યોગ્ય જીવનસાથીની શોધ સામાજિક સમસ્યા તો બની જ ગઈ છે, પરંતુ સૌના હિત માટે બનાવવામાં આવેલી લગ્નવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડે એ પહેલાં જાગી જાઓ

પ્રતીકાત્મક તસવીર
જીવનસાથીની પસંદગીમાં આવા અપ્રોચ સાથે આગળ વધવાનું હોય? આજે એંસી ટકા યુવતીઓને કિચન, વડીલો અને મહેમાનોનો બોજો જોઈતો નથી પરિણામે ઉંમર વધતી જાય છે. યોગ્ય જીવનસાથીની શોધ સામાજિક સમસ્યા તો બની જ ગઈ છે, પરંતુ સૌના હિત માટે બનાવવામાં આવેલી લગ્નવ્યવસ્થા સંપૂર્ણપણે ભાંગી પડે એ પહેલાં જાગી જાઓ
આપણા સમાજમાં લગ્નને માત્ર જરૂરિયાત નહીં, પણ સામાજિક ઉત્તરદાયિત્વની દૃષ્ટિએ જોવામાં આવે છે. સામાજિક વ્યવસ્થા માટે લગ્નપ્રથાનું અસ્તિત્વ ટકી રહે એ જરૂરી છે. જોકે જેમ-જેમ એક્સપોઝર વધતું ગયું યોગ્ય જીવનસાથીની શોધખોળ પણ મુશ્કેલ બની. ગઈ કાલે આપણે વર્તમાન પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લગ્નોત્સુક યુવકોની પસંદ-નાપસંદ વિશે પણ જાણ્યું. આજે વાત કરીએ પરણવાલાયક યુવતીઓની ઇચ્છાઓ અને અપેક્ષાઓની.
આટલું તો જોઈશે
યોગ્ય જીવનસાથીની શોધખોળ માટે ચાળીસ વર્ષથી મીડિએટર તરીકે કામ કરવાનો અનુભવ ધરાવતાં હસ્તમેળાપ મૅરેજ બ્યુરોનાં પ્રવીણા મહેતા કહે છે, ‘રસોડામાં નથી જવું એ યુવતીઓની સૌથી પહેલી શરત છે. આજે દરેક યુવતી કરીઅર ઓરિએન્ટેડ છે એટલે આ શરત માન્ય રાખીએ, પરંતુ મહેમાન ન જોઈએ અને હસબન્ડનું ટિફિન પણ ન ભરું એવું તો નથી ચાલવાનું. શ્રીમંત હોય તેઓ ચોવીસ કલાકના નોકરો રાખી શકે, ઉચ્ચ મધ્યમવર્ગનાં ઘરોમાં રસોઈવાળાં બહેન કંઈ આખો દિવસ નથી આવતાં. વહુ હરેફરે, જૉબ કરે એમાં કોઈને વાંધો નથી. ઘરમાં થોડુંઘણું પણ મૅનેજ કરવું પડે એની ના પાડે એ ખોટું છે. મર્સિડીઝ જોઈએ, હૉન્ડા નથી ચાલતી. અંધેરીથી આગળ નથી જવું. વિલે પાર્લેમાં જુહુ જોઈએ, ઈસ્ટમાં રહેતી છોકરી નહીં ચાલે. એક મીટિંગ દરમિયાન છોકરો છોકરીને રેસ્ટોરન્ટમાં લઈ ગયો. ફાઇવસ્ટાર હોટેલમાં ન લઈ ગયો એવું કારણ આપીને રિજેક્ટ કરી દીધો. મારો અનુભવ કહે છે કે યુવતીઓનો પગાર ઊંચો એટલે જોર વધારે.’
લગ્નોત્સુક યુવતીઓનાં હાઈ એક્સપેક્ટેશન છે એ સંદર્ભે વાત કરતાં નિ:શુલ્ક દરે સેવા આપતાં આશીર્વાદ મૅરેજ બ્યુરોનાં સંચાલક કાશ્મીરા ગાંધી કહે છે, ‘આજની યુવતીઓને કિચનનું કામ નથી ગમતું એ સ્વીકારી લીધા વિના ચાલે એમ નથી. અગાઉ અનેક મહિલાઓ ઘર સાચવીને નોકરી કરતી જ હતી. વાસ્તવમાં અત્યારની છોકરીઓ ઘર અને પ્રોફેશનલ લાઇફ વચ્ચે બૅલૅન્સ કરી શકે એટલી કૅપેબલ નથી અને જે કૅપેબલ છે તે કરવા નથી માગતી. છોકરીની મમ્મી કોના નામનો ફ્લૅટ છે, બૅન્ક-બૅલૅન્સ કેટલું છે, ઘરમાં ડસ્ટબિન (વૃદ્ધો) કેટલાં છે એવી પૂછપરછ કરે છે. માતા-પિતા જીવતાં હોય ને દીકરાના નામે ફ્લૅટ થોડા કરી નાખે? ૨૫ ટકા યુવતીઓને સંતાનો પણ નથી જોઈતાં. યુવકના પેરન્ટ્સ મેઇડ રાખી આપે, પાર્ટી કલ્ચરને ઍક્સેપ્ટ કરે તોય થોડાં એક્સપેક્ટેશન તો રાખે જને! છોકરીઓને જવાબદારી ઉપાડવી નથી એમાં ઉંમર વધતી જાય છે. જોકે મૅરેજ થાય કે ન થાય, તેમને કોઈ ફરક નથી પડતો. એક સમયે યુવતીઓને વિદેશના યુવકોનો મોહ હતો. એનઆરઆઇ યુવકો પુષ્કળ છે. સોમાંથી પાંચ છોકરીઓ પણ વિદેશ જવા તૈયાર નથી.’
માટુંગા-સાયન વિસ્તારમાં રહેતી જૈન યુવતીઓને મકાબો એટલે કે મલાડ, કાંદિવલી, બોરીવલીનો યુવક જોઈતો જ નથી. તેમને દિક્ષણ મુંબઈ જવું છે એવી માહિતી આપતાં નિ:શુલ્ક દરે સેવા આપતાં સગપણ સેતુનાં ટીમ મેમ્બર નયના દોશી કહે છે, ‘મુંબઈ હોય કે ગુજરાત, યુવતીઓને માતા-પિતાથી દૂર નથી જવું. પેરન્ટ્સનું ધ્યાન રાખવાવાળું કોઈ ન હોય ત્યારે આ વાત માન્ય રાખી શકાય. ઘણી યુવતીઓ એવું વિચારે છે કે મમ્મી નજીક હોય તો ભવિષ્યમાં સંતાનને સાચવી લેશે અને તેને જૉબ છોડવી નહીં પડે. યુવતીઓની કેટલીક અપેક્ષાઓ ખોટી નથી, પણ શરતોને આધીન લગ્ન ન થાય. પૈસા પેરન્ટ્સને આપીશ અથવા સાઇડમાં મૂકી રાખીશ એવું પણ હંમેશાં નથી ચાલવાનું. અમે તો ઢસરડા કર્યા, સાસરીમાં ખૂબ સહન કર્યું, દીકરીને ન કરવું પડે; યુવતીની માતાનાં આવાં નિવેદનો બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. તમારા પરિવાર માટે સમય યુટિલાઇઝ કર્યો એને ઢસરડાનું નામ આપવાથી દીકરીના મગજમાં બેસી જશે કે સાસરે જઈને બહુ કામ કરવાં પડશે. અમે કર્યું એ દીકરી ન કરે, આ વિચાર જ ખોટો છે.
દીકરા-દીકરીને વાળી શકાય એ ઉંમરમાં પરણાવી દેવાં જોઈએ. ઉંમરના એક તબક્કા પછી સમજાવવાં અઘરું છે.’
પ્રાયોરિટી કોને આપશો?
એક દાખલો આપતાં કાશ્મીરાબહેન કહે છે, ‘થોડા સમય અગાઉ સ્પેશ્યલ ચાઇલ્ડનાં લગ્નની વાત ચાલી હતી. યુવક બોલી-સાંભળી નથી શકતો. ખાધેપીધે સુખી માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. સામે એવી જ યુવતી હતી. છોકરીની મમ્મીને વાંધો એ પડ્યો કે છોકરો પાંચ વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે, તેનો પ્રોફેશનલ ગ્રોથ નથી થયો. તેમની દીકરી કરતાં ઓછું કમાય છે. યુવકના પેરન્ટ્સ પ્રૉમિસ આપે છે કે તમારી દીકરીને હથેળીમાં રાખીશું તોય ના પાડે છે. પર્ફેક્ટ મૅચ હોવાથી અમે ત્રણ મહિનાથી ટ્રાય કરીએ છીએ. સ્પેશ્યલ ચાઇલ્ડના કેસમાં પાત્ર મળવું મુશ્કેલ હોય છે. પ્રાયોરિટી પાત્રને આપવી જોઈએ એવું સમજવા તૈયાર નથી. ઘણી વાર સાવ નજીવી બાબતમાં ડિવૉર્સ થઈ જાય છે. તમારી દીકરીને સાસરીમાં હેરાન કરતાં હોય, મારપીટ કરતાં હોય તો તમે સો ટકા બોલો. તેના ઘરમાં દખલગીરી કરવી યોગ્ય નથી. આજે દીકરી કરતાં વધારે તેની મમ્મીનું રાજ ચાલે છે.’
મમ્મીનો વાંક
છોકરીઓને બગાડવામાં મમ્મીઓનો મોટો વાંક થાય છે. પ્રવીણાબહેન અકળાતાં કહે છે, ‘દીકરીને સમયસર થાળે પાડતાં નથી અને લગ્ન પછી સવાર પડે ને શું ખાધું ને શું પીધું પૂછવા ફોન કરે. મારી પાસે ભાઈંદર-વસઈ-વિરારમાં રહેતા પૈસેટકે સુખી યુવકોના બાયોડેટા છે. બિઝનેસના કારણે ત્યાં સેટલ થયા છે, પણ યુવતીઓને પાત્ર સાથે નિસબત નથી. તમારા ઘરમાં રાત્રે જમવામાં શાક-ભાખરી બને છે કે અવનવી વરાઇટી? આવો સવાલ પૂછનારા પેરન્ટ્સ પણ જોયા છે. દીકરીને દેશી રસોઈ નથી ભાવતી એટલે ભાખરી ખાતો પરિવાર ન ચાલે. માતા-પિતાની આવી માનસિકતાના કારણે દેખાવડી છોકરીઓ પણ ૩૫ વર્ષ સુધી ઘરમાં બેસી રહે છે. સાચું કહું તો આજના જમાનામાં છોકરીઓને પિયર કરતાં સાસરીમાં વધારે સુખ છે. રજાઓ હસબન્ડ અને ફ્રેન્ડ્સ વચ્ચે વહેંચાઈ જાય છે. કાઉન્સેલિંગ દરમિયાન અમે સમજાવીએ છીએ કે લગ્ન એટલે જલસા નહીં, સામાજિક જવાબદારી છે. ૨૫ વર્ષની ઉંમરે લગ્નનો વિચાર કરો. એક્સપોઝર વધ્યા પછી વાળવું અઘરું છે. જોકે પેરન્ટ્સ હવે જાગ્યા છે. હમણાં-હમણાં ૧૯૯૮ની સાલમાં જન્મેલી છોકરીઓના બાયોડેટા આવવા લાગ્યા છે. પેરન્ટ્સને ઉતાવળ નથી પણ સમય લાગશે એવી સમજદારી વાપરી નામ બહાર પાડ્યું છે.’
નવું કારણ
યુવકને રિજેક્ટ કરવાનાં જુદાં-જુદાં કારણોમાં એક નવું કારણ ઉમેરાયું છે. હાલમાં મુંબઈમાં હજારો ઇમારતો રીડેવલપમેન્ટમાં ગઈ છે. ભાડાના ફ્લૅટમાં રહેતા યુવકને યુવતીના પેરન્ટ્સ રિજેક્ટ કરી દે છે. તેમની દલીલ છે કે બિલ્ડિંગ બનતાં વર્ષો વીતી જાય. ત્યાં સુધી અમારી દીકરી ભાડાના મકાનમાં ફરતી રહે? આ સમયગાળામાં પરિસ્થિતિ બદલાઈ ગઈ તો? ઉકેલી ન શકાય એવી આ સમસ્યા છે. પાત્રને પ્રાયોરિટી આપો એવું ભાર દઈને કહેવા છતાં પેરન્ટ્સ વાત આગળ વધવા નથી દેતા.