેટરડે સરપ્રાઈઝ

હિન્દુઓની એકતા માટે આપણે શું કરી રહ્યા છીએ, બોલો?


બહુ જ વેધક પ્રશ્ન પૂછું? શું આપણો હિન્દુ ધર્મ સૉફ્ટ પંન્ચિંગ બૅગ છે? દર ત્રીજી વ્યક્તિ ફિલ્મના માધ્યમે કે અન્ય કોઈ પણ યેનકેન પ્રકારેણ આપણાં દેવી-દેવતાઓનું અપમાન કરી શકે. ‘લક્ષ્મી બૉમ્બ’ ફિલ્મ યાદ છેને? તેમનામાં આ છેડછાડની હિંમત કઈ રીતે જાગે છે? મુસ્લિમ કે કૅથલિક ધર્મ સાથે આવું કરતાં તેઓ શું કામ ૧૦૦ વાર વિચારે છે? યાદ રાખજો કે આ એ લોકોની ભૂલ નથી કે બીજા કોઈ ધર્મનો વાંક નથી, આ આપણો વાંક છે. આપણે જ ક્યાંક ને ક્યાંક એક નથી થઈ શકતા. આપણે સંગઠિત નથી અને એટલે જ લોકો મન ફાવે એમ આપણા ધર્મ સાથે છેડછાડ કરી શકે છે. હું કોઈ ધર્મની ખિલાફ નથી. અમારા ધર્મની ઠેકડી ઉડાડો છો તો બીજાના ધર્મની પણ ઉડાડો એવું કહેવાનો મારો ભાવાર્થ જરાય નથી. હું એમ કહેવા માગું છું કે કોઈની પણ ધાર્મિક ભાવના દુભાય એવી ઍક્ટિવિટી ન જ થવી જોઈએ. હવે પ્રશ્ન એ છે કે અમુક ધર્મો વિશે ફિલ્મોમાં કંઈ પણ ચેનચાળા કરવાનું નથી સૂઝતું અને હિન્દુ માઇથોલૉજી સાથે સહજતાથી છેડછાડ થઈ શકે છે, એમાં વાંક કોનો? શું કામ કોઈને રાવણનું કૅરૅક્ટર ભજવીને તેને હ્યુમરસ બનાવવાની હિંમત જાગે? શું કામ આપણા ઇતિહાસ સાથે ફેરબદલી થાય. આપણે ક્યાંક વીક છીએ અથવા તો આપણે જરૂર કરતાં વધુ સહનશીલ છીએ. આપણે સંગઠિત નથી. જેની પાસે જે સારું હોય એ શીખવું જોઈએ. શુક્રવારે તમે જુઓ તો મસ્જિદ પાસે ઊભા રહેવાની જગ્યા નથી હોતી. નિયમ એટલે નિયમ. ગમે તેવો તહેવાર હોય, પીક સીઝન હોય તો પણ નમાઝના સમયે દુકાનો બંધ એટલે બંધ. આ ડિસિપ્લિન અને આ નિષ્ઠાને તમે શું કહેશો? કૅથલિકનું જુઓ તમે. દર રવિવારે બધા જ માસ સન્ડે પર ચર્ચમાં પહોંચી જાય છે. દરેકના દિવસ ફિક્સ છે. માત્ર હિન્દુઓમાં એવું છે કે શનિવારે હનુમાનભક્તો જાગે, સોમવારે શિવભક્તો જાગે, શુક્રવારે માતાભક્તો જાગે. બધા પોતાની મનોકામના પૂરી કરવા કે આત્માની શુદ્ધિ કરવા પોતાના પ્રિય ભગવાનના દિવસે મંદિરે જાય છે, પણ છૂટાછવાયા. એવો એક દિવસ આપણે કેમ નક્કી ન કરી શકીએ જે દિવસે આપણે બધા એકસામટા મંદિરમાં એકત્રિત થઈ શકીએ. આરતીના સમયે સાંજે ૭ વાગ્યે દર મંગળવારે મળો અને માત્ર હાય-હેલો કરો. એક આદત તો પાડો. તમને અંદાજ નથી કે ધીમે-ધીમે આ સંગઠિત થવાની ટેવ એક બહુ વિશાળ નેટવર્ક ઊભું કરશે. આપણે કોઈને નડવું નથી સંગઠિત થઈને, પણ આપણી પોતાની સ્વરક્ષા માટે પણ સજ્જ થવું એમાં ખોટું શું છે?
ગણેશચતુર્થી આવી રહી છે. તમને ખબર છેને કે ઇતિહાસ કે કયા સંજોગોમાં એ તહેવારની સામૂહિક ઉજવણી શરૂ થઈ હતી. બ્રિટિશ રાજના સમયમાં ચાર લોકોથી વધુ ભેગા ન થઈ શકે એ ધારા વચ્ચે લોકોને એકત્રિત કરવા માટે બાળગંગાધર ટિળકે સામૂહિક ગણેશોત્સવ શરૂ કરેલો. એ સમયે ગણપતિના વિસર્જનનો કન્સેપ્ટ પણ આવ્યો. પૂર્ણ સ્વરાજનું ધ્યેય ત્યારે જ પ્રાપ્ત કરવું શક્ય હતું, જ્યારે લોકો સંગઠિત હોય. તમને ખબર જ છે કે સ્વતંત્રતાની મૂવમેન્ટમાં આ સામૂહિક ગણેશોત્સવનો પણ બહુ મોટો રોલ હતો. માત્ર ગણપતિબાપ્પાની પૂજા-અર્ચના કે ભક્તિ કરવા માટે સામૂહિક ગણેશોત્સવ શરૂ નહોતો થયો, પણ લોકો ભેગા થાય અને વિચારોની આપ-લે થાય એ બહુ મોટું ધ્યેય હતું. આવા જ સંગઠનની હવે તાતી જરૂર છે. એની શરૂઆત થશે મળવાથી. તમે કોઈ પણ ભગવાનમાં માનતા હો, તમે કોઈ પણ દિવસે ઈશ્વરની પૂજા માટે જતા હો, પણ દર મંગળવારે ૭ વાગ્યે તમારે તમારી નજીકના મંદિરમાં જવાનું અને અડધા કલાકનો સમય ત્યાં પસાર કરવાનો. ભલે ત્યાં જઈને તમે એક આરતી કરો કે ઓમનું સ્મરણ કરો. આ પહેલથી થશે એટલું કે નિયમિતતાને કારણે એકબીજાની ઓળખાણ થશે. પરસ્પર પ્રત્યેનો વિશ્વાસ વધશે. નેટવર્ક ઊભું થશે. અઠવાડિયાના ૭ દિવસમાંથી અડધો કલાક આપણે ન કાઢી શકીએ? એકસાથે ૮૦ કરોડ હિન્દુઓ સાતથી સાડાસાત વાગ્યે આમ મંદિરમાં ભેગા થતા હોય અને ધીમે-ધીમે તેમનું સંગઠન સ્ટ્રૉન્ગ બનતું હોય એ પછી કોઈની મજાલ છે કે તમારાં દેવી-દેવતાઓની મજાક ઉડાડે કે તેમનું અપમાન થતું હોય એવું કંઈ પણ કરે. 
આનું બીજું એક પરિણામ એ પણ થશે કે ધીમે-ધીમે એક ડેટાબેઝ તૈયાર થશે. દરેક મંદિરો એકબીજા સાથે કનેક્ટ થતાં જશે. આસામના મંદિર પાસે કેરલાના મંદિરના મહંતનો નંબર હશે. નેટવર્ક એવું હશે કે કોઈ એક જગ્યાએ પણ કોઈ ગેરરીતિ થઈ હોય તો એ વાત દેશમાં તરત પહોંચશે અને લોકો સંગઠિત થઈને એનો વિરોધ પણ કરી શકશે. એક હશો બધા તો તમારી વાતનું વજન પણ પડશે અને તમને ખોટી રીતે નડતાં પહેલાં ૧૦૦ વાર વિચારશે. 
મને એ નથી સમજાતું કે હિન્દુઓને કટ્ટર કહેવડાવવાનું કેમ નથી ગમતું? તમે તમારા ધર્મને વફાદાર હો અને એની રક્ષા માટે કટિબદ્ધ હો તો એમાં ખોટું શું છે? હિન્દુવાદી હોવાનો અર્થ એવો થોડો છે કે હું મુસ્લિમોનો કે યહૂદીઓનો વિરોધી છું. હું મારી માતાને પ્રેમ કરું છું એનો અર્થ એવો તો નથીને કે હું બીજાની માતાને નફરત કરું છું. પોતાના દેશ માટે, પોતાના વતન માટે, પોતાના ધર્મ માટે પ્રેમ હોવો અને એની રક્ષા માટે જવાબદાર હોવું એ દરેક વ્યક્તિની નૈતિક ફરજ છે એમાં ડર કે સંકોચ શું કામ રાખવો જોઈએ? આજે આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે આપણા બિલ્ડિંગમાં તો છોડો, આપણા ઘરની બાજુમાં કોણ રહે છે એની પણ આપણને ખબર નથી હોતી. આમ તો કેવી રીતે સંગઠિત થવાશે? મુસ્લિમોની એકતાને હું સલામ કરું છું અને એ પણ સ્વીકારું છું કે એમાંથી આપણે કંઈક શીખીએ. તમારા ધર્મને કોઈ ડાયલ્યુટ કરે અથવા તો એની સાથે ચેડાં કરે તો તમારું લોહી ગરમ થવું જોઈએ. આપણે ત્યાં પાછા કેટલાક ડાહ્યા લોકો એમ કહે છે કે હિન્દુ ધર્મ નથી, પણ એક સંસ્કૃતિ છે એટલે વળી થોડો ઘણો જે પ્રેમ કે આકર્ષણ હિન્દુ ધર્મનાં હતાં એ પણ લુપ્ત થઈ જાય. સંસ્કૃતિ છે, જીવનશૈલીમાં ઉતારો, પણ સાથે હિન્દુ તરીકે હિન્દુ શાસ્ત્રો, ધર્મગ્રંથો, એની કથાઓ પણ ધર્મનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને એની આમન્યા તોડવાનો કોઈને હક નથી એ વાત પણ હિન્દુઓએ સમજવી પડશે. 
એક થવું એ તમારી જરૂરિયાત છે અને એને માટે દેશની પ્રત્યેક વ્યક્તિએ સક્રિય ભૂમિકા ભજવવી પડશે. એકતા જરૂરી છે અને એકતાનું પ્રદર્શન પણ. શું કામ ૨૬ જાન્યુઆરીએ તમારે શસ્ત્રોનું પ્રદર્શન કરવું પડે છે. ક્યાંક તમે દુનિયાને એ દેખાડો છો કે અમે સજ્જ છીએ, સામનો કરવા માટે. અમારી સાથે પંગો ન લેતા. એક સીટી મારીશું અને બધા હિન્દુઓ ભેગા થઈ જશે. જ્યારે એવી એકતા આપણી હશે ત્યારે આપણી સાથે પણ પંગો લેતાં પહેલાં લોકો ૧૦૦ વાર વિચાર કરશે. સંગઠિત માત્ર લડવા માટે જ નહીં, પણ પ્રોટેક્ટેડ રહેવા માટે થવું જરૂરી છે. હિન્દુ સમાજના સંત-મહંતોએ આ દિશામાં ખૂબ સિરિયસલી વિચારવાનું છે. માત્ર પોતાના અખાડા પૂરતા મર્યાદિત રહેવાને બદલે સમસ્ત હિન્દુ સમાજને એક કરો અને એ માટે પહેલાં તમે તમારા આપસી મતભેદ ભૂલીને સંગઠિત થઈ જાઓ. આવનારા સમયમાં દેશ માટે આ ખૂબ જરૂરી સાબિત થવાનું છે. 

તમને ખબર છે કે સ્વતંત્રતા મૂવમેન્ટમાં સામૂહિક ગણેશોત્સવનો બહુ મોટો રોલ હતો. માત્ર બાપ્પાની ભક્તિ કરવા માટે ગણેશોત્સવ શરૂ નહોતો થયો, પણ લોકો એકસાથે આવે એ બહુ મોટું ધ્યેય હતું. 


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2022 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK