Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફ્રૉડ-ફ્રી નાણાંનો ડિજિટલ યુગ એટલે ઈ-રુપી

ફ્રૉડ-ફ્રી નાણાંનો ડિજિટલ યુગ એટલે ઈ-રુપી

04 December, 2022 10:57 PM IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

થોડા સમય પહેલાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઈ-રુપીના નામે શરૂ કરેલી પ્રી-પેઇડ સર્વિસ શું છે એ સમજવાનો સમય આવી ગયો છે. નાણાંનું ડિજિટલ ટ્રાન્ઝૅક્શન અને ઈ-રુપી કઈ રીતે જુદાં છે એ સમજીએ

ફ્રૉડ-ફ્રી નાણાંનો ડિજિટલ યુગ એટલે ઈ-રુપી

ફ્રૉડ-ફ્રી નાણાંનો ડિજિટલ યુગ એટલે ઈ-રુપી


ઇન્ટરનેટનો જમાનો છે અને ભારત હવે ડિજિટલ ઇન્ડિયા બની રહ્યું છે. બે વર્ષના નાના છોકરાને પણ ખાવાનું ખવડાવવા માટે આજે મમ્મીઓ સ્માર્ટફોનમાં ચાલતા કાર્ટૂન કે ફિલ્મો કે ગેમ્સનો સહારો લેવા માંડી છે. આવા સમયમાં હવે સરકાર જ્યારે ઝડપથી ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહી છે ત્યારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ પેમેન્ટ સિસ્ટમ વધુ સ્ટ્રૉન્ગ, વધુ ફ્રૉડ-ફ્રી અને યુઝર-ફ્રેન્ડ્લી બનાવવા માટે ધરખમ ફેરફારો કર્યા જ છે. એક સમય હતો જ્યારે ભારતની વ્યક્તિ એટીએમમાં જઈ પૈસા વિધડ્રૉ કરતાં પણ ગભરાતી હતી. આજે હવે મોબાઇલમાં જ અનેક પેમેન્ટ ઍપ્લિકેશન્સ અને પ્લૅટફૉર્મ્સ આવી ગયાં છે. આ જ રિફોર્મ અંતર્ગત આરબીઆઇ દ્વારા પાઇલટ પ્રોજેક્ટ તરીકે હમણાં થોડા સમય પહેલા CBDC (સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી) પ્લૅટફૉર્મ પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. તો વળી થોડા મહિનાઓ પહેલાં આરબીઆઇએ ઈ-રુપીના નામથી પ્રી-પેઇડ સર્વિસ પણ શરૂ કરી છે.
બીજી ઑગસ્ટ, ૨૦૨૨. આ તારીખ ટેક્નૉલૉજિકલ પ્રોગ્રેસ બાબતે એક મહત્ત્વની તારીખ તરીકે ભારતના ઇતિહાસમાં અંકિત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી દ્વારા આ દિવસે ઈ-રુપી પ્લૅટફૉર્મ લૉન્ચ કરવામાં આવ્યું. સામાન્ય સમજ માટે તો આપણે એમ કહી શકીએ કે UPIની જેમ જ આ ઈ-રુપી પણ કામ કરશે. જોકે સિક્યૉરિટી બાબતે એમાં કંઈક નવું છે. ઈ-રુપીને કારણે હવે ચોરી અને ફ્રૉડની શક્યતા નહીંવત્ થઈ જશે. એટલું જ નહીં, બીજી પણ ઘણી બાબતો છે જે આપણે જાણવા અને સમજવાની જરૂર છે. 
ઈ-રુપી શું છે?
ઈ-રુપી આમ તો UPIનું જ ઍડ્વાન્સ વર્ઝન છે. બીજી રીતે કહીએ તો આપણા વૉલેટમાં પડેલાં કાગદી નાણાં જેવું જ આ ઈ-રુપી પણ છે એમ કહી શકાય. જોકે ઈ-રુપી વધુ સ્પેસિફિક છે. એ કાઉન્ટર પાર્ટી સ્પેસિફિકેશનવાળું નાણું છે એમ હાલના એના સ્વરૂપને કારણે કહી શકાય. UPI ભારતમાં લૉન્ચ થયું હતું ૨૦૧૬ની ૧૧ એપ્રિલે, જ્યારે ઈ-રુપી લૉન્ચ થયું ૨૦૨૨ની બીજી ઑગસ્ટે. એને આપણે ડિજિટલ કરન્સી તરીકે પણ ઓળખાવી તો શકીએ, પરંતુ એ સમજવામાં ભૂલ ન થાય કે આ ડિજિટલ કરન્સી નથી. હવે તો જોકે ભારતમાં ડિજિટલ કરન્સી પણ લૉન્ચ થઈ ચૂકી છે અને ભારત વિશ્વમાં પહેલો એવો દેશ બન્યો છે જેણે હોલસેલ ડિજિટલ કરન્સી લૉન્ચ કરી હોય. પાઇલટ પ્રોજેક્ટ તરીકે પહેલી નવેમ્બર ૨૦૨૨થી આ ડિજિટલ કરન્સી ૯ બૅન્કોમાં લૉન્ચ પણ થઈ ચૂકી છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું. આજે આપણે વાત કરવી છે ઈ-રુપી વિશેની. 
આ પ્લૅટફૉર્મ નૅશનલ પેમેન્ટ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI) દ્વારા બનાવવામાં આવ્યું છે. ભારતમાં તમે કોઈ પણ વિકલ્પ દ્વારા પેમેન્ટ ટ્રાન્સફર કરો એ તમામ NPCIની અન્ડરમાં આવે.

કામ કઈ રીતે કરશે?
આપણે એમ કહી શકીએ કે ઈ-રુપી એ QR (ક્વિક રિસ્પૉન્સ) કોડ અને SMS કોડ દ્વારા લેણદેણ કરી આપતું પ્લૅટફૉર્મ છે. મતલબ કે કોઈ પણ વ્યવહાર માટે આ પ્લૅટફૉર્મ તમને એક (દરેક વ્યવહાર માટે નવો) QR કોડ જનરેટ કરી આપશે અને જેમની પાસે ઍડ્વાન્સ મોબાઇલ ફોન નથી તેમને SMS કોડ જનરેટ કરી આપશે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કદાચ વધુ સરળતાથી સમજાશે. ધારો કે તમારે પેપરવાળાને તમારા અખબારનું મહિનાનું બિલ ચૂકવવાનું હશે અથવા દૂધવાળાને મહિનાના પૈસા ચૂકવવાના હશે તો એ બિલની રકમ માટે ઈ-રુપી તમને એક QR કોડ જનરેટ કરી આપશે જે તમારે તમારા પેપરવાળાને કે દૂધવાળાને તેના મોબાઇલ પર મોકલી દેવાનો રહેશે. એ કોડ જ્યારે તે પેપરવાળો કે દૂધવાળો પોતાના મોબાઇલમાં ઓપન કરશે ત્યારે તેને તમારું પેમેન્ટ મળી જશે. પરંતુ થોભો. આટલું વાંચીને તમે આ પ્લૅટફૉર્મ વિશે જે વિચારી લીધું છે એટલું સરળ આ પ્લૅટફૉર્મ નથી. મૂળ રહસ્ય તો હવે આવે છે.
આ QR કોડ કે SMS કોડ એક એવો કોડ હશે કે એ જે આશય કે વિકલ્પ માટે અપાયો હશે એ જ વિકલ્પ માટે વાપરી શકાશે. આથી જ આ પ્લૅટફૉર્મ હમણાં રિયલ ટાઇમ એક્સપરિમેન્ટ માટે સરકારી યોજનાઓના લાભાર્થી માટે લૉન્ચ થયો છે. એ નજીકના ભવિષ્યમાં સામાન્ય જનતાના સામાન્ય ઉપયોગ માટે પણ શરૂ થઈ જશે. ફરી એક ઉદાહરણ દ્વારા સમજીએ. આપણા દેશમાં વર્ષોથી એવું થતું રહ્યું છે કે સરકાર જનસામાન્ય માટે યોજનાઓ તો ઘણી લાવે છે, પરંતુ એ યોજના એન્ડ-યુઝર એટલે કે જનસામાન્ય સુધી પહોંચતી જ નથી. ધારો કે સરકાર ગરીબો માટે ૧૦૦ રૂપિયાના ભોજનની યોજના જાહેર કરે તો જનસામાન્ય સુધી ૧૦-૨૦ રૂપિયાનું ભોજન પહોંચે અને બાકીના ૮૦-૯૦ રૂપિયા વચેટિયાઓ ચાંઉ કરી જાય. એટલું જ નહીં, આપણી જનતા પણ એટલી જ બેદરકાર છે. જનસામાન્યને કોઈ યોજના અંતર્ગત સરકાર દ્વારા મદદ આપવામાં આવે તો એ ભંડોળ એ જ મદદ માટે વાપરવાની જગ્યાએ લોકો ક્યાંક બીજે જ એ ભંડોળ વાપરી નાખતા હોય છે. જેમ કે ધારો કે સરકાર એવી જાહેરાત કરે કે દરેક ખેડૂતને યુરિયા ખરીદવા માટે ૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે. આ યોજના માટે સરકાર તે ખેડૂતના મોબાઇલ પર એક QR કોડ કે SMS કોડ મોકલે. હવે માનો કે ખેડૂત વિચારે કે યુરિયાની ખરીદી પછી થતી રહેશે, હાલો આજે આ ફન્ડમાંથી હું મારાં કપડાં ખરીદી લઉં. આ વિચાર સાથે ખેડૂત કપડાં ખરીદીને દુકાનદારને આ કોડ સ્કૅન કરવા આપશે તો તરત     ‘કોડ અનવૅલિડ’નો મેસેજ આવી જશે. એ કોડ કપડાં વેચતા દુકાનદારની સિસ્ટમમાં રીડ થશે જ નહીં. આ કોડ યુરિયા ખરીદવા સિવાય બીજે ક્યાંય ચાલશે જ નહીં. અર્થાત, જે ભંડોળ જે આશય માટે આપ્યું છે એ ભંડોળ એ જ આશય માટે વપરાશે. 
