Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > શવાસન વિશે ન જાણી હોય એવી વાતો

શવાસન વિશે ન જાણી હોય એવી વાતો

Published : 23 March, 2022 06:43 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

શારીરિક સ્વસ્થતાથી લઈને ઇમોશનલ, સાઇકોલૉજિકલ અને આધ્યાત્મિક ગ્રોથમાં પણ આ આસન ઉપયોગી છે. શવાસનને લગતી અને શવાસન કરવાની રીત વિશેની કેટલીક ઉપયોગી માહિતીઓ પર વિગતવાર વાતો કરીએ

શવાસન વિશે ન જાણી હોય એવી વાતો

રોજેરોજ યોગ

શવાસન વિશે ન જાણી હોય એવી વાતો


બહુ બધાં શાસ્ત્રોનો નિચોડ અને અત્યાર સુધી શવાસન પર થયેલાં મોટા ભાગનાં વૈજ્ઞાનિક રિસર્ચોનો નિચોડ કહે છે કે શારીરિક સ્વસ્થતાથી લઈને ઇમોશનલ, સાઇકોલૉજિકલ અને આધ્યાત્મિક ગ્રોથમાં પણ આ આસન ઉપયોગી છે. શવાસનને લગતી અને શવાસન કરવાની રીત વિશેની કેટલીક ઉપયોગી માહિતીઓ પર વિગતવાર વાતો કરીએ

આ દુનિયામાં ત્રણ પ્રકારના યોગ પ્રૅક્ટિશનર છે. એક એવા જેમને યોગનાં તમામ આસનોમાં શવાસન બહુ ગમે છે, કારણ કે એમાં આરામ કરવાનો છે. બીજા એવા જેમને સતત કંઈક કરવું હોય છે અને શવાસન બોરિંગ લાગે છે. ત્રીજા જેમને બધું ચાલે. શીર્ષાસન કરાવો તો શીર્ષાસન અને શવાસન કરાવો તો શવાસન. આમાં તમારો નંબર શેમાં આવે? ધારો કે આના સિવાયની કોઈ ચોથી કૅટેગરીમાં પણ જાતને જોતા હો તો પણ આજની શવાસનને લગતી માહિતી જાણીને તેના પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે. લોનાવલાની કૈવલ્યધામ યોગ સંસ્થામાં યોગનો અભ્યાસ કરતા હર્ષવર્ધન ઝવેરીએ પ્રાચીન શાસ્ત્રો અને વિવિધ જર્નલમાં પ્રકાશિત સંખ્યાબંધ રિસર્ચ પેપર્સને આધાર બનાવીને શવાસનને લગતી કેટલીક માહિતીઓનો નિચોડ શોધ્યો છે અને શવાસન કરનારા લોકોની માનસિક સ્થિતિ સુધરતી હોવાની શક્યતા તેને દેખાઈ છે. આ વિષય પર હર્ષવર્ધનનું કોઈ ક્લિનિકલ રિસર્ચ નથી પરંતુ તેનું સાહિત્યિક વિશ્લેષણ આ વાતની પુષ્ટિ કરે છે અને તેનો પોતાનો અનુભવ આ દિશાની ઉજ્જવળ સંભાવનાઓને પ્રગટ કરે છે. ત્યારે શવાસનની દિશામાં કેટલીક મહત્ત્વપૂર્ણ વિગતો પર આપણે પણ નજર કરીએ. 
શાસ્ત્રીય આધાર
યોગનાં ઘણાં પ્રાચીન પુસ્તકોમાં શવાસન વિશે ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ ઉલ્લેખ છે અને એના લાભ પણ લગભગ દરેકમાં સરખા દર્શાવ્યા છે. હર્ષવર્ધન કહે છે, ‘શવાસનનો નિચોડ રિલૅક્સેશન અથવા તો શરીર અને ચિત્તની શિથિલતા છે. પંદરમી સદીમાં લખાયેલા હઠયોગ પ્રદીપિકા નામના ગ્રંથમાં પહેલા ચૅપ્ટરમાં શવાસનને લગતો આ શ્લોક આવે છે. ‘ઉત્તાનમ્ શવવદ્ ભૂમૌ શયનં તચ્છવાસનમ્, શવાસનં શ્રાન્તિહરં ચિત્તવિશ્રાન્તિકારકમ્.’ જેનો અર્થ થાય છે છાતી અને પેટને ઉપરની તરફ રાખીને ભૂમિ પર શબની જેમ સૂઈ જવું એ શવાસન કહેવાય છે. આ અવસ્થામાં શરીરમાં કોઈ પણ પ્રકારની હલચલ ન થવી જોઈએ. શવાસનથી વ્યક્તિને આરામ મળે છે, થાક દૂર થાય છે. ચિત્તને પણ આરામ મળવાથી માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. મજાની વાત એ છે કે શવાસનના આ લાભ અને શવાસન કરવાની આ રીતનો જુદા-જુદા પ્રાચીન પુસ્તકોમાં ઉલ્લેખ મળે છે. જેમ કે વિજ્ઞાન ભૈરવ નામના ખૂબ જ પ્રાચીન ગ્રંથમાં શવાસનને કરંકીની મુદ્રા તરીકે ઓળખાવવામાં આવ્યું છે પરંતુ એના બેનિફિટ્સ આ જ છે. એ સહેજ હાયર મેથડ છે જે સિદ્ધયોગીઓને માટે છે. દત્તાત્રય યોગશાસ્ત્રમાં શવાસનની ટેક્નિક છે. હઠયોગ પ્રદીપિકાની બ્રહ્માનંદજી નામના યોગી દ્વારા ટીકા લખાઈ છે જેમાં શવાસનની પદ્ધતિ, એ ક્યારે થાય અને કઈ રીતે થાય એનું સુંદર વર્ણન છે. ઘેરણ્ડ સંહિતા અને હઠરત્નાવલીમાં પણ શવાસનના પ્રયોગોની વાતો છે. આપણાં પ્રાચીન શાસ્ત્રોમાં શવાસન છે તો બીજી બાજુ શવાસનની ફિઝિયોલૉજિકલ ઇફેક્ટ્સ પર સારાએવા ક્લિનિકલ રિસર્ચ પણ થયાં છે જેમાં બ્લડ-પ્રેશર, શુગર લેવલ, સ્ટ્રેસ લેવલ જેવાં પૅરામીટર્સમાં શવાસનની પૉઝિટિવ અસર દેખાઈ છે.’
નવો અનુભવ
સામાન્ય રીતે આપણે શવાસનને કોઈ પણ યોગ મૅટ, શેતરંજી કે પછી બેડ પર સૂઈને કરતા હોય છે. હર્ષવર્ધન કહે છે, ‘ખુલ્લા પગે ચાલવાના લાભની હવે ઘણા વૈજ્ઞાનિકો ચર્ચા કરી રહ્યા છે જેને અર્થિંગ તરીકે ખૂબ પૉપ્યુલારિટી પણ મળી છે. આપણે આ ધરતીમાંથી જ સર્જાયા છીએ અને માટીમાં જ મળી જવાના. ધરતી માતા છે અને આપણને પોષણ આપનારી છે. એટલે જ મારી દૃષ્ટિએ શવાસન જો જમીન પર સૂઈને થાય તો એની અસર વધારે થાય છે. ઘાસ પર, બીચની માટી પર કે સમતળ સપાટ જમીન પર સૂઈને થતા શવાસનથી વધુ લાભ થતો હોવાનું મેં ઑબ્ઝર્વ કર્યું છે. એટલે જ શવાસનને મેં ભૂમિવર્ધન આસન નામ આપ્યું છે. જમીન એટલે કે પૃથ્વી તત્ત્વ જે પણ આપણને પ્રાણઊર્જા આપે છે. તમારા શરીરનો મૅક્સિમમ પાર્ટ જમીનને સ્પર્શ થયેલો હોય તો ભૂમિ પ્રાણ વધે. એટલે કે પૃથ્વી તત્ત્વના અસંતુલનને કારણે શરીરમાં જે રોગ ઉત્પન્ન થયા હોય એમાં રાહત મળી શકે છે. બીજું, ઘણાખરા લોકો શવાસનમાં સૂઈ જાય છે એ ન થાય એ માટે કૈવલ્યધામના સ્વામી દિગંબરજી કહેતા કે શવાસન કરતી વખતે ઉજ્જયી શ્વસન એટલે કે ગળામાં ઘર્ષણનો અનુભવ થાય એ રીતે શ્વસન કરો તો વ્યક્તિ આરામદાયક સ્થિતિમાં પણ જાગ્રત રહી શકે. આ દિશામાં હજી ઘણાબધા અભ્યાસોની સંભાવના છે.’
અનેક રીતે ફાયદાકારક
શવાસન તમારા શરીરના થાકને તો દૂર કરે જ છે પરંતુ મન એકાગ્ર થતાં ચિત્તને પણ વિશ્રાંતિ આપે છે. એટલે જ પંદર મિનિટનું શવાસન પણ તમને અદ્ભુત લેવલની તાજગી આપવાનું કામ કરી શકે છે. સંપૂર્ણ રિજુવિનેશન આપી શકે છે. હર્ષવર્ધન કહે છે, ‘શવાસનમાં ધીમે-ધીમે તમે જાત સાથે કનેક્ટ થાઓ છો જે તમને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ ખૂબ કામ લાગી શકે છે. માઇન્ડ અને બૉડી કેવી રીતે કામ કરે છે એની સૂક્ષ્મ સ્તરની સમજણ તમારામાં ડેવલપ થાય છે. તમારા રોજબરોજના સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે શવાસન ખૂબ ઉપયોગી છે જ. શરીરના તંગ અને સતત ટેન્શનમાં રહેતા સ્નાયુઓ હળવા થાય, મેન્ટલ રિલૅક્સેશન મળે જેથી તમારી રોજબરોજની ઘટમાળમાં સ્ટ્રેસ ક્રીએટ કરતી પરિસ્થિતિમાં કોપિંગ કૅપેસિટી વધતી હોય છે. શરીરની હળવાશ સાથે મનની એકાગ્રતા વધતાં પ્રોડક્ટિવિટી વધે. સેલ્ફ-ઑબ્ઝર્વેશનની સ્કિલ ડેવલપ થતાં પોતાના માટે અને દુનિયા માટેના પૂર્વગ્રહો ઘટે. તમારું વ્યક્તિત્વ બદલાઈ શકે.’



ક્વિક ટિપ્સ
 તમારા અને પૃથ્વી તત્ત્વ વચ્ચે કોઈ આવરણ ન હોય અને વધુમાં વધુ પૃથ્વી તત્ત્વ સાથે કનેક્ટ થવું હોય તો ઘાસ પર કે માટીવાળી જમીન પર આસન પાથર્યા વિના શવાસન ટ્રાય કરો અને ધરતી મા પાસેથી તમને ભૂમિ પ્રાણ મળી રહ્યો છે શરીરના પૃથ્વી તત્ત્વને સંતુલિત કરી રહ્યો છે એવો ભાવ રાખો. 
 શવાસનમાં ઉજ્જયી શ્વસન કરો એટલે કે ગળાના ભાગથી શ્વાસને મહેસૂસ કરો અને શ્વાસ લેતી અને છોડતી વખતે પવનના સૂસવાટા જેવો અવાજ બહાર આવશે. જીભને ઉપરની તરફ વાળીને સૉફ્ટ તાળવા પર લગાવી દેશો તો પણ તમારું શ્વસન કુદરતી રીતે જ ગળાથી થશે.


કેવી રીતે કરશો શવાસન?

 જમીન પર ચત્તા સૂઈ જાઓ. બન્ને પગ એકબીજાથી દૂર એવી રીતે રાખો કે એડીઓ એકબીજાની તરફ હોય. 
 શરીરમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું ખેંચાણ ન રહે. શરીરને બિલકુલ ઢીલું છોડી દો. શવવત્ શબ્દ ગ્રંથોમાં આવે છે એટલે કે એક મૃત શરીર કેવું હોય જેમાં કોઈ જ હલનચલન ન હોય એ રીતે શરીરને ઢીલું છોડી દો અને એ પણ સહજતાપૂર્વક. કોઈ બળજબરીવાળા કન્ટ્રોલ સાથે નહીં, એકદમ સહજ.‍
 હવે એકાદ-બે મિનિટ માટે બીજા બધા માનસિક વિચારોમાંથી ધ્યાનને બહાર કાઢીને માત્ર અને માત્ર શ્વસન પર ફોકસ કરો. વિપશ્યનામાં જેને આનાપાન કહેવાય અને યોગની અમુક સંસ્થાઓ જેને પ્રાણ ધારણા કહે છે એ જ વાત. સરળ ભાષામાં શ્વસનની ગતિ પર, એને કારણે શરીરમાં ઊઠતાં સંવેદનો પર, શ્વસનને કારણે નાકના ટેરવા પર થતા ઠંડા અને ગરમ હવાના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત રાખો. 
 હવે ધીમે-ધીમે મનથી શરીરને રિલૅક્સ થવાનો કમાન્ડ આપો. એક પછી એક શરીરના જુદા-જુદા અંગ પર તમારા મનને સ્થિર કરો અને એ હિસ્સાને હળવાશનો, રિલૅક્સ થવાનો કમાન્ડ આપો. એક વાત યાદ રાખજો કે તમારું શરીર જાગ્રત અવસ્થામાં તમારા માઇન્ડના દરેક કમાન્ડને સાંભળે જ છે. તમે હાથ ઉપાડવાનું કહો ત્યારે તમારો હાથ ઊઠે છે, તમે મનથી ચાલવાનું નક્કી કરો ત્યારે જ તમે ચાલો છો. શરીર માઇન્ડના કમાન્ડ પ્રમાણે જ સક્રિય થાય છે એટલે જો તમે શરીરને રિલૅક્સ થવાનો કમાન્ડ આપશો તો એ રિલૅક્સ થશે જ. પગના અંગૂઠાથી લઈને આંગળીઓ, પગની પિંડીઓ, ઘૂંટણ, સાથળ, પ્રાઇવેટ પાર્ટ, કમર, પેટના સ્નાયુઓ, પેટના હિસ્સામાં આવતા આંતરડા, લિવર, કિડની, પૅન્ક્રિઆસ જેવા તમામ અવયવો, છાતીના સ્નાયુઓ, ફેફસાં, તમારું હૃદય, બન્ને હાથ, ખભા, તમારી કરોડરજ્જુ, ગરદન, તમારા ચહેરાના ભાગમાં આવેલા તમામ સ્નાયુઓ, આંખ, કાન, જીભ, દાંત, તમારું મસ્તક એમ પગના અંગૂઠાથી લઈને માથાની ટોચ સુધી આવતા તમામ સ્નાયુઓ, રક્ત, રક્તવાહિનીઓ, હાડકાથી લઈને તમારું ચેતાતંત્ર સંપૂર્ણ શિથિલ કરીને શરીરને હળવાશ આપતા જાઓ. 
 ધ્યાન રહે અહીં તમારા બ્રેઇન દ્વારા શરીરને સભાનતાપૂર્વક કમાન્ડ અપાઈ રહ્યો છે એટલે તમે આંખો મીંચેલી હોવા છતાં પણ જાગ્રત અવસ્થામાં રહો એ મહત્ત્વપૂર્ણ બાબત છે શવાસનમાં. ઘણા લોકો શવાસનમાં નસકોરાં બોલાવવા માંડતા હોય છે જે શવાસન નથી. એટલે જ તમામ આસનોમાં સૌથી અઘરું આસન શવાસન ગણાય છે. અહીં તમે સંપૂર્ણ શિથિલ અવસ્થામાં રહીને પણ જાગ્રત છો અથવા તો સજાગ અવસ્થામાં છો. તમારું માઇન્ડ સક્રિય છે છતાં એ શાંત છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2022 06:43 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK