જૂનું ફાટેલું ડેનિમ જીન્સને ફેંકી દેવાનો જીવ ન ચાલતાં ઘાટકોપરનાં ભક્તિ શાહે એમાંથી ડિઝાઇનર સ્લિંગ બૅગ બનાવી નાખી. આ ક્રીએટિવ આઇડિયાએ તેમને હાઉસવાઇફમાંથી બિઝનેસવુમન બનવાના રસ્તા ખોલી આપ્યા. હવે તેઓ જીન્સમાંથી બૅગ ઉપરાંત બીજું ઘણુંબધું બનાવે છે

ભક્તિ શાહ
બહેનો, રોજિંદા જીવનમાં એવી ઘણીબધી વસ્તુ હોય છે જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ. ક્રીએટિવિટીમાં રસ હોય તો એમાંથી કંઈક નવું બનાવી ઉપયોગમાં લઈ શકાય. જોકે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે અવનવા જુગાડ લગાવવા પડે છે. ભારતીય ગૃહિણીઓ આ બાબતમાં ઘણી હોશિયાર છે. ઘાટકોપર વેસ્ટમાં રહેતાં ભક્તિ શાહ પણ એમાંનાં એક છે. ફાટી ગયેલાલી ડેનિમ જીન્સમાંથી જુગાડ કરી તેમણે આકર્ષક બૅગ બનાવી. તેમની ક્રીએટિવિટીએ આસપાસના લોકોમાં આકર્ષણ જગાવતાં ઘેરબેઠાં બિઝનેસનો આઇડિયા મળી ગયો. પછી શું થયું? સ્ટાર્ટઅપમાં કઈ રીતે આગળ વધ્યાં ચાલો જાણીએ.
ટર્નિંગ પૉઇન્ટ
કોરોનાકાળમાં અનેક લોકોના જીવનની દિશા બદલાઈ ગઈ એમ મારા માટે પણ આ ગાળો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો એવું ઉત્સાહ સાથે જણાવતાં ભક્તિ શાહ કહે છે, ‘હાઉસવાઇફનું માઇન્ડ ખૂબ ક્રીએટિવ હોય છે. તેમની માનસિકતા પણ એવી કે કોઈ પણ વસ્તુને ફેંકી દેતાં પહેલાં એને ઘરમાં કઈ રીતે વાપરી શકાય એનો સો વાર વિચાર કરશે. ગૃહિણી હોવાના નાતે નકામી ચીજવસ્તુમાંથી ઘરવપરાશમાં ઉપયોગી થાય એવા આર્ટિકલ્સ બનાવવાનો શોખ વિકસ્યો જ હતો. જોકે પારિવારિક જવાબદારીઓના કારણે પૅશનને પ્રોફેશન બનાવવાનો વિચાર ક્યારેય આવ્યો નહોતો. દીકરી સ્કૂલમાં હતી ત્યારે એવો ફાજલ સમય પણ નહોતો કે કંઈક કરું. પૅન્ડેમિકમાં એનું સ્કૂલનું એજ્યુકેશન પૂરું થતાં જ નિરાંત થઈ ગઈ. મારી પાસે સમય પણ ઘણો હતો. એક વાર વૉર્ડરોબ ગોઠવતાં ફાટેલું જીન્સ હાથમાં આવ્યું અને નવી દિશા મળી ગઈ.’
ગાડી ચલ પડી
આગળની સફર વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘જીન્સ એવો આઉટફિટ છે જે નાનાં બાળકો, યંગસ્ટર્સ, મહિલાઓ, પુરુષો બધાં જ પહેરતાં હોવાથી આપણી પાસે મૅક્સિમમ કલેક્શન હોય. મનગમતું જીન્સ ફેંકી દેતાં જીવ ન ચાલ્યો. મનમાં થયું, લાવને આમાંથી કંઈક જુગાડ કરું જેથી બીજાં બે-પાંચ વર્ષ આ જીન્સ મારી પાસે રહે. નાનું-મોટું સિલાઈનું કામ આવડતું હતું તેથી મગજ દોડાવ્યું. ડેનિમ ફેડ થઈ જાય, ફાટી જાય પછી પણ બેટર લુક આપે છે. કાપડ પણ મજબૂત અને ટકાઉ. ફેવરિટ જીન્સમાં કાપકૂપ કરી હૅન્ડી પાઉચ બનાવ્યું. આકર્ષક મલ્ટિપર્પઝ પાઉચ જોઈને ભાભી, બહેન, હસબન્ડ, ફ્રેન્ડ્સ બધાંએ મોટિવેટ કરી. સૌથી વધુ તો સાસુમાનો સાથ મળ્યો. તેમની પણ સ્ટિચિંગમાં રુચિ છે. તેઓ મારાં ફર્સ્ટ મોટિવેટર બન્યાં. અમે એકમેક સાથે આઇડિયા એકસચેન્જ કરવા લાગ્યાં. સ્ટિચિંગમાં મારી માસ્ટરી નથી, બેઝિક કોર્સ જ કર્યો છે પણ સર્કલમાં બધાને પ્રોડક્ટ્સ ગમતાં જૂનું જીન્સ લઈને મારી પાસે આવવા લાગ્યા. પોતાના માટે વાપરવા બનાવેલા પાઉચથી સ્યુઇટ (સિલાઈ માટે વપરાતો અંગ્રેજી શબ્દ સ્યુઇંગ પરથી) નામનું સ્મૉલ સ્ટાર્ટઅપ શરૂ થઈ ગયું.’
અવનવી પ્રોડક્ટ્સ
સ્ટાર્ટ કર્યું ત્યારે મને લાગતું નહોતું કે બિઝનેસ ચાલશે, પરંતુ માઉથ-ટુ-માઉથ પબ્લિસિટીના કારણે લોકોનો રિસ્પૉન્સ મળવા લાગ્યો એવી જાણકારી આપતાં ભક્તિબહેન આગળ કહે છે, ‘ડેનિમમાં આપણને ઘણું વેરિએશન મળી રહે છે. વેસ્ટેજ ઓછું નીકળે એ રીતે બૅગ્સ બનાવવાનો પ્રયાસ કર્યો. શેપ, પૅટર્ન અને ડિઝાઇન પર કામ કર્યું. બૅગને ડિઝાઇનર લુક આપવા અલગ-અલગ કલરના પૅચ લગાવ્યા. સ્લિંગ બૅગ, હૅન્ડી પર્સ ઉપરાંત ડોરમૅટ, યોગમૅટ કવર, હૉટપૉટ, નાનાં બાળકો માટે ગોદડી, પૂજા માટે બેસવાનાં આસન વગેરે અઢળક આર્ટિકલ્સ બનાવું છું. ડેનિમ થિક મટીરિયલ છે. એમાંથી ઘણીબધી આઇટમ બનાવી શકો છો. જીન્સના પૉકેટ અને વેસ્ટ બેલ્ટનો ઉપયોગ કરી ડિઝાઇનર પીસ બનાવ્યા છે. ક્લાયન્ટ્સની જરૂરિયાત, જીન્સ પ્રત્યેનો લગાવ અને પૅટર્ન સમજીને આગળ વર્કઆઉટ કરું છું. કામ ઓછું મળશે તો ચાલશે પણ ક્લાયન્ટની ફરિયાદ ન આવવી જોઈએ એવો નિશ્ચય પહેલેથી કરી રાખ્યો હતો. ફિનિશિંગ વર્ક મારું ફોકસ છે તેથી વધારે ઑર્ડર લેતી નથી. જોકે શરૂ કર્યું ત્યારથી એકેય દિવસ ખાલી બેઠી નથી. દિવસના પાંચેક કલાકનો સમય મળી જાય તો એક બૅગ બનાવી લઉં છું. હવે ફ્રેશ મટીરિયલમાંથી પણ કામ સ્ટાર્ટ કર્યું છે.’
ઠાકોરજી માટે વાઘા
તમારા મનગમતા જીન્સને લૉન્ગ લાસ્ટિંગ બનાવી આપવામાં અવ્વલ ભક્તિબહેન ઠાકોરજીના વાઘા, માતાજીની ચૂંદડી, ગણપતિબાપાનાં વસ્ત્રો પણ બનાવે છે. તેઓ કહે છે, ‘સિલાઈમાં ઝડપ, પૅટર્ન અને ડિઝાઇનની સમજ અને ફિનિશિંગ જોઈને અનેક મહિલાઓએ ભગવાનનાં વસ્ત્રો ડિઝાઇન કરી આપવાની વિનંતી કરી. જેમ-જેમ લોકોને ખબર પડતી ગઈ મારો સંપર્ક કરવા લાગ્યા. ભગવાનનાં વસ્ત્રો બનાવવા માટે ફ્રેશ મટીરિયલ જોઈએ. એમાં ડેનિમ ન ચાલે. રેશમી કાપડમાંથી ખૂબ જ સુંદર વસ્ત્રો બને છે. ઠાકોરજી માટે વાઘા ઉપરાંત હિંડોળાના શણગાર પણ બનાવી આપું છું. બૉટલ કવર, સાડી કવર, કી-બોર્ડ કૅરી કરવા માટેની બૅગ, પેન્સિલ હોલ્ડર જેવા અસંખ્ય ડેકોરેટિવ પીસ બનાવ્યા છે.’