Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મૅજિસ્ટિક તરીકે ઓળખાતા વિસ્તારમાં કશું બાદશાહી નથી

મૅજિસ્ટિક તરીકે ઓળખાતા વિસ્તારમાં કશું બાદશાહી નથી

23 May, 2020 03:42 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

મૅજિસ્ટિક તરીકે ઓળખાતા વિસ્તારમાં કશું બાદશાહી નથી

કેશવરાવ કોઠાવળે અને મેજેસ્ટિક બુક સ્ટોલ

કેશવરાવ કોઠાવળે અને મેજેસ્ટિક બુક સ્ટોલ


કોરોનાકાળમાં મુંબઈનગરીમાં લટાર મારતી વખતે હવે તો જાદુઈ મોજડી પહેરવાની ટેવ પડી ગઈ હશે એટલે યાદ કરાવવું નહીં પડે, પણ હવે આગળ ચાલતી વખતે જરા સાબદા રહેવું પડશે, કારણ હવે આપણે મુંબઈની મધ્યમવર્ગી મરાઠી સંસ્કૃતિના કેન્દ્રબિંદુ સમાન વિસ્તારમાં જવાના છીએ. આપણી ભાષામાં એક કહેવત છે, ‘સાપ ગયા ને લિસોટા રહ્યા.’

આમ તો મુંબઈમાં આવી ઘણી જગ્યા છે. કોટ કે ફોર્ટમાં ક્યાંય કિલ્લો નથી. સી. પી. ટૅન્કમાં



ટૅન્ક-તળાવ નથી. એમ આજે પણ જે વિસ્તાર મૅજિસ્ટિક તરીકે ઓળખાય છે ત્યાં કશું મેજિસ્ટિક કે બાદશાહી રહ્યું નથી. જે છે એ બધું સીધુંસાદું મધ્યમ વર્ગીય જીવનની જરૂરિયાતો પોષતું છે. એક જમાનામાં અહીંના મધ્યમવર્ગના જીવનમાં બાદશાહી હોય તો એ હતી મૅજિસ્ટિક સિનેમાની. હા, નાટક એ મરાઠી માણૂસની પહેલી પસંદગી. એક ટૂચકો પ્રચલિત છે, કોઈ નિર્જન ટાપુ પર ત્રણ ગુજરાતી જઈ પહોંચે તો પહેલું કામ દુકાન ખોલવાનું કરે. ત્રણ બંગાળીઓ પહોંચે તો પૉલિટિકલ પાર્ટી શરૂ કરે, ત્રણ મરાઠીભાષી પહોંચે તો પહેલું કામ નાટકમંડળી શરૂ કરવાનું કરે! એક વાત નોંધી? ધોબી તળાવથી શરૂ કરીએ તો ત્યાં મેટ્રો પછી કાલબાદેવી રોડ પર એડવર્ડ અને પ્રિન્સેસ (ભાંગવાડી) એમ બે થિયેટર. પણ મેટ્રોથી ગિરગામ રોડ પર ચાલીએ તો છેક મૅજિસ્ટિક સુધી બીજું કોઈ સિનેમા-થિયેટર નહોતું. આજે તો મૅજિસ્ટિક પણ નથી. એની જગ્યાએ બની ગયું છે મૅજિસ્ટિક શૉપિંગ સેન્ટર, પણ આપણા દેશના સિનેમાના ઇતિહાસમાં આજે પણ આ મૅજિસ્ટિક સિનેમાનું મોભાનું સ્થાન છે. કારણ કે ૧૯૩૧ના માર્ચ મહિનાની ૧૪મીએ શનિવારે આપણા દેશની પહેલવહેલી ‘૧૦૦ ટકા ટૉકી’ ફિલ્મ (જી, હા, જાહેરખબરોમાં એ ફિલ્મ માટે આ વિશેષણ વપરાયું હતું) ‘આલમઆરા’ આ થિયેટરમાં રિલીઝ થઈ હતી. પહેલા દિવસે લોકોની એટલી ભીડ થઈ કે બંદોબસ્ત માટે પોલીસ બોલાવવી પડી હતી. પહેલાં આઠ અઠવાડિયાં સુધી આ ફિલ્મનો એકેએક શો હાઉસફુલ ગયો હતો, એટલું જ નહીં, ચાર આના (આજના બે પૈસા)ની ટિકિટ કાળાબજારમાં પાંચ રૂપિયામાં વેચાતી હતી. આ ફિલ્મ બનાવવાનું માન જાય છે મુંબઈના એક પારસી નબીરાને. તેમનું નામ અરદેશર ઈરાની. ૧૮૮૬ના ડિસેમ્બરની પાંચમી તારીખે પુણેમાં જન્મ. ૧૯૬૯ના ઑક્ટોબરની ૧૪મી તારીખે બેહસ્તનશીન થયા. પહેલાં શાળાના શિક્ષક તરીકે કામ કર્યું, પછી કેરોસિનનો વેપાર કર્યો, પણ છેવટે પકડી ફિલ્મલાઇન. ૧૯૨૨માં ‘વીર અભિમન્યુ’થી પોતાની મૂંગી ફિલ્મો બનાવવાની શરૂઆત કરી અને પછી બન્યા હિન્દુસ્તાનની ટૉકી ફિલ્મના જનક અને એ ફિલ્મ રિલીઝ થઈ હતી ગિરગામના મૅજિસ્ટિક સિનેમામાં.


ઉમાશંકર જોશીએ ગાયું છે: ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’. પણ ડુંગરા એ રીતે ભમી શકાય, શહેરમાં ઘણી વાર સાથે જાણકારની જરૂર પડે. મૅજિસ્ટિક સિનેમા વિશે થોડી વધુ જાણકારી માટે આજે આપણી સાથે જોડાય છે સિનેમાના ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, વિકાસ, સ્થિતિ વગેરેના અઠંગ અભ્યાસી શ્રીઅમૃત ગંગર. ‘અમૃતભાઈ, આ મૅજિસ્ટિક સિનેમા બંધાયું ક્યારે?’

અમૃતભાઈ કહે છે, ‘ઘણાં વર્ષો પહેલાં બાસુ ભટ્ટાચાર્ય સાથે મેં નાશિકમાં દાદાસાહેબ ફાળકેની દીકરી મંદાકિની ફાળકેની મુલાકાત લીધી હતી. આ મંદાકિની પોતે ફિલ્મમાં કામ કરનારી પહેલી બાળકલાકાર હતી. પાંચ વર્ષની ઉંમરે તેણે ‘શ્રી કૃષ્ણજન્મ’ અને ‘કાલિય મર્દન’ એ બે મૂંગી ફિલ્મોમાં બાળકૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તો એ મુલાકાત દરમ્યાન મંદાકિનીએ અમને કહ્યું હતું કે મારી ફિલ્મ ‘શ્રી કૃષ્ણજન્મ’ ૧૯૧૮માં મૅજિસ્ટિક સિનેમામાં પ્રીમિયર થઈ હતી, એટલે મોટા ભાગે આ થિયેટર ૧૯૧૮ના અરસામાં બંધાયું હતું. અબ્દુલ અલી યુસુફ અલી સાથે ભાગીદારીમાં અરદેશર ઈરાનીએ આ થિયેટર બાંધ્યું હતું. તેઓ ઈરાનીનાં બે પ્રોડક્શન-હાઉસ ઇમ્પીરિયલ અને મૅજિસ્ટિક સાથે પણ સંકળાયેલા હતા. મૅજિસ્ટિકની જેમ ગ્રાન્ટ રોડ પરનું ઇમ્પીરિયલ સિનેમા પણ એ બન્નેની માલિકીનું હતું.’


‘આપનો ખૂબ-ખૂબ આભાર અમૃતભાઈ, આવજો.’

આ મૅજિસ્ટિક સિનેમાની ટિકિટો કાળાબજારમાં વેચીને પેટિયું રળી ખાતો એક છોકરો. મા-બાપ ‘મુલુક’માં, ગિરગામમાં એક સગાને ત્યાં રહીને છોકરો ભણે. હોશિયાર. ૮૦ ટકાથી ઓછા માર્ક ન આવે, પણ એક દિવસ કોઈ વાંક-ગુના વગર સ્કૂલના માસ્તરે શિક્ષા કરી. એ જ દિવસે સ્કૂલને રામ રામ કરી દીધા. પણ હવે કરવું શુ? થોડો વખત તો કાળાબજારમાં ટિકિટો વેચી. પણ મન ડંખે. એવામાં એક દિવસ એક ફેરિયાને જોયો. ફુટપાથ પર જૂની ચોપડીઓ પાથરીને વેચતો હતો. છોકરો ભણવામાં તો હોશિયાર હતો. ચોપડીઓ સાથે લગાવ હતો. એ જ ઘડીએ વિચાર્યું કે આ ધંધો સારો છે અને ૧૯૪૦ના અરસામાં મૅજિસ્ટિક સિનેમા આગળની ફુટપાથ પર જ સેકન્ડ-હૅન્ડ પુસ્તકો વેચવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે થોડું કમાયો. એવામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મુંબઈ પર જપાન હુમલો કરશે એવી દહેશતને કારણે અડધું મુંબઈ ખાલી થઈ ગયું. ઠેર-ઠેર ‘TO LET’નાં પાટિયાં ઝૂલવા લાગ્યાં. સાવ સસ્તામાં એક દુકાન મળે એમ હતું અને એ પણ ફુટપાથ પર જ્યાં બેસીને ચોપડીઓ વેચતો હતો ત્યાં જ. હિંમત કરીને દુકાન લઈ લીધી. માથે ઉદુમ્બરના વિશાળ ઝાડની છાયા હતી, પણ નામ શું રાખવું દુકાનનું? જે સિનેમાની ટિકિટો કાળાબજારમાં વેચેલી, જેની પાસેની ફુટપાથ પર બેસીને જૂની ચોપડીઓ વેચેલી, એ જ સિનેમાનું નામ અપનાવ્યું અને ૧૯૪૨ના જૂનની ૧૫મી તારીખે પોતાની નાનકડી દુકાન પર પાટિયું લગાડ્યું ઃ ‘મૅજિસ્ટિક બુક સ્ટૉલ.’ ફેરિયો હતો ત્યારે બધા ‘કેશવા’ કહીને બોલાવતા. દુકાન કરી અને ચાલવા લાગી પછી ‘કેશવરાવ કોઠાવળે’ બન્યા. પછી બાળકો માટેનાં પુસ્તકોના પ્રકાશનથી ‘મૅજિસ્ટિક પ્રકાશન ગૃહ’ શરૂ કર્યું, પુસ્તકોને વરેલું માસિક ‘લલિત’ શરૂ કર્યું, જે ખૂબ વખણાયું. પુસ્તકો, લેખકો, મુદ્રકો, પ્રકાશકો વિશે એમાં લેખો, પરિચય, મુલાકાત, ચર્ચા આવે. લોકોને પુસ્તકો સુધી અને પુસ્તકોને લોકો સુધી લઈ જવા માટે ‘લલિત’ અવનવા નુસખા અજમાવે. વાચકોમાં એટલું પ્રિય થયું કે બીજા પ્રકાશકો પણ પોતાનાં પુસ્તકોની જાહેરખબર નિયમિત રીતે ‘લલિત’માં આપે. પ્રકાશક તરીકે કેશવરાવે બે ઘોડાની સવારી કરી. એક બાજુ સારી રીતે વેચાય એવાં પૉપ્યુલર પુસ્તકો છાપે રાખ્યાં, અને બીજી બાજુ ઊંચી સાહિત્યિક ગુણવત્તાવાળાં, પણ કદાચ ઝાઝાં ખપે નહીં એવાં પુસ્તકો પણ છાપતા રહ્યા. પરિણામે શ્રી અને સરસ્વતી બન્નેને રીઝવી શક્યા. મુંબઈમાં અને આખા મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર સાહિત્યિક કાર્યક્રમો કર્યા. એમાં ‘મૅજિસ્ટિક ગપ્પાગોષ્ટિ’ નામનો કાર્યક્રમ તો ખૂબ લોકપ્રિય થયો. આવો એક કાર્યક્રમ પુણેમાં યોજ્યો. એમાં સહભાગી થવા ‘કોઠાવળે શેટ’ (હા, હવે ‘કેશવરાવ’માંથી તેઓ કોઠાવળે શેટ’ બની ગયા હતા) પુણે ગયા. કાર્યક્રમમાં બેઠા હતા અને કાર્ડિઍક અરેસ્ટનો હુમલો આવ્યો અને ત્યાં ને ત્યાં જ ૧૯૮૦ના મેની પાંચમી તારીખે  કૈલાસવાસી થયા. ત્યારે ઉંમરનાં ૬૦ વર્ષ પૂરાં થવાને થોડા જ દિવસની વાર હતી. એમની ષષ્ટિપૂર્તિ ઊજવવાની તૈયારીઓ ચાલતી હતી. ‘મૅજિસ્ટિક’ને પણ ૪૦ વર્ષ પૂરાં થતાં હતાં અને ‘લલિત’ માસિકને ૨૦ વર્ષ પૂરાં થતાં હતાં. આ ત્રિવેણી પર્વની ઉજવણી કરવાની તૈયારીઓ તડામાર ચાલતી હતી, પણ પછી એ બધાનો વીંટો વાળી લેવો પડ્યો. ‘લલિત’નો ખાસ અંક ‘કોઠાવળે અભિનંદન અંક’ તરીકે પ્રગટ થવાનો હતો. એને બદલે ‘સ્મૃતિ અંક’ પ્રગટ કરવાનો વારો આવ્યો. પ્રખ્યાત મરાઠી નાટકકાર, નવલકથાકાર, હાસ્યકાર, ‘લલિત’માં ‘ઠણઠણપાળ’ના ઉપનામથી અત્યંત લોકપ્રિય કૉલમ લખનાર અને કેશવરાવના પરમ મિત્ર જયવંત દળવીએ એનું સંપાદન કર્યું. કેશવરાવના અવસાન પછી ‘મૅજિસ્ટિક’ની વિકાસયાત્રા આજે પણ ચાલુ રહી છે. બીજે મોટી જગ્યા લીધી છે, આધુનિક ઑફિસ, શો-રૂમ કર્યા છે, પણ પેલી ઉદુમ્બરના ઝાડની છાયા નીચેની નાનકડી દુકાન પર આજે પણ એ જ પાટિયું ઝૂલે છે: ‘મૅજિસ્ટિક બુક સ્ટૉલ.’

લગ્ન એક ઘરે હોય અને એનો માંડવો નજીકના બીજા ઘરે બંધાય એવું બને? મૅજિસ્ટિક પ્રકાશને એવું કરેલું. મરાઠીના અગ્રણી પ્રકાશક મૌજ પ્રકાશનની સ્થાપનાને પચીસ વર્ષ પૂરાં થયાં, પણ મૌજના સ્થાપકે તો કહી દીધું કે ‘અમે એવી ઉજવણી-બુજવણીમાં માનતા નથી અને આમ પણ અમે કઈ ધાડ મારી છે? એક ધંધો જ કર્યો છે.’ એટલે મૌજનો રૌપ્ય મહોત્સવ ધામધૂમથી કોઠાવળેના મૅજિસ્ટિક પ્રકાશને ઊજવ્યો. મૅજિસ્ટિક અને મૌજ બન્ને મરાઠી પ્રકાશકો. બન્ને ગિરગામમાં. ધંધામાં હરીફ, પણ બાકીની બધી વાતમાં મિત્રો. ‘મૌજ’ની શરૂઆત ગિરગામની ખટાઉવાડીમાં ૧૯૫૦ના ઑગસ્ટની પહેલી તારીખે ‘શ્રીખંડ પૂરી ભાજી’એ કરેલી. શ્રી પુ. ભાગવતની ગેરહાજરીમાં ઘણા તેમનો ઉલ્લેખ મજાકમાં આ રીતે કરતા. જોકે મૌજ સાપ્તાહિક, સત્યકથા માસિક અને મૌજ પ્રિન્ટિંગ બ્યુરોની શરૂઆત તો એનાથી પણ પહેલાં થયેલી. લોકપ્રિય થઈ જાય એવું કોઈ પુસ્તક મૌજ દ્વારા છપાઈ તો નહીં જાયને, એવી ચિંતા જાણે શ્રી. પુ. (એ નામે જ જાણીતા)ને તથા તેમના સાથી રામ પટવર્ધનને સતત રહેતી. જેવાં પુસ્તકો છાપે એવું જ એક માસિક પણ ચલાવે, ‘સત્યકથા’. વાર્ષિક ‘મૌજ’ પણ દર્જેદાર. સાહેબ, જે લેખકની વાર્તા ‘સત્યકથા’માં છપાય એ થોડા દિવસ તો જમીનથી બેવેંત અધ્ધર ચાલવા લાગે અને જો એનું પુસ્તક મૌજ છાપે તો તો એ આકાશમાં ઊડવા માંડે! મરાઠી સાહિત્યની સૃષ્ટિમાં મૌજ પ્રકાશન, વાર્ષિક ‘મૌજ’ અને ‘સત્યકથા’ માસિકની જબરી પ્રતિષ્ઠા. મૌજને પોતાનું છાપખાનું. બિનચૂક, સુંદર, સુઘડ છાપકામ માટે જાણીતું. મૌજનું તો બધું કામ એમાં થાય જ, પણ છાપવાનું બીજું થોડું કામ પણ કરે, જો કરવા જેવું લાગે તો! ૧૯૫૦થી લગભગ ૫૦ વર્ષ સુધી આધુનિક મરાઠી કવિતા અને ટૂંકી વાર્તાને મૌજે પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. દિલ્હીની સાહિત્ય અકાદમી દર વર્ષે દેશની જુદી-જુદી ભાષાનાં શ્રેષ્ઠ પુસ્તકને પુરસ્કાર આપે છે. મૌજે પ્રગટ કરેલાં ૨૩ જેટલાં પુસ્તકોને આ પુરસ્કાર મળ્યો છે. શ્રી. પુ.એ વર્ષો સુધી મુંબઈની કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યું. એટલે ‘મૌજ’ને તેમણે આવકના સાધન તરીકે ક્યારેય ન જોયું, પણ ૨૦૦૭ના ઑગસ્ટની ૨૧મી તારીખે શ્રી પુ.નું અવસાન થયું એ પછી મૌજનું તેજ થોડું ઝંખવાયું છે. છાપખાનું હવે વિલે પાર્લે ખસેડાયું છે અને માત્ર પોતાનાં જ પુસ્તકો છાપે છે. પણ એક જમાનામાં ખટાઉવાડીમાંનું મૌજ એ મરાઠી સાહિત્યકારો માટે એક તીર્થસ્થાન હતું.

મૅજિસ્ટિક અને મૌજ એ બે ઉપરાંત ગિરગામમાં પુસ્તકોની બીજી પણ ઘણી દુકાન. કોઈમાં ધાર્મિક પુસ્તકો વેચાય, કોઈમાં સ્કૂલ-કૉલેજનાં પાઠ્યપુસ્તકો, કોઈમાં સેકન્ડહૅન્ડ પુસ્તકો. મરાઠીઓની વસ્તી વધુ હોય એવા વિસ્તારોમાં બીજી એક ધ્યાનપાત્ર બાબત જોવા મળે. ઠેર-ઠેર નાની-મોટી સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓ હોય. માફકસરની ત્રૈમાસિક કે વાર્ષિક ફી ભરીને પુસ્તકો, મૅગેઝિનો ઘરે વાંચવા લઈ જઈ શકાય. દર દિવાળીએ મરાઠીમાં ૨૦૦ કરતાં વધુ દિવાળી અંક પ્રગટ થાય છે. દિવાળી પછી મહિનાઓ સુધી સર્ક્યુલેટિંગ લાઇબ્રેરીઓમાંથી લાવીને સાહિત્યપ્રેમી મરાઠીઓ એ અંક વાંચે.

જોકે હવે ‘સૉફ્ટ કૉપી’ હાથવગી અને ખિસ્સાવગી થતાં આવી લાઇબ્રેરીઓનું મહત્ત્વ થોડું ઘટ્યું છે, પણ આજેય આવી લાઇબ્રેરીઓ મુંબઈમાં સૌથી વધુ ક્યાંય હોય તો એ ગિરગામ, દાદર અને પાર્લા-ઈસ્ટમાં.

એક જમાનામાં મૅજિસ્ટિક સિનેમાની જાહેરખબર છાપામાં આવતી ત્યારે એનું સરનામું શું છપાતું ખબર છે? ‘ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસે’. હેં? ગિરગામમાં વળી ટ્રામ ટર્મિનસ? હા, જી. પણ એ વિશે વાત હવે આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

23 May, 2020 03:42 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK