યુટ્યુબના પાપે હવે એટલી બધી ચૅનલુ ચાલુ થઈ ગઈ છે કે તમને થાક લાગી જાય અને એમાં વધારો કરે એ ચૅનલમાં લાઇકુ માગવાવાળા. એક લાઇક દઈ દ્યોને બાપ, ભગવાન તમારું ભલું કરશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ભિખારી હોવું, ભિખારી દેખાવું અને ભિખારી ન હોવા છતાં ભિખારીવેડા કરવા આ ત્રણેય વસ્તુમાં જમીન-આસમાનનો ફરક હોય છે. રોડ પર મળેલા ભિખારીને ‘માફ કરો’ કહીને ટાળી શકાય છે, પરંતુ આજકાલ ‘ઑનલાઇન ભિખારીઓ’ કૂદકે ને ભૂસકે વધતા જાય છે. ‘મારી ચૅનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો’ આ વાક્યમાં અને ‘ભગવાનના નામ પર કંઈક આપોને બાપ!’ આ વાક્યમાં મને કશો ફરક નથી લાગતો.
બસ, સોશ્યલ મીડિયામાં ભિખારીઓ પાસે ટોકરીની જગ્યાએ લાઇકનો અંગૂઠો હોય છે. વળી ટોલનાકા કે ટ્રાફિક-સિગ્નલ પર ભીખ માગતા ભિખારીઓ મેલાંઘેલાં કપડાંમાં અને રડતી આંખે (ભલે ગ્લિસરીનવાળી) દૃશ્યમાન હોય છે, જ્યારે ‘ઑનલાઇન બૅગર્સ’ એકદમ સૉફિસ્ટિકેટેડ લુકમાં મેકઅપ સાથે લાઇકુ માગે છે. કેટલાકને તો ‘સબસ્ક્રાઇબ’ બોલતાં નથી આવડતું એવા પણ લાઇકુ માગે છે. કેટલાક પોતાની ચૅનલનું પોતાનાં બાળકો કરતાં વધુ ધ્યાન રાખે છે. કેટલાક એટલા નમ્ર અને વિવેકી થઈને ફૉલો કરવાની વિનંતી કરતા હોય છે કે આપણને એમ થાય કે જાણે આપણે આની ચૅનલ લાઇક નહીં કરીએ તો આના છોકરાઓ ભૂખ્યા મરી જાશે.
ADVERTISEMENT
મારો મિત્ર અતુલ જ્યારે પણ મોબાઇલનાં દ્વાર ઉઘાડે એટલે સૌપ્રથમ તે પોતાનો જ વિડિયો જુએ. મેં પૂછ્યું તો અતુલ કહે, ‘આપણા વ્યુઝ વધેને... બોલો લ્યો!’
મેં કહ્યું, ‘અલ્યા, પણ તારી GB ઘટે એ નહીં જોવાનું?’
તો અતુલ સામો કહે કે સાંઈ, લોકસાહિત્યના દુહામાં કહેવાયું છેને...
ધન વધે એનું મન વધે
મન વધે એનાં માન વધે
અને બધું વધત વધત વધ જાય
તો હવેના યુગમાં આમાં ચેન્જ કરો.
લાઇક વધે એના વ્યુઝ વધે
વ્યુઝ વધે એના સબસ્ક્રાઇબર વધે
સબસ્ક્રાઇબર વધે એનાં રેટિંગ વધે
અને રેટિંગ વધે એનાં સેટિંગ વધે
બધું વધત વધત વધ જાય...!
મેં કહ્યું, ‘ભાઈ અતુલ, તું આવા આપજોડિયા ન બનાવ; છંદ અને માત્રાને ફ્રૅક્ચર થઈ જાય છે.’
અતુલ કહે, ‘માત્રાનો મેળ ભલે નથી, પણ દુહાનો ભાવ પકડો... ભાવ! ભગવાન ભાવનો ભૂખ્યો છે સાંઈ!’
તમને જ્યારે પણ જોક વગર હસવાનું મન થાય તો યુટ્યુબ પર અમુક સવાલ સર્ચ કરજો. હસી-હસીને ગોટા વાળી દે એવી ભેજાફ્રાય ચૅનલો અમુક ભેજાબાજો ચલાવે છે. ઉદાહરણ આપું તો ‘તમારી ઑનલાઇન ચૅનલ ચાલતી નથી? તો અમારી ચૅનલ સબસ્ક્રાઇબ કરો...!’ એટલે શું અમારું
તો હાલે!
પંખાની સ્વિચ કેમ બંધ કરવી? બટાટાની છાલ કેમ ઉતારવી? રોટલી ગોળ કેમ વણવી? બોલો, આવા વિષયોની પણ ચૅનલો ચાલે છે અને મજાની વાત એ છે કે આવા વિડિયોના લાખો વ્યુઝ પણ હોય છે. એમાં એક રૂપકડાં બહેન સામે આવીને ઊભા રહીને આપણને ધી...મે...ક...થી સ્વિચ બંધ કરતાં શીખવે છે.
એક દિવસમાં એક લાખ વ્યુઝ કેવી રીતે મેળવશો? આવા ટાઇટલ સાથે મૂકેલા વિડિયોને ત્રણ વરસથી ૮૭૬ વ્યુઝ મળ્યા હોય છે. હવે આપણે તે ભાઈની ટિપ્સને કેવી રીતે સિરિયસ્લી લેવી?
‘કબજિયાતનો રામબાણ ઇલાજ’ના નામે લગભગ હજારેક વિડિયો નીકળે છે. સાલ્લુ, આપણને એમ થાય કે રામના બાણે રાવણને માર્યો હતો, શું આપણું પેટ રાવણ કરતાં પણ વધુ ખતરનાક હશે?
‘આ રાશિના માણસો બને છે કરોડપતિ’ આવા થીમની સાથે બારેબાર રાશિના વિડિયો મળશે. વળી મજાની વાત એ કે રૂપિયાવાળો તો એ ચૅનલ બનાવનાર જ બને છે. ‘દુનિયા કા સબસે ખતરનાક વાઇરસ’ નામના વિડિયોમાં તમે અંદર ઘૂસો તો ફળિયામાં ઊડતો મચ્છર દેખાડે છે. ‘સંયમ કેવી રીતે રાખશો?’ આવા ધાર્મિક વિડિયોમાં પણ સંયમ પર બુલડોઝર ફેરવી દે એવી ઍડ આવે છે. વળી કોઈ સ્કિપ પણ નથી કરતું. આપણને સમજાય જ નહીં કે એને લીધે વિડિયો ચાલે છે કે વિડિયોને લીધે ઍડ! સદીઓથી સંત અને શાસ્ત્રો શીખવી રહ્યાં છે છતાં એક માણસ બીજા માણસને દિલ ખોલીને લાઇક નથી કરી શક્યો તે બીજાની ચૅનલને શું લાઇક કરવાનો?
મારા એક ભાઈબંધે ‘લોન પે લે, ભાડે દે’ના નામે પોતાની રિયલ એસ્ટેટની ચૅનલ ચાલુ કરી. હવે તેને કોણ સમજાવે કે એ ચૅનલના વિડિયો તે જ જુએ છે જેમને બૅન્કવાળા લોન દેવા રાજી નથી!
‘ઑનલાઇન બૅગર્સ અસોસિએશન’ એક એવી સંસ્થા છે જેના લાખો ડિરેક્ટરો છૂટાછવાયા છે. વળી સૌ માગ-માગ જ કરે છે. સોશ્યલ મીડિયાની શૂર્પણખાઓનાં નાક તમે ગમે એટલી વાર કાપો તોય ઊગતાં જ જાય છે. નવી સદીમાં નકટાઓના નાકે પણ જબરો વિકાસ કર્યો છે નંઈ?
હવે તમે પણ આ લેખ લાઇક કરી દેજો એટલે શું...! આપણું હાલે...!

