પરિવારના સભ્યો બધી રીતે ધ્યાન રાખતા હોય, પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ સમય નથી આપી શકતા તેથી નિવૃત્તિ બાદ અનેક વડીલોને એકલવાયું લાગે છે

મિત્રો સાથે એક્સરસાઇઝ કરી રહેલાં દામિનીબહેન શાહ.
પરિવારના સભ્યો બધી રીતે ધ્યાન રાખતા હોય, પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ સમય નથી આપી શકતા તેથી નિવૃત્તિ બાદ અનેક વડીલોને એકલવાયું લાગે છે. જોકે એવા ટાણે તમારા કંટાળા અને એકલતાને દૂર કરી શકે એવું જો કોઈ હોય તો એ છે મિત્રો. તમને વાત ખોટી લાગતી હોય તો પૂછો આ વડીલોને
સાઠ પછીની ઉંમર એટલે જીવનનો છેલ્લો તબક્કો. આ એવી અવસ્થા છે જ્યાં વ્યક્તિ શરીર અને મનથી નબળી પડતી જાય છે. એકલતા કોરી ખાય છે. શરીરનું જીર્ણ થવું એ કુદરતી પ્રક્રિયા છે પણ ઢળતી વયે મિત્રોનો સંગાથ હોય તો પાંચ વર્ષ વધુ જીવી જાઓ એવું અનેક રિસર્ચમાં સામે આવ્યું છે. મિત્રો સાથે સમય વિતાવતા સિનિયર સિટિઝન્સમાં સ્ફૂર્તિ, ઊર્જા અને યાદશક્તિ વધારે હોવાનું સાયન્સે પણ સ્વીકાર્યું છે ત્યારે એવા વડીલોને મળીએ જેમના જીવનમાં મિત્રતા નામના અનોખા સંબંધથી આનંદ જ આનંદ છવાયેલો હોય.
મનથી સ્વસ્થ રહું છું
બહેનપણીઓ સાથે ભાનુ સ્વરા (વચ્ચે)
વૃદ્ધાવસ્થામાં સવારનો સમય પૂજા-પાઠમાં અને રસોડામાં નીકળી જાય, પરંતુ સાંજ પડે એટલે ઘર ખાવા દોડે. દીકરો-વહુ વર્કિંગ છે અને પૌત્રી અભ્યાસમાં વ્યસ્ત થઈ જાય પછી કોની સાથે વાતચીત કરવી? નવ વર્ષ અગાઉ જીવનસાથીનો સાથ ગુમાવી દેનારાં ઘાટકોપરનાં ૭૫ વર્ષનાં ભાનુ સ્વરા કહે છે, ‘એ વખતે અમે ઉમરગામ રહેતાં હતાં. ગુજરાતમાં એકલાં બહાર જવાનું ફાવે પણ મુંબઈમાં ક્યાંક જવું હોય તો સથવારો જોઈએ. અહીં આવ્યા પછી એકલતામાં વધારો થયો. ખાસ કરીને સાંજનો સમય પસાર ન થાય. દીકરા-વહુના સર્કલમાં ભળી ન શકું. નવી પેઢીને ફ્રેન્ડ્સ સાથે પાર્ટી કરવાની મજા આવે એમ અમને પણ અમારા જેવા લોકો સાથે આનંદ આવે. પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ જિંદગીની ગતિ ધીમી પડી જાય ત્યારે એવા મિત્રો જોઈએ જેમની જીવનશૈલી તમારા જેવી હોય. જોકે શરૂઆતમાં મિત્રો બનાવતાં વાર લાગી. ધીમે-ધીમે સાંજના સમયે નીચે જવાનું શરૂ કર્યું. સોસાયટીના કમ્પાઉન્ડમાં ભેગી થતી મહિલાઓ સાથે વાતચીત અને ભજનકીર્તન કરવાથી ખુશી મળવા લાગી. હવે તો બહેનપણીઓ સ્ટ્રેસબસ્ટર બની ગઈ છે. બે દિવસ ન જાઉં તો ઘરે મળવા આવી જાય. એકબીજાને સમજી શકે એવી બહેનપણીઓ દસ મિનિટ માટે મળે તોય માનસિક શાંતિ અનુભવીએ.’
આ પણ વાંચો : રવિવારે આૅફિસના કૉલ્સ કે મેસેજ તમારી મજા બગાડે છે?
કંટક સમાન કંટાળાને દૂર કરે
(જમણેથી પહેલા) નવીન મોદી મિત્રો સાથે.
જીવનમાં સતત પ્રવૃત્તિ બાદ નિવૃત્ત થતાં એક શૂન્યાવકાશ સર્જાતો હોય છે. એને ભરવાનો શ્રેષ્ઠ ઉપાય મિત્રો છે એવું ઉત્સાહ સાથે જણાવતાં ઘાટકોપરના ૮૪ વર્ષના નવીન મોદી કહે છે, ‘હાલના જ અનુભવની વાત છે. બપોરનું નિદ્રાસુખ માણ્યા બાદ સમી સાંજે કંટાળામાં સરી પડ્યો. કુટુંબના બધા સભ્યો આવા સમયે કામમાં વ્યસ્ત હોય તેથી મારા જેવા જ નિવૃત્ત સમવયસ્ક મિત્રને ફોન જોડ્યો. તે હસીને કહે, ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા!’ અને પછી ઉમેર્યું, ‘ચાલ એકાદ કલાક ક્યાંક સાથે ફરી આવીએ.’ મિત્ર પાસે ડ્રાઇવર સાથેની કાર હોવાથી લૉન્ગ ડ્રાઇવ પર નીકળી ગયા. આમ ઉદાસીભરી સાંજ સોહામણી થઈ ગઈ. આવું તો અનેક વાર થયું છે. ઘરમાં બધા આપણી કૅર લેતા હોય, પરંતુ સમય ન આપી શકે. વધતી વયમાં કંટક સમાન લાગતા કંટાળાને પુષ્પ જેવા સુગંધી સુખમાં ફેરવે એનું નામ મિત્ર. મોટી વયે સ્વાસ્થ્યના કારણે હરવાફરવાનું સીમિત થઈ જાય ત્યારે મિત્રો સાથે સંપર્કમાં રહેવામાં ટેક્નૉલૉજી બહુ ઉપયોગી છે. આજકાલ વડીલોને વૉટ્સઍપ, ફેસબુક અને ઝૂમ જેવાં પ્લૅટફૉર્મ યુઝ કરતાં આવડી ગયાં છે. ટેક્નૉલૉજીમાં અમે પારંગત નથી પણ કો-ઑર્ડિનેશન કરી લઈએ છીએ. ક્યારેક ઘેરબેઠાં ઑનલાઇન કનેક્ટ થઈને તો કોઈક વાર ઑફલાઇન મળીને મહેફિલ જમાવી આનંદ કરીએ.’
બાળપણના ભેરુ સાથે ચાની ચૂસકી
બાળપણના મિત્રો સાથે મનોહર કાપડિયા (જમણેથી બીજા, પાછળ).
પાંત્રીસ વર્ષની નોકરી બાદ નિવૃત્ત જીવન ગાળતા વિરારના ૬૪ વર્ષના મનોહર કાપડિયા કહે છે, ‘તમે જમ્યા? તબિયત સારી છેને? દવા લીધી? ફૅમિલી મેમ્બરો દરરોજ આટલા પ્રશ્નો પૂછે. કાળજી રાખે, પણ એકલતા દૂર ન કરી શકે. રિટાયરમેન્ટ બાદ મિત્રો વિનાની કોઈ લાઇફ જ નથી. ઘરમાં રહીને એકદમ કંટાળી જવાય. સવારે દેવદર્શન કર્યા બાદ અંદાજે અગિયાર વાગ્યે એક મિત્રની દુકાને ભેગા થઈએ. આ અમારી રેગ્યુલર સિટિંગ પ્લેસ છે. અલકમલકની વાતો સાથે ચાની ચુસકીનો આનંદ ઉઠાવીએ. જમવાનો સમય થાય ત્યારે ઘરે આવી જાઉં. સાંજે વળી બીજા ગ્રુપ સાથે ક્રિકેટથી લઈને પૉલિટિક્સ સુધીની વાતો થાય. ત્યાંથી છૂટા પડ્યા બાદ ફરીથી એ જ મિત્રની દુકાને જૂના મિત્રોની ટોળી ભેગી થાય. અમે બધા બાળપણના ભેરુ છીએ. ખરેખર જેમ-જેમ ઉંમર વધે એમ જીવનમાં સમવયસ્ક મિત્રોની અનિવાર્યતા પણ વધતી જાય. અમુક વાતો એવી હોય જે તમે તેમની સાથે જ શૅર કરી શકો છો.’
આ પણ વાંચો : જેવી ડૂંડી એવા ઘઉં, જેવી સાસુ એવી વહુ
મિત્રો થકી જ જીવન
આજે પણ બાળપણના મિત્રો સાથે મજાનો સમય વિતાવતાં માટુંગામાં રહેતાં ૬૬ વર્ષના દામિની શાહ કહે છે, ‘જોતજોતામાં અમારી મિત્રતા પણ સિનિયર સિટિઝન થઈ ગઈ. સવારના સાડાછ વાગ્યે મિત્રો સાથે ફાઇવ ગાર્ડનમાં યોગ અને લાફ્ટર ક્લબથી દિવસની શરૂઆત થાય. બાંકડા પાર્ટીમાં નાસ્તા-પાણીનો જલસો કરીને છૂટા પડીએ. જોકે મિત્રો સાથેનો દિવસ અહીં પૂરો ન થાય, કારણ કે મિત્રો થકી જ જીવન છે. પોતાની જાતને વ્યસ્ત રાખવા અને વિવિધ પ્રવૃત્તિઓનો આનંદ ઉઠાવવા ૪૦ જેટલા ગ્રુપ સાથે જોડાયેલી છું. વિચારોની આપ-લે કરવામાં એવાં ઓતપ્રોત થઈ જઈએ કે સમય ક્યાં નીકળી જાય એની ખબર ન પડે. જુદા-જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાનો અને સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહેવાનો પણ શોખ છે. એટલા મિત્રો બનાવ્યા છે કે મારી પાસે બીજું કંઈ વિચારવા માટેનો સમય જ નથી. એક એવું ગ્રુપ પણ બનાવ્યું છે જેમાં એકલતાનો સામનો કરી રહેલા વડીલો પાસે જઈને અમે તેમને સમય પસાર કરાવીએ છીએ. એકલી રહું છું એમ છતાં ખુશખુશાલ છું. મજાની વાત એ કે હું ખુદને સિનિયર સિટિઝન નથી માનતી. મારી સ્ફૂર્તિ અને ચપળતાનું શ્રેય મિત્રોને આપું છું.’