બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના ૧૮૬૨માં થઈ. પણ એ પહેલાં છેક ૧૮૧૦માં પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટની શરૂઆત મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં થઈ હતી
ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટ.
આજથી ૧૦૦ વર્ષ અને એક મહિના પહેલાંનો દિવસ.
એટલે કે તારીખ : ૨૬ માર્ચ, ૧૯૨૫.
ADVERTISEMENT
સમય : સવારના ૧૧.૩૦
સ્થળ: ચીફ પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટ એસ. એસ. રાંગણેકરની કોર્ટ, મુંબઈ
ખટલો તો શરૂ થવાનો હતો સાડાઅગિયાર વાગ્યે, પણ સવારના નવ વાગ્યા સુધીમાં તો આખો કોર્ટરૂમ લોકોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી મુંબઈનાં છાપાં જાતજાતના ખબર છાપતાં હતાં એટલે લોકોમાં ખૂબ કુતૂહલ ઊભું થયું હતું આ ખટલા વિશે. પોલીસના કડક જાપ્તા હેઠળ દસ આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. બરાબર સાડાઅગિયારના ટકોરે જજ રાંગણેકર દાખલ થયા. હાજર રહેલા સૌએ ઊભા થઈ માન આપ્યું. કોર્ટના શિરસ્તેદારે કેસની જાહેરાત કરી. સરકારી વકીલ બોલવા ઊભા થયા પણ તેઓ બોલવાનું શરૂ કરે એ પહેલાં જજ રાંગણેકર ઊભા થયા અને સરકારી વકીલને રોકીને બોલ્યા: આ ખટલામાં સંડોવાયેલા આરોપીઓમાંથી કોઈ બ્રિટિશ ઇન્ડિયાના નાગરિક નથી, પણ ઇન્દોરના સાર્વભૌમ રાજ્યના નાગરિક છે એટલે તેમના પર કામ ચલાવવાની સત્તા માત્ર નામદાર બૉમ્બે હાઈ કોર્ટને છે. એટલે આ કેસ હું નામદાર બૉમ્બે હાઈ કોર્ટને તબદિલ કરું છું.
વીસમી સદીની પહેલી પચીસી દરમ્યાનનો બૉમ્બે હાઈ કોર્ટની એક કોર્ટરૂમ.
બૉમ્બે હાઈ કોર્ટની સ્થાપના ૧૮૬૨માં થઈ. પણ એ પહેલાં છેક ૧૮૧૦માં પ્રેસિડન્સી મૅજિસ્ટ્રેટની કોર્ટની શરૂઆત મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં થઈ હતી. ૧૯૭૪ના એપ્રિલની પહેલી તારીખથી એનું નામ બદલીને ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કોર્ટ કરવામાં આવ્યું. ધોબી તળાવથી ક્રૂકશૅન્ક રોડ (હાલનું નામ મહાપાલિકા માર્ગ) પર દાખલ થાઓ તો ડાબી બાજુએ પહેલાં એલ્ફિન્સ્ટન સ્કૂલનું મકાન આવે. પછી આવે સેન્ટ ઝૅવિયર્સ કૉલેજ, પછી કામા હૉસ્પિટલ અને પછી આવે ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટનું મકાન. બૉમ્બે પ્રેસિડન્સીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાનની દેખરેખ નીચે આ મકાનનું બાંધકામ ૧૮૮૪ના ડિસેમ્બરની ત્રીજી તારીખે શરૂ થયું હતું અને ૧૮૮૮ના ડિસેમ્બરની ૩૧મી તારીખે પૂરું થયું હતું. બાંધકામ શરૂ થયું ત્યારે એ માટેના ખરચનો અંદાજ હતો ૩,૮૭,૩૬૧ રૂપિયા પણ હકીકતમાં ખરચ થયો હતો ૩,૭૩,૬૯૪ રૂપિયા! (ના, જી. આંકડામાં ક્યાંય ભૂલ નથી.) આ મંચેરજી મર્ઝબાન તે ગુજરાતી મુદ્રણ, પત્રકારત્વ અને પુસ્તક પ્રકાશનના આદ્યપુરુષ ફરદુનજી મર્ઝબાનના સીધા વંશજ. મુંબઈમાં જાહેર વપરાશ માટેનાં કુલ ૨૭ મકાન તેમણે બાંધ્યાં હતાં જેમાં એલ્ફિન્સ્ટન કૉલેજના હાલના મકાનનો પણ સમાવેશ થાય છે. પ્રેસિડન્સી કોર્ટના પહેલા જજ હતા ઓનરેબલ મિસ્ટર સી. પી. કૂપર. બાર-ઍટ-લૉ. ૧૮૭૮થી ૧૮૯૫ સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. ૨૦૨૪ના જુલાઈની પહેલી તારીખથી આ કોર્ટનું નામ બદલીને ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ કરવામાં આવ્યું છે.
ખાન બહાદુર મંચેરજી કાવસજી મર્ઝબાન
કેસની બદલીના સમાચાર ઇન્દોર પહોંચ્યા કે તરત જ ચક્રો ગતિમાન થઈ ગયાં. ઇન્દોરના રાજવીએ બૉમ્બે પ્રેસિડન્સીના ગવર્નરને અરજી કરી : છેલ્લા કેટલાક વખતથી મુંબઈ પ્રેસિડન્સીનાં છાપાં આ કેસ વિશે જાતજાતની ઊપજાવેલી વાતો છાપી રહ્યાં છે. જે બન્યા જ નથી એવા બનાવોની વાતો ફેલાવે છે. ઇન્દોર રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓનાં નામ ખોટી રીતે સંડોવી રહ્યાં છે. એટલે બૉમ્બે હાઈ કોર્ટ આ બધાથી દોરવાઈ જાય એવો પૂરો સંભવ છે. એટલે એ કોર્ટ તરફથી યોગ્ય ન્યાય મળે એવી આશા અમે રાખી શકતા નથી. એટલે અમારી વિનંતી અને માગણી છે કે આ કેસ બૉમ્બે હાઈ કોર્ટમાંથી મદ્રાસ હાઈ કોર્ટ અથવા કલકત્તા હાઈ કોર્ટમાં તબદિલ કરવામાં આવે.
ઍડ્વોકેટ જનરલ સર જમશેદજી કાંગા
ગવર્નરે રાબેતા મુજબ આ અરજી હિન્દુસ્તાનના વાઇસરૉયને મોકલી આપી. થોડા દિવસમાં જ તેમનો જવાબ આવી ગયો : બૉમ્બે હાઈ કોર્ટની તટસ્થતામાં, ન્યાયબુદ્ધિમાં અને કાનૂની કુશળતામાં અમને પૂરેપૂરો વિશ્વાસ છે. માટે કરીને અરજદારની આ અરજી કાઢી નાખવામાં આવે છે અને આ ખટલો બૉમ્બે હાઈ કોર્ટમાં વહેલી તકે ચલાવવાનો આદેશ આપવામાં આવે છે.
૨૭ એપ્રિલ, ૧૯૨૫. બૉમ્બે હાઈ કોર્ટ. બરાબર અગિયારને ટકોરે જજના આસન પાછળનું બારણું ખૂલે છે. લાલ ચટક યુનિફૉર્મ પહેરેલો ચોપદાર હાથમાં રૂપેરી રંગનો ન્યાયદંડ લઈને દાખલ થાય છે અને જજસાહેબની પધરામણીની જાહેરાત કરે છે. હાજર રહેલા સૌકોઈ અદબપૂર્વક ઊભા થાય છે. ધીમી પણ મક્કમ ચાલે જસ્ટિસ એલ. સી. ક્રમ્પ દાખલ થાય છે. તેમના પછી દાખલ થાય છે જ્યુરીના નવ માનવંતા સભ્યો (એ વખતે હિન્દુસ્તાનમાં જ્યુરીની પ્રથા હતી). એક બાજુના મોટા ટેબલ પર વકીલો બેઠા છે : બૉમ્બેના ઍડ્વોકેટ જનરલ સર જમશેદજી કાંગા અને કેનેથ કેમ્પ (જે બન્ને પછીથી બૉમ્બે હાઈ કોર્ટના જજ બનેલા), સરકાર તરફથી. જમશેદજી એટલે બૉમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા ‘દેશી’ ઍડ્વોકેટ જનરલ. નવાસવા વકીલો પહેલાં કોઈ જાણીતા મોટા વકીલ પાસે કામ શીખે. વકીલોની પરિભાષામાં એને ‘ડેવિલિંગ’ કહેવાય છે. કાંગા સાહેબ પાસે આવું ‘ડેવિલિંગ’ કરીને પછીથી પ્રખ્યાત બનેલાઓમાંથી કેટલાકનાં નામ : એચ. એમ. સિરવાઈ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન. કાંગાસાહેબનો જન્મ ૧૮૭૫માં, બેહસ્તનશીન થયા ૯૪ વર્ષની ઉંમરે, ૧૯૬૯માં.
બચાવ પક્ષે પણ ધરખમ વકીલો ઊભા રાખ્યા હતા : કલકત્તાથી ખાસ બોલાવાયેલા બૅરિસ્ટર જે. એન. સેનગુપ્તા, બૅરિસ્ટર વેલિંગકર, બૅરિસ્ટર મહંમદ અલી જિન્નાહ! પ્રિય વાચક, તમને કદાચ સવાલ થશે કે એક દેશી રાજ્યમાં સાધારણ નોકરી કરનારા આ આરોપીઓ આવા ધરખમ વકીલો કઈ રીતે રોકી શક્યા હશે? ના. તેમનો બચાવ કરવા આ વકીલોને બીજા કોઈએ રોક્યા હતા! અને આવા ધરખમ વકીલોને માર્ગદર્શન આપી રહ્યા હતા ઇન્દોર રાજ્યના પબ્લિક પ્રોસિક્યુટર ટી. રામ સિંહ!
હાઈ કોર્ટની બહાર જડબેસલાક પોલીસ-બંદોબસ્ત. કોર્ટરૂમ ચિક્કાર. બહાર પણ લોકોનાં ટોળાં. આપણે અગાઉ મહંમદ અલી જિન્નાહ અને પારસી રત્તી (રતન)ના પ્રેમસંબંધ અને લગ્નની વાત કરેલી. એ રત્તીને આ કેસમાં એટલો તો રસ પડેલો કે રોજેરોજ સુનાવણી વખતે તે કોર્ટમાં હાજર રહેતી. જોકે ગુનેગારોને શી સજા થાય છે તે જાણવામાં તેને ઝાઝો રસ નહોતો. તેને તો રસ હતો મુમતાઝ બેગમની વાતમાં, તેના જીવનમાં. અને સુનાવણીના પહેલા જ દિવસે પહેલી જ સાક્ષી તરીકે ઍડ્વોકેટ જનરલ કાંગાએ બોલાવી મુમતાઝ બેગમને.
બપોરે સાડાબાર : ચોપદારે હાકલ કરી : ‘મુમતાઝ બેગમ હાઝિર હો!’
ધીમા, પણ મક્કમ પગલે મુમતાઝ હાજર થઈ. દાખલ થઈ ત્યારે તેણે મોઢા પર બુરખો રાખ્યો હતો પણ સાક્ષીના પીંજરામાં જઈને તેણે એ બુરખો હટાવી દીધો. ઝપાઝપી દરમ્યાન માથામાં થયેલી ઈજાનો ઘા હજી પૂરેપૂરો રૂઝાયો નહોતો. છતાં મુમતાઝનું સૌંદર્ય ઝગારા મારતું હતું. સોગંદ વગેરે વિધિ પત્યા પછી ઊલટતપાસ શરૂ થઈ.
નામ?
મુમતાઝ બેગમ. ઇન્દોરના મહારાજાએ રાખેલું નામ કમલાદેવી. માનું નામ વઝીરા બેગમ. ખાનદાની નાચનારી. મૂળ વતની લાહોરની. જેટલું સારું નાચતી એટલું જ સારું ગાતી. નાચ અને ગાન એ અમારો ખાનદાની વ્યવસાય. અમ્રિતસરના મોહમ્મદ ઇસાક ગુલામ મુસ્તફા ખાન નામના તાલેવર સાથે નિકાહ થયા પછી ખાવિંદના કહેવાથી માએ ગાવા-નાચવાનું છોડી દીધું. પણ તેની દશા પાણી વગરની માછલી જેવી થઈ ગઈ. ૧૯૦૩માં વઝીરાએ એક દીકરીને જનમ આપ્યો. એ દીકરી તે હું, મુમતાઝ. મારા જનમ પછી અબ્બા અને અમ્માજાન વચ્ચેના સંબંધો વણસતા ગયા. છેવટે એવો દિવસ આવ્યો કે જ્યારે ખાવિંદ અને નાચ-ગાન, બેમાંથી એકની પસંદગી કરવી જ પડશે એમ મારી માને લાગ્યું. અને તેણે શાદીશુદા જિંદગાનીને અલવિદા કહી અને નાચ-ગાનની દુનિયામાં પાછી ફરી. અને એ સાથે જ મારે માથેથી અબ્બાનું છત્તર ખસી ગયું.
અમ્માજાનની કેટલીક સહેલીઓએ તેને કહ્યું કે તારો કંઠ તો મીઠો મધ જેવો છે પણ સંગીતની વધુ તાલીમ લેવાની જરૂર છે. પણ એ વખતે હજી હું નાની. ઘરમાં અમ્મા અને હું બે જ. એટલે રાહ જોયા વગર અમ્માનો છૂટકો નહોતો. હું નવ સાલની થઈ ત્યારે મને લઈને અમ્માએ હૈદરાબાદની વાટ પકડી. બે વર્ષ સુધી અમે મા-બેટીએ ઉસ્તાદ પાસે નાચ-ગાનની તાલીમ લીધી. એ બે વર્ષ મારે માટે તો કસોટીનાં હતાં. અમારી તાલીમ પૂરી થયા પછી અમે મા-બેટીએ નાચ-ગાન માટે મુસાફરીઓ શરૂ કરી. એમાં કોઈકે અમ્માને કહ્યું કે ઇન્દોરના રાજવી નાચ-ગાનના જબરા શોખીન છે. તમે બન્ને આ રીતે અહીંથી તહીં ભટકી નાચ-ગાન કરો છો એના કરતાં ઇન્દોર જાઓ. અને ૧૯૧૪માં અમે મા-બેટી ઇન્દોર પહોંચ્યાં.
ઇન્દોર એટલે એ જમાનામાં પહેલા વર્ગનું રાજ્ય. એના રાજવી ૧૯ તોપોની સલામીના હકદાર. મુમતાઝ બેગમ અને તેની અમ્મીજાન ઇન્દોર પહોચ્યાં ત્યારે ત્યાં ત્રીજા તુકોજીરાવ હોલકરનું રાજ. તેર વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠા. ૧૯૧૧માં પંચમ જ્યૉર્જના રાજ્યાભિષેકમાં હાજરી આપવા ઇંગ્લૅન્ડ ગયા. ઉત્તર હિન્દુસ્તાનના ઘણા રાજા-મહારાજા નાચગાનના શોખીન. ઇન્દોરનરેશ પણ એમાં અપવાદ નહીં. અને સંગીત તથા નૃત્ય પાછળ સારુંએવું ધન વાપરી જાણે. એટલે આખા દેશમાંથી કલાકારો ઇન્દોર જવાનાં સપનાં જુએ. એ બધાની જેમ દીકરીને લઈને વઝીરા બેગમ પણ ૧૯૧૪માં પહોંચ્યાં ઇન્દોર.
બરાબર એ જ વખતે કોર્ટની ઘડિયાળમાં સાંજના પાંચના ડંકા પડ્યા. કાંગાસાહેબે બોલવાનું બંધ કરવાનો ઇશારો મુમતાઝને કર્યો. માનનીય જજસાહેબ ઊભા થાય એ પહેલાં કોર્ટમાં હાજર રહેલા સૌએ ઊભા થઈને તેમનું સન્માન કર્યું. કોર્ટના અધિકારીએ જાહેર કર્યું કે આ કેસની વધુ સુનાવણી આવતા શનિવારે આગળ ચલાવવામાં આવશે.

