‘હું તો ઇચ્છું છું કે...’ ત્યારે મારે માનવું કે એ આપની જ ઇચ્છા છે અને મારે એને પાળવાની છે.’
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ
એ દિવસ હતો અષાઢ સુદ પૂનમનો. લોકોમાં જે દિવસની ઓળખાણ ‘ગુરુપૂર્ણિમા’ તરીકે થાય છે એ જ દિવસ.
બપોરે એક બહેન, કદાચ તેમની ઉંમર ૩૫-૪૦ આસપાસ હશે, વંદનાર્થે આવ્યાં છે. વંદન કરીને તેમણે મને વિનંતી કરી,
‘ગુરુપૂર્ણિમા નિમિત્તે આપને ઠીક લાગે એ નિયમ આપી દો.’
‘પાળી શકશો...’
‘અંતિમ શ્વાસ સુધી...’
‘જડ થવાની જરૂર નથી... શ્રદ્ધા સાથે પાળશો તો પણ ચાલશે...’
પછી હું પળ-બે પળ મૌન રહ્યો અને એ પછી કાંઈ બોલું એ પહેલાં તેમણે સામેથી જ મને કહ્યું.
‘ગુરુદેવ, હું રોજ આપનાં પ્રવચનોમાં આવું છું. આજ પછી પ્રવચનમાં આપના મુખે જ્યારે પણ ‘હું એમ ઇચ્છું છું કે...’ એ વાક્ય નીકળે ત્યારે એ વાક્ય જે પણ સંદર્ભમાં આપના મુખમાંથી નીકળ્યું હશે એનો હું અમલ કરીને રહીશ.’ વાતને રોકવાને બદલે તેમણે પોતાની ભાવના આગળ વ્યક્ત કરી, ‘ચાહે એ વાક્ય ધર્મપ્રવૃત્તિના સંદર્ભમાં હશે કે પાપનિવૃત્તિના સંદર્ભમાં હશે, કર્તવ્યપાલનના સંદર્ભમાં
હશે કે ઔચિત્યપાલનના સંદર્ભમાં હશે. આજના મંગળ દિને આપ મને આ નિયમ આપી દો.’
‘સાધુ તો ચલતા ભલા... હું ક્યાં સુધી અહીં રહેવાનો?’
‘એનો રસ્તો પણ મેં વિચારી રાખ્યો છે...’ એ બહેન મનોમન બધું નક્કી કરીને આવ્યાં હોય એ રીતે બોલ્યાં, ‘આપનાં સવાચારસોથી વધારે જે પુસ્તકો છે એ બધાં મારા ઘરમાં છે, જેનું હું નિયમિત પઠન કરું છું. એ પુસ્તક વાંચતી વખતે જ્યાં પણ એવું તમે લખ્યું હશે કે ‘હું તો ઇચ્છું છું કે...’ તો એ શબ્દોને આપની આજ્ઞા ગણીને મારે એનું પાલન કરવાનું અને આપની ઇચ્છા પૂર્ણ કરવાની...’
‘ધારો કે એમાં પણ કંઈ ન મળ્યું તો...’
‘એનો પણ રસ્તો છે...’ વિચારોનાં મક્કમ એવાં એ બહેને કહ્યું, ‘તમારી ગેરહાજરીમાં અહીં જેકોઈ ગુરુભગવંત આવે અને વ્યાખ્યાન આપે એ પણ સાંભળવા હું આવતી હોઉં છું. તેમના મોઢે પણ જ્યારે આવશે કે ‘હું તો ઇચ્છું છું કે...’ ત્યારે મારે માનવું કે એ આપની જ ઇચ્છા છે અને મારે એને પાળવાની છે.’
‘ધારો કે દિવસ દરમ્યાન એક પણ વાર એવું સાંભળવામાં ન મળ્યું તો...’
‘એ દિવસે હું આયંબિલ કરીને ઈશ્વર પાસે ક્ષમાપના માગીશ.’
એ બહેનના આ સત્ત્વસભર પરાક્રમે મને રીતસરનો સ્તબ્ધ કરી દીધો.


