વાર્તા મુંબઈની ચાલીની હતી એટલે અમે ચાલીના બે ફ્લોર સેટમાં દેખાડેલા. ડ્રૉઇંગરૂમ જોવાની આદત ધરાવતા ઑડિયન્સને ચાલી જોવાની આદત નહોતી એટલે સેટ જોઈને ઑડિયન્સને પણ ઝાટકો લાગ્યો
અંબાણી પરિવાર નાટકોનો શોખીન છે. શત્રુઘ્ન સિંહા સ્ટારર અમારા નાટક ‘પતિ, પત્ની ઔર મૈં’ જોવા પણ મુકેશ અંબાણી આવ્યા હતા. એ સમયે મુકેશભાઈના ચહેરાની ગ્લો એવી દેખાય છે કે અત્યારે પણ આંખો અંજાઈ જાય.
વન ઍક્ટ પ્લે ‘સતી’ પરથી અમે બનાવેલા
ફુલ-લેંગ્થ નાટકનું ટાઇટલ હતું, ‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’, જેમાં કામ કરવા માટે કેતકી દવે તૈયાર થઈ ગઈ એટલે અમને લીડ ઍક્ટ્રેસ મળી ગઈ અને અમારું કામ શરૂ થઈ ગયું. એક બાજુ ‘મંજુલા મારફતિયા’ નાટકની અમારી તૈયારીઓ ચાલે છે તો બીજી તરફ મને અને મારા હિન્દી નાટકોના ડિરેક્ટર રમેશ તલવારને ઝિનત અમાન માટે નાટકની સ્ક્રિપ્ટ મળી ગઈ. એ નાટક આપણા ગુજરાતી રાઇટર સિતાંશુ યશશ્ચંદ્રએ લખ્યું હતું. સિતાંશુભાઈ બહુ જ્ઞાની લેખક અને એક સમયે તેઓ શિક્ષણક્ષેત્રે પણ જોડાયેલા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂકેલા સિતાંશુભાઈની વાર્તા પરથી કેતન મહેતાએ તેમનાં વાઇફ દીપા શાહી અને શાહરુખ ખાનને લઈને ફિલ્મ ‘માયા મેમસા’બ’ બનાવી હતી.
ADVERTISEMENT
સિતાંશુ યશશ્ચંદ્રનું મૂળ નાટક ગુજરાતી હતું, જેમાં લીડ પૅરમાં સરિતા જોષી અને અરવિંદ જોષી હતાં. એ ગુજરાતી નાટકનું નામ હતું ‘લેડી લાલકુંવાર’. આ ‘લેડી લાલકુંવર’ પરથી શફી ઈનામદારે હિન્દીમાં નાટક કર્યું હતું, જેનું ટાઇટલ હતું ‘અદા’. ‘અદા’માં શફીભાઈ સાથે ભક્તિ બર્વે હતાં. આ ‘અદા’ અમે ઝિનત અમાન સાથે કરવાનું નક્કી કર્યું એટલે હું સિતાંશુભાઈ પાસે ગયો. તેમની પાસેથી નાટકના રાઇટ્સ અને આશીર્વાદ લઈને અમે નાટક સંભળાવ્યું ઝિનત અમાનને. ઝિનતજીને નાટક અને વિષય ખૂબ ગમ્યાં અને તેમણે તરત હા પાડી દીધી એટલે પહેલી વાર ઝિનત અમાનને સ્ટેજ પર લાવવાનું શ્રેય આપતાં નાટક ‘ચુપકે ચુપકે’ના પાયા નખાયા.
‘ચુપકે ચુપકે’માં હું પણ એક રોલ કરતો હતો અને એનું માર્કેટિંગ પણ શરૂ કરી નાખ્યું કે ૨૦૦૩ના માર્ચ મહિનામાં નાટકની અમેરિકા ટૂર કરવી. ‘ચુપકે ચુપકે’નું રીડિંગ અને રિહર્સલ્સ ચાલે તો બીજી તરફ ‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’નાં પણ રિહર્સલ્સ ચાલે.
કેતકી દવે આવવાથી આ નાટક હવે મોટું થઈ ગયું હતું. એ નાટકની તમને થોડી વાત કહું. એ નાટકમાં ચાલી દેખાડવાની હતી. વાર્તા જ મુંબઈની ચાલીની હતી એટલે અમે ચાલીના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર દેખાડવાનું નક્કી કર્યું. સેટ-ડિઝાઇનર તો નક્કી જ હતા, છેલ-પરેશ. તેમની સૌથી મોટી ખાસિયત એ કે તેઓ હંમેશાં ચૅલેન્જ સ્વીકારવા તૈયાર જ હોય અને આ વખતે પણ તેમણે એ જ કર્યું. તેમણે એવો સેટ બનાવ્યો, એવું માળખું બનાવ્યું કે એ સેટમાં એકસાથે ત્રણ છોકરી ઊભી રહીને ડાન્સ કરે તો પણ સેટ જરાઅમસ્તોય હલે નહીં કે સેટમાં જરાય જર્ક ન આવે.
મુંબઈની ચાલી દેખાડો એટલે તમારે ચાલીમાં લોકો પણ બતાવવા પડે અને ચાલીમાં લોકો દેખાડો એટલે કાસ્ટ લાંબીલચક થઈ જાય. ‘મંજુલા મારફતિયા’માં એવું જ બન્યું. નાટકની કાસ્ટ ખૂબ મોટી થઈ ગઈ. કેતકી દવે લીડ રોલમાં તો તેના હસબન્ડના રોલમાં બકુલ ઠક્કર. એ પછી પલ્લવી હીરજી. આ પલ્લવી એટલે ઍક્ટર વ્રજેશ હીરજીની બહેન. ભામિની ઓઝા, આ ભામિનીએ ત્યાર પછી ઍક્ટર પ્રતીક ગાંધી સાથે મૅરેજ કર્યાં અને આજે ભામિની ઓઝા-ગાંધી તરીકે જાણીતી છે. બહુ સરસ ઍક્ટ્રેસ. ભામિનીએ આ નાટકથી કરીઅરની શરૂઆત કરી. એ પછી નાટકમાં વિનોદ સરવૈયા, પણ વિનોદ એ સમયે હજી રાઇટર નહોતો બન્યો. એ સમયે વિનોદ મ્યુઝિકમાં જ આખો દિવસ રત રહ્યા કરે. ગિટાર લઈને ભવન્સના ઓટલા પર બેસીને ગીતો ગાતો પોતાની મસ્તીમાં રહેતો. અમે વિનોદનું નામ એમટીવી પાડ્યું હતું, જે નામ આજે પણ તેને પહેલેથી ઓળખનારાઓ માટે અકબંધ છે. મારી વાત કહું તો, મારા મોબાઇલમાં આજે પણ તેનું નામ ‘વિનોદ એમટીવી’ તરીકે જ સ્ટોર છે. અમે વિનોદને એક રોલમાં પણ લીધો અને મ્યુઝિક ઑપરેટ કરવાની જવાબદારી પણ સોંપી. મેં તમને કહ્યું એમ, કાસ્ટ બહુ મોટી એટલે અમને એવા ઍક્ટર જોઈતા હતા જે મલ્ટિ-ટાસ્કિંગ કરી શકે. ઍક્ટિંગ પણ કરે, લાઇટ પણ કરે, બૅકસ્ટેજ પણ કરે, મ્યુઝિક પણ કરે. અત્યારે કહ્યા એ સિવાય પણ ઘણા ઍક્ટરો નાટકમાં હતા, પણ એ બધાનાં નામ યાદ નથી આવતાં.
‘મંજુલા મારફતિયા’માં ભજન અને ગીતો પણ હતાં. અમે લાઇવ ઢોલકનો ઉપયોગ કરીને ભજન બનાવ્યાં હતાં. ખૂબ ખર્ચાળ નાટક હતું એ અમારું. અમારા આ નાટકના લેખક હતા અસલમ પરવેઝ અને નીલેશ રૂપાપરા. નાટક તૈયાર થયું અને ઓપન કરવાનો દિવસ પણ નક્કી થઈ ગયો.
૨૦૦૩ની છઠ્ઠી ફેબ્રુઆરી અને રવિવાર. ચવાણ ઑડિટોરિયમ.
પહેલો શો થયો અને શો પૂરો થતાં રિઝલ્ટ આવી ગયું.
નાટક સુપર ફ્લૉપ.
‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’ નાટક લોકોને બિલકુલ ગમ્યું નહીં. મારા હિસાબે નાટકમાં કોઈ ખામી નહોતી, પણ નાટકમાં બ્લૅક કૉમેડી (ઇન્ટેલિજન્ટ કૉમેડી) ભારોભાર હતી જે સરેરાશ ઑડિયન્સ સુધી પહોંચી નહીં. ફ્લૉપ થવાનું એક બીજું કારણ એ કે એમાં કેતકી દવે હતી. કેતકી એ સમયે જબરદસ્ત પૉપ્યુલર હતી, જેને લીધે ઑડિયન્સમાં એક ચોક્કસ પ્રકારની અપેક્ષા બંધાઈ ગઈ કે કેતકી ટિપિકલ કૉમેડી કરતી હશે. સંયુક્ત પરિવારની વહુ હશે અને ફૅમિલીના પ્રૉબ્લેમ સૉલ્વ કરશે. ઑડિયન્સ એવું ધારતું હતું કે નાટકમાં સંયુક્ત પરિવારનો ડ્રૉઇંગરૂમ હોય, બા-બાપુજી અને સાસુ-સસરા હોય, નણંદ-ભોજાઈ હોય અને તેના કાવાદાવા હોય, પણ આ નાટકમાં એવું કશું નહોતું. નાટકના સેટની બાબતમાં પણ ઑડિયન્સની ઇચ્છા પૂરી નહોતી થતી.
નાટકના સેટમાં મેં તમને અગાઉ કહ્યું એમ, ચાલી હતી, ચાલીનું ચોગાન હતું. નૅચરલી આવનારા ઑડિયન્સ માટે એ વાત ઝાટકા જેવી હતી. સરવાળે રિઝલ્ટ એ આવ્યું કે નાટક સુપર ફ્લૉપ રહ્યું. વધુ કોઈ જાતની લપ્પન-છપ્પનમાં પડ્યા વિના અમે સ્વીકારી લીધું કે નાટક ફ્લૉપ છે. અમને નાટકના શો મળતા રહ્યા અને અમે પબ્લિક શો પણ કર્યા, પણ મારે એ કબૂલવું જ રહ્યું કે નાટક ફ્લૉપ ગયું અને એને નવેસરથી ઊભું કરવાની કોઈ રીત કારગત નીવડી નહીં.
તમને કહ્યું એમ, આ નાટકની સાથોસાથ જ અમારા ઝિનત અમાનવાળા નાટકનું કામ પણ ચાલતું જ હતું. ‘ચુપકે ચુપકે’ નાટકની કેટલીક વાતો અને એ સિવાયની બીજી ચર્ચા આપણે કરીશું હવે આવતા સોમવારે, પણ એ પહેલાં એક વિનંતી... નવેસરથી કોવિડના કેસમાં વધારો કરવામાં તમે નિમિત્ત ન બનો એનું ધ્યાન રાખીને જ છૂટછાટ લેજો.
‘મંજુલા મારફતિયા બી.એ. વિથ ગુજરાતી’ નાટક લોકોને બિલકુલ ગમ્યું નહીં. મારા હિસાબે નાટકમાં કોઈ ખામી નહોતી, પણ નાટકમાં બ્લૅક કૉમેડી (ઇન્ટેલિજન્ટ કૉમેડી) ભારોભાર હતી, જે સરેરાશ ઑડિયન્સ સુધી પહોંચી નહીં.