Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો સંપત્તિ સાચવવી હોય તો પૂરતું સૂઓ

જો સંપત્તિ સાચવવી હોય તો પૂરતું સૂઓ

28 November, 2022 12:54 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

સ્લીપ રિલેટેડ ડિસઑર્ડર્સ હવે વૈશ્વિક બીમારી બની ગઈ છે. એ લોકોના શારીરિક ઉપરાંત માનસિક અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોવાનું તો આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ ઊંઘનો અભાવ આપણા આર્થિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી શકે છે

પ્રતીકાત્મક તસવીર

માઇન્ડ યૉર મની

પ્રતીકાત્મક તસવીર


સ્લીપ રિલેટેડ ડિસઑર્ડર્સ હવે વૈશ્વિક બીમારી બની ગઈ છે. એ લોકોના શારીરિક ઉપરાંત માનસિક અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી હોવાનું તો આપણે બધા જ જાણીએ છીએ, પરંતુ ઊંઘનો અભાવ આપણા આર્થિક સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી શકે છે, કેમ કે સાચા આર્થિક નિર્ણયો લેવા માટે પણ પૂરતું ઊંઘવું જરૂરી છે

પહેલાંના સમયમાં લોકોને ક્યારેય ઊંઘની સમસ્યાનો સામનો કરવો પડતો નહોતો. સૂર્યાસ્ત થતાં જ બધા પોતપોતાનાં ઘરોમાં સૂઈ જતા, પરંતુ જ્યારથી બલ્બનો આવિષ્કાર થયો છે ત્યારથી લોકોના દિવસો લાંબા અને રાત ટૂંકી થતી જઈ રહી છે. વિદ્યાર્થીઓ મોડી રાત સુધી જાગી ભણવાનો પ્રયત્ન કરે છે અને મોટેરાંઓ કામ પતાવવાનો. અધૂરામાં પૂરું હોય એમ ટીવી અને મોબાઇલ ફોને બાવાનાં બેય બગાડ્યાં છે. બધું કામ થઈ ગયું હોય તો પણ લોકો સૂઈ જવાને સ્થાને ટીવી કે મોબાઇલમાં ઘૂસેલા રહે છે, જે ધીરે-ધીરે તેમના શરીરની કુદરતી બાયોલૉજિકલ ક્લૉકને ડિસ્ટર્બ કરી ઇન્સોમનિયા જેવી ઊંઘને લગતી બીમારીઓનું કારણ બની રહ્યા છે. ધીરે-ધીરે આ સમસ્યાઓ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કરવા માંડે છે કે એ વ્યક્તિના શરીર ઉપરાંત મન, મગજ અને વ્યક્તિત્વને  નુકસાન પહોંચાડવા માંડે છે, જે આખરે ઘરની સંપૂર્ણ અર્થવ્યવસ્થાને ડામાડોળ કરી મૂકે છે. કેવી રીતે? 



આવો આજે શહેરના નામાંકિત મનોચિકિત્સકો પાસેથી આ વિષયને સમજવાનો પ્રયાસ કરીએ.   


ઊંઘ આપણા સ્વાસ્થ્ય માટે શા માટે જરૂરી છે એ સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે કે, ‘કુદરતે આપણા શરીરની રચના જ કંઈક એ પ્રકારે કરી છે કે જીવનનો એક તૃતીયાંશ સમય આપણે સૂવામાં કાઢીએ છીએ. આ સિમ્પલ ગણિત જ શરીર માટે ઊંઘના મહત્ત્વને સમજવા માટે પૂરતું છે. ઊંઘવાથી ન ફક્ત શરીરને આરામ મળે છે, પરંતુ શરીરના સ્નાયુઓ પણ રિલૅક્સ થાય છે. આખા દિવસ દરમ્યાન પહોંચેલા વેર ઍન્ડ ટેરને રિપેર કરવાનું કામ પણ શરીર ઊંઘ દરમ્યાન જ કરે છે. આપણું મગજ પણ આખા દિવસ દરમ્યાન ભેગી થયેલી માહિતીઓને આ જ સમય દરમ્યાન અલગ-અલગ કૅટેગરીમાં વિભાજિત કરી એને લાંબા અને ટૂંકા ગાળાની મેમરીમાં રૂપાંતરિત કરે છે. શરીરમાં વિવિધ પ્રકારના હૉર્મોન્સનો સ્રાવ થાય છે, જે બ્લડપ્રેશર અને સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. સાથે જ આપણી રોગપ્રતિકાર શક્તિ પણ આ જ સમય દરમ્યાન પોતાની ફરજ નિભાવતી હોય છે. પરિણામે પ્રત્યેક વ્યક્તિ માટે રોજના ૭-૮ કલાકની ઊંઘ અતિ આવશ્યક છે. ઊંઘનો અભાવ કે અન્ય કોઈ પણ પ્રકારનો સ્લીપ ડિસઑર્ડર શરીરની સંપૂર્ણ કાર્યક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે છે. ઊંઘ પૂરી ન થતાં આપણે આખો દિવસ થાકેલા અને ચીડચીડા રહીએ છીએ, રોગપ્રતિકાર શક્તિ ઘટતાં આપણે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનો સરળતાથી શિકાર બની જઈએ છીએ. બ્લડપ્રેશર, ડાયાબિટીઝ તથા હૃદયને લગતી બીમારીઓ વકરે છે, એટલું જ નહીં, પરંતુ જેમને ન હોય તેમને પણ આવા ઇન્ફ્લેમેટરી ડિસીઝ થવાની સંભાવના વધી જાય છે. મગજની કાર્યક્ષમતાને નુકસાન પહોંચતાં વ્યક્તિ ચોખ્ખું વિચારી શકતી નથી અને યોગ્ય નિર્ણયો લઈ શકતી નથી. ઊંઘના અભાવની આ સમસ્યા લાંબો સમય ચાલે તો એ ડિપ્રેશન, ઍન્ગ્ઝાઇટી તથા ઑબ્સેસિવ કમ્પ્લસિવ ડિસઑર્ડર (ઓસીડી) જેવી માનસિક બીમારીઓનું કારણ પણ બની શકે છે.’


ડૉ. હરીશ શેટ્ટી

આ તો થઈ ઓછું ઊંઘવાથી શરીર અને મગજને પહોંચતા નુકસાનની વાત, પરંતુ અપૂરતી ઊંઘ કેવી રીતે આપણી નિર્ણયશક્તિને અસર પહોંચાડતી હોય છે અને એમાંય ખાસ કરીને આર્થિક નિર્ણયોને એની વાત કરતાં જાણીતા સાઇકિયટ્રિસ્ટ ડૉ. હરીશ શેટ્ટી કહે છે કે, ‘અપૂરતી ઊંઘ આપણી વિચારશક્તિને સૌથી પહેલું અને સૌથી મોટું નુકસાન પહોંચાડે છે. આપણે જોઈએ છીએ કે લગાતાર માત્ર એકાદ-બે રાત બરાબર ઊંઘવા ન મળે તો આપણે અત્યંત ઇરિટેબલ, ઇર્રેશનલ અને અગ્રેસિવ બની જઈએ છીએ. આવામાં જો લાંબા સમયથી ઊંઘને લગતી કોઈ તકલીફ હોય તો એ આપણા સંપૂર્ણ વિચાર, વાણી અને વર્તનમાં ધરમૂળથી પરિવર્તન આણવાનું કારણ બનતી હોય છે. આવા લોકો સ્વભાવે ઇમ્પલ્સિવ બની ઉતાવળમાં પોતાની ક્ષમતા કરતાં વધારે લોન લેવાનું કે પછી ખોટા સમયે ઘર કે શૅર ખરીદવા કે વેચવા જેવા ખોટા નિર્ણયો લઈ લેતા હોય છે. કોઈ પણ બાબત પર લૉજિકલી વિચારી શકતા ન હોવાથી તેઓ સતત પોતાના જ નિર્ણયોને લઈ શંકાશીલ રહે છે અને વારંવાર પોતાના નિર્ણયો બદલ્યા કરે છે. તેમની લોકોને સમજવાની શક્તિ પણ નબળી પડી ગઈ હોવાથી તેઓ કોઈ સ્કૅમ કે છેતરપિંડીનો શિકાર બનવાની સંભાવના પણ વધી જાય છે. કેટલાક લોકોને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં એટલો બધો ડર લાગે છે કે તેઓ કોઈ નિર્ણય જ લેતા નથી અને પોતાના બદલે કોઈ બીજું નિર્ણય લઈ લે તો સારું એવી આશા રાખ્યા કરે છે. ક્યારેક કોઈ ખોટું પગલું ભરાઈ જાય તો પોતાના પરિવારજનો અને મિત્રોની અપેક્ષા પર ખરા ન ઊતરવાનો તેમને એટલો બધો અફસોસ થાય છે કે ક્યારેક એ ડિપ્રેશન અને ઍન્ગ્ઝાઇટી જેવા રોગોનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. અમારી પાસે અવારનવાર એવા કિસ્સા આવતા રહે છે, જેમાં લાંબા ગાળાના સ્લીપ ડિસઑર્ડર્સના દર્દીઓએ પોતાની સંપૂર્ણ મિલકત રસ્તે ચાલતા કોઈ સાવ અજાણ્યાને આપી દીધી હોય કે પછી કોઈ અનાથાશ્રમને દાન કરી દીધી હોય. કોઈએ એકાદ વાર દીકરી કે પત્ની સાથે ઝઘડો થતાં પોતાના વિલમાંથી તેમનું નામ જ કઢાવી નાખ્યું હોય તો કોઈએ પોતાનું વિલ જ ફાડી નાખ્યું હોય. કોઈએ નોકરી-ધંધા બંધ કરી દીધાં હોય તો કોઈ પોતાનું બધું જ વેચીને વૃંદાવન જતું રહ્યું હોય. આવા લોકોને અમારી સૌથી પહેલી સલાહ એ જ હોય છે કે જ્યાં સુધી તમે માનસિક સ્વસ્થતાનો અનુભવ કરતા નથી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રૉપર્ટીની લે-વેચ કરવી નહીં, સાથે જ લગ્ન કે છૂટાછેડા જેવા જીવનના મોટા નિર્ણયો લેવા નહીં.’

ઊંઘવાથી ન ફક્ત શરીરને આરામ મળે છે, પરંતુ શરીરના સ્નાયુઓ પણ રિલૅક્સ થાય છે. આખા દિવસ દરમ્યાન પહોંચેલા વેર ઍન્ડ ટેરને રિપેર કરવાનું કામ પણ શરીર ઊંઘ દરમ્યાન જ કરે છે. : સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ

આર્થિક નિર્ણયોમાં આકરી કિંમત ચૂકવવી પડે

ડૉ. પવન સોનાર

ઊંઘના અભાવને પગલે આપણી સાથે આપણા પરિવારજનોએ પણ જેની આકરી કિંમત ચૂકવવી પડે એવા ખોટા આર્થિક નિર્ણયો ન લેવાઈ જાય એ માટે શું કરવું એ વિષય પર પ્રકાશ પાડતાં મલાડ અને બોરીવલી ખાતેના જાણીતા સાઇકિયટ્રિસ્ટ ડૉ. પવન સોનાર કહે છે, ‘કોઈ પણ પ્રકારના મોટા આર્થિક નિર્ણય લેતી વખતે તમારી માનસિક અવસ્થા સ્વસ્થ હોવી અત્યંત આવશ્યક છે. અહીં સ્વસ્થનો અર્થ થાય એવી અવસ્થા જેમાં તમે બહુ ઉત્તેજિત પણ ન હો તો સાથે જ બહુ ઉદાસ પણ ન હો. મનોવિજ્ઞાનની ભાષામાં આ અવસ્થા માટે યુથાઇમિક મૂડ જેવો શબ્દપ્રયોગ થાય છે. તમે પોતે પોતાની માનસિક અવસ્થાનો તાગ કાઢી શકવા અસમર્થ હો તો બહેતર છે પોતાના વિશ્વસનીય પરિવારજનો અને મિત્રોની સલાહ લો. જો તેઓ તમને કહે કે હમણાંના તમે બહુ ચીડચીડા, આક્રમક, ઉદાસ કે એન્શિયસ રહો છો તો તરત જ ચેતી જાઓ અને તાત્કાલિક ધોરણે કોઈ પણ મોટા નિર્ણયો લેવાનું થોડા સમય માટે મોકૂફ રાખો. ત્યાર બાદ તમે જે નિર્ણય લેવાનો વિચાર કરી રહ્યા છો એની આગામી સારી અને નરસી બન્ને પ્રકારની અસરોનું એક લિસ્ટ બનાવો. આ એક્સરસાઇઝ તમને સાચો નિર્ણય લેવામાં ચોક્કસ મદદરૂપ થશે. કેટલાક લોકોનું મગજ રાતના સમયે ઓવર-ઍક્ટિવ થઈ જાય છે અને ઓવર-થિન્કિંગ કરવા માંડે છે. બહેતર છે કે આ વિચારોની પણ એક યાદી બનાવો અને એમાંથી જે સમસ્યાઓનાં તમને સમાધાન મળતાં જાય એને એ યાદીમાંથી ભૂંસતા જાઓ. એમ કરવાથી મગજ પાસે વિચારવાનાં કારણો ઓછાં થતાં જશે. આ સાથે જ કસરત ઉપરાંત પ્રાણાયામ, મેડિટેશન અને શવાસનને તમારા જીવનનો રોજિંદો નિયમ બનાવી દો. આ રિલૅક્સિંગ ટેક્નિક્સ વિચારવાયુને કાબૂમાં રાખવા પ્રત્યેક વ્યક્તિ માટે આવશ્યક છે. આ બધું કર્યા બાદ પણ જો ઊંઘની સમસ્યા સતાવતી હોય તો બહેતર છે કે કોઈ પણ પ્રકારની છોછ રાખ્યા વિના મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની મદદ લો. મનને લગતી સમસ્યાઓના મોટા ભાગના ઇશ્યુ માત્ર કાઉન્સેલિંગ કે ટૂંકા ગાળાના મેડિકેશનથી કાબૂમાં આવી જતા હોય છે. એથી માનસિક રોગના નિષ્ણાતની મદદ લેવામાં બિલકુલ શરમ, સંકોચ કે વિલંબ કરો નહીં. છેલ્લું, પણ સૌથી મહત્ત્વનું, તમને ઊંઘને લગતી કોઈ સમસ્યા હોય કે ન હોય, આજકાલ જેને સ્લીપ હાઇજીન કહે છે એ નિયમોનું પાલન કરવું નાના-મોટા બધા માટે આવશ્યક છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 12:54 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK