° °

આજનું ઇ-પેપર
Monday, 04 July, 2022


સક્સેસના શૉર્ટકટમાં શૉર્ટસર્કિટ જલદી થાય

21 May, 2022 02:58 PM IST | Mumbai
Aparna Shirish | feedbackgmd@mid-day.com

આ વાત આજની જનરેશને યાદ રાખવાની છે, ખાસ કરીને એ યંગસ્ટર્સે જેમને ઝડપથી પૉપ્યુલરિટી જોઈએ છે. દરેકે સમજવું  પડશે કે તમારે માત્ર જાણીતા બનવું છે કે લોકો તમને આદર કરે એ સ્તરે જાણીતા બનવું છે.

સક્સેસના શૉર્ટકટમાં શૉર્ટસર્કિટ જલદી થાય

સક્સેસના શૉર્ટકટમાં શૉર્ટસર્કિટ જલદી થાય

આ વાત આજની જનરેશને યાદ રાખવાની છે, ખાસ કરીને એ યંગસ્ટર્સે જેમને ઝડપથી પૉપ્યુલરિટી જોઈએ છે. દરેકે સમજવું  પડશે કે તમારે માત્ર જાણીતા બનવું છે કે લોકો તમને આદર કરે એ સ્તરે જાણીતા બનવું છે. એ નક્કી કર્યા પછી જે પણ ફીલ્ડમાં જાઓ એમાં તમારો પાયો મજબૂત કરવા માટે જાતને ટ્રેઇન કરો

એક વાત યાદ રાખજો કે ભજન ક્યારેય આઉટડેટેડ થવાનાં નથી. ભગવાન ક્યારેય આઉટડેટેડ થાય? જો એ ન થાય તો પછી ભગવાનની ભક્તિ કરતાં ભજનો કેવી રીતે આઉટડેટેડ થઈ શકે? ભજન પહેલાં હતાં, આજે છે અને ભવિષ્યમાં પણ રહેવાનાં જ છે અને આ સત્ય હવે ફરીથી ઘણી મ્યુઝિક-કંપનીઓને સમજાવા માંડ્યું છે અને એટલે જ ડિવોશનલ સૉન્ગ્સનું પ્રોડક્શન અને એના વિડિયો વધુ બનવા માંડ્યાં છે. 
હમણાં જ એક મ્યુઝિક-કંપનીએ ચાર દિવસમાં મારી સાથે ભજનોના ૫૦ વિડિયો બનાવ્યા. ભજન-સંગીતની સેલ્ફ લાઇફ વધારે છે. ફિલ્મી ગીતો ફિલ્મ હોય ત્યાં સુધી મર્યાદિત છે જે ભક્તિ-સંગીતમાં ક્યારેય થવાનું નથી. આજે તમે ‘મુન્ની બદનામ હુઇ’ કે ‘શીલા કી જવાની’ ગીત યાદ નથી કરતા, કારણ કે ફિલ્મ સાથે એની લાઇફ પણ પૂરી થઈ ગઈ. આજે પણ તમે ‘ઐસી લાગી લગન, ‘પાયોજી મૈંને રામ રતન’ કે ‘અલ્લાહ તેરો નામ’ ગીત સાંભળો છો. ભક્તિ-સંગીતની ડિમાન્ડ આપણા દેશમાં ક્યારેય ખતમ થવાની નથી. માત્ર હિન્દી જ નહીં; મરાઠી, સાઉથ, બંગાળી, ગુજરાતી એમ દરેક ભાષામાં ડિવોશનલ ગીતોનું વેઇટેજ રહેવાનું છે. એનું બહુ મોટું કારણ જો કોઈ હોય તો એ છે કે ભારત તહેવારોનો દેશ છે. આપણે ત્યાં તહેવાર ભજન કે પછી ડિવોશનલ સૉન્ગ્સ વિના અધૂરો છે. ચાહે એ નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય કે ગણપતિ હોય. લોકોને જે કહેવું હોય એ કહે, પણ હું મારા જાતઅનુભવના આધારે કહીશ કે આપણા દેશમાં ભજનો બહુ આગળ વધી રહ્યાં છે. 
ભજનથી સમાજનું ઘડતર થાય છે. પ્રભુપ્રેમ અને દેશપ્રેમ જગાડવામાં ભજનોની બહુ મોટી ભૂમિકા છે. રામ અને કૃષ્ણ જેનાં સૌથી વધુ ભજનો છે તેઓ શું દેશભક્ત નહોતા? તેમના જીવનચરિત્રમાંથી દેશભક્તિનાં અઢળક ઉદાહરણો બહાર આવે છે. તેમની દેશભક્તિ પણ ભજનમાં વણાતી. આ જ કારણ છે કે ભજનમાં તમે ભાષા કઈ વાપરો છો, કયા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરો છો એ તરફ ધ્યાન અપાય. આજની પેઢી ભજન પોતાની રીતનાં રચે છે. એક વાત હું તેમને કહીશ કે ભજનના શબ્દોમાં ક્યાંય તમારી ભાષા ચીપ ન થઈ જાય એનું ધ્યાન રાખવું. ભજનમાં વપરાતા શબ્દોમાં ઔચિત્ય બહુ મહત્ત્વનું છે. તમે રાધા અને મીરાનાં ભજનોને રૅપ કરો કે તેને ફાસ્ટ મ્યુઝિકમાં લઈ જાઓ અને પછી ‘ડાર્લિંગ રાધા’ કે પછી ‘ઓય માય લવલી મીરા’ જેવા શબ્દ વાપરો તો એ અભદ્ર લાગે. દરેક મ્યુઝિની એક શૈલી હોય છે. એ શૈલી અને ગરિમા જળવાવી જોઈએ. 
આજની યુવા પેઢીએ આ દિશામાં ખૂબ વિચારવાની જરૂરિયાત છે. હું ૭ વર્ષનો હતો ત્યારે મેં રામજીનું પહેલું ભજન ગાયેલું. ત્યારથી લઈને આજ સુધી ભજન ગાવાનો સિલસિલો અકબંધ છે. ૬૨ વર્ષથી ભજન ગાઉં છું અને એ પછી કહું છું કે ભજનોની દુનિયામાં કોઈ બહુ મોટા બદલાવ નથી આવ્યા. ભક્તિનું સ્વરૂપ મોટા ભાગે એ જ છે અને એવું જ ભક્તિગીતોનું છે. આજે પણ તુલસીદાસજી, કબીરદાસજી, મીરાબાઈ, રામ અને કૃષ્ણ એટલાં જ સાપેક્ષ અને ભજનોમાં પ્રસ્તુત છે. ભજનોનું ફિલ્મોની જેમ સર્જન નથી થતું. ફિલ્મો બદલાય તો એનાં 
ગીતો બદલાય. ‘દબંગ’ અને ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોમાં ‘ઇતની શક્તિ હમેં દેના’ કે ‘અલ્લાહ તેરો નામ’ જેવાં ગીતો નહીં જ હોય એટલે 
ફિલ્મ-સંગીત અને ભજન-સંગીત વચ્ચે તુલના કરવી યોગ્ય નથી.
આપણા દેશનો યુવા વર્ગ ભજનોથી જોઈએ એટલો કનેક્ટ નથી એવી દલીલ કેટલાક લોકો કરે છે. સાચું કહું તો, હું આ વાત સાથે સહમત નથી. ના, આ સંપૂર્ણ સત્ય નથી. ઇન ફૅક્ટ હમણાં તો ઘણા યંગ ભજન-સિંગર્સ ઊભરી આવ્યા છે. કદાચ બહુ બહોળા પ્રમાણમાં યુવા વર્ગ ડેડિકેશનની સાથે ભજનો ન પણ સાંભળતા હોય, પણ તેઓ સાવ વિમુખ થઈ ગયા છે એવું કહેવું પણ યોગ્ય નહીં ગણાય. નાનપણમાં હું મારા પિતાજી પાસે ભક્તિ-સંગીતમાં ઘણું શીખ્યો છું. તેમણે આપેલી એક સલાહ જે હું ક્યારેય નથી ભૂલી શકવાનો અને કદાચ દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકોને એ કામ લાગવાની છે. મારા માટે એ જીવનમંત્ર છે. 
મારા પિતાજી કહેતા કે ‘તમારી ટૅલન્ટ જો ૧૯ છે અને તમારું બિહેવિયર જો ૨૦ છે તો રિઝલ્ટ તમને ૨૧ મળશે, પણ તમારી ટૅલન્ટ ૨૧ છે અને બિહેવિયર જો ૨૦ છે તો રિઝલ્ટ તમને ૧૯ મળશે. બહુ જ સરળ શબ્દોમાં તેમણે બિહેવિયરનું મહત્ત્વ કેટલું વધારે છે એ કહી આપ્યું. 
વ્યવહારના આ પાઠ આજની યુવા પેઢીએ કેળવવાની જરૂર છે. તેમણે આવડતની સાથે પોતાના બિહેવિયર પર પણ ફોકસ કરવાની જરૂર છે. તમારો પાયો મજબૂત કરો. તમારે ફેમસ બનવું છે કે તમારે આદરણીય પણ બનવું છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. કારણ કે તમારા વ્યવહારમાં અને તમારા કામમાં એ રિફ્લેક્ટ થશે અને તમને સામે એનું પ્રતિબિંબ પણ મળશે. મારો દાખલો આપું. 
આજે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆતમાં અથવા તો વચ્ચે હું એક ભજન તો હું ગાઉં જ. એ ભજન પૉપ્યુલર પણ બહુ સરસ થયું છે. એના લિરિક્સ અને મ્યુઝિક પણ બહુ સરસ છે. વ્યક્તિગત રીતે એ મારું પ્રિય ભજન છે. ‘ઐસી લાગી લગન, મીરા હો ગઈ મગન’ ભજનમાં થોડો ક્લાસિકલ ટચ પણ ઉમેરાયો છે. હવે જ્યારે પણ તમે ભજનમાં, ગઝલમાં કે ગીતોમાં ક્લાસિકલ ઍસપેક્ટ ઉમેરો ત્યારે નૅચરલી જ સાંભળનારા હૃદયમાં તમારા માટે પ્રેમ અને આંખોમાં આદર આવી જ જાય. તમારે એના માટે પ્રયાસ ન કરવા પડે. જોકે આ ક્લાસિકલ ટચ ત્યારે તમે પોતે એનો ઊંડો અભ્યાસ કર્યો હોય, તમારી એ પ્રકારની આકરી ટ્રેઇનિંગ થઈ હોય. તમારે જો તમારી જાતને લાંબા સમય માટે એસ્ટૅબ્લિશ કરવી છે તો તમારા ગીત-સંગીતની આ બારીકી સમજવી જ પડશે. બે-ચાર ગીતો તમારાં પૉપ્યુલર થઈ ગયાં તો બની શકે કે લોકો તમને ઓળખશે ખરા, પરંતુ તમારે માટે આદર પણ રાખતા થઈ જશે એવું ન વિચારતા. તમારી સાધના અને તમારા ઇન્ટેન્શનથી તમારી બ્રૅન્ડને સ્ટૅબિલિટી મળતી હોય છે. બાકી તમે જ કહોને કે અત્યાર સુધી કેટલા ઇન્ડિયન આઇડલ બન્યા અને ગયા. તમને કેટલાનાં નામ યાદ છે? તમારે વન ટાઇમ વન્ડર બનવું છે કે નક્કર ધોરણે કામ કરવું છે અને લાંબા ગાળા માટે જાતને ટકાવી રાખવી છે એ તમારે જાતે નક્કી કરવાનું છે. એક વાત હંમેશાં યાદ રાખજો કે શૉર્ટકટથી તમને સફળતા કદાચ મળી જશે, પરંતુ શૉર્ટકટથી મળેલી સફળતામાં શૉર્ટસર્કિટ ઝડપથી થઈ જાય છે. 
યુવા પેઢીને હું માત્ર એટલું જ કહીશ કે તમારા કાર્યમાં ઊંડાણ લાવો, તમારી સાધનાને સઘન કરો અને જીવનમાં મળતી તકોને પૂરી નિષ્ઠા 
સાથે ઝડપી લો. વાત રહી ભજન ગાવાની તો એને શીખવતું કોઈ મૅન્યુઅલ નથી કે એનું કોઈ ટ્રેઇનિંગ સેન્ટર નથી. તમારા શબ્દોમાં ભાવ ભળશે ત્યારે આપોઆપ એ લોકોનાં હૃદય સુધી પહોંચી જવાનું, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી.

- અનુપ જલોટા

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

21 May, 2022 02:58 PM IST | Mumbai | Aparna Shirish

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK