Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સોશ્યલ મીડિયામાં પ્રવેશ પહેલાં બાળકને આટલું જરૂર શીખવજો

સોશ્યલ મીડિયામાં પ્રવેશ પહેલાં બાળકને આટલું જરૂર શીખવજો

24 March, 2023 07:49 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સોશ્યલ મીડિયાથી જો તમે તેને સદંતર દૂર રાખી શક્યા તો બેસ્ટ, પરંતુ જો એવું ન થઈ શક્યું તો એની નકારાત્મક અસરોથી બાળકોને બચાવવા માટે તમે શું કરી શકો?

સોશ્યલ મીડિયામાં પ્રવેશ પહેલાં બાળકને આટલું જરૂર શીખવજો

સોશ્યલ મીડિયામાં પ્રવેશ પહેલાં બાળકને આટલું જરૂર શીખવજો


જેવી રીતે એક્ઝામ માટે પહેલાં ભણવું પડે છે એમ સોશ્યલ મીડિયા પર જતાં પહેલાં સારા-નરસાની સમજ કેળવવી જરૂરી છે. સોશ્યલ મીડિયાથી જો તમે તેને સદંતર દૂર રાખી શક્યા તો બેસ્ટ, પરંતુ જો એવું ન થઈ શક્યું તો એની નકારાત્મક અસરોથી બાળકોને બચાવવા માટે તમે શું કરી શકો?

બાળકોની મેન્ટલ હેલ્થ માટે કામ કરતી યુકેની એક સંસ્થા દ્વારા હાલમાં ૧૨થી ૨૧ વર્ષની ઉંમરનાં ૧,૦૨૪ બાળકોને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. એમાં ૧૦માંથી ૪ બાળકોની મેન્ટલ હેલ્થ યોગ્ય જણાઈ નહોતી. આ બાળકો ઍન્ગ્ઝાયટી, ઉદાસીનતા, ખોરાકનો પ્રૉબ્લેમ, નકારાત્મક અને ખુદને નુકસાન કરે એવું વર્તન, ખરાબ વર્તન, પોતાનું મૂલ્યાંકન નીચું કરવું જેવી ઘણી માનસિક તકલીફોમાંથી પસાર થઈ રહેલાં જોવા મળ્યાં હતાં. આ સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૧૨ વર્ષની ઉંમરનાં ૯૭ ટકા બાળકો સોશ્યલ મીડિયા પર છે. એમાંથી ૭૦ ટકા બાળકો કહે છે કે સોશ્યલ મીડિયાને કારણે તેઓ સ્ટ્રેસ, ડિપ્રેસ્ડ કે ચિંતામાં રહે છે. એમાંથી ૨/૩ બાળકો ખુદ જ એના પર પસાર કરાતા વધુ પડતા સમય માટે ખુદ ચિંતિત છે. દરરોજના ઍવરેજ ૩.૬૫ કલાક તેઓ સોશ્યલ મીડિયા ઍપ્સ પર પસાર કરે છે. ૯૫ ટકા બાળકોએ કહ્યું કે તેમના માટે સોશ્યલ મીડિયાની આદત છોડવી ખૂબ અઘરી છે. તેમણે એ પણ કબૂલ્યું કે જ્યારે નકારાત્મક વિચારો આવે કે સારું ન લાગે ત્યારે તેઓ પરિવાર કે મિત્રો સાથે વાત કરવા કરતાં સોશ્યલ મીડિયા પર જવાનું ચારગણું વધારે પસંદ કરે છે. આમ તો આ સર્વે યુકેનો છે, પરંતુ ભારતીય બાળકોનો સર્વે કરીએ તો શું આનાથી કોઈ જુદું પિક્ચર આપણી સામે આવશે? કદાચ નહીં. આપણે ત્યાં પણ ૮થી ૧૫ વર્ષનાં બાળકો આટલી નાની ઉંમરમાં સોશ્યલ મીડિયા પર છે. તકલીફ એ છે કે ગમે એટલું સોશ્યલ મીડિયાને ભાંડીએ, એના વડે થતી તકલીફોથી માહિતગાર બનીએ એમ છતાં શું એનાથી આપણે આપણાં બાળકોને સદંતર દૂર રાખી શકીએ ખરા? જો રાખી શકીએ તો એનાથી રૂડું કંઈ નથી, પરંતુ જો ન રાખી શકીએ તો શું કરીએ? આજે જુદા-જુદા નિષ્ણાતો પાસેથી સમજવાની કોશિશ કરીએ કે બાળકો સોશ્યલ મીડિયા પર જાય એ પહેલાં આપણે તેમને સોશ્યલ મીડિયા માટે કઈ રીતે તૈયાર કરી શકીએ? 
સજ્જતા જરૂરી
સોશ્યલ મીડિયા કોઈ પણ વ્યક્તિ દુનિયા સાથે કનેક્ટ થવા અને ખુદને દુનિયા સામે મૂકીને એક પ્રકારનું વૅલિડેશન એટલે કે માન્યતા પ્રાપ્ત કરવા માટે યુઝ કરે છે. જોકે બાળક જ્યારે સોશ્યલ મીડિયામાં કદમ મૂકે એ પહેલાં જ તેને નાની ઉંમરમાં એ સમજાવવું ખૂબ જરૂરી છે કે પસર્નલ કનેક્શન ડિજિટલ કનેક્શન કરતાં ઉપર જ હોવાનું. એ વિશે વાત કરતાં કૉન્શ્યસ પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘બાળક સોશ્યલ મીડિયા પર જાય એ પહેલાં બાળકનું ઇમોશનલ બૅન્ક-અકાઉન્ટ ભરેલું હોવું જોઈએ. એનો અર્થ એ છે કે તેના મનનો કોઈ ખૂણો ખાલી ન હોય કે કોઈ અધૂરપ તેના જીવનમાં હાવી થયેલી ન હોય. તેની અને તમારી વચ્ચે એક સ્ટ્રૉન્ગ કમ્યુનિકેશન હોય એ પછી તે સોશ્યલ મીડિયા જૉઇન કરે તો તકલીફ પડતી નથી. ધારા કે પડે તો એ ઠીક કરવી પણ સહેલી બને છે. જો તમને લાગે કે બાળકનું ઇમોશનલ અકાઉન્ટ હજી ભરેલું નથી તો એ ભરવાનું શરૂ કરો. બાળકને સમય અને કાળજી બંને વધુ આપો. પછી સોશ્યલ મીડિયાની દુનિયામાં પ્રવેશ કરવા દો.’ 



આ પણ વાંચો : બોલ્ડ ડ્રેસ સાથે પહેર્યો દેવીમાનો હાર, Taapsee Pannuની ફેશન સેન્સ પર અકળાયા લોકો


પહેલો પ્રશ્ન કેમ? 
બાળક જ્યારે સોશ્યલ મીડિયા પર જવાની વાત કરે ત્યારે ઘસીને ના ન પાડો, ઊલટું વાત કરવાની તક ઝડપો એવું જણાવતાં અર્લી ચાઇલ્ડહુડ અસોસિએશન, પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ અને લેખક ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘સોશ્યલ મીડિયા પર તમારા બાળકને જવું છે, પોતાની પ્રોફાઇલ બનાવવી છે તો એ પહેલાં તેને એક પ્રશ્ન પૂછવો જરૂરી છે અને એ છે કે તારે કેમ સોશ્યલ મીડિયા પર જવું છે? બાળકો પાસે આ બાબતે અમુક ખાસ કારણ હોવાનાં. મારો ફ્રેન્ડ સોશ્યલ મીડિયા પર છે એટલે મારે પણ જવું છે એ એમાંનું મુખ્ય કારણ હોઈ શકે. તેમનાં માતા-પિતા સોશ્યલ મીડિયા વાપરે છે એટલે તેમને પણ એ વાપરવામાં કશું અજુગતું નહીં જ લાગતું હોય. તેમને એના પર કેમ જવું છે એ પ્રશ્ન તમને જ નહીં, તેમને પણ એ વાતની સ્પષ્ટતા આપે છે કે તેઓ સોશ્યલ મીડિયા પર જઈને કરશે શું?’
ફોમોમાં ન ફસાવા દો
બાળક હોય કે વયસ્ક, આજે બધાને ફોમો એટલે કે ફિયર ઑફ મિસિંગ આઉટ રહે છે. મતલબ કે બધા જે કરે છે એમાં આપણે રહી ગયાની ભાવના ખૂબ સ્ટ્રૉન્ગ હોય છે. એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘મોટા ભાગના લોકો ગાડરિયા પ્રવાહમાં ઘૂસીને જ સોશ્યલ મીડિયા પર આવે છે. બાળકો પણ એમાંથી બાકાત કેમ રહે? બીજા રીલ બનાવે છે એટલે આપણે પણ બનાવો, બીજા તેના જમવાના ફોટો અપલોડ કરે છે તો આપણે પણ કરો, બીજા પોતાનું આખું રૂટીન કૅપ્ચર કરીને સોશ્યલ મીડિયા પર નાખે છે આપણે પણ નાખો. આમ હું ક્યાંય રહી ન જાઉંની ભાવના પહેલાં તો પેરન્ટ્સે ખુદ જો પોતાનામાં હોય તો જાતમાંથી હટાવવી. પછી બાળકમાં હોય તો એના પર કામ કરી શકાય. ક્યાંય રહી ન જવાના ચક્કરમાં આપણે ક્યાંયના ન રહીએ એવી પરિસ્થિતિથી બાળકને આપણે ઉગારવાનું છે. એના માટે સભાન પ્રયત્નો કરો.’ 
નિયમો બનાવો
આ સોશ્યલ મીડિયા છે, પર્સનલ મીડિયા નહીં અને એ માટે અમુક નિયમો છે જે બાળકને સ્પષ્ટ કરવા જરૂરી છે એમ સમજાવતાં ડૉ. સ્વાતિ પોપટ વત્સ કહે છે, ‘કયા પ્રકારના ફોટો સોશ્યલ મીડિયા પર મૂકી શકાય અને કયા ન જ મુકાય, કેવા પ્રકારની માહિતી ત્યાં આપવી અને કઈ ન જ આપવી એની સમજ બાળકને આપવી અનિવાર્ય છે. બીજું એ કે લોકેશન ક્યારેય સોશ્યલ મીડિયા પર ન જ નાખવું. જે સોશ્યલ મીડિયા તમે વાપરતા હો ત્યારે ઘરમાં થોડું બડબડ કરતા રહેવું કે એના પર આ તો કેટલું ખરાબ છે અને આ વસ્તુ ઘણી સારી છે. એને લીધે બાળકમાં એ સમજણ આપોઆપ કેળવાશે કે સોશ્યલ મીડિયાને કઈ રીતે વાપરવું.’
આ લાલ બત્તી સામે 
તમારું સોશ્યલ મીડિયા વાપરતું બાળક જ્યારે તમને આવીને કહે કે મમ્મી, તને ખબર છે કે મારા ૪૦૦ ફૉલોઅર્સ છે ત્યારે ચેતી જાવ એમ સમજાવતાં ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ મીનલ મખીજા કહે છે, ‘જીવનમાં આ ફૉલોઅર્સથી ખુશી થાય એ નૉર્મલ છે, પરંતુ આ ખુશી તમને એક ચક્કરમાં ફસાવી દે છે. એ તમને એના પર નિર્ભર કરે છે. ફોટો અપલોડ કરતી વખતે તમે એ અપેક્ષા રાખો છો કે લોકો એ જુએ અને એને વખાણે. આ માનસિકતાથી બાળકને બચાવવું પડશે. બે પળની ખુશી જુદી બાબત છે અને એનાથી જ ખુશી મળી રહી છે એવી નિર્ભરતા જુદી બાબત છે. એના માટે બાળકના મિત્રો, સબંધીઓ અને એના રિયલ લાઇફ રિલેશન્સને એટલા મજબૂત કરવા જોઈએ કે એક ફોટો પર ૧૦ લાઇક ઓછા આવે તો પણ તેને અસર ન થાય. બાળક જે માન્યતા માટે સોશ્યલ મીડિયા પર જઈ રહ્યું છે એ માન્યતા તેને તેના રોજિંદા જીવનમાં મળતી રહે તો તેને પેલી વર્ચ્યુઅલ માન્યતાની પડી હોતી નથી અથવા તો એ ઓછી અસર કરે છે. બાળકની રિયલ દુનિયા એટલી વ્યસ્ત અને મજેદાર હોય ત્યારે પણ તેને સોશ્યલ મીડિયા પર હોવા છતાં એની નકારાત્મક અસરથી સરળતાથી બચાવી શકાય છે.’ 
વૅલ્યુ એડિશન થાય ખરું? 
તમે કદાવમાં પણ પડો તો કમળ થઈને ખીલો જેવી શીખ બાળકને આપણે આપીએ છીએ. કોઈ પણ જગ્યાએથી હંસની જેમ તેને નીર અને ક્ષીરનો ભેદ પારખતાં આપણે શીખવવું જરૂરી છે. એ વિશે વાત કરતાં મીનલ મખીજા કહે છે, ‘સોશ્યલ મીડિયા જો બાળકો ટાઇમપાસ માટે પણ વાપરતાં હોય તોય એમાં શું જોવું, શું જવા દેવું, કઈ વ્યક્તિને ફૉલો કરવી અને કોને ન કરવી એટલી સમજ બાળકમાં હોવી જરૂરી છે. જો બાળક એ માટે રેડી ન હોય તો ધીમે-ધીમે તેને રેડી કરી શકાય. આમ પણ પૂરી સજ્જતા સાથે બાળકને મેદાનમાં ઉતારી શકાતું નથી. અમુક વસ્તુ લડાઈ દરમિયાન પણ શીખવી પડે છે.’

સોશ્યલ મીડિયા પર બાળકને પ્રોફાઇલ બનાવવી હોય તો પહેલાં તેને પૂછો કે કેમ સોશ્યલ મીડિયા પર જવું છે? આના જવાબથી તેને સ્પષ્ટતા મળશે કે તે સોશ્યલ મીડિયામાં 
કરશે શું? - ડૉ. સ્વાતિ પોપટ વત્સ


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2023 07:49 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK