મૉન્સૂન ક્લાઇમેટની એવી ઍક્ટિવિટી નથી જે અચાનક જ આવી જતું હોય. એનો એક ચોક્કસ સમય છે અને હવે તો આપણું વેધર ડિપાર્ટમેન્ટ પણ ઍક્ટિવ અને ઍડ્વાન્સ્ડ થઈ ગયું છે
મારી વાત
ફાઇલ તસવીર
હજી તો પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ત્યાં તો જોયુંને, પુણેના અનેક વિસ્તારોમાં કેવી હાલત થઈ ગઈ. અમને હંમેશાં વિચાર આવે કે આપણે ત્યાં આ પ્રકારની નીતિ શું કામ છે કે જરૂર પડે ત્યારે જ કૂવો ખોદવા જઈએ કે પછી એવું લાગે ત્યારે જ આપણે નદી-નાળાં કે પછી વેસ્ટ વૉટરની જે લાઇનો છે એ સાફ કરવા જઈએ?
મૉન્સૂન ક્લાઇમેટની એવી ઍક્ટિવિટી નથી જે અચાનક જ આવી જતું હોય. એનો એક ચોક્કસ સમય છે અને હવે તો આપણું વેધર ડિપાર્ટમેન્ટ પણ ઍક્ટિવ અને ઍડ્વાન્સ્ડ થઈ ગયું છે. ઑલમોસ્ટ મહિના પહેલાંથી આપણને ખબર પડી જતી હોય છે કે મૉન્સૂન એક્સ કે વાય વીકથી શરૂ થવામાં છે તો આપણે એ દિશામાં પહેલેથી જ શું કરવા કામ શરૂ ન કરી શકીએ? અફકોર્સ, પેપરમાં આવે પણ છે કે મ્યુનિસિપાલિટીએ પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ કરી દીધી અને એ પછી પણ હેરાનગતિ તો હોય જ છે, જેનાં બે કારણો હોઈ શકે. એક, કાં તો એ કામ વાજબી રીતે થતું નથી અને કાં તો એ થાય છે તો મેન-ફોર્સ ઓછો પડે છે.
ADVERTISEMENT
આપણું મુંબઈ દેશનું ફાઇનૅન્સ કૅપિટલ છે અને જો તમારા દેશની આર્થિક રાજધાની આજે, આટલાં વર્ષે પણ મૉન્સૂનમાં હાલાકી ભોગવતી રહે તો એ અમારી દૃષ્ટિએ તો આપણા જે કોઈ શાસકો છે એ બધા માટે શરમજનક કહેવાય. આજે જ્યારે બધું ચેન્જ થઈ ગયું છે ત્યારે આપણા ઑફિસરો પણ આ મેન્ટાલિટીમાંથી બહાર આવે અને ઓછામાં ઓછી હાલાકી સાથે કેવી રીતે મુંબઈમાં રહી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરે એ બહુ જરૂરી છે. આપણે જોઈએ છીએ કે મૉન્સૂન વચ્ચે પણ આપણું મુંબઈ ક્યાંય અટકતું નથી, રોકાતું નથી. એ મુંબઈકરનો સ્વભાવ છે કે તકલીફ વચ્ચે પણ ક્યાંય અટકવું નહીં, તકલીફને ક્યાંય હાવી ન થવા દેવી. જોકે એનો અર્થ એવો સહેજે નથી કે તકલીફો દૂર કરવામાં ન આવે.
મોટા ભાગે દર મૉન્સૂનમાં આપણે ખરાબ ઘટનાઓ સાંભળતા રહ્યા છીએ. કુદરતને આપણે રોકી નથી શકવાના, પણ કુદરત જ્યારે પોતાની નારાજગી દર્શાવતી રહે છે ત્યારે આપણે અલર્ટ તો થઈ જ શકીએ છીએ. મૉન્સૂન શરૂ થવાના એકાદ મહિના પહેલાં જ જો આપણે રસ્તા પર આવી ગયેલાં વૃક્ષોની કાપકૂપ શરૂ કરી દઈએ, પાણી જમીનમાં ઉતારવા માટેનું આયોજન કરી લઈએ તો એનાથી ઘણો લાભ થશે અને સાથોસાથ તકલીફોમાં પણ ઘણો ઘટાડો થશે. જોકે એના માટે જરૂર છે જાગૃતિની અને એ જાગૃતિ મ્યુનિસિપાલિટીથી લઈને કૉમન મૅન સુધીના સૌકોઈએ દર્શાવવી પડશે. હજી પણ મોડું નથી થયું. કહેવત છેને, જાગ્યા ત્યારથી સવાર. બસ, હવે જાગી જઈએ.