NPCIનું ટેક્નિકલ અપડેટ 
મતલબ કે યુરિયા માટે જે QR કોડ કે SMS કોડ ભારતના કોઈ ખેડૂતને મોકલાયો છે એ કોડ કાઉન્ટર પાર્ટી કૉમ્બિનેશન એટલે કે કોડ રીડ થઈ શકે અને પૈસાનું ભુગતાન થાય એ કૉમ્બિનેશન NPCI માત્ર યુરિયા વેચતા વેપારીઓની સિસ્ટમમાં જ અપલોડ કરશે. કપડાં વેચતા વેપારીની સિસ્ટમમાં એ કોડનું કૉમ્બિનેશન અપલોડ થયું જ નહીં હોય. આથી યુરિયા સિવાય બીજી કોઈ પણ ખરીદી ખેડૂત એ કોડ દ્વારા કરી જ નહીં શકે. મતલબ કે આ પેમેન્ટ સિસ્ટમ દ્વારા હવે ન તો સરકાર કોઈ ગોટાળો કરી શકશે, ન વચેટિયાઓ કે ન આપણે જનતા જનાર્દન.
મોબિલિટી ઍન્ડ સિક્યૉરિટી 
નજીકના ભવિષ્યમાં આ ઈ-રુપી હજી વધુ ઍડ્વાન્સ અને સિક્યૉર્ડ હશે. ધારો કે રિલાયન્સ કંપની એના કોઈ સ્ટાફને કહે કે તમે ઑફિસના કામે અમદાવાદ જઈ રહ્યા છો તો લો આ ૧૦ હજારનો કોડ અને અમદાવામાં રેનેસાં હોટેલમાં રોકાજો. હવે જો પેલા ભાઈ વિચારે કે હોટેલ માટેનો કોડ મળ્યો છે, પણ જરૂરી તો નથી કે હું રેનેસાંમાં જ રૂમ લઉં; હું કોઈ સસ્તી હોટેલમાં સ્ટે કરીને બીજા પૈસા ક્યારેક કોઈ બીજી હોટેલ માટે વાપરીશ. તો એવું પણ શક્ય બનશે નહીં. એ કોડ રેનેસાં હોટેલમાં જ ચાલશે. સાથે જ આ ઈ-રુપી પ્લૅટફૉર્મ સ્પેસિફિક પર્પઝ, સ્પેસિફિક બેનિફિશ્યરી અને સ્પેસિફિક ટાઇમ-લિમિટની સુવિધા આપશે. આગળનું જ ઉદાહરણ કાયમ રાખીએ તો ધારો કે પેલો કર્મચારી અમદાવાદની રેનેસાં હોટેલમાં નક્કી કરેલા સમયમાં રહેવા ન ગયો તો નક્કી કરેલી સમયમર્યાદા બાદ જે-તે કોડની જે-તે રકમ ફરી કંપનીના અકાઉન્ટમાં જમા થઈ જશે અને પેલો કોડ ડીઍક્ટિવ થઈ જશે. મતલબ કે ચોરીના બધા વિકલ્પ આ દ્વારા બંધ થઈ જશે. 
વળી મોટામાં મોટો લાભ એ છે કે આ માટે કોડધારક પાસે ફોનમાં ઇન્ટરનેટ સેવા હોવી પણ જરૂરી નથી. કોડ કૉમ્બિનેશન રીડ કરવા માટે જે મર્ચન્ટ હશે તેની પાસે ઇન્ટરનેટ સેવા હોય એટલું જ પૂરતું છે. એટલું જ નહીં, ધારકને આ કોડ માટે મોબાઇલમાં કોઈ ઍપ્લિકેશન ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી. બીજું, કોઈ રજિસ્ટ્રેશન કે KYC વગેરેની પણ જરૂર નથી. તો વળી QR કે SMS કોડના જનરેશન માટે કોઈ બાધિત લિમિટ પણ નથી. તમે જેટલાનો ચાહો એટલાનો કોડ બનાવડાવી શકો છો.
ટૂંકમાં, આ ફ્રૉડ કે ઉચાપતની શક્યતા વિનાનો વધુ સરળ અને વધુ સુરક્ષિત રૂપિયો છે. ઈ-રુપી જમતારા કે દિલ્હી કે ગુડગાંવમાં બેઠેલો કોઈ પણ ઠગ તમારી પાસેથી ચોરી શકે નહીં કે લોભામણી ઑનલાઇન ઑફર્સ આપીને તમારા બૅન્ક-ખાતામાંથી કે મોબાઇલ ઍપ્લિકેશનમાંથી પણ ચોરી શકશે નહીં. હા, સરકારની આ ઈ-રુપી વ્યવસ્થાને કારણે વચેટિયાઓ સરકારને વધુ ગાળો ભાંડતા થશે એ વાત નક્કી, કારણ કે એ લોકોની ચોરીનો વધુ એક માર્ગ આ રીતે બંધ થઈ ગયો.



આ કોડ્સ કોણ બનાવશે? બનશે કઈ રીતે?
આ દરેક પેમેન્ટ QR કોડ કે SMS કોડ બૅન્કો બનાવશે. હાલ પાઇલટ પ્રોજેક્ટ તરીકે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ૯ બૅન્કની યાદી બહાર પાડવામાં આવી છે જે આ પ્રકારના ઈ-રુપી કોડ્સ બનાવશે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ જેવી કેટલીક બૅન્ક છે જે હમણાં આ સર્વિસ ઉપલબ્ધ કરાવી શકશે. સાદી ભાષામાં આ એક પ્રી--પેઇડ સર્વિસ છે. મતલબ કે જે-તે પેમેન્ટ માટે બૅન્ક પૈસા લઈને અથવા તમારા ખાતામાંથી વસૂલીને તમને QR કે SMS કોડ જનરેટ કરી આપે છે.
ગ્રાહક જ્યારે આવી કોઈ પણ બૅન્કને કોઈ પેમેન્ટ માટે કોડ બનાવવાનું કહે છે ત્યારે બૅન્ક એ માટેના પૈસા લઈને એ રિકવેસ્ટ NPCIને ફૉર્વર્ડ કરે છે. NPCI તરત એ પેમેન્ટની સામે કોડની ત્રણ કૉપી જનરેટ કરે છે. એમાંની એક કૉપી NPCI પાસે રહે છે અને બાકીની બે કૉપી બૅન્કને મોકલવામાં આવે છે. બૅન્ક એની એક કૉપી ગ્રાહકને આપશે અને બીજી કૉમ્બિનેશન કૉપી જે ચુકવણી થવાની છે એ કાઉન્ટર પાર્ટીને મોકલી આપશે અથવા તેની સિસ્ટમમાં અપલોડ કરી દેશે. NPCI એક કૉપી પોતાની પાસે એટલા આશયથી રાખે છે જેથી ભવિષ્યમાં કોઈ ડિસ્પ્યુટ થાય, કોડ સ્કૅન નહીં થાય કે બીજી કોઈ તકલીફ આવે ત્યારે એક કોડ પોતાની પાસે પણ હોય તો તે ડિસ્પ્યુટનું નિવારણ થઈ શકે.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2022 10:57 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK