Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > આ પત્ર વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈને હાથોહાથ પહોંચે

આ પત્ર વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈને હાથોહાથ પહોંચે

15 June, 2024 01:40 PM IST | Mumbai
Dr. Dinkar Joshi

સાચું કહું તો ૧૯૬૨માં પહેલી જ વાર મેં મતદાન કર્યું હતું ત્યારે જવાહરલાલ નેહરુનો જયજયકાર હતો. ૧૯૬૨થી ૧૯૮૪ સુધી દરેક ચૂંટણીમાં મેં આંખ મીંચીને કૉન્ગ્રેસને અને માત્ર કૉન્ગ્રેસને જ મત આપ્યો હતો

ફાઇલ તસવીર

ઉઘાડી બારી

ફાઇલ તસવીર


માનનીય પ્રધાનમંત્રીશ્રી,


ભારત સરકારનવી દિલ્હી


 

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ,


નમસ્કાર.

 

એકસો ચાળીસ કરોડ પૈકીના એક તરીકે આપને સંબોધન કરતાં કલમ ઊપડતી નથી, પણ ભૂતકાળમાં ક્યારેક નજીવો પત્રવ્યવહાર થયો છે ત્યારે આપે જે રીતે જવાબ વાળ્યો હતો એ સંભારતાં એમ લાગે છે કે મારો આ પત્ર પણ તમારાં અપાર રોકાણો વચ્ચે પણ થોડીક ક્ષણ મેળવી શકશે ખરો.

વાત તો અદ્ભુત જ કહેવાય. માત્ર તમે જ નહીં, પ્રશાંતજીથી માંડીને એક્ઝિટ પોલ સુધીના સહુ કોઈ એકી અવાજે કહેતા હતા એનાથી સાવ વિરુદ્ધ EVM મશીન ઉપર શક કરનારાઓ લગભગ સાચા ઠર્યા એનું આશ્ચર્ય જરૂર થાય છે. પણ જે લોકો એમ કહે છે કે તમે હાર્યા છો એ બિચારાને કદાચ હાર શું અને જીત શું એની ખબર જ નથી. તમે હાર્યા નથી. હારી શકો પણ નહીં. થોડાક આંકડા આગળ-પાછળ થાય એવું જરૂર બને, પણ આંકડા એ હારજીત નથી. આંકડા તો એક ગણતરી છે.

૩૭૦ના ધારાને રદબાતલ કરનાર, પાડોશી દેશોમાં સ્વજનોને વર્ષોથી હાલહવાલ કરી મૂકનારને પોતાના પડખામાં લેવાની હિંમત બતાવનાર, એક રાષ્ટ્ર-એક કાયદો આવી સીધીસાદી વાતને અમલમાં મૂકવા માટે ગરદન ટટ્ટાર કરી શકનાર, ૧૯૪૭માં એક પાકિસ્તાન થયા પછી આસામ કે બંગાળને ફરી એક વાર પાકિસ્તાન થતું રોકવા માટે ‘રુક જાઓ’ કહેનાર શી રીતે હારી શકે? આંકડાની ગણતરીમાં ભલે ક્યાંક ઊણું ઊતર્યું હોય અને આ ઊણું અણસમજુઓને ગોથાં ખવડાવતું હોય, પણ સમજદારો સમજે છે કે તમે હાર્યા નથી. તમને ૪૦૫ તો ઠીક, ૨૭૨ પણ નહીં આપી શકનારા અમે હાર્યા છીએ. પાંચ વરસ ગાંધીનગરમાં અને દસ વરસ નવી દિલ્હીમાં જેમણે તમને ૧૨થી ૧૪ કલાક કામ કરતા જોયા છે એ તમને હરાવી શકે જ નહીં અને આમ છતાં તમારી સમક્ષ કીડીઓનું કટક દેખાયું છે એનો સ્વીકાર કર્યા વિના પણ ચાલે એમ નથી.

સાચું કહું તો ૧૯૬૨માં પહેલી જ વાર મેં મતદાન કર્યું હતું ત્યારે જવાહરલાલ નેહરુનો જયજયકાર હતો. ૧૯૬૨થી ૧૯૮૪ સુધી દરેક ચૂંટણીમાં મેં આંખ મીંચીને કૉન્ગ્રેસને અને માત્ર કૉન્ગ્રેસને જ મત આપ્યો હતો. ‘બે બળદની જોડી, એને કોઈ શકે નહીં તોડી’ એનો ગળા સુધી વિશ્વાસ હતો. પણ ૧૯૮૪માં આ વિશ્વાસ ડગી ગયો. પહેલી જ વાર પ્રશ્ન થયો કે હવે કોને મત આપવો? શાહબાનુ કિસ્સામાં દેશ આખાની ઉપરવટ જઈને રાજીવ ગાંધીએ જે કર્યું ત્યાં હું સ્તબ્ધ થઈ ગયો હતો. હવે કૉન્ગ્રેસને શી રીતે મત આપી શકાય? અને જો કૉન્ગ્રેસને મત ન આપી શકાય તો બીજા કોને મત આપી શકાય? ભારતીય જનતા પક્ષ તો હજી ક્યાંય દેખાતોય નહોતો અને છતાં જે કૉન્ગ્રેસ શાહબાનુ સાથે હોય એ કૉન્ગ્રેસને મત આપવો એ તો દેશદ્રોહથી ઓછું કંઈ ન કહેવાય એવો અંદરથી અવાજ આવ્યો હતો. એ અવાજને આવકારીને ૧૯૮૪ના મતદાન પછી પ્રત્યેક વેળાએ ભારતીય જનતા પક્ષને મત આપતો રહ્યો છું.

૧૯૮૪થી શરૂ થયેલા મારા મતદાનના વહેણને અચાનક એક ધક્કો લાગ્યો. ભારતીય જનતા પક્ષમાં આવેતુઓ ઊભરાવા માંડ્યા. થોડાક પાંચ-પચીસ આવેતુઓ તો સમજી શકાય એમ હતું પણ જ્યારે નારાયણ રાણે જેવાને BJPએ આવકાર આપ્યો, આવકાર આપ્યો એટલું જ નહીં; તેમના ગેરકાયદે બંગલાને સીધોસટ કરી દીધો. અને એય અધૂરું હોય એમ તેમને દિલ્હીમાં પ્રધાનપદ પણ આપી દીધું ત્યારે કાળજામાં ભારે ફડકો પડેલો. રાજકારણમાં આવી અવરજવર કંઈ નવી વાત ન કહેવાય, પણ આવી અવરજવર છેક નારાયણ રાણે સુધી પહોંચી ત્યારે ભારે આઘાત લાગ્યો. એ વખતે BJPના એક ખમતીધર નેતાને કહેવાઈ પણ ગયેલું, ‘જો આવા માણસોનું આગમન થશે તો ફરી એક વાર ૧૯૮૪માં મને જેવી મૂંઝવણ થઈ હતી એવી મૂંઝવણ થશે.’ પેલા ખમતીધર નેતાએ મને સમજાવ્યું પણ હતું, ‘કેટલાંક સારાં કામ કરવા માટે કેટલાંક ખરાબ કામ આડે આંખ મીંચવી પડે છે.’ તેમની વાત સાચી પણ હતી. સંસદમાં અને અન્યત્ર જ્યાં પાંચ-દસ મત ખૂટતા હતા ત્યાં આવી બાંધછોડ કદાચ કરવી પણ પડે.

પણ આવી બાંધછોડ ઢગલાબંધ થવા માંડી. શ્યામાપ્રસાદ મુખરજી, દીનદયાળ ઉપાધ્યાય કે બલરાજ મધોક જેવા સમર્પિતોને દૂર હડસેલીને જેઓ આજીવન અસ્પૃશ્ય હતા તેમને પાંચ-દસ બેઠકો માટે જે રીતે સ્વીકારી લેવામાં આવ્યા અને આ સ્વીકાર સાથે જ જેઓ આજીવન ભોગ આપીને બેઠા હતા તેમને હડસેલી મૂકવામાં આવ્યા ત્યારે ભારે આઘાત લાગ્યો. ગુજરાત જેવા રાજ્યમાં હજી હમણાં જ અર્જુન મોઢવાડિયા જેવા પાંચ આવેતુઓને એકીસાથે અંદર લઈને જે પાંચ અંદર બેઠા હતા તેમને હડસેલી મૂકવામાં આવ્યા ત્યારે હવે મત કોને આપવો એવો સવાલ થાય તો એમાં ખોટું શું છે? આમ છતાં ૧૯૮૪માં આવા પ્રશ્નનો જે વિકલ્પ હતો એવો કોઈ વિકલ્પ આજે મારી પાસે ઉપલબ્ધ નથી એની મને જાણ છે અને એટલે જ મારા ગૂંચવાડાનો પાર નથી.

જે દેશના મુખ્ય પ્રધાનને પોતાને આંગણે આવકારવા અમેરિકા તૈયાર નહોતું, વીઝા આપવાનો પણ ઇનકાર કર્યો હતો એ દેશના વડા પ્રધાનને એ જ અમેરિકાએ ધામધૂમથી આવકાર્યા. વાઇટ હાઉસમાં જે ભવ્ય ડિનર પાર્ટી આપી એમાં અમેરિકાના પ્રમુખે સહુને પીરસ્યું, પણ ત્યાં બેસીને તમે તો માત્ર લીંબુનું શરબત જ પીધું કેમ કે તમને ઉપવાસ હતો. અમેરિકાના પ્રમુખ સુધ્ધાં હેબતાઈ ગયા હતા. આવું એક તમે અને માત્ર તમે જ કરી શકો. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલતું હોય ત્યારે યુદ્ધના એક છેવાડે ફસાઈ ગયેલા નિર્દોષ વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકોને ભારતીય ઝંડા હેઠળ યુદ્ધને અટકાવી દઈને સહુને સુરક્ષિત આ છેડે લાવવાની રોમાંચક સિદ્ધિ તમે અને માત્ર તમે જ મેળવી શકો. અને આમ છતાં તમે ૨૭૨ મેળવી શક્યા નથી એવું કહેનારા અણસમજુઓનો અહીં તોટો નથી.

લાંબો કાગળ વાંચવાનો તમારી પાસે સમય નથી એ હું જાણું છું. આમ છતાં દેખીતી રીતે સાવ નજીવી પણ લાંબે ગાળે અત્યંત મહત્ત્વની એક વાત કહું છું. આજે દેશમાં ચૂંટણીઓ નિમિત્તે BJP જે મેળવે છે એ ભલે કમળના ચિહ્નથી મેળવતું હોય, વાસ્તવમાં એ કમળ નથી પણ નરેન્દ્ર મોદી અને માત્ર નરેન્દ્ર મોદી જ છે. વડનગરના રેલવે-સ્ટેશન પર વર્ષો પૂર્વે ચાના કપનો જે ખખડાટ ઊઠ્યો હતો એ ખખડાટ ભીષ્મ કે કૃષ્ણના શંખધ્વનિ જેવો આજે સંભળાય છે. આ શંખધ્વનિ અજાગૃતોને જાગૃત કરવા પૂરતો ભલે ભવ્ય અને દિવ્ય બની રહે, પણ નાનામોટા સહુ વાત-વાતમાં જય શ્રી જય શ્રી એમ કીધા કરે એમાં પ્રકાશ ક્યારેક ઝંખવાઈ જાય છે. જય શ્રી તો છે જ પણ એના માટે જે રીતે સહુ કોઈ સાવ બિનજરૂરી હોય ત્યાં પણ આપનો નામોચ્ચાર કરવા લાગે છે ત્યારે દિવ્ય કે ભવ્ય નથી લાગતું પણ અકારણ આપની તેજસ્વિતાને ખંડિત કરતું હોય એમ લાગે છે.

ક્યાંક લખવું ન જોઈએ એવું લખાઈ ગયું હોય એમ લાગે તો ઉદાર દિલે ક્ષમા કરશો. નવી સરકારે ભારે મુશ્કેલીઓ વચ્ચેથી પસાર થવાનું છે એ અમે સહુ જાણીએ છીએ અને આ જાણકારી સાથે અમે સહુ ફરી વાર કહીએ છીએ કે તમે હાર્યા નથી, અમે હાર્યા છીએ. અમારી આ હારને જીતમાં પરિવર્તિત કરવી એ તમારા હાથની વાત છે. તમારા સિવાય એ કોઈ ન કરી શકે.

 

લિખિતંગ

૧૪૦ કરોડમાંથી એક અને માત્ર એક જ.

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 01:40 PM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK