આવું કહેવું છે ભારતીય મહિલા ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન અને હજી ગઈ કાલે જ શરૂ થયેલી વિમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ ટીમની મેન્ટર મિતાલી રાજનું
ક્રિકેટમાં કરીઅર બનાવવાનો ગર્લ્સ માટે આ સૌથી સારો સમય છે
૭૦૦૦ રન કરનારી વિશ્વની સૌથી પહેલી મહિલા ક્રિકેટર અને ભારતમાં મહિલા ક્રિકેટને સન્માનજનક દરજ્જો અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારી મિતાલી સાથે તેના નવા મેન્ટરના રોલ વિશે ‘મિડ-ડે’ વતી અધિરાજસિંહ જાડેજાએ કરેલી એક્સક્લુઝિવ વાતો પ્રસ્તુત છે
ADVERTISEMENT
ભારતમાં મહિલા પ્રીમિયર લીગની છેલ્લા ઘણા સમયથી માગ થઈ રહી હતી. અંતે આ લીગની શરૂઆત થઈ ગઈ છે. તમે એને કઈ રીતે જોઈ રહ્યાં છો?
છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી લોકો ઇચ્છી રહ્યા હતા કે મહિલા પ્રીમિયર લીગ શરૂ થાય અને અંતે એની શરૂઆત થઈ ગઈ છે. ઍડ્મિનિસ્ટ્રેટિવ, ખેલાડી, કોચ સહિતના જેટલા લોકો મહિલા પ્રીમિયર લીગ સાથે જોડાઈ રહ્યા છે તેમના માટે આ એક મોટું પ્લૅટફૉર્મ મળી રહ્યું છે. વધુમાં કહીશ કે ભારતમાં મહિલા ક્રિકેટરોને આ એક શાનદાર પ્લૅટફૉર્મ મળી રહ્યું છે, પોતાને એક મોટા લેવલ પર લઈ જવા માટેની આ તક મળી છે અને આ એવી મહિલા ક્રિકેટરો છે જેઓ નાના ગામ કે શહેરમાંથી આવી રહી છે. એટલા માટે જ હું વ્યક્તિગત રીતે ઇચ્છી રહી છું કે આ લીગ ઘણી સફળ થાય જેથી મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટરો ભારતને મળી શકે.
ગુજરાત જાયન્ટ્સ ટીમમાં કયા ખેલાડીઓ છે જેઓ તમને મૅચવિનર કે પછી ટીમને પહેલું ટાઇટલ જિતાડવામાં મહત્ત્વનો રોલ નિભાવી શકે એવા લાગે છે?
આમ તો બધા ખેલાડીઓ મૅચવિનર છે. હજી તો ટુર્નામેન્ટની શરૂઆત છે એટલે અત્યારથી કોઈનાં નામ કહેવા થોડું મુશ્કેલ છે, પણ એક પ્રભાવશાળી ક્રિકેટર તરીકે જોઈએ તો વ્યક્તિગત રીતે ટીમમાં નાના વિસ્તારમાંથી આવતી ફાસ્ટ બોલર શબનમ છે જેણે હાલમાં જ અન્ડર-૧૯ મહિલા વર્લ્ડ કપમાં ભારત તરફથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્યાર બાદ પારોનિકા છે જે લેફ્ટ આર્મ સ્પિનર છે. તે ઘણી ટૅલન્ટેડ ખેલાડી છે. બોલિંગ ઑલરાઉન્ડર અશ્વિની છે જેણે ઘણું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. ગુજરાત જાયન્ટ્સ ટીમમાં કહી શકાય કે ઘણા શાનદાર ખેલાડીઓ છે જેઓ હાલમાં સારા ફૉર્મમાં ચાલી રહ્યા છે.
તમારા ચાહકો મોટી સંખ્યામાં છે અને તેઓ ઇચ્છી રહ્યા હતા કે નિવૃત્તિ બાદ લીગમાં તમે ફરી મેદાન પર ઊતરો. જોકે એવું ન થયું. તમારા મેન્ટરના રોલ વિશે શું કહેશો?
દરેક નવો રોલ કે કાર્ય પડકારજનક હોય છે. તમે એને કઈ રીતે નિભાવો છો એ મહત્ત્વનું હોય છે. મેન્ટરના રોલની વાત કરીએ તો મને ખાસ કરીને એક્ઝિક્યુટ કરવાનું ઘણું ગમે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મારી કારકિર્દી ૨૨-૨૩ વર્ષની રહી છે તો આ લાંબી કારકિર્દીમાં જેટલું હું શીખી છું, જેટલો અનુભવ લીધો છે તો હું ઇચ્છતી હતી કે હું મારો આ બહોળો અનુભવ યુવા મહિલા ક્રિકેટરો સાથે શૅર કરું. આજના સમયમાં પોતાનું સંપૂર્ણ ફોકસ ક્રિકેટમાં કેન્દ્રિત કરીને સારું પ્રદર્શન કરવું એ મહિલા ક્રિકેટરો માટે એક મોટો પડકાર છે. આવા સમયે મેન્ટરનો રોલ ઘણો મહત્ત્વનો સાબિત થાય છે ત્યારે મેન્ટરે એ યુવા મહિલા ક્રિકેટરની ટૅલન્ટને યોગ્ય રીતે બહાર લાવી ભારતની રાષ્ટ્રીય ટીમ માટે રમવાલાયક બનાવવામાં આવે અને તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાન પર પોતાની કારકિર્દી બનાવી શકે એટલા માટે મને લાગ્યું કે હું મેન્ટરનો રોલ સારી રીતે નિભાવી શકું છું.
તમે ઘણી મહિલાઓ માટે રોલમૉડલ છો ત્યારે તેમને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે શું કહેશો?
મારા માટે ગર્વની બાબત છે કે લોકો મને રોલમૉડલ તરીકે જોઈ રહ્યા છે. જોકે હું કહીશ કે જે પણ છોકરીને ક્રિકેટમાં કારકિર્દી બનાવવી હોય તેના માટે આ એક સૌથી સારો સમય છે, કારણ કે ભારતમાં વિમેન ક્રિકેટ એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ બની ગયું છે. તમે જોયું કે હાલમાં જ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) મહિલા અને પુરુષ બંને ક્રિકેટરો માટે સરખું પગારધોરણ લઈને આવ્યું છે. ૨૦૧૬થી મહિલા ક્રિકેટરો માટે BCCIએ વાર્ષિક કરાર શરૂ કર્યા છે. આ એક મોટી બાબત કહી શકાય. જે રીતે ભારતીય ક્રિકેટ બોર્ડમાં અને નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA)માં ઈજાગ્રસ્ત મહિલા ખેલાડીઓને રીહૅબની સુવિધા આપવાનું શરૂ કર્યું છે તો મને લાગી રહ્યું છે કે ભારતમાં સ્પોર્ટ્સ હવે એક પ્રોફેશનલ સ્પોર્ટ્સ થઈ રહ્યું છે. ગર્લ ક્રિકેટર્સ માટે આ એક મોટી તક કહી શકાય કે સ્પોર્ટ્સના માધ્યમથી મહિલાઓ એમાં પોતાની અલગ ઓળખાણ બનાવી શકે છે, પોતાની કારકિર્દી તરીકે સ્પોર્ટ્સને પસંદ કરી શકે છે. ખાસ કરીને માતા-પિતાએ પણ આને એક તક તરીકે જોવું જોઈએ, પોતાની દીકરીને સ્પોર્ટ્સમાં અલગ ઓળખાણ અને કારકિર્દી બનાવવા માટે પ્રેરિત કરવી જોઈએ અને આગળ લાવવી જોઈએ. એક સમય હતો જ્યારે ટેનિસ અને બૅડ્મિન્ટનની રમતમાં જ મહિલાઓ પોતાની કારકિર્દી બનાવવાનું વિચારતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. ક્રિકેટમાં પણ છોકરીઓ કારકિર્દી બનાવવાનું વિચારી રહી છે અને એને એક મોટા પ્લૅટફૉર્મમાં જોઈ રહી છે.
ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે ફ્રી સમયમાં તમે તમારો કયો શોખ છે જેના પર કામ કરવા માગશો? મહિલા પ્રીમિયર બાદ તમે શું નવું કરવાનું વિચારી રહ્યાં છો?
હું ક્રિકેટ જ એટલું લાંબું રમી છું, કહી શકાય કે મારી ક્રિકેટની કારકિર્દી એટલી લાંબી રહી છે કે મેં અન્ય સ્પોર્ટ્સમાં નિવૃત્તિ બાદ મારા શોખને ડેવલપ કરવાનું વિચાર્યું પણ નથી અને આટલી લાંબી કારકિર્દીને કારણે અન્ય સ્પોર્ટ્સ કરતાં ક્રિકેટમાં જ કંઈક કરવાનો પહેલાં વિચાર આવે છે. એટલે મેં હવે ક્રિકેટમાં કૉમેન્ટરી કરવાનું શરૂ કર્યું છે. કૉમેન્ટરીના માધ્યમથી હું ક્રિકેટની નજીક રહી શકુ છું. મેં પુરુષ ટી20 વર્લ્ડ કપથી કૉમેન્ટરી કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ હાલમાં જ પૂરી થયેલી મહિલા ટી20 વર્લ્ડ કપમાં પણ કૉમેન્ટરી કરી હતી. જોકે આ એક અલગ જ ફીલ્ડ છે જેમાં મેં હાથ અજમાવ્યો છે. એનાથી મને ઘણો આનંદ આવી રહ્યો છે, કારણ કે મેં કહ્યું એમ હું કૉમેન્ટરીથી ક્રિકેટથી નજીક રહી શકું છું. આગળ પણ જો મને તક મળશે તો જરૂરથી ક્રિકેટમાં કૉમેન્ટરી કરવાનું ચાલુ રાખીશ એમાં કોઈ શક નથી. મહિલા પ્રીમિયર લીગ પૂરી થયા બાદ જો મને કોઈ અલગ જ ફીલ્ડમાં સારી તક મળશે તો હું જરૂર એમાં હાથ અજમાવીશ. હવે ક્રિકેટ સિવાયની અન્ય રમતમાં કામ કરવા માટે હું મારા બધા જ દરવાજા ખુલ્લા રાખીશ અને કંઈક નવું કરવા માટે તૈયાર રહીશ.
