Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલેજિયનો શા માટે ઉછાંછળા થઈ ગયા છે?

કૉલેજિયનો શા માટે ઉછાંછળા થઈ ગયા છે?

14 April, 2023 04:47 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

થોડા દિવસ પહેલાં એક નામાંકિત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ ક્લાસ દરમ્યાન પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનને સ્માર્ટ બોર્ડ સાથે કનેક્ટ કરી ક્લાસરૂમમાં ડીજે મ્યુઝિક વગાડવાનો પ્રયાસ કરતાં બૅચના તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


થોડા દિવસ પહેલાં એક નામાંકિત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ ક્લાસ દરમ્યાન પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશનને સ્માર્ટ બોર્ડ સાથે કનેક્ટ કરી ક્લાસરૂમમાં ડીજે મ્યુઝિક વગાડવાનો પ્રયાસ કરતાં બૅચના તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જીવનના સૌથી મહત્ત્વના તબક્કામાં કરીઅર પર ફોકસ કરવાની જગ્યાએ આ પ્રકારની ગેરવર્તણૂક કરતા યુવાનોની સંખ્યા વધી રહી છે એની પાછળનાં કારણો અને નિવારણોને સમજવાનો પ્રયાસ કરીએ

હાલમાં જ વિલે પાર્લેની નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા એક બોલ્ડ સ્ટેપ લેવામાં આવ્યું હતું. વર્ગખંડમાં ગેરશિસ્ત બદલ સેકન્ડ યર બીકૉમના ૧૮૦ વિદ્યાર્થીઓના સમગ્ર બૅચને ત્રણ દિવસ માટે કૉલેજ કૅમ્પસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ફેકલ્ટી મેમ્બરના પાવરપૉઇન્ટ પ્રેઝન્ટેશન દરમિયાન એક વિદ્યાર્થીએ એને સ્માર્ટ બોર્ડ સાથે કનેક્ટ કરી ક્લાસરૂમમાં ડીજે મ્યુઝિક વગાડવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોફેસરની ફરિયાદ બાદ મૅનેજમેન્ટે કડક કાર્યવાહી કરી હતી એટલું જ નહીં, વાઇ-ફાઇ સક્ષમ કૅમ્પસમાં ઇન્ટરનેટ ઍક્સેસને પણ હવેથી માન્ય શૈ​ક્ષણિક સાઇટ્સ પૂરતું મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  



સંસ્થાના એક અધિકારીનું કહેવું છે કે પૅન્ડેમિક પછી ફિઝિકલ ક્લાસરૂમ સ્ટડી માટે કૉલેજમાં પરત આવેલા વિદ્યાર્થીઓ સામે ગેરવર્તણૂકની ફરિયાદો વધી રહી છે. ફેકલ્ટી મેમ્બર સાથે અપમાનજનક વાત કરવી, વૉશરૂમનો ઉપયોગ કરવાના બહાને વર્ગખંડમાંથી બહાર નીકળી જવું, ચાલુ વર્ગમાં શાંતિ ન જાળવવી વગેરે કિસ્સાઓ બનતાં શિક્ષકો પરેશાન થઈ ગયા હતા. શિક્ષકોની ફરિયાદના આધારે વિદ્યાર્થીઓને ગેરશિસ્ત બદલ સસ્પેન્શન નોટિસ મોકલવામાં આવી હતી. જીવનના સૌથી મહત્ત્વના તબક્કામાં કરીઅરને ફોકસ કરવાની જગ્યાએ વિચલિત થઈ જવું કે બળવો કરવો યોગ્ય છે? ક્યાં જઈ રહી છે યુવાપેઢી? આ પ્રકારની વર્તણૂક ચલાવી લેવાય? આવી વૃત્તિ તેમનામાં આવી ક્યાંથી? યુથ કાઉન્સેલિંગ માટે કામ કરતા નિષ્ણાતો સાથે આ બાબત ચર્ચા કરીએ. 


અપગ્રેડેડ છીએ

નવી જનરેશનનાં લાઇફસ્ટાઇલ અને થિન્કિંગ જુદાં છે. મોંઘા ભાવના સેલફોન વાપરવા, કાર અથવા બાઇક લઈને કૉલેજમાં આવવું, નાઇટ પાર્ટીમાં એન્જૉય કરવામાં તેમને આનંદ આવે છે. યંગ ઍડલ્ટમાં જોવા મળતી ક્યુરિયોસિટી અને સાહસવૃત્તિ તેના વર્તનમાં દેખાય છે. ટીચર અને મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા પ્રમાણિક એજ્યુકેશન કાઉન્સેલર તરીકે કામ કરતાં વૈશાલી લિમ્બાચિયા કહે છે, ‘ઇન્ટરનેટના કારણે આજનો વિદ્યાર્થી એક લેવલ આગળ છે. ક્લાસમાં શિક્ષક જે ભણાવે છે એનું નૉલેજ તે પહેલાં જ મેળવી લે છે તેથી રસ જળવાતો નથી. મારી પાસે માહિતી છે એવું બતાવવા માટેનું વર્તન ક્યારેક ગેરશિસ્તમાં પરિણમે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વચ્ચેની સાંકળ ઇન્ટરનેટના કારણે તૂટી ગઈ છે. માનસિક તાણ, કુસંગત, મિત્રના કહેવાથી સાહસ કરી બતાવવાની જીદ, અપ્રિય ઘટના, ઑનલાઇન ગેમ્સ અથવા સોશિયલ મીડિયાની અસરમાં પણ તેઓ આવી હરકતો કરે છે.’ 


પૅન્ડેમિક બાદ મિસબિહેવિયરમાં વધુ એક કારણ ઉમેરાયું છે એમ જણાવતાં વૈશાલીબહેન કહે છે, ‘કોરોનાકાળમાં બધા વિદ્યાર્થીઓ રૂમમાંથી ઝૂમમાં આવી ગયા. એટલે કે ક્લાસરૂમનું સ્થાન કમ્પ્યુટર અને લૅપટૉપે લઈ લીધું. મોટા ભાગના વિદ્યાર્થીઓએ કૅમેરા ઑફ રાખીને સૂતાં-સૂતાં લેક્ચર અટેન્ડ કર્યાં છે. કૉલેજ શરૂ થયા પછી પણ લેક્ચર્સ સ્કિપ કરવાનું સ્ટૉપ થયું નથી. પરીક્ષા નજીક આવે ત્યારે ૭૫ ટકા હાજરીના નિયમને કારણે લેક્ચરમાં બેસે, પરંતુ ભણવામાં મન લાગે નહીં. સ્ટાર્ટિંગનાં ચૅપ્ટર મિસ કર્યાં હોય તેથી ટીચર્સ સમજાવે એ ઉપરથી જાય. કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માત્ર બારમા ધોરણ અને ફાઇનલ યરમાં જ અટેન્ડન્સ બાબત ચોક્કસ રહે છે. તેઓ પોતાનો રોલ વ્યવસ્થિત રીતે અદા કરે તો વિદ્યાર્થીઓ આવું કૃત્ય કરતાં અચકાશે. નોટિસ ફટકારવાથી કે વાલીઓને બોલાવવાથી વિદ્યાર્થીઓમાં લઘુતાગ્રંથિ બંધાશે. આ સોલ્યુશન નથી.’ 

ડરનો માહોલ કેમ?

મોટી અને નામાંકિત કૉલેજમાં આવી ઘટના બને ત્યારે વિદ્યાર્થીઓની માનસિકતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. શાસ્ત્રોની મદદથી તેમ જ અલગ-અલગ થેરપીના માધ્યમથી યંગ ઍડલ્ટના જીવનમાં ટ્રાન્સફૉર્મેશન લાવવાની દિશામાં કામ કરતાં અનાહત યોગાલયનાં ડૉ. બંસી શાહ કહે છે, ‘ખૂબ ભણો, સારા માર્ક્સ લાવો, કૅમ્પસ પ્લેસમેન્ટની તૈયારી કરો, પોતાની જાતને પ્રૂવ કરો, ઊંચા પગારની નોકરી મેળવો આ આપણી એજ્યુકેશન સિસ્ટમ છે. એના મગજમાં હજારો વિચારો ચાલતા હોય છે. એવરી ઍક્શન હૅઝ રીઍક્શન. યુવાનોને મશીન બનાવી દેશો તો એ મ્યુઝિક જ વગાડશે. મસ્તી કરીશ તો હોસ્ટેલમાં મૂકી આવીશ, પોલીસ પકડી જશે, ડૉક્ટર જ બનવાનું છે, નામાંકિત કૉલેજમાં ઍડ્મિશન મળે એટલા ટકા લાવવાના છે. આપણે નાનપણથી તેમને જુદી-જુદી રીતે ડરાવીને રાખીએ છીએ. આવી ઘટનામાં પણ આપણો અપ્રોચ સેમ હોય છે. પનિશમેન્ટ આપીને ડરનો માહોલ ઊભો કરી દો એટલે બધા ચૂપચાપ બેસી જશે. ડિસિપ્લિન જરૂરી છે પણ એનું પ્રૉપર ફૉર્મેટ હોવું જોઈએ. તેમનામાં સ્વચ્છંદીપણું આવી ગયું છે એવો દાવો ન કરી શકાય. ગેરવર્તણૂકનાં કારણો સુધી પહોંચશો તો સોલ્યુશન મળશે.’ 

ઉપાય શું?

યુવાપેઢી આપણું જ દર્પણ છે. ઘરમાંથી અને સોસાયટી પાસેથી તેને જે મળે છે એ રિફ્લેક્ટ થાય છે એમ સમજાવતાં ડૉ. બંસી કહે છે, ‘કોઈ વિદ્યાર્થીને લેક્ચરમાં ઇન્ટરેસ્ટ નથી પડતો એનું કારણ પહેલાં શોધીએ. ગેરવર્તણૂક કરે છે ત્યારે બની શકે કે એ સમયે તેના મગજમાં કોઈ બીજો વિચાર ચાલતો હોય. ઘરમાં કોઈ એવી સિચુએશન થઈ હશે, કંઈ બોલવા માગતો હશે અને સબકૉન્શિયસ માઇન્ડમાં ગેરવર્તણૂક થઈ ગઈ. શિક્ષકને તેમ જ આખા ક્લાસને હેરાન કરવાનો ઇન્ટેન્શન શું હતો એ જાણવું જોઈએ. વારંવાર આવું કરવાની પાછળ પેરન્ટ્લ ઇશ્યુ કે પિઅર પ્રેશર તો નથીને? આજે એવો કયો સાઇકિયાટ્રિસ્ટ છે જેની પાસે સ્ટુડન્ટ્સના કેસ નથી આવતા? આજનો વિદ્યાર્થી ચૅલેન્જથી ડરે છે તેથી જ સ્કૂલની અંદર પણ કાઉન્સેલરને અપૉઇન્ટ કરવાની જરૂર પડી રહી છે.’

આ પણ વાંચો : ગાયના ગોત્ર વિશે સાંભળ્યું છે?

વિદ્યાર્થીઓ પાસેથી સારી વર્તણૂકની અપેક્ષા રાખો છો તો પહેલાં એજ્યુકેશન સિસ્ટમને ઇન્કલેટ કરવાની જરૂર છે એવી વાત કરતાં તેઓ આગળ કહે છે, ‘વિદેશીઓ ભારતીય સંસ્કૃતિથી આકર્ષાયા છે જ્યારે આપણે એનાથી દૂર થઈ રહ્યા છીએ. ચાણક્ય, ભગવદ્ગીતા અને મેડિકલમાં સુશ્રુત આપણી ગળથૂથીમાં છે. પિઅર પ્રેશર ઓછું કરવાના રસ્તાઓ આપણે શોધવાના છે. ઘરનું અને આસપાસનું વાતાવરણ પણ તેની વર્તણૂક માટે જવાબદાર છે. બાળપણથી તેને ડરાવીને ન રાખો. પ્યુબર્ટીનો પિરિયડ આવે ત્યાં સુધી સંભાળી લેવાથી તેનું બંધારણ ઘડાઈ જાય છે. કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી રહેવા માટે કરીઅરને ફોકસમાં રાખવી અનિવાર્ય છે, પરંતુ કોઈ પણ વસ્તુનો એટલો મોટો ઇશ્યુ ન બનાવો કે યુવાનો ફ્રસ્ટ્રેશન લેવલ પર પહોંચી જાય. વાલ્મીકિ પણ વાલિયો બની શકે તો વિદ્યાર્થી કેમ ન સુધરી શકે? પ્રયાસ કરી જુઓ. વહેલું-મોડું સમજશે કે તેનું હિત શેમાં છે અને પછી નમન પણ કરશે.’

 પ્યુબર્ટીનો પિરિયડ આવે ત્યાં સુધી સંભાળી લેવાથી સંતાનનું બંધારણ ઘડાઈ જાય છે. કમ્પેટિટિવ વર્લ્ડમાં ટકી રહેવા માટે કરીઅરને ફોકસમાં રાખવી અનિવાર્ય છે, પરંતુ કોઈ પણ વસ્તુનો એટલો મોટો ઇશ્યુ ન બનાવો કે યુવાનો ફ્રસ્ટ્રેશન લેવલ પર પહોંચી જાય. ડૉ. બંસી શાહ

કરીઅરને દાવ પર ન લગાવો

વિદ્યાર્થીઓની વર્તણૂક માટે વાલીઓ અને શિક્ષકો જેટલા જ તેઓ પોતે પણ જવાબદાર છે. કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સમજી શકે એ વયના છે. આ સંદર્ભે વાત કરતાં વૈશાલીબહેન કહે છે, ‘વિદ્યાર્થીઓ વર્ગની અંદર પ્રવૃત્તિશીલ રહે એવા પ્રયાસો શિક્ષકોએ કરવા જોઈએ. ઇન્ટરૅક્શન દરમિયાન તેના વર્તનમાં ફરક પડે ત્યારે તપાસ કરવી. ફ્લો ચાર્ટ બતાવીને તેમને કરીઅરનું મહત્ત્વ સમજાવવું જોઈએ. આજના જમાનામાં અપગ્રેડેડ હોવું સારી વાત છે, પરંતુ સ્માર્ટકાર્ડ યુઝ કરવાની જરૂર નથી. શિક્ષકો ટાસ્ક આપે ત્યારે પ્રેઝન્ટ કરવાનું છે. વર્ગમાં આવીને બે સ્ટેપ આગળ વધવાથી અન્ય વિદ્યાર્થી કે જેઓ તમારા મિત્રો છે તેમનું પણ નુકસાન થાય છે. આ ઉંમરે કરીઅર દાવ પર ન લાગે એવી તકેદારી રાખવી જોઈએ. મનને શાંત રાખવા લાઇફ સ્કિલને ડેવલપ કરો. કાઉન્સેલરનું માર્ગદર્શન પણ લઈ શકાય.’

Whatsapp-channel Whatsapp-channel

14 April, 2023 04:47 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK