આપણા આ છ ડૉક્ટરની કદર કરવાનું ક્યારેય ચૂકતા નહીં. તમને આ છએ છ ડૉક્ટર વાજબી રીતે મળી રહ્યા છે કે નહીં એ જોતા રહો, કારણ કે આ છ ડૉક્ટર જીવનમાં અત્યંત આવશ્યક છે
જેડી કૉલિંગ
પ્રતીકાત્મક તસવીર
હમણાં બે-ચાર વીક પહેલાં જ મેં કહ્યું કે આપણા ગુજરાતીઓની બે ખાસિયત છે. એક તો શ્વાસ અને બીજું સાહસ, પણ ઘણી વખત એવું બને કે આપણે એવું સાહસ કરી બેસીએ કે જેને લીધે શ્વાસ લેવાનું પણ ભારે પડી જાય. એવું ક્યારેય નહીં કરો, ક્યારેય નહીં અને ધારો કે તમારું સાહસ એવું ન હોય અને એ પછી પણ તમારાં પાસાં ઊંધાં પડે તો એના વિશે પરિવારજનો, મિત્રો કે પછી સગાંવહાલાંઓ સાથે ખુલ્લા મને ચર્ચા કરો અને એમાંથી બહાર આવવાનો રસ્તો શોધો. શરમ અને સંકોચ રાખીને જો પરિસ્થિતિને હાવી થવા દીધી તો હેરાન થશો. પરિસ્થિતિને એવી રીતે ક્યારેય વણસવા ન દેવી કે એમાંથી બહાર આવવાના બધા રસ્તાઓ બંધ થઈ જાય અને એ બંધ બારણાં પાછળ કોઈ કરુણ ઘટના આકાર લે.
જે પ્રકારના વિચારો મનમાં આવતા હોય એ તરત જ પોતાના સ્વજનો કે મિત્રો સામે રજૂ કરી દેવા જોઈએ. એને ઊભરો કહેવાય, ઊભરો એક વખત ઠલવાઈ જાય પછી ઘણી રાહત થઈ જતી હોય છે. ઘણી વખત એવું બને કે આપણે મનમાં ઘૂંટાતા રહીએ કે હું આમ કહીશ તો ખરાબ લાગશે, લોકો શું વિચારશે? મારું આટલાં વર્ષોનું સ્વમાન અને મોભો છે. સમાજના લોકો મને મોટો માણસ ગણે છે. કાઠિયાવાડીમાં કહેવાયને, એવો મોટો ‘ભા’ ગણે છે. લોકો મારી પાસે પ્રૉબ્લેમ લઈને આવતાં, હું એના પ્રૉબ્લેમ સૉલ્વ કરી આપું. આવા સમયે મારાથી મારા પ્રૉબ્લેમ કેવી રીતે કોઈને કહેવાય?
ADVERTISEMENT
મિત્રો, આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મુકાઈ જતા હોઈએ કે આપણી આસપાસ આપણે જ બનાવેલી ઇમેજમાંથી બહાર આવવાનું કામ અઘરું થઈ જાય અને એક સમય પછી આપણને આપણે જ ખોટી રીતે ઊભી કરેલી એ નકલી ઇમેજ સાચી ઇમેજમાં આવવા નથી દેતી અને એને લીધે આપણે એવું પગલું ભરી લઈએ છીએ જે સાવ જ ખોટું હોય છે. ખોટું પગલું અને ખોટી ઇમેજ, આ બન્ને વાતને લીધે એવી હાલત થાય છે કે આપણી ખોટી જ નહીં, આપણી રિયલ જે ઇમેજ છે, સાચી જે ઇમેજ છે એ ઇમેજ પણ ખંડિત થઈ જાય છે. મારું કહેવું એ જ છે કે ખોટી ઇમેજને બચાવવાની લાયમાં ખોટું પગલું ભરીને સાચી ઇમેજ બગાડવાનું કામ કરવા કરતાં તો એ ઇમેજની ચિંતામાં રહીએ જે સાચા અર્થમાં આપણી છે અને આપણે જે માન-મરતબાને લાયક છીએ. તમે તમારી સાથે તો વફાદાર રહો, તમે તમારી જાત પાસેથી સાચી વાત સ્વીકારવાની તૈયારી રાખો. જો તમે તમારી જાત પાસે પણ એ સ્વીકારવા રાજી ન હો તો પછી તમને કોણ બચાવી શકે, કેવી રીતે બચાવી શકે?
તમને તમારી જાત પર એટલો વિશ્વાસ હોવો જોઈએ કે તમારી સાચી ઇમેજ એ હકીકતમાં જાતે ઊભી કરી છે. એ ઇમેજ અને એ આબરૂ તમારાં કર્મોથી, તમારા સિદ્ધાંતોથી, તમારા સ્વભાવથી અને તમારી જાતમહેનતથી બનાવી છે અને મિત્રો, આપબળે કમાયેલી ઇમેજ ક્યારેય ખંડિત નથી થતી. તમે કેવા છો એ દુનિયાને સતત સાબિત કરવાની જરૂર નથી. જો આ વાત સમજાઈ જાય તો એનો ફાયદો તમને જ થવાનો છે. હું તો કહીશ કે તકલીફ પડે ત્યારે આસપાસમાં બંધાયેલા ખોટા આવરણને તોડવાને બદલે, એને ભેદવાને બદલે અત્યારે જ અને આજે જ એ વાતાવરણને ભેદી નાખો. આ કામ તમારે જ કરવું પડશે અને એ કામ જો કરી શક્યા તો તમે પોતે તમારી જાતને હળવી ફૂલ જેવી અનુભવશો. જરા પણ જરૂરી નથી કે તમે ખોટા આડંબર વચ્ચે રહો. રહેવાનું પણ ન હોય પણ આડંબર દેખાડવો અને કરવો એ માનવસહજ સ્વભાવ છે અને આ માનવસહજ સ્વભાવ જ આપણને હેરાન કરી મૂકે છે.
તમે કેવા છો, તમારી પહોંચ કેવી છે અને તમારે કેવી-કેવી ઓળખાણ છે એ દુનિયાને સતત સાબિત કરતાં રહેવાની જરૂર નથી એટલે આસપાસ બંધાયેલા ખોટા આવરણને તમારે પોતે જ પહેલાં જાતે તોડી નાખવાનું છે. તમે મોકળા મને આજુબાજુમાં રહેલા લોકો સાથે વાત કરવાનું શરૂ કરશો એટલે આપોઆપ તમારી આસપાસ રહેલા લોકોની સામે પણ તમે પ્રેમથી ખુલ્લા પડવાનું શરૂ થશે અને ખુલ્લા પડવાનું શરૂ થશે એટલે જે બલૂન તમારી આજુબાજુ બન્યું છે એ બલૂન આપોઆપ તૂટી જશે, જે તોડવાનું કામ કરી શક્યા તો તમે તમારી મૂંઝવણથી માંડીને તમારી તકલીફો, તમારી પીડા, તમારી મુશ્કેલીઓ બધું સરળતાથી કહી શકશો અને એ જ થવું જોઈએ.
દેખાદેખીની આ દુનિયામાં તમે ગેરવાજબી રીતે તણાઈ રહ્યા હો છો. નિષ્ફળ જવાનું બને તો એમાં દુખી થવાની જરૂર નથી. આ એક પ્રક્રિયા છે અને એ પ્રક્રિયાને તમારે સ્વીકારીને રાખવાની હોય. દુનિયા શું કહેશે, બીજાને કેવું લાગશે, ઑફિસમાં બધા શું સમજશે કે પછી સગાંઓને કેવું લાગશે એ વિશે વિચારવાને બદલે તમારી નિષ્ફળતા વિશે તમે એકલા જ વિચારો અને એ વિચાર્યા પછી એ નિષ્ફળતાને પચાવવાની ક્ષમતા કેળવો. મોટા ભાગે આ કામ થતું નથી અને એટલે પોતાની નિષ્ફળતાને પણ સફળતાના સ્વરૂપમાં દેખાડવાનું કામ થતું રહે છે અને એને લીધે સ્ટ્રેસ વધારવાનું કામ માણસ કરી બેસે છે.
વાસ્તવિકતાનો અનુભવ કરશો તો ખરેખર આનંદ આવશે અને એ આનંદ જ સાચું જીવન છે. આ સાચા જીવનને જીવવા માટે જ આપણે આવ્યા છીએ અને આપણે એ જ નથી કરતા. પ્રમોશન માટે આપણે એકધારી મથામણો કર્યા કરીએ છીએ અને આગળ વધવાની એ લાયમાં આપણે આપણી જ હેલ્થ બગાડીએ છીએ. મેં એવા અનેક લોકો જોયા છે જેનાં સપનાંઓ જુદાં હોય, કરવા કંઈક અલગ જ માગતા હોય પણ પોતાનો હરીફ આગળ વધી ન જાય એટલા માટે ફીલ્ડ ચેન્જ કરવાને બદલે એમાં ને એમાં જ ઊંડા ઊતરતા જાય અને પછી અફસોસ કર્યા કરે. ઇન્સિક્યૉરિટી હોવી જોઈએ પણ એ પૉઝિટિવ રીતે હોવી જોઈએ. તમારી ઇન્સિક્યૉરિટી ગેરવાજબી હશે તો એ તમને જ નેગેટિવ બનાવશે. થોડા સમય પહેલાં મેં એક આર્ટિકલમાં કહ્યું હતું કે આપણા છ ડૉક્ટર છે; સનલાઇટ, રેસ્ટ, ડાયટ, એક્સરસાઇઝ, સેલ્ફ-કૉન્ફિડન્સ અને ફ્રેન્ડ્સ.
આ છ ડૉક્ટરોની બાબતમાં તમે કેવા છો અને તમને આ છએ છ ડૉક્ટર વાજબી રીતે મળી રહ્યા છે કે નહીં એ જોતા રહો. આ છમાંથી એક કે એનાથી વધુ ડૉક્ટર તમારી પાસે નથી હોતા ત્યારે તમારી આખી સાઇકલ ડિસ્ટર્બ થાય છે અને એ ડિસ્ટર્બ થાય છે એટલે પારાવાર તકલીફો આવે છે, જેને આપણે ઢાંકવાની કોશિશમાં એ વધારવાનું કામ કરતા જઈએ છીએ. આજે લાઇફનું કંઈ નક્કી નથી રહ્યું. કોણ, ક્યારે ઘરની બહાર નીકળે છે એના વિશે પણ કોઈ કહી નથી શકતું અને ઘરની બહાર નીકળ્યા પછી આજે સાંજે પાછા આવશે કે નહીં એની પણ કોઈ ગૅરન્ટી નથી.
તો પછી જેટલો સમય તમે જીવો છો, ખુશી-ખુશી જીવો. જ્યાં પણ તાણ અનુભવો છો એને દૂર કેવી રીતે કરી શકો એ જુઓ. જો એવું કરશો તો તમારી લાઇફની ક્વૉલિટી બેટર લાગશે. જરૂરી નથી કે પૈસા જ જોઈએ. શાકભાજીવાળા કે પછી રિક્ષાવાળાને જુઓ, આપણી પાસે છૂટા ન હોય તો હસતાં-હસતાં સામેથી કહે કે ‘જાને દો સા’બ’ અને મોટી લક્ઝુરિયસ ગાડીમાંથી ઊતરીને ફ્રૂટ્સ લેતા લોકો ફ્રૂટવાળા પાસે બાર્ગેન કરતા દેખાય અને રૂપિયા-બે રૂપિયા માટે લડતા દેખાય. એ બાર્ગેન કરવામાં એટલી લપ કરી લીધી હોય કે ફ્રૂટવાળાને દયા આવી જાય કે આની એનર્જી હવે રહી નથી, ચાલને એકાદ ઍપલ એમ જ ખવડાવી દઉં. મજાક કરું છું પણ આવી મજાકને પાત્ર નહીં બનો અને જીવન ભારરૂપ બને એ પહેલાં જ આજુબાજુનું ખોટું આવરણ હટાવી દો.
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)