ગ્રામીણ ગુજરાતમાં જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં પોતાના ખર્ચે શિક્ષકો મૂકીને વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળે એ માટે અમદાવાદના ૭૦ વર્ષના પ્રતુલ શ્રોફે સરસ પહેલ કરી છે.
પોઝિટિવ સ્ટોરી
પ્રતુલ શ્રોફ
સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ કેવી રીતે નિભાવવું અને ઋણ કેવી રીતે ચૂકવવું એ જાણવું અને સમજવું હોય તો અમદાવાદના ૭૦ વર્ષના પ્રતુલદાદાને મળવું પડે. વર્ષોથી અમેરિકા અને ત્યાર બાદ અમદાવાદમાં આઇટી ક્ષેત્રે કાર્યરત રહી બિઝનેસ કરનાર પ્રતુલ શ્રોફને થયું કે જીવનમાં એક સમય પછી મીંડાનું મહત્ત્વ કેટલું? અને સમાજમાં મારું કર્તવ્ય શું? એ વિચારે તેમના આત્માને ઢંઢોળ્યો અને મહાત્મા ગાંધીની વાતને અનુસરીને તેઓ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંઓમાં જઈને પ્રાથમિક શાળાઓમાં પોતાના શિક્ષકો દ્વારા ગ્રામીણ બાળકોને અભ્યાસ કરાવવાની સાથે સંસ્કાર-સિંચન કરીને તેમના જીવનનું બખૂબી રીતે તેઓ ઘડતર કરી રહ્યા છે.
આઇટી ક્ષેત્રના બાદશાહ કહી શકાય એવા આ આઇટી નિષ્ણાતના મતે જો વ્યક્તિ ભણ્યો હશે તો ઍટ લીસ્ટ તેના પગ પર ઊભો રહી શકશે. આ વિચાર સાથે તેમણે સમાજમાં પોતાનું કર્તવ્ય નિભાવવા ગ્રામીણ વિસ્તારનાં બાળકોને શિક્ષણ આપવાનું વિચાર્યું. પણ કેવી રીતે આ બાળકોને શિક્ષણ આપવું એવો પ્રશ્ન પણ મનમાં ઊઠ્યો, કેમ કે ગામડાંઓમાં સ્કૂલો તો છે જ એટલે તેમણે સ્ટડી કર્યો, જેમાં તેમને જાણવા મળ્યું કે ખાસ કરીને ગુજરાતનાં દૂરનાં અંતરિયાળ ગામડાંઓ, પછાત, આદિવાસી વિસ્તારનાં ગામડાંઓમાં વધારે ગૅપ છે અને નાનાં ગામો કે જ્યાં જવા માટે મોટા ભાગે શિક્ષકો બહુ તૈયાર નથી થતા એવાં ગામની શાળામાં બાળકોને મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજી વિષયનું શિક્ષણ મળી રહે એ માટે પોતાના ખર્ચે શિક્ષકોને જે-તે ગામની શાળાઓમાં જરૂરિયાત પ્રમાણે મૂક્યા અને ગામડાનાં બાળકોને શિક્ષિત કરવા પદ્ધતિસરના શિક્ષણયજ્ઞની શરૂઆત કરી અને એને માટે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનની રચના કરી. ૨૦૧૨માં પાંચ ગામમાં પાંચ શિક્ષકથી શરૂઆત કરી હતી અને આજે સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી સહિતના ૧૧ જિલ્લાઓનાં ૬૨૦ જેટલાં ગામડાંઓની સ્કૂલોમાં ધોરણ ૩, ૪, ૫ તેમ જ ૯ અને ૧૦માં તેમના ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરેલા ૭૦૫ જેટલા શિક્ષકો મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજી વિષયનો અભ્યાસ કરાવી રહ્યા છે તેમ જ અઠવાડિયે એક વાર જીવનઘડતરના ક્લાસ પણ લઈ રહ્યા છે અને આ તમામ શિક્ષકોને પગાર પણ સંસ્થા પોતે ચૂકવે છે.
ADVERTISEMENT
ગામડાનાં બાળકોને સુશિક્ષિત કરવાનો મંત્ર જડ્યો
અમેરિકામાં મહેનત કરીને આઇટી ક્ષેત્રે ઊભી કરેલી દોમ દોમ સાહ્યબી વચ્ચે પણ એ બધું છોડી આવીને ગામડાનાં બાળકોને સુશિક્ષિત કરવાનો મંત્ર કેવી રીતે જડ્યો અને એની લગન કેવી રીતે લાગી એ વિશે વાત કરતાં ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને મૅનેજિંગ ટ્રસ્ટી પ્રતુલ શ્રોફ કહે છે, ‘મારો જન્મ અમદાવાદમાં થયો હતો. એમ. એસ. ઇલેક્ટ્રૉનિકસ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. શાળાના અભ્યાસ દરમ્યાન ભારત વિશે કવિતા વાંચી હતી. એ વાંચ્યા બાદ વિચાર્યું કે સમાજ માટે કંઈક કરીશ, પણ પછી અમેરિકા ગયો અને એ જમાનામાં ત્યાં ચિપ્સ બનાવતી કંપનીમાં પ્રોસેસર ડિઝાઇનર તરીકે કામ કર્યું. એ પછી એક સ્ટાર્ટઅપમાં કામ કર્યું, પણ એક દિવસ જે કંપનીમાં હું શરૂઆતથી કામ કરતો હતો એ કંપનીએ ઘણા બધા કર્મચારીઓને છૂટા કર્યા એમાં મને પણ છૂટો કર્યો ત્યારે મને આઘાત લાગ્યો હતો, પણ હું ચોક્કસપણે માનું છું કે ઈશ્વર જ્યારે પણ તેમને ખાણમાં મોકલે છે ત્યારે કારણસર મોકલે છે, તમારી આંખ ઊઘડે છે. એ વખતે મેં વિચાર્યું કે શું કરવું? એટલે ૧૯૮૬માં ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો. ભારત આવીને પાર્ટનરશિપમાં કંપની શરૂ કરી. ૧૯૯૪માં ઈ-ઇન્ફોચિપ્સ કંપની શરૂ કરી. કંપની તો મોટી થતી ગઈ, એમાં પણ જવાબદારીઓ વધતી ગઈ, પણ મનમાં પેલો વિચાર આવતો કે સમાજ માટે મારે કંઈક કરવું છે. આ વિચારને અમલમાં મૂકતાં ડૉ. કે. આર. ફાઉન્ડેશનની રચના કરી. એ સમયે વિચારધારા એવી હતી કે માણસ ભણેલો હશે તો ઍટ લીસ્ટ તે તેના પગ પર ઊભો રહી શકશે, એટલે થયું કે હેલ્થકૅર કરી શકો, અનાથાશ્રમ કરી શકો કે એવું કંઈક કરી શકો, પણ અમે શિક્ષણનું કામ હાથ પર લેવાનું શરૂ કર્યું. કેમ કે શિક્ષણમાં અમે નોટિસ કર્યું કે દૂરનાં ગામડાંઓમાં, પછાત વિસ્તારના, આદિવાસી વિસ્તારનાં ગામડાંઓમાં સૌથી વધારે ગૅપ છે. એક હજારની વસ્તીવાળાં ગામડાંઓમાં શિક્ષકો જવા તૈયાર ન થાય એટલે સરકારની સહભાગિતામાં સરકાર સાથે રહીને શિક્ષણક્ષેત્રે કામ શરૂ કર્યું. શરૂઆતના તબક્કામાં સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાની શાળાઓમાં જ્યાં શિક્ષકો નહોતા ત્યાં અમે પૂરક શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવવા મોકલ્યા અને પાંચ ગામની પાંચ શાળાથી અમે બાળકોને અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું, પણ અમારે પાંચ-દસ સ્કૂલો સુધી સીમિત નહોતું રહેવું એટલે અમે આગળ વધ્યા.’
૬૨૦ ગામ સુધીની સફર
ગામડાંઓનાં બાળકોને શિક્ષણ આપવાની સફરની વાત કરતાં પ્રતુલ શ્રોફ કહે છે, ‘સંસ્થાએ ૨૦૧૨માં સાબરકાંઠાના ઇડર પાસે વડાલી તાલુકામાંથી શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. એ પછી ધીરે-ધીરે અરવલ્લી, નર્મદા, બોટાદ અને અમરેલી જિલ્લાની શાળોમાં શિક્ષકો મોકલ્યા છે. નર્મદા જિલ્લામાં સાગબારા અને ડેડિયાપાડા તાલુકાઓનાં ગામમાં લગભગ શિક્ષકો ટકે નહીં એવાં અંતરિયાળ ગામની શાળાઓમાં શિક્ષકોને મોકલીને બાળકોનો અભ્યાસ અટકે નહીં એ માટે કાર્યરત છીએ. શરૂઆત પાંચ સ્કૂલોથી કરી હતી અને આજે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, નર્મદા અને ભરૂચ જિલ્લાનાં ૬૨૦ ગામડાંઓમાં ૭૦૫ જેટલા શિક્ષકોની ટીમ કાર્યરત છે, જેઓ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. ૩, ૪, ૫ અને ૯ તેમ જ ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતાં બાળકોને મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજી વિષય શીખવાડીએ છીએ. ગયા વર્ષે ૩૩,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને અને આ વર્ષે ૪૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને અમારા શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે અને આવતા શૈક્ષણિક સત્રમાં એક લાખથી વધુ બાળકો સુધી પહોંચવાનો અમારો લક્ષ્યાંક છે.’
લોકલ યુવા વર્ગને પ્રાધાન્ય
ગામડાંઓમાં અને એમાં પણ અંતરિયાળ ગામો, આદિવાસી અને પછાત વિસ્તારની શાળાઓમાં શિક્ષકોને મોકલવા એ એક પ્રકારની ચૅલેન્જ છે ત્યારે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશને નવતર પ્રયાસ કર્યો જે સરાહનીય બની રહ્યો એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અમારે જે ગામની શાળામાં શિક્ષકો મોકલવાના હોય એ ગામમાં તપાસ કરીએ છીએ કે જે યુવક-યુવતી ભણેલાં હોય અને તેમની પાસે નોકરી નથી એવો ૧૨મી પાસ, બીએ, બીકોમ, એમએ પાસ હોય કે બીએડ પાસ હોય એવો યુવાવર્ગ જેનામાં ગામનાં બાળકોને અભ્યાસ કરાવવાની ભૂખ છે, બાળકો પ્રત્યે લગાવ છે, જેને આગળ આવવું છે એવા યુવાવર્ગને પસંદ કરીએ છીએ અને તેમને તાલીમ આપીને શિક્ષક તરીકે તૈયાર કરીએ છીએ. આની પાછળ એવું કારણ છે કે ગામના બેરોજગાર યુવાનને નોકરી મળે, બેકાર હોય તો તેને મહેણાંટોણા સાંભળવાં પડતાં હોય એ બંધ થાય, ગામમાં એ યુવક-યુવતીનું સોશ્યલ સ્ટેટસ બદલાય અને વફાદારી સાથે કામ કરે. આ ઉપરાંત નોકરીની શોધમાં ગામડાંઓનો યુવાવર્ગ શહેર તરફ વળી રહ્યો છે એ થોડા પ્રમાણમાં અટકે એટલે કે ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર અટકે.’
શિક્ષકો માટેનું તાલીમ-કેન્દ્ર
જે યુવક-યુવતીઓની શિક્ષક તરીકે પસંદગી થાય તેને સીધાં જ શાળામાં અભ્યાસ કરાવવા મોકલવામાં આવતાં નથી, પરંતુ પહેલાં તેમને શાળામાં કેવી રીતે અભ્યાસ કરાવવો એ માટેની પદ્ધતિસરની તાલીમ આપવામાં આવે છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘અમે ઇડર પાસે વડાલીમાં તાલીમ-કેન્દ્ર શરૂ કર્યું હતું, જ્યાં શિક્ષક તરીકે પસંદ કરેલાં યુવક-યુવતીઓને ચારથી છ મહિનાની તાલીમ આપીએ છીએ. ક્લાસમાં કેવી રીતે અભ્યાસ કરાવવો, બાળકોને કેવી રીતે હૅન્ડલ કરીને તેમને જે-તે વિષયનું શિક્ષણ આપવું, તેમની પરીક્ષા કેવી રીતે લેવી, પેપર કેવી રીતે ચકાસવાં એના સહિતની તાલીમ આપીને તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગેમ્સ શીખવીએ છીએ અને રમત દ્વારા અભ્યાસ કરાવવાની પણ તાલીમ અપાય છે. શિક્ષકો બાળકોને અભ્યાસ કરાવે છે કે નહીં એ માટે પણ સૉફ્ટવેર ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ઑનલાઇન સિસ્ટમ ગોઠવી છે. દરેક ચૅપ્ટર પૂરું થયા પછી બાળકોની ટેસ્ટ લેવાય, બાળકોના માર્ક ઑનલાઇન અપડેટ થાય, એનો ડેટા એકઠો થાય અને એનું મૉનિટિંરગ કરીને ઍનૅલિસિસ કરવામાં આવે છે. બાળકોના અભ્યાસ માટે ઍન્યુઅલ પ્લાનિંગ કરીએ છીએ, કયા વિષયો શીખવવા, અભ્યાસમાં નબળાં બાળકોને આગળ લઈ જવાં, તેમનો અભ્યાસ સુધારવા, જ્યાં લાગે કે બાળક નબળું છે તો તેને આગળ વધારવાના પ્રયાસ કરવામાં આવે છે. વડાલીની જેમ અન્ય
જગ્યાએ પણ તાલીમ-કેન્દ્ર છે જ્યાં અમે કૉર્પોરેટ જેવી ટ્રેઇનિંગ આપીને લીડર્સ ઊભા કરીએ છીએ જે સ્વતંત્ર રીતે વિચારે, સ્વતંત્ર રીતે નિર્ણય કરે અને નવા-નવા આઇડિયા વિચારીને આગળ વધે.’
ડિમાન્ડ મુજબ શિક્ષકો
તાલીમ લઈને શિક્ષકને તૈયાર કર્યો હોય એટલે સીધા જ તેમને સ્કૂલમાં અભ્યાસ કરવા મોકલાતા નથી, પરંતુ જે-તે ગામની શાળામાંથી ડિમાન્ડ આવે એ મુજબ જરૂરિયાત પ્રમાણે પરમિશનથી જે-તે ગામની શાળામાં શિક્ષકને મોકલવામાં આવે છે એની વાત કરતાં
પ્રતુલ શ્રોફ કહે છે, ‘અમે શિક્ષણ વિભાગના જે-તે વિસ્તારના બ્લૉક રિસોર્સ કન્ટ્રોલર અને ક્લસ્ટર રિસોર્સ કન્ટ્રોલરની પરમિશનથી આ કામ કરીએ છીએ, જેમાં જે-તે શાળાના પ્રિન્સિપાલને શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે મળીને વાત કરીએ છીએ કે તમારે કયા શિક્ષકની જરૂરિયાત છે એ જાણીને પરમિશન સાથે અમારા શિક્ષકને બાળકોને અભ્યાસ કરાવવા શાળામાં મોકલીએ છીએ. હવે તો થયું છે એવું કે ગામમમાંથી ગામ લોકો, ગામની શાળાના ટ્રસ્ટીઓ, શાળાના પ્રિન્સિપાલ દ્વારા અમને
સામેથી ડિમાન્ડ આવવા લાગી છે કે આ ગામની શાળામાં આટલા શિક્ષક જોઈએ છે તો મોકલી આપશો. ગયા વર્ષે ૩૦૦ ટીચર માટે રિક્વેસ્ટ આવી હતી.’
પરિણામમાં થઈ રહેલો સુધારો
સંસ્થાના શિક્ષકો જે-તે ગામની શાળામાં અભ્યાસ કરાવતા થયા બાદ શાળાઓમાં ધીરે-ધીરે પરિણામમાં સુધારો થયો છે એની વાત કરતાં પ્રતુલ શ્રોફ કહે છે, ‘અમે જોયું છે કે જે શાળાઓમાં અમારી સંસ્થાના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે ત્યાં પહેલાં મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજી વિષયમાં જ્યાં ૩૬ માર્ક આવતા ત્યાં હવે ૬૭ માર્ક આવે છે. અમારા શિક્ષકો અને બાળકોનું મૉનિટરિંગ કરીને જ્યાં જરૂર પડે ત્યાં બાળક કે શિક્ષકને વિષયમાં આગળ વધારવા પ્રયત્ન કરીએ છીએ એટલે શાળાઓના પરિણામમાં ઉત્તરોત્તર સુધારો થઈ રહ્યો છે.’
સંસ્થા જાતે જ પગાર ચૂકવે
કોઈ પણ વ્યક્તિ કામ કરતો હોય તો તેની ઇચ્છા હોય જ કે તેને તેનું મહેનતાણું મળે એટલે ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનના શિક્ષકોને પણ મહેનતાણું સંસ્થા જ ચૂકવે છે એની વાત કરતાં તેઓ કહે છે,
‘અમારા જે શિક્ષકો શાળાઓમાં અભ્યાસ કરાવવા જાય છે તેમને પગાર ચૂકવવા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરતા નથી, પરંતુ આ શિક્ષકોને અમારી સંસ્થા જ પગાર ચૂકવે છે. અમે શિક્ષકોને રિઝનેબલ પગાર ચૂકવીએ છીએ. શરૂઆતમાં શિક્ષકને ૧૨,૦૦૦ રૂપિયાનો પગાર આપીએ છીએ અને દર વર્ષે શિક્ષકના પર્ફોર્મન્સ પ્રમાણે ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ.’
થોડો અભિગમ બદલાય તો વિકાસ જુદી રીતે થઈ શકે
પ્રતુલ શ્રોફ સમાજને સંદેશ આપતાં કહે છે, ‘ગાંધીજીએ કહ્યું હતું કે સાચું ભારત ગામડામાં વસે છે, એટલે હું માનું છું કે જે જાગ્રત નાગરિકો છે તેમણે પોતાની દૃષ્ટિ અને દોડ તથા અભિગમ થોડા બદલવાં જોઈએ. જો એમ થાય અને જો ગામડાં ઊંચાં આવશે તો વિકાસ જુદી રીતે થઈ શકશે. જાગરૂકતા, સભાનતા આવે તો સમાજ પરિવર્તિત થઈ શકે. હું માનુ છું કે કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યું નથી, અહીં બધું છોડીને જવાનું છે. મારી પાસે ૧૦૦૦ કરોડ હોય કે એક લાખ કરોડ હોય, પણ મારી પ્રાયોરિટી શું છે? મારે કરવું શું છે? બધું છોડીને જવાનું છે તો અત્યારે કેમ નહીં? તમે કોઈને આપો છો એ તમારી જાતને જ આપો છો. ગિવિંગ ઈઝ રિસીવિંગ. મારો મૂળ હેતુ ગામડાનાં બાળકો ભણે એ છે અને એને માટે હું પ્રયાસ કરી રહ્યો છું.’
યોજનાઓ બાબતે જાગૃતિ
પ્રતુલ શ્રોફની સંસ્થા ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન જરૂરિયાતવાળાં બાળકોને સ્કૉલરશિપ પણ આપે છે. જરૂરિયાતમંદ બાળકના ઘરે દર મહિને રૅશન-કિટ પણ મોકલાય છે જેમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ હોય છે. એ ઉપરાતં ગામનો સર્વાંગી વિકાસ થાય એ માટે ગયા વર્ષથી પ્રયત્નશીલ થઈને સંસ્થાએ સરકારી યોજનાનો લાભ કેવી રીતે ગામ લોકો સુધી પહોંચે એના પ્રયાસ હાથ ધરીને હેલ્થ કાર્ડ, ગંગાસ્વરૂપ યોજના, પાલક માતા, ઈ-શ્રમ યોજના સહિતની સાત-આઠ સરકારી યોજનાઓ વિશે આશરે ૩૦,૦૦૦ જેટલા ગ્રામ્યજનોને સમજ આપીને તેમને સરકારી યોજનાના લાભ અપાવવામાં મદદ કરી છે.
એક સારો વિચાર કેવું સદ્કાર્ય કરાવે છે એનો જીવતો-જાગતો દાખલો એટલે પ્રતુલ શ્રોફ કહી શકાય. તેમણે મહાત્મા ગાંધીના ગામડાના વિચારને આત્મસાત કરીને છેવાડાનાં ગામડાંઓનાં બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન છેડ્યું અને આજે તેમને અને તેમની સંસ્થાને સફળતા પણ મળી છે ત્યારે તેમનું અને તેમની ટીમનું કાર્ય સરાહનીય, ઉદાહરણીય અને અભિનંદનીય છે.
ગ્રામીણ બાળકોને અભ્યાસ કરાવવા માટે શિક્ષણનું મૉડલ
ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનું શિક્ષણનું મૉડલ કેવું છે અને કેવી રીતે શિક્ષકો પર મૉનિટરિંગ કરે છે એ વિશે વાત કરતાં સંસ્થાના પ્રોગ્રામ મૅનેજર મુંજાલ દેસાઈ કહે છે, ‘અમારી સંસ્થામાં ૬૫૦ શિક્ષકો અને મૉનિટરિંગ માટેના કર્મચારીઓ મળીને કુલ ૭૦૦ જેટલો સ્ટાફ છે. ૧૦ શિક્ષકો પર એક ટીમ-લીડર છે જે સ્કૂલમાં વિઝિટ કરે છે. બાળકોના અભ્યાસનું ઍનૅલિસિસ કરે છે. પાંચ ટીમ-લીડર પર એક ક્લસ્ટર હેડ હોય છે જે ઑનલાઇન ઍનૅલિસિસનું કામ કરે છે જેથી શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકો કેવો અભ્યાસ કરાવે છે અને બાળકો કેવો અભ્યાસ કરી રહ્યાં છે એની ખબર પડે. જ્યાં કોઈ શિક્ષક કે બાળક વીક જતું હોય તો તેના પર ધ્યાન આપવામાં આવે છે.’
ગામના છોકરા ગામની શાળામાં જ ભણશે
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના અંતરિયાળ ગામ કુબાધરોલમાં આવેલી શ્રી કે. બી. પટેલ હાઈ સ્કૂલને ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશનનો સપોર્ટ મળતાં ગામે નક્કી કર્યું કે ગામના છોકરા ગામની શાળામાં જ ભણશે. એ વાત કહેતાં હાઈ સ્કૂલના ટ્રસ્ટી રવીન્દ્ર પટેલ કહે છે, ‘શાળાની હાલત એવી હતી કે ગામના છોકરા બહાર ભણતા હતા, કેમ કે શિક્ષણનું સ્તર થોડું નબળું હતું. ગવર્નમેન્ટના શિક્ષકો પૂરતા નહોતા. એવામાં શ્રોફ ફાઉન્ડેશન મારફત શિક્ષકોની ફાળવણી થઈ અને તેમને રાહત થઈ. ગામમાં અમે મીટિંગ કરી હતી કે ગામનાં બાળકો આપણી સંસ્થામાં જ ભણે અને શિક્ષકોની ઘટ પૂરી કરવા ચર્ચા કરી હતી, જેમાં શ્રોફ ફાઉન્ડેશનનો પૂરો સહયોગ મળ્યો. સંસ્થામાં મૅથ્સ, સાયન્સ અને અંગ્રેજીના શિક્ષકો પ્રોવાઇડ કર્યા હતા. ૨૦૧૬થી આ સંસ્થાના શિક્ષકો અમારે ત્યાં બાળકોને ભણાવવા આવે છે. બીજી ખાસ વાત એ છે કે આ ફાઉન્ડેશન લાઇફ ક્લાસ લે છે. બાળકો સારી રીતે જીવી શકે, તેમના જીવનમાં ઉપયોગી થાય એ માટેના દર બુધવારે ક્લાસિસ ચલાવે છે. આ સંસ્થાના શિક્ષકો યંગ જનરેશનના અને ટૅલન્ટેડ છે. તેઓ આધુનિક પદ્ધતિથી ભણાવે છે. તેમની શિક્ષણ આપવાની રીત બાળકોને વધુ અનુકૂળ આવે છે. એનું પરિણામ એ આવ્યું કે શાળાનું રિઝલ્ટ પહેલાં નબળું આવતું હતું એમાં ઉત્તરોત્તર સુધારો થયો છે અને બે વર્ષથી તો તાલુકામાં ૧૦મા ધોરણની એક્ઝામમાં અમારી સ્કૂલનું પરિણામ હાઇએસ્ટ હોય છે. એક સમયે ગામનાં છોકરાંઓ બહાર ભણવા જતાં હતાં તેમને પાછાં લાવવામાં ૯૦ ટકા સફળતા મળી છે.’
માતા-પિતાની જેમ સપોર્ટ કર્યો એનું ઋણ અદા કરું છું
એક સમયે ગામના ખેતરમાં મજૂરીકામ કરીને ઘરમાં મદદ કરતી અખ્તરબાનુ સિપાઈ આજે અંગ્રેજીનાં ટીચર બનવાનું ડ્રીમ પૂરું કરી ગામની શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે.
વડાલીથી અંદાજે ૧૭ કિલોમીટર દૂર આવેલા મોતીનગર ગામની આત્મવિશ્વાસથી છલોછલ અખ્તરબાનુ સિપાઈ કહે છે, ‘મારા ગામની શાળામાં ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન દ્વારા શિક્ષક પૂરા પાડ્યા હતા. ત્યાં હું ૧૦મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરીને ૧૧ અને ૧૨મું ધોરણ વડાલીથી પાસ કર્યું. ૧૨મા ધોરણમાં આર્ટ્સમાં વડાલીની શેઠ સી. જે. હાઈ સ્કૂલમાં મારો પહેલો નંબર આવ્યો હતો. મારું ડ્રીમ હતું અંગ્રેજી વિષયની ટીચર બનાવાનું, જેમાં મને શ્રોફ ફાઉન્ડેશનનો સહકાર મળ્યો અને મેં બીએ, એમએ અને બીએડ સુધીનો અભ્યાસ કર્યો. વીસનગરની કૉલેજમાંથી બીએડ કર્યું અને કૉલેજમાં મારો પ્રથમ નંબર આવ્યો હતો. ફાઉન્ડેશને મને સપોર્ટ કર્યો તો મને ભણવાની તાકાત મળી અને હું ઉચ્ચ અભ્યાસ કરી શકી. મેં નક્કી કર્યું કે હવે હું ફાઉન્ડેશન સાથે કામ કરીશ એટલે અત્યારે હું ટીચર તરીકે હિંમતનગર પાસેના વીરાવાડા અને કાંકરોલ ગામે ૯ અને ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવું છું.’
પોતાની બદલાયેલી પરિસ્થિતિ વિશે ખુશ થઈને વાત કરતાં અખ્તરબાનુ કહે છે, ‘મારા પપ્પા ગાડી ચલાવે છે અને મારી મમ્મી ચાનો ગલ્લો ચલાવે છે. મને યાદ છે કે એક સમયે હું પણ મજૂરીના કામે જતી હતી. શનિ-રવિવારે ખેતરમાં કપાસ વીણવા તેમ જ નિંદણનું કામ કરવા જતી.’
ગામમાં જ નોકરી મળી ગઈ અને શહેર તરફ ન આવવું પડ્યું એનો હર્ષ વ્યક્ત કરતાં આ ટીચર કહે છે, ‘શહેર તરફ જવાનું મૂળ કારણ તો પૈસાની પ્રાયોરિટી છે, પરંતુ ગામમાં જ નોકરી મળી ગઈ અને ગામનાં જ બાળકોના હિતમાં અભ્યાસ કરાવવાનું કામ મળ્યું એનાથી અને મને જે સૅલેરી મળે છે એનાથી સંતોષ છે.’