આખી વાર્તા અહીં વાંચો
પ્રતીકાત્મક તસવીર
હું હિતેશ, હિતેશ સુધાકર દેસાઈ. મારાં મમ્મી-પપ્પાને ખુશ રાખવાં એ જ મારો જીવનમંત્ર. મારા પપ્પાનો રેડીમેડ કપડાંનો ધીકતો ધંધો હવે હું સંભાળું છું. ગયા વર્ષે મારાં મમ્મી હૃદયરોગના હુમલામાં મૃત્યુ પામ્યાં, અમારે માટે આ વજ્રાઘાત હતો. દુકાનમાં વ્યસ્ત થતાં હું તો સ્વસ્થ થયો, પણ પપ્પા ડિપ્રેશનમાં સરી ગયા. દાક્તરે પપ્પાને પંદર દિવસ હવાફેર માટે લઈ જવાનું સૂચન કર્યું. દુકાન માણસો પર છોડીને અમે ગયા તો ખરા, પણ પપ્પાએ જીદ કરી અને બે દિવસમાં પાછા ફર્યા. હવે છેલ્લા થોડા મહિનાથી તેમને ઘરની બાજુમાં આવેલા નાના-નાની પાર્કમાં દરરોજ લાવું છું. તેમનાથી નાનાં-મોટાં કેટલાંય વૃદ્ધ સ્ત્રી-પુરુષ સાથે પપ્પાને ગોઠી ગયું છે. તેમને બેસાડીને હું આ બાગમાં પોણો કલાક ચક્કર લગાવું અને પછી અમે સાથે ઘરે જઈએ. અહીં આવતા થયા બાદ પપ્પાની માનસિક હાલતમાં ઘણો સુધારો દેખાયો.
હું પપ્પાને પાર્કમાં લાવતો થયો ત્યારથી હું તેને જોતો. સાંજે બરાબર ૬ વાગ્યાના ટકોરે તે એક વૃદ્ધ દંપતીને લઈને ગાર્ડનમાં દાખલ થાય. ગુલાબી, વાદળી, પીળા જેવા આછા રંગના પંજાબી ડ્રેસમાં, નાનકડો ગોળ લાલ ચાંદલો ને હાથમાં બે બંગડી એ જ તેનો શણગાર. તેની સાદગી તેની નમણાશને ઑર નિખારે.
ADVERTISEMENT
હવે તો દરરોજ સાંજે ૬ વાગ્યે પાર્કમાં તેને જોવાની મને આદત થઈ ગઈ હતી. જો પાંચ-દસ મિનિટ મોડું થાય તો મારા મનમાં કેટલાય ખરાબ વિચાર આવી જાય કે ઘરમાં કંઈ થયું હશે? આજે નહીં આવે?
પાર્કમાં દાખલ થયા પછી તે દંપતીને બીજા વૃદ્ધો બેઠા હોય તેમની સાથે બેસાડે, થોડી વાર સૌ સાથે લાગણીસભર વાતો કરે, ખબરઅંતર પૂછે અને પછી જતી રહે. એકાદ કલાક પછી પાછી આવે અને તેની સાથે આવેલા દંપતીને જતનપૂર્વક પાછી લઈ જાય.
શનિવાર-રવિવારે સવારે સાડાસાતે ત્રણેય જણ આવી જાય. ત્યારે થર્મોસમાં બધા વૃદ્ધો માટે ચા-બિસ્કિટ લાવે અને પ્રેમથી આગ્રહ કરીને આપે. ક્યારેક ચા સાથે જલેબી-ગાંઠિયા હોય. શનિ-રવિમાં તે પણ સૌની સાથે બેસે, હસીખુશી બધાની સાથે હળેભળે, એકાદ ભજન સંભળાવે અને આ વૃદ્ધોને પણ ગાવા પ્રોત્સાહિત કરે. હવે તો ૮૬ વર્ષનાં હંસામાસી, મગનઅંકલ અને એવાં કેટલાંય લોકો આ ગીતસંગીતના કાર્યક્રમમાં જોડાયાં. એસ્ટેટ બ્રોકરનું કામ કરતા તુષારભાઈ તો માઉથઑર્ગન પર ફિલ્મોનાં ગીતો એવાં સરસ વગાડે કે પાર્કમાં ચાલવા આવેલા લોકો પણ મંત્રમુગ્ધ થઈને સાંભળવા ઊભા રહી જાય.
જ્યારથી આ બધું શરૂ થયું ત્યારથી પોતાની વહુ-દીકરાની કુથલી કરતાં કે બગડતી તબિયતની રામાયણ લઈને બેસેલા વૃદ્ધો જીવનને હકારાત્મક વલણથી જોવા લાગ્યા. રમણકાકાનો દીકરો દાક્તર, તે એક રવિવારે આવ્યો ને સૌને તપાસ્યા, જેને જરૂર હતી એ સૌને દવા લખી આપી, ભારતીબહેનની દીકરી ફિઝિયોથેરપિસ્ટ, એક રવિવારે તેણે બધાયને કમર અને ઘૂંટણની કસરત શીખવાડી, તો મગનભાઈએ ડાયાબિટીઝના દાક્તરને ચર્ચા માટે તેડાવ્યા. આમ દર રવિવારે આ પાર્કમાં વૃદ્ધો માટે એક મેડિકલ કૅમ્પ યોજાતો. પપ્પા કહેતા, ‘આ બધું આ દીકરીને કારણે શક્ય બન્યું છે.’
હવે મારાથી ન રહેવાયું, ‘પપ્પા, આ કોણ છે? તેનું નામ શું છે?’
હોંશે-હોંશે પપ્પા બોલ્યા, ‘અરે, તને નથી ખબર? આ તો સરલાબહેન અને સમીરભાઈની હેત્વી. તેના નામ પ્રમાણે જ કેવી હેતાળ છે. બધા સાથે પ્રેમથી વાતો કરે, કોઈને ઉદાસ જુએ તો તરત તેમની ઉદાસી દૂર કરી હસાવવાના પ્રયત્ન કરે. શનિવારે તેને ફુરસદ હોય એટલે ‘અખંડઆનંદ’ કે ‘મિડ-ડે’ છાપું લઈ આવે અને એમાંથી સારા પ્રસંગો, વાર્તા વાંચી સંભળાવે. હમણાં કાજલ ઓઝા વૈદ્યની ‘કૃષ્ણાયન’ અમને વાંચી સંભળાવે છે. પછી ‘દીકરી વ્હાલનો દરિયો’ વાંચવાની છે. ખરેખર, દરેક ઘરમાં આવી એક દીકરી કે વહુ હોવી જોઈએ.’
પપ્પાના આ છેલ્લા વાક્યએ મારા હૃદયના તાર ઝણઝણાવી દીધા. કેટલીયે વાર મન થયું કે પપ્પાને કહી દઉં કે ‘તો આપણું ઘર શું ખોટું છે! તેને આપણા ઘરની જ વહુ બનાવી દોને?’
બસ, હવે દિવસ-રાત, ઊંઘતાં-જાગતાં હું હેત્વીનાં જ સપનાં જોતો થઈ ગયો. પપ્પાને પણ ગમે છે ને મમ્મીને આવી જ વહુની આશા હતી. વળી નામ પણ મારા નામ સાથે કેવું મળે છે! હેત્વી અને હિતેશ. જાણે કાલે જ ગોળધાણા ખાવાના હોય એટલી હદે હું રોમાંચિત થઈ ગયો.
હવે હું શનિ-રવિ આ પાર્કમાં પપ્પા અને તેમના મિત્રો સાથે વિતાવતો, જેથી વધુ ને વધુ હેત્વીના સાંનિધ્યમાં રહી શકું. તેની સાથે મારે વાતો કરવી હતી, દોસ્તી કેળવવી હતી, પણ એક તો હું થોડો શરમાળ ને વળી મારા પપ્પાની હાજરીમાં હું કેવી રીતે પહેલ કરું! હેત્વીને પણ મારી હાજરી ગમતી હોય એવું લાગ્યું. ક્યારેક મને બધાને ચા-નાસ્તો આપવા વિનંતી કરે ને જો અનાયાસ મારો હાથ તેને સ્પર્શી જાય તો લજામણીની જેમ શરમાઈ જાય.
શનિવારે પાર્કમાંથી આવ્યા પછી મને ખોવાયેલો જોઈને ભાણે બેઠા ત્યારે પપ્પાએ પૂછી લીધું, ‘શું વાત છે, ક્યાં તારું મન અટવાયું છે?’ અને મેં પણ વિનાસંકોચ પપ્પાને હેત્વી પ્રત્યેનું મારું ખેંચાણ કહી દીધું.
‘ઓહ, તો એમ વાત છે! મને થોડી ઘણી આશંકા તો હતી, પણ એ તો તારા મોઢેથી સાંભળવું હતું. ચાલ, કાલે પાર્કમાં મળે ત્યારે તેમને સાંજે જ આપણા ઘરે ચા-નાસ્તા માટે તેડાવીએ ને વાત કરીએ. હેત્વી જેવી દીકરી તો ખુશનસીબને જ મળે.’
‘ના ના પપ્પા, પહેલાં તમે જ મળી લો, તેમનું મન, હેત્વીનું મન જાણો, પછી તેમની મરજી હશે તો જ હું તેમને મળીશ.’
‘ઓકે...’ પપ્પા બોલ્યા અને રવિવારે પાર્કમાં સહજ રીતે સરલાબહેન અને સમીરભાઈને સાંજે અમારા ત્રણ બેડરૂમ, વિશાળ હૉલ અને સારું એવું મોટું રસોડું ધરાવતા ઘરે ચા-નાસ્તા માટે આમંત્રણ આપ્યું, જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. સાંજે પાંચ વાગ્યે તેઓ આવવાનાં હતાં ને હું તો ત્રણ વાગ્યે જ ઘરની બહાર નીકળી ગયો. પાંચના ટકોરે મન ઊંચું-નીચું થવા લાગ્યું, ‘પપ્પાએ વાત કરી હશે? તેમનો જવાબ શું હશે? શું હેત્વી હા પાડશે?’
ત્યાં તો પપ્પાનો ફોન આવ્યો, ‘હમણાં જ ઘરે પહોંચ...’ મને ધ્રાસ્કો પડ્યો. અમંગળ વિચારોથી મન ઘેરાઈ ગયું ને મારતે ઘોડે હું ઘરે પહોંચ્યો.
સરલાબહેન-સમીરભાઈ ઘરે જ બેઠાં હતાં. સૌ ગંભીર હતાં. પપ્પા બોલ્યા, ‘બેટા, મેં તારા માટે હેત્વીનો હાથ માગ્યો તો તેમણે જવાબ આપતાં પહેલાં તને મળવાની ઇચ્છા દર્શાવી. હવે સમીરભાઈ બોલ્યા, ‘સુધાકરભાઈ, ઘણા સમયથી અમે પણ તમારા દીકરાને પાર્કમાં જોઈએ છીએ. આવા જમાઈને પામીને અમે કૃતાર્થ થયાં હોત, પણ એ શક્ય નથી. હેત્વી અમારી દીકરી નહીં, પણ વહુ છે.’
એ સાંભળીને અમ બાપ-દીકરાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમારા કાને કાંઈ ખોટું તો નથી સાંભળ્યુંને? સજળ નયને તેઓ આગળ બોલ્યા, ‘અમારો વલસાડમાં મોટો બંગલો ને કામકાજ પણ મોટું. ચાર વર્ષ અગાઉ અમારા હેતાંત અને હેત્વીનાં ધામધૂમથી લગ્ન કરેલાં. લગ્નને બે જ મહિના થયેલા અને બન્ને તીથલ દરિયે ફરવા ગયેલાં. દરિયાના પાણીમાં આનંદ લેતાં હતાં ત્યાં એક મોટું મોજું આવ્યું અને બન્નેને તાણી ગયું. આજુબાજુ ફરવા આવેલા લોકોએ હેત્વીને તો તરત બહાર કાઢી, પણ હેતાંત દૂર ઊંડે તણાઈ ગયેલો. છેક ત્રણ દિવસે તેની લાશ મળી. અમારી ત્રણેયની દુનિયા હતી-નહોતી થઈ ગઈ. એ જ તો અમારો એકમાત્ર આધાર, અમારી જીવાદોરી, અમારું રતન હતો અને પળભરમાં ભગવાને તેને છીનવી લીધો. બળતામાં ઘી આડોશપાડોશના લોકોએ હોમ્યું. હેત્વીનાં પગલાં અપશુકનિયાળ છે, તમારા દીકરાને આવતાં જ ભરખી ગઈ વગેરે કેટલુંય કહ્યું. તેઓ અમારા કાનમાં વધુ ઝેર રેડે એ પહેલાં જ બધું વેચી-સાટીને અમે મુંબઈમાં ઘર લઈ લીધું. જગ્યા, વાતાવરણ, લોકો બદલાયા અને ધીરે-ધીરે અમે ત્રણેય સ્વસ્થ થયાં. હેત્વી અહીં બૅન્કમાં સમય પસાર કરવા નોકરી કરે છે. છેલ્લા એક વર્ષથી સરલા અને હું તેને કહીએ છીએ ‘બેટા, સારું પાત્ર જોઈને અમે તારું કન્યાદાન કરવા માગીએ છીએ, ઈશ્વરે અમારો દીકરો લઈને દીકરી આપી છે, તો અમને આ પુણ્યનું કામ કરવા દે, પણ તે કોઈ કાળે માનતી નથી.’
પપ્પા અસ્વસ્થ થઈ ગયા. સરલાબહેન-સમીરભાઈ જતાં જ ઓરડામાં જતા રહ્યા અને જમ્યા પણ નહીં. પાર્કમાં જવાની સુધ્ધાં ના જ પાડતા. મને ચિંતા થવા લાગી કે ‘ફરી ડિપ્રેશનમાં ચાલ્યા જશે?’
મેં કહ્યું, ‘પપ્પા, તમને વિધવા છોકરી...’ તેમણે વચ્ચેથી જ મારી વાત કાપીને બોલ્યા, ‘મને કોઈ ફરક નથી પડતો, પણ તે પુન: વિવાહ માટે ઇનકાર કરે છે એનું જ દુઃખ છે.’
બીજો રવિવાર પણ આવી ગયો. સવારે ૯.૩૦ વાગ્યે અમારા ફ્લૅટની ઘંટી વાગી. આ શું! પાર્કનાં બધાં જ વડીલો સરલાબહેન-સમીરભાઈ અને હેત્વી સાથે હાજર હતાં, ‘સુધાકરભાઈ, અમને તો વાત કરવી હતી? અમે તેને બહુ સમજાવી, તેનેય તમારો હિતેશ ગમે છે, પણ તેની એક જ રઢ છે કે ‘માવતર સમાન આ સરલાબહેન અને સમીરભાઈને છોડીને ક્યાંય નથી જવું...’ બોલો, હવે તો અમેય લાચાર છીએ. બાકી આ છોકરી તો જે ઘરમાં જશે ત્યાં રોજ દિવાળી જ સમજો.’
...અને પપ્પા ઝળહળી ઊઠ્યા, ‘લ્યો, આટલી જ વાત. મહારાજ, લાપસીનાં આંધણ મૂકો, સૌનું મોઢું મીઠું કરાવો. અરે બેટા, મારે અહીં ત્રણ રૂમ છે. સરલાબહેન-સમીરભાઈ, હિતેશ-હેત્વીનાં લગ્ન બાદ તમે પણ અહીં શિફ્ટ થઈ જાઓ, તમારી દીકરી ક્યારેય તમારાથી અલગ
નહીં થાય અને મને પણ એક દીકરી મળી જશે.’
સરલાબહેન-સમીરભાઈ આમ અમારા ઘરે શિફ્ટ થવા કોઈ કાળે તૈયાર નહોતાં, ઘણી રકઝક થઈ, ત્યાં તુષારભાઈ બોલ્યા, ‘આ જ મકાનમાં એક ફ્લૅટ ખાલી છે. બસ, તમારો ફ્લૅટ વેચીને અહીં જ શિફ્ટ થઈ જાઓ. તમારી દીકરી સૌનું ધ્યાન રાખશે...’
હેત્વી કંઈ બોલે એ પહેલાં જ હંસામાસીએ એલાન કરી દીધું, ‘સૌથી સરળ ને બધાના હિતમાં છે. હેત્વી, તું તો અમારા સૌની હેતની હેલી છે. અમારું એટલું માન નહીં રાખે! સરલાબહેન, માંડવા સજાવો, કન્યાદાન કરવાનું છે.’
મારા ને હેત્વીનાં નયન મળ્યાં, તે શરમાઈ અને હું મનમાં એટલું જ બોલ્યો, ‘શુભમ્ ભવતુ’...


