Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઈશ્વરે આપેલા ૨૪ કલાક આપણને કેમ ઓછા પડવા લાગ્યા?

ઈશ્વરે આપેલા ૨૪ કલાક આપણને કેમ ઓછા પડવા લાગ્યા?

Published : 19 October, 2025 02:44 PM | IST | Mumbai
Jayesh Chitalia

મોબાઇલની દુનિયામાં એકેએક જણ પોતાનામાં એવો ખોવાઈ ગયો છે કે આપણને હવે ઈશ્વરે આપેલા ૨૪ કલાક ઓછા પડવા લાગ્યા છે. કોણ જાણે આપણી પાસે સમય છે જ નહીં એવી ફીલિંગ ચારેકોર દોડી રહી છે. દિવસ-રાતના ૩ ભાગ એવા ૮ ગુણ્યા ૩ બરાબર ૨૪નું ગણિત જાણે ગાયબ થઈ ગયું છે.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સીધી વાત

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


આપણો સમય ક્યાં સૌથી વધુ વપરાય છે એવું કોઈ પૂછે તો આજના સમયમાં પૂરેપૂરી પ્રામાણિકતાથી કહી દેવું પડે કે મોબાઇલ અને સોશ્યલ મીડિયામાં. અલબત્ત, આપણે નોકરી-ધંધામાં પણ સમય આપીએ છીએ અને વિદ્યાર્થીઓ અભ્યાસ-શિક્ષણમાં સમય આપે છે. ૮ કલાક કામકાજ, ૮ કલાક ઊંઘ અને ૮ કલાક રોજિંદી ક્રિયાઓમાં પસાર થાય; પરંતુ આ બધું તો જીવનના-પ્રકૃતિના નિયમના ભાગરૂપ છે. એમ છતાં આજની વાસ્તવિકતામાં આ ત્રણેય ૮ કલાકમાંથી પણ સોશ્યલ મીડિયા આપણો સમય છીનવી રહ્યું છે. 

તમને થઈ શકે કે અહીં અમારા તરફથી સોશ્યલ મીડિયા અંગે વારંવાર સજાગતા સંબંધી વાતો કરવામાં આવે છે; પરંતુ જેમ કોરોના પછી વારંવાર એની સામે ચેતવણીની વાતો કરવી જરૂરી હતી એમ કોરોના કરતાં પણ ખતરનાક આ વાઇરસ પ્રત્યે સજાગ થવાની વાતો કરવી અનિવાર્ય છે, કેમ કે આપણી જિંદગી સતત ડિજિટલ-સોશ્યલ મીડિયામાં ખોવાતી જાય છે જેની આપણને ખબર છે. એમ છતાં કરુણતા એ છે કે એને પકડી કે રોકી શકાતી નથી. આપણા સમાજમાં સંયુક્ત પરિવારના વિભાજન બાદ હવે મોબાઇલને કારણે ન્યુક્લિયર પરિવાર પણ જાણે વિભાજિત થઈ રહ્યો છે. ચેતી શકો તો ચેતો. 



મોબાઇલની દુનિયામાં એકેએક જણ પોતાનામાં એવો ખોવાઈ ગયો છે કે આપણને હવે ઈશ્વરે આપેલા ૨૪ કલાક ઓછા પડવા લાગ્યા છે. કોણ જાણે આપણી પાસે સમય છે જ નહીં એવી ફીલિંગ ચારેકોર દોડી રહી છે. દિવસ-રાતના ૩ ભાગ એવા ૮ ગુણ્યા ૩ બરાબર ૨૪નું ગણિત જાણે ગાયબ થઈ ગયું છે. આપણા જીવનમાં સમયની એવી અછત સર્જાતી જાય છે કે હવે સમય બચાવવા માટે પણ સમય નથી.


આપણે હવે ભાગ્યે જ કોઈની પણ સાથે શાંતિથી કે ધ્યાનથી વાત કરી શકીએ છીએ, કેમ કે કતાર હાજર હોય છે. વાંચવાનું ઘટતું જતાં સાંભળવાનો અને જોવાનો ટ્રેન્ડ વધ્યો, પરંતુ હવે તો સાંભળવાનો કે જોવાનો આપણો ટાઇમ-સ્પૅન અને અટેન્શન-સ્પૅન સતત ઘટી રહ્યો છે. ક્યાંય પણ જઈએ, આપણો જીવનસાથી મોબાઇલ આપણા સમયને ખેંચી લેવામાં વધુ સ્માર્ટ બન્યો છે. વિચાર તો કરો કે આપણો ફોન પોતે કેટલો સમય મૌન રહે છે? તો આપણને ક્યાંથી શાંતિ લેવા આપશે?

સોશ્યલ મીડિયા આપણો સમય જ નહીં, આપણને પણ ખાઈ રહ્યું છે. આપણે ડ્રગ્સ, શરાબ, જુગાર વગેરે કરતાં પણ મોબાઇલ-સોશ્યલ મીડિયાના વધુ ઍડિક્ટ (વ્યસની) થતા ગયા છીએ. આપણે આ માર્ગે સમય પસાર કરવા જતાં સમયને સતત ખોઈને જાત માટે સતત સ્ટ્રેસ અને માંદગી ઊભી કરી રહ્યા છીએ. આ નવા વરસે આ જાળમાંથી મુક્ત થવાનો અને આપણા સ્વજનો-પ્રિયજનોને પણ મુક્ત કરવાનો દૃઢ સંકલ્પ લઈએ તો કદાચ બચી જઈ શકીએ. સમય હોય તો વિચારજો, શું તમે તૈયાર છો? જાતને જવાબ આપજો.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2025 02:44 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK