વિડિયો-એડિટર તરીકેની પચીસ વર્ષની કારકિર્દીમાં રિતેશ અને મિતેશ સોનીએ ઢગલાબંધ જાણીતી ફિલ્મોમાં સ્વતંત્ર ફિલ્મ -એડિટર તરીકે કામ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે
મિતેશ અને રિતેશ સોની
ફિલ્મ માટે શૂટ થયેલા કલાકોના ફુટેજમાંથી માત્ર બેસ્ટ શૉટ્સની પસંદગી કરીને એને બે કલાકની ફિલ્મમાં રોચક રીતે પ્રસ્તુત કરવાનું કામ હોય છે ફિલ્મ-એડિટરનું. વિડિયો-એડિટર તરીકેની પચીસ વર્ષની કારકિર્દીમાં રિતેશ અને મિતેશ સોનીએ ‘દિલ તો પાગલ હૈ’, ‘વીર ઝારા’, ‘જબ તક હૈ જાન’, ‘સલામ નમસ્તે’, ‘રબ ને બના દી જોડી’, ‘ધૂમ 3’ જેવી ઢગલાબંધ જાણીતી ફિલ્મોમાં સ્વતંત્ર ફિલ્મ -એડિટર તરીકે કામ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે
બૉલીવુડમાં અનેક રાઇટર-ડિરેક્ટર, સંગીતકાર કે ઍક્ટર સિબલિંગની જોડી વિશે તમે જાણતા જ હશો જેમ કે સલમાન-અરબાઝ, ફરહાન-ઝોયા, જતીન-લલિત, શાહિદ-ઈશાન, સાજિદ-વાજિદ, અબ્બાસ-મસ્તાન, કરિશ્મા-કરીના, સની-બૉબી, સૈફ અને સોહા પણ આજે આપણે ગુજરાતી ફિલ્મ એડિટર ભાઈઓની જોડી વિશે વાત કરવાના છીએ જેમણે ‘સલામ નમસ્તે’, ‘રબ ને બના દી જોડી’, ‘તારા રમ પમ’, ‘ધૂમ 3’ અને ‘સેલ્ફી’ જેવી અનેક ફિલ્મો સાથે એડિટ કરીને બૉલીવુડમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. આ જોડીનું નામ છે રિતેશ અને મિતેશ સોની.
ADVERTISEMENT
અનાયાસ એન્ટ્રી
એડિટિંગનો ‘અ’ પણ નહોતો આવડતો એવા સમયે આ બંધુ બેલડીની ફિલ્મોની જર્ની જાણતાં પહેલાં તેમના રોચક બાળપણના અનુભવો વિશે રિતેશ-મિતેશ કહે છે, ‘મને યાદ છે કે અમે મલાડમાં ચાલીમાં રહેતા ત્યારે પણ આખા પરિવારને ફિલ્મો જોવાનો ભારે ક્રેઝ એટલે નાના હતા ત્યારથી જ દર શુક્રવારે નવી ફિલ્મ જોવાનો ક્રમ બની ગયો હતો. ‘અમર અકબર ઍન્થની’ હોય કે ‘ગોલમાલ’, અમે બધા સાથે બેસીને ફિલ્મો જોતા. તમે કહી શકો છો કે નાનપણથી અમને બૉલીવુડ ફિલ્મો પ્રત્યે આકર્ષણ હતું. ફિલ્મી ગીતો સાંભળવાનું, એના પર ડાન્સ કરવાનું અમને બહુ ગમે. મારા પપ્પાને પણ ગીતો ગાવાનો શોખ છે. આ હૉબી ક્યારે પૅશન બની ગઈ ખબર જ ન પડી. અમારા મામા રતન સોનીએ અમને જે દિશા બતાવી અમે એ દિશામાં આગળ વધ્યા. અમારી પાસે કોઈ ડિગ્રી કે એક્સ્પીરિયન્સ નહોતો. અમને સાચું કહું તો એડિટિંગનો ‘અ’ પણ આવડતો નહોતો. ક્યારેય વિચાર્યું નહોતું કે બૉલીવુડમાં આટલો પ્રેમ મળશે.’
અચાનક એન્ટ્રી
રિતેશ-મિતેશના મામા ફિલ્મમેકર મનમોહન સિંહના અસોસિએટ સિનેમૅટોગ્રાફર હતા. એ યાદોને તાજી કરતાં આ રિતેશ કહે છે, ‘અમારી આ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી એકદમ અચાનક થઈ. ૧૯૯૬માં હું ચિલ્ડ્રન્સ ઍકૅડેમી સ્કૂલમાં ભણતો હતો. પરિવારને આર્થિક ટેકો પૂરો પાડવા દસમા ધોરણની પરીક્ષા પછી વેકેશનમાં હું નોકરી શોધી રહ્યો હતો ત્યારે રતનમામા યશરાજ ફિલ્મ્સની ‘દિલ તો પાગલ હૈ’ માટે અસોસિએટ કૅમેરામૅન હતા. તેમને ખબર પડી કે ફિલ્મના એડિટર વી. વી. કાર્તિકને અસિસ્ટન્ટની જરૂર છે. તેમને જાણ હતી કે હું ફિલ્મોમાં રસ ધરાવું છું તેમ જ જૉબ શોધી રહ્યો છું. તેમણે મને આ કામ અપાવી દીધું. જોકે ત્યારે ડિજિટલ એડિટિંગ થતું નહોતું. બધું હાથે કામ કરવાનું રહેતું એને ઍનેલૉગ એડિટિંગ કહેવાય. સ્ટીનબેક નામનું એક એડિટિંગ મશીન હતું જેમાં હાથેથી ફિલ્મની કટ પર કામ થતું. જેમ કે લૅબમાંથી ઓકે ટેક્સની નેગેટિવ પ્રિન્ટ થઈને આવે અને અમે એ એક-એક શૉટને ફિઝિકલી કટ કરીને હાથેથી જૉઇન કરતા. આમ મેં ઘણાં વર્ષો સ્ટ્રગલ કરી અને આજે અમને ઇન્ડસ્ટ્રીમાં લોકો ઓળખતા થયા છે.’
એડિટર બનતાં પહેલાં મિતેશ કાંદિવલીની ઠાકુર કૉલેજમાં ભણતો હતો એ દરમિયાન તેણે અનેક નાનાંમોટાં કામ કરેલાં. મિતેશ ઉમેરે છે, ‘ઇવેન્ટ મૅનેજમેન્ટ કંપનીમાં, નોકિયા મોબાઇલમાં સેલ્સમાં... વગેરે વગેરે... જોકે ત્યારે રિતેશ યશરાજમાં સ્વતંત્ર એડિટર તરીકે કામ કરવા લાગ્યો. ‘હમ તુમ’ તેની પહેલી ફિલ્મ હતી. તેણે ઘણી ફિલ્મો માટે ત્યાર બાદ કામ કર્યું અને એ દરમિયાન હું તેને મદદ કરતો. ઇન શૉર્ટ મારી ટ્રેઇનિંગ ચાલુ થઈ ગઈ હતી. પછી જ્યારે તેને અસિસ્ટન્ટની જરૂર પડી ત્યારે તેણે આદિત્ય ચોપડાને મારું નામ સજેસ્ટ કર્યું. મારા માટે આ મોટી તક હતી અને મેં એ ઝડપી લીધી અને આમ પહેલી વાર ‘સલામ નમસ્તે’ ફિલ્મ માટે અમે ભાઈઓએ સાથે કામ કર્યું.’
મમ્મીના સપોર્ટે બદલ્યું જીવન
આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી એ દિવસોને યાદ કરતાં રિતેશ વાતનો દોર સાંધતાં કહે છે, ‘તેથી જ્યારે રતનમામાએ મને આ જૉબ વિશે કહ્યું તો હું ખૂબ જ ઉત્સાહિત હતો. જોકે મારા દાદા મારા આ નિર્ણયના પ્રખર વિરાધી હતા. તેમને લાગ્યું કે નાની ઉંમરમાં બૉલીવુડના રવાડે ચડીને છોકરો બગડી જશે, પણ મમ્મીને મામામાં વિશ્વાસ હતો અને યશરાજ જેવા દિગ્ગ્જ બૅનરનું નામ હોવાથી તેણે ઘરના સાથે લડીઝઘડીને મને સપોર્ટ કર્યો. નહીં તો આજે અમે શું કરતા હોત ખબર નહીં.’
બૉલીવુડની ફિલ્મો જ આ ભાઈઓ માટે ગુરુ કે ઇન્સ્પિરેશન બની રહી છે. મિતેશ કહે છે, ‘અમે કોઈ પ્રોફેશનલ કોર્સ કર્યો નથી કે ન તો અમારી પાસે કોઈ ફૅન્સી ડિગ્રી છે. નાનપણથી ફિલ્મોના શોખીન એટલે કોઈ ફિલ્મ જોઈએ તો એનો રિવ્યુ એકબીજા સાથે શૅર કરીએ. એક વાત અમે ઑબ્ઝર્વ કરી હતી કે અમે બન્ને ઘણી સેમ ચીજો ફિલ્મોમાં નોટિસ કરતા. એટલે કે અમારો ફિલ્મ જોવાનો નજરિયો ઘણો મળે. હૃષીકેશ મુખરજી, મનમોહન દેસાઈ, યશ ચોપડા, રાજકુમાર હીરાણી, સંજય લીલા ભણસાલી આ બધા ફિલ્મમેકરોનું કામ અમે જોયું અને જાણ્યું અને અમિતાભ બચ્ચન અમારા અતિપ્રિય, તેમની દરેક ફિલ્મનાં દૃશ્યો અમને બખૂબી યાદ.’
વાતને આગળ વધારતાં રિતેશ કહે છે, ‘નાના હતા ત્યારે અમને મનોરંજક અને કમર્શિયલ ફિલ્મ્સના ફૅન્સ હતા પણ હવે હું હૃષીકેશ મુખરજીનો ચાહક છું. રાજકુમાર હીરાણી પહેલાં એડિટર પછી ફિલ્મમેકર છે એટલે તેમની ફિલ્મો પણ મને અતિપ્રિય છે. ખાસ કરીને ‘3 ઇડિયટ્સ’ તો એક માસ્ટરપીસ છે. ‘શોલે’ મારા મતે બેસ્ટ એડિટેડ બૉલીવુડ ફિલ્મ છે, કારણ કે એ સમયે આ પ્રકારની ફિલ્મનું એડિટિંગ મુશ્કેલ હતું. મલ્ટિસ્ટારર ફિલ્મ, ડિમાન્ડિંગ સ્ટોરી, ભારોભાર ઇમોશન્સ અને આઇકૉનિક પાત્રો. ‘શોલે’ના એડિટર એમ. એસ. શિંદેને હું મનોમન મારા ગુરુ માનું છું. ઉપરાંત શ્રીરામ રાઘવનની ફિલ્મો પણ સારી પકડ રાખે છે. તેમની ફિલ્મો ‘એક હસીના થી’, ‘જૉની ગદ્દાર’ અને ‘અંધાધૂંધ’ અદ્ભુત છે અને તેની એડિટર પૂજાનું કામ પણ મને ખૂબ જ પસંદ પડે છે. અમે સતત લેટેસ્ટ વર્લ્ડ કન્ટેન્ટ જોઈને આજે પણ પોતાને અપડેટ કરીએ છીએ. સતત નવી ટેક્નૉલૉજી સાથે તાલ મેળવીને ચાલવું જ પડે નહીંતર અમારા ફીલ્ડમાં તમે ફેંકાઈ જાઓ. બીજી વાત કે માત્ર ટેક્નૉલૉજી જ નહીં ફિલ્મ એડિટિંગ કરવાની તરકીબો પણ સતત બદલાતી હોય છે. અન્ય જોનરની ઇમ્પૅક્ટ હોય કે પછી વર્લ્ડ સિનેમામાં આવી રહેલી નવીનતાનો પ્રભાવ, તમારે સતત અન્યોનું કામ જોતા રહેવું પડે. ફિલ્મ કટ કરવાની ટેક્નિક, સાઉન્ડ ડિઝાઇનની નવી રીતો શીખવી અને અપનાવવી પડે, તો જ તમે બધાથી હટકે એડિટિંગ કરી શકો. ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો અમે ખાસ ઑબ્ઝર્વ કરીએ.’
સેમ વિઝન
મિતેશ કહે છે, ‘અમે સાથે કામ કરીએ એના ઘણા ફાયદા છે. અમારું ટ્યુનિંગ ઘણું સારું છે. સેમ વિચારો, સેમ સમજણ, વર્ક પ્રેશર સરળતાથી ડિવાઇડ કરી શકીએ. અમને એકબીજાની સ્ટ્રેન્ગ્થ અને વીકનેસ ખબર હોય એટલે કામમાં આવતા પડકારોનો સામનો પણ સરળતાથી કરી શકીએ છીએ. જોકે શરૂઆતમાં જ્યારે હું યશરાજમાં જૉઇન થયો ત્યારે રિતેશ ભાઈ નહીં, બૉસ જ હતો. તેણે મને ખૂબ જ સારી રીતે ઘડ્યો અને જેને કારણે આજે હું પણ એક સ્વતંત્ર એડિટર બની ગયો છું.’
મિતેશ આગળ ઉમેરે છે, ‘દસેક વર્ષથી હવે હું પણ સ્વતંત્ર એડિટર છું પણ અત્યારે પણ જ્યારે તક મળે અમે એકબીજા સાથે કામ કરીએ છીએ. રિતેશને અસિસ્ટન્ટની જરૂર હોય તો હું હંમેશાં રેડી થઈ જાઉં, કારણ કે અમને સાથે કામ કરવું ગમે છે. અમારો વર્ક ફ્લો ફિલ્મના જોનરના હિસાબે અમને નક્કી કરી લઈએ છીએ. જેમ કે અમે નક્કી કરી લઈએ કે ફિલ્મનાં સૉન્ગ એક એડિટ કરશે અને એક ફિલ્મ કે પછી ફર્સ્ટ કટ એક એડિટ કરશે અને ફાઇનલ બીજો. અમે ડેડલાઇન અને રિક્વાયરમેન્ટના હિસાબે ટાસ્ક ડિવાઇડ કરી લઈએ છીએ અને એને ફૉલો કરીએ છીએ જેથી કામ સ્મૂધલી થઈ જાય છે.’
ઇતના ઈઝી નહીં હૈ
એડિટરનું કામ સરળ નથી. ઑડિયન્સ જે બે કલાકની ફિલ્મ થિયેટરમાં જોવા જાય છે એ જ્યારે શૂટ થઈ હોય ત્યારે ૫૦-૬૦ કલાકનું ફુટેજ રેકૉર્ડ થાય. ફિલ્મ-એડિટરનું કામ એ ફુટેજમાંથી ફિલ્મ માટેના જરૂરી શૉટ્સ ચૂંટીને બેસ્ટ રિઝલ્ટ રેડી કરવાનું છે એમ જણાવીને બન્ને ભાઈઓ એક સૂરે કહે છે, ‘બધાની ઍક્ટિંગ, ફિલ્મનાં દૃશ્ય અને સ્ટોરીની ડિમાન્ડ, ટેક્નિકલ ડીટેલ્સ જેમ કે લાઇટિંગ, કૅમેરા ઍન્ગલ બધું સમજીને અમારે કામ કરવાનું હોય છે. એ માટે એક્સપર્ટીઝ સાથે ફિલ્મો પ્રત્યેનો પ્રેમ અને દીવાનગી પણ જરૂરી છે. એડિટર બનવું હોય તો તમારામાં પેશન્સ અને પૅશન બન્ને હોવાં જરૂરી છે. કલાકોના કલાકો તમારે કમ્પ્યુટર સામે બેસીને એકલા કામ કરવાનું હોય છે. ઘણી વાર એક કલાકમાં તમને જોઈતું રિઝલ્ટ મળી જાય તો ઘણી વાર ચાર-પાંચ દિવસ સુધી તમે એક જ દૃશ્ય પર અટકેલા હો, કારણ કે તમે તમારા કામથી સંતુષ્ટ ન હો. ઘણા દિવસ તો અમે માત્ર ચાર કલાકની જ ઊંઘ લેતા હોઈએ છીએ. સ્વાસ્થ્ય જાળવવું પણ એક ચૅલેન્જ છે. પહેલાં ફિલ્મ-એડિટરના કામને બહુ મહત્ત્વ નહોતું મળતું પણ હવે નવા ડિરેક્ટર્સ અને નવા કલાકારો અને હૉલીવુડના પ્રભાવને કારણે લોકો એડિટરના કામને સિરિયસલી લેતા થયા છે.’
નો જૉબ-સેફ્ટી
રિતેશ સિનિયર છે એટલે લોકો સામેથી કૉન્ટૅક્ટ કરે. જોકે મિતેશ માટે કામ શોધવું એક ચૅલેન્જ છે. આ સંદર્ભે મિતેશ કહે છે, ‘તમે જ્યારે એક ફિલ્મ બૅનરમાં કામ કરતા હો ત્યારે જૉબ-સેફ્ટી હોય. તમારું નામ પણ બને, પણ જ્યારે ફ્રીલાન્સ એડિટર તરીકે કામ કરતા હો ત્યારે વાત અલગ હોય છે. એક ફિલ્મનું કામ ચાર-છ મહિના ચાલે અને પછી ખબર ન હોય કે બીજી ફિલ્મ મળશે કે નહીં. જેવું એક ફિલ્મનું કામ પૂરું થાય તો અમે અમારા સર્કલમાં લોકોને સંપર્ક કરવાનું શરૂ કરી દઈએ. ડિરેક્ટર, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસરનો સંપર્ક કરીને નવા પ્રોજેક્ટ્સની અપડેટ મેળવીએ અને પછી કામ નક્કી કરીએ. રિતેશ ફિલ્મો એડિટ કરે છે; જ્યારે હું ટ્રેલર, પ્રોમો, વેબ-સિરીઝ, મ્યુઝિક વિડિયો, ઍડ્સ, શૉર્ટ ફિલ્મ બધાં કામ કરું છું. જોકે ભગવાનનો આભાર કે અમને હંમેશં કામ મળતું રહે છે.’
ફેવરિટ વર્ક
બ્યુટિશ્યન વાઇફ નમ્રતા અને દીકરી ઝીવા સાથે મિતેશ કાંદિવલી ઈસ્ટમાં રહે છે તો રિતેશ તેની વાઇફ તેજલ અને દીકરા નિવાન સાથે મલાડમાં રહે છે.
કરીઅરની સિલ્વર જ્યુબિલી ઊજવી રહેલો રિતેશ બેસ્ટ એડિટેડ શૉટ અને ફિલ્મ વિશે વાત કરતાં કહે છે, ‘‘વીર ઝારા’ મારી કરીઅરની યાદગાર ફિલ્મ છે. હું ફક્ત ૨૩ વર્ષનો હતો. યશ ચોપડા સાથે કામ કરવાની તક મળી. ત્યારે મારી પાસે કોઈ ટીમ નહોતી. આખી ફિલ્મના એડિટિંગનો ભાર મારા ખભા પર. એ ફિલ્મમાં એક મૅચ્યોરિટી હતી, વાર્તામાં લાગણીઓ હતી અને ઠહરાવ હતો; જેનો આટલી નાની વયમાં મને અનુભવ કરવા મળ્યો. આ માટે હું હંમેશાં ઈશ્વરનો આભારી રહીશ. આ ફિલ્મ માટે મારું કામ વખણાયું અને લોકો મને પિછાણતા થયા. આ ઉપરાંત ‘બંટી ઔર બબલી’નો એડિટ અનુભવ પણ યાદગાર હતો. એક ફ્રેશનેસ હતી સ્ટોરીમાં. અમિતાભ બચ્ચન, રાની મુખરજી, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને એડિટ કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મનાં પાત્રો એડિટિંગ ટેબલ પર નિખરી ઊઠ્યાં હતાં અને ફિલ્મ મનોરંજક બની હતી.’
જ્યારે મિતેશના મતે ‘તારા રમ પમ’નો કાર રેસિંગ સીન અને ‘ધૂમ 3’માં આમિર ખાનને ડબલ રોલમાં એડિટ કરવાનો અનુભવ ચૅલેન્જિંગ હતો. ઉપરાંત તે કહે છે, ‘ઉજડા ચમન’ ફિલ્મનો ફાઇનલ સીન જેમાં હીરો તેની ટકલા હોવાની હીન ભાવનામાંથી મુક્ત થઈને કૉન્ફિડન્સ સાથે તેના સ્ટુડન્ટ્સનો સામનો કરીને બહાર આવે છે અને ક્રિકેટ પર આધારિત રાધિકા મદનની ફિલ્મ ‘કચ્ચે લીંબુ’માં ક્રિકેટ-ટુર્નામેન્ટનો એક મૉન્ટાઝ પર્સનલી મારા માટે ખૂબ જ ચૅલેન્જિંગ હતો, કારણ કે આ સીનમાં આખી ટુર્નામેન્ટ ૧૦ મિનિટમાં દેખાડવાની હતી. આ ફિલ્મ લો બજેટ હોવાથી કૅમેરા ઍન્ગલ ખૂબ જ ઓછા હોય અને તેથી એને આકર્ષક રીતે એડિટ કરવી મુશ્કેલ હતું.’
અત્યારે શું કરે છે?
રિતેશ અત્યારે ડેવિડ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અને લાયન્સ ગેટની વેબ-સિરીઝ ‘નંદાદેવી’ જેવા પ્રોજેક્સ્ટ્સ પર કામ કરી રહ્યા છે, જ્યારે મિતેશ હમણાં યશરાજ ડિજિટલ માટે ‘મંડલા મર્ડર’ નામની એક વેબ-સિરીઝ કરી રહ્યા છે. સાત એપિસોડની સસ્પેન્સ સિરીઝ નેટફ્લિક્સ પર રજૂ થવાની છે. આ ઉપરાંત તેમણે બીજો એક પ્રોજેક્ટ હમણાં જ પૂરો કર્યો છે જેમાં ઇમ્તિયાઝ અલી, કબીર ખાન, ઓનીર અને રીમા દાસ એમ ચાર ડિરેક્ટરોએ સાથે કામ કર્યું છે. આ ફિલ્મનું નામ છે ‘માય મેલબર્ન’. આ એક ફિલ્મ-ફેસ્ટિવલ માટે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ છે.