પ્રવૃત્તિ દ્વારા તે પોતાનામાં જ અંતર્યામીને નિહાળી શકે છે. આપણે અંતર્યામીના નિવાસસ્થાન તરીકે આકાશને કલ્પ્યું છે. એવું જ એક અંતર-આકાશ માનવીની અંદર રહેલું હોય છે.
પ્રતીકાત્મક તસવીર
એવું કહેવાય છે કે સાચી સમજણની શરૂઆત મરણની વાસ્તવિકતા સ્વીકાર્યા પછી થાય છે. અંગ્રેજીમાં એક ચિંતકે લખ્યું છે કે Wish to die is begining of understanding. અંગ્રેજીમાં ગમે તે લખ્યું હોય પણ સાચી સમજણ પ્રાપ્ત કરવા માટે મરણની ઇચ્છા જગાડવાની જરૂર નથી, પરંતુ મૃત્યુ શું છે એ સમજવાની જરૂર છે. જેને પોતાના આત્માને અજવાળે આગળ વધવાની ટેવ પડી ગઈ હોય છે તેવી વ્યક્તિ વૃદ્ધાવસ્થા દરમ્યાન આવતી શરીરની નબળાઈઓની મર્યાદા સમજી લે છે અને એ મુજબ પોતાની અવિરતપણે ચાલતી પ્રવૃત્તિઓને મર્યાદિત કરી નાખે છે. એટલે કે પાછલી અવસ્થામાં પોતાની જે કંઈ શક્તિ બચી હોય એને અંતર્મુખ કરી પોતાની જાતને ઓળખવામાં તે વાળે છે. અને આ પ્રવૃત્તિ દ્વારા તે પોતાનામાં જ અંતર્યામીને નિહાળી શકે છે. આપણે અંતર્યામીના નિવાસસ્થાન તરીકે આકાશને કલ્પ્યું છે. એવું જ એક અંતર-આકાશ માનવીની અંદર રહેલું હોય છે. આવા આકાશ-દર્પણની અંદર પોતાના દેવનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં લોકપ્રિય કવિ હરીન્દ્ર દવે લખે છે, ‘ચહેરાઓ જોઈ-જોઈ થાક્યો છું દેવ... હવે મારે દર્પણમાં દેખવું આકાશ...’ દર્પણમાં (એટલે કે પોતાનામાં) દેવને નિહાળવાની જિજ્ઞાસા જે વ્યક્તિમાં જાગે છે તે વ્યક્તિને મૃત્યુનો ભય કદી સતાવતો નથી. મરણ માણસને સાવધ કરે છે. ‘મરવાનું છે’ એવી સમજણ આવે પછી માણસનું વર્તન-જીવન બદલાઈ જાય છે. જીવન જીવવા જેવું બનાવવા માટે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ કરવા માટેની તૈયારી રાખવી જોઈએ. અકાળે વૈધવ્ય પ્રાપ્ત કરેલી સ્ત્રી કે વિધુર બનેલો પુરુષ હતાશ બનીને પડી ભાંગતો હોય છે અને ક્યારેક જીવનમાંથી રસ ઊડી જતો હોય છે. આવી વ્યક્તિએ પોતાને જેમાં રસ પડે એવું કાર્યક્ષેત્ર શોધી લેવું જોઈએ. કાર્યક્ષેત્ર એટલે માત્ર ધંધાદારી ક્ષેત્ર નહીં પણ પ્રેમપૂર્વક કરી શકાય એવું સેવાનું ક્ષેત્ર. જો નાની ઉંમરે વૈધવ્ય પ્રાપ્ત થાય અને એકલતા સહન ન કરી શકાય એવું લાગતું હોય તો સ્ત્રી કે પુરુષે આવા સંજોગોમાં યોગ્ય પાત્ર શોધીને પુન: સંસાર માંડવો જોઈએ. સ્ત્રી કે પુરુષને જીવન વ્યતીત કરવા માટે પ્રેમપાત્રની જરૂર પડતી જ હોય છે. ગુણવંત શાહે લખ્યું છે કે જે માણસ પ્રેમથી વંચિત રહી જાય તે નૉર્મલ રહી શકતો નથી. આવો પ્રેમ વ્યક્તિ પ્રત્યે ન ઢાળી શકાય તો ઈશ્વર પ્રત્યે ઢાળવો. આવી કોઈ વ્યક્તિ પતિ કે પત્ની હોય એવું પણ જરૂરી નથી હોતું. કોઈ નિરાધાર વ્યક્તિ અથવા કોઈ સંસ્થાના કાર્ય પ્રત્યેનો પ્રેમ પણ હોઈ શકે છે. સાચો પ્રેમ કદી બદલાની આશા રાખતો નથી. એક ચિંતકે લખ્યું છે, ‘બોલવું તો ગૌણ છે, પ્રેમમાં મુખ્ય મૌન છે.’ માનવજીવનની મોટામાં મોટી ટ્રૅજેડી પ્રેમ ન પામવો એ છે.
-હેમંત ઠક્કર
