Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સેક્સ પાપ નથી, અધર્મ કે હીનતા પણ નથી; સેક્સ જીવનની આધારશિલા છે

સેક્સ પાપ નથી, અધર્મ કે હીનતા પણ નથી; સેક્સ જીવનની આધારશિલા છે

Published : 23 February, 2024 01:00 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પંચાવન વર્ષની પ્રૅક્ટિસમાં ૫૫,૦૦૦ કરતાં પણ વધારે દરદીઓની સારવાર કરનારા ડૉ. પ્રકાશ કોઠારી મુશાયરા, શેર-શાયરી અને કવિતાઓના જબરદસ્ત શોખીન છે.

ડૉ. પ્રકાશ કોઠારી 

ડૉ. પ્રકાશ કોઠારી 


ભારતના પહેલા સેક્સોલૉ​જિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારીએ ભારતની ધરોહરનો હિસ્સો ગણાતા અંતરંગ વિશ્વની સાથે સંકળાયેલા શાસ્ત્રીય જ્ઞાનને દુનિયા સમક્ષ મૂક્યું. જે છેલ્લાં ચાલીસ-પચાસ વર્ષ પહેલાં શોધાયું એ વાત ૧૬૦૦ વર્ષ પહેલાં આપણા કામસૂત્રમાં બહુ જ પદ્ધતિસર કહેવાઈ છે એ પુરવાર કરીને તેમણે દુનિયાની આંખમાં અચંબો આંજવાનું કામ કરવાની સાથોસાથ લોકોને સાચો માર્ગ દેખાડવાનું કામ પણ કર્યું છે. ભારતની પ્રાચીનતાને તેમણે આજના સંદર્ભમાં સુપેરે પ્રસ્તુત કરી દેખાડી છે.

ભગવદ્‍ગીતા | શ્ળોક ૪૮ | અધ્યાય ૨



योगस्थ: कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय |
सिद्ध्यसिद्ध्यो: समो भूत्वा समत्वं योग उच्यते ||


અર્થાત્ : સફળતા અને નિષ્ફળતામાં વ્યક્તિએ કેવો પ્રતિભાવ આપવો જોઈએ એ સમજાવે છે ગીતાનો આ શ્ળોક. શ્રીકૃષ્ણ કહે છે, ‘હે ધનંજય! તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિત થઈને કર્તવ્યકર્મો કર. સમત્વ એ જ યોગ કહેવાય છે.’ નિષ્ફળતામાં વધારે દુખી ન થાઓ અને સફળતામાં વધારે ખુશ ન થાઓ ત્યારે તમે કર્મયોગ કરો છો. કહેવાનું એટલું જ કે કોઈ પણ સમયમાં કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિને જે-તે પરિણામ મળે - સારું કે ખરાબ - એ પછી પણ શાંત મને પોતાનું કર્મ કરતા રહેવું જોઈએ.

ડૉ. પ્રકાશ કોઠારી 


દેશના પહેલવહેલા સેક્સોલૉજિસ્ટ 
પદ્‍મશ્રી  ૨૦૦૨

ચાર ચોપડી પાલનપુરમાં ભણ્યા પછી બાકીનું એજ્યુકેશન મુંબઈમાં મેળવનારા ડૉ. પ્રકાશ કોઠારીની ઓળખ અનેક પ્રકારે આપી શકાય. તેમના વ્યક્તિત્વમાં રહેલી કાવ્યાત્મકતા તેમના જીવનમાં છલકાય છે અને તેમના અસ્તિત્વમાં રહેલી બોલ્ડનેસ તેમના નિર્ણયોમાં પણ સ્પષ્ટપણે વર્તાય છે. કદાચ એટલે જ આજે પણ જેના માટે ભારોભાર છોછ છે એ સેક્સના વિષયને પંચાવન વર્ષ પહેલાં તેમણે પોતાના નામ સાથે જોડીને સેક્સની સાચી સમજણની આવશ્યકતા લોકોને છે એ વાત દુનિયા સામે રજૂ કરી. ભારતના પહેલા સેક્સોલૉજિસ્ટ, જે સેવન્થ વર્લ્ડ કૉન્ફરન્સ ઑફ સેક્સોલૉજીમાં હાઇએસ્ટ વોટ સાથે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા, જેની પહેલવહેલી કૉન્ફરન્સ ભારતમાં થઈ અને એ સમયે યોજાયેલા ઇરૉટિકા એક્ઝિબિશનમાં ઇન્ટરનૅશનલ સ્તરે જાણીતા ઓથર મુલ્કરાજ આનંદે તેમને મદદ કરી તો કલ્ચરલ ડિપાર્ટમેન્ટ પંડિત રવિશંકરે હૅન્ડલ કર્યો. એવી જ રીતે તેમણે દુનિયાની પહેલવહેલી કૉન્ફરન્સ-ઑન-ઑર્ગેઝમ પણ ભારતમાં કરી હતી. સતત દસ વર્ષ સુધી વર્લ્ડ સેક્સોલૉજી અસોસિએશનમાં ઍડ્વાઇઝરી કમિટી મેમ્બર તરીકે ડૉ. પ્રકાશ કોઠારી ઇલેક્ટ થનારી દુનિયાની એકમાત્ર વ્યક્તિ છે. ત્યાં સુધી કે વર્લ્ડ અસોસિએશન ઑફ સેક્સોલૉજીએ ‘મૅન ઑફ ધ યર ઇન્ટરનૅશનલી’નો ખિતાબ આપ્યો હોય એવી પણ તેઓ દુનિયાની પહેલી વ્યક્તિ છે. બાય ધ વે, કહેવાનું કે ભારતીય સેક્સોલૉજિસ્ટના આ સન્માનની નોંધ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અને ‘ન્યુ યૉર્ક ટાઇમ્સ’એ પણ લીધી અને એ જ વાંચીને વડા પ્રધાનની ઑફિસમાંથી તેમને ફોન આવ્યો હતો. ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘લાલ કૃષ્ણ અડવાણીજી અને પછી અટલ બિહારી વાજપેયીજીએ મારી સાથે વાત કરી, અભિનંદન આપ્યાં અને એ પછી એ જ સમયગાળામાં મારું નામ પદ્મશ્રી માટે જાહેર કર્યું.’

અદ્ભુત સફરના સર્જક
પંચાવન વર્ષની પ્રૅક્ટિસમાં ૫૫,૦૦૦ કરતાં પણ વધારે દરદીઓની સારવાર કરનારા ડૉ. પ્રકાશ કોઠારી મુશાયરા, શેર-શાયરી અને કવિતાઓના જબરદસ્ત શોખીન છે. ઍન્ટિક કૅટેગરીમાં આવે એવી ગણપતિની મૂર્તિઓનું તેમની પાસે રૅર કલેક્શન પણ છે અને એવું જ કલેક્શન તેમની પાસે ઇરૉટિક આર્ટનું પણ છે. ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘હું ડૉક્ટર બનવા જતો હતો અને એ પછી પણ મારા કેટલાક પ્રશ્નોનું સમાધાન મને નહોતું મળતું. અંગત જીવનના કોઈ પ્રશ્ન પૂછે એટલે સીધું એવું કહેવામાં આવતું કે જ્યારે પ્રૅક્ટિકલ જીવન શરૂ થશે ત્યારે બધું આપોઆપ સમજાઈ જશે. ‘પડશે એવા દેવાશે’ની નીતિ સાથે અંગત બાબતોને જોવામાં આવતી જે વાત મને હજમ નહોતી થઈ. અભ્યાસ પૂરો થયા પછી મેં સેક્સોલૉજી સ્ટ્રીમમાં જવાનું પસંદ કર્યું છે એ વાત મારાં મમ્મીને નહોતી કહી. બીજું એ પણ હતું કે સેક્સોલૉજીમાં જનરલી ઇમર્જન્સી આવતી નથી એટલે રાતે મુશાયરામાં બેઠા હોઈએ તો ઇમર્જન્સીના નામે દોડવું પડે નહીં. મોટી વાત એ છે કે એવી કોઈ સ્ટ્રીમ આપણે ત્યાં હતી નહીં જે મને સેક્સોલૉજીને લગતા સ્પેશ્યલાઇઝેશનમાં મદદ કરે. એટલે મેં એની સાથે છ મહિના યુરોલૉજી, છ મહિના સાઇકિયાટ્રી અને એન્ડોક્રિનોલૉજીનો અભ્યાસ કર્યો અને પછી સેક્સ્યુઅલ હેલ્થમાં પીએચડી કરીને આગળ જતાં અમેરિકાની સેક્સોલૉજીમાં રિસર્ચ કરતી માસ્ટર્સ ઍન્ડ જૉન્સનમાં વર્કશૉપ ટ્રેઇનિંગ લીધી. પરિણામ એ આવ્યું કે મારું નૉલેજ બ્રશ-અપ થતું ગયું. આ બધાની સાથે મેં આપણા પ્રાચીન ગ્રંથોમાં રિસર્ચ શરૂ કર્યું. વાંચન વધતું ગયું અને સમજાતું પણ ગયું કે દુનિયા જે દિશામાં શોધ કરી રહી છે એ દિશામાં આપણે ત્યાં સેંકડો વર્ષ પહેલાં શોધ થઈ ચૂકી છે.’

ઑર્ગેઝમ બે પગ વચ્ચે નહીં પણ બે કાન વચ્ચે હોય છે. પશ્ચિમી દેશોને આ સમજણ આપવાનું કામ ડૉ. પ્રકાશ કોઠારીએ કર્યું એવું કહેવામાં સહેજ પણ ખચકાટ કરવાની જરૂર નથી, કારણ કે આ જ હકીકત છે. સેક્સ્યુઅલ રિલેશનશિપમાં સૅટિસ્ફૅક્શનનો બહુ જ મોટો આધાર બાયોલૉજી ઉપરાંત ઇમોશનલ અને સાઇકોલૉજિકલ સ્ટેટનો પણ છે એ વાત તેમના થકી દુનિયામાં વ્યાપક બની.જરૂર છે સાચી સમજણની આપણા દેશમાં સેક્સ-ટેબુ નહોતો એનું સર્ટિફિકેટ વાત્સ્યાયન રચિત કામસૂત્ર છે, એનું પ્રમાણ આપણાં મંદિરોમાં કરવામાં આવેલી શિલ્પકળા છે. તો પછી થયું શું કે એના પ્રત્યે ઢાંકપિછોડો શરૂ થયો? 

બહુ વૅલિડ કારણ સાથે સમજાવતાં ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘બારમી અને તેરમી સદીમાં સેક્સ એજ્યુકેશન ખુલ્લા દિલે અપાતું, પરંતુ એ પછી સમયાંતરે થતાં વિદેશી આક્રમણો વચ્ચે સુરક્ષા આપણી પહેલી પ્રાયોરિટી બની, જેને લીધે સંસ્કૃતિની ઘણી બાબતો પડદા પાછળ ચાલી ગઈ. બીજું, આપણે ત્યાં હંમેશાં પ્રેમને પ્રાધાન્ય અપાયું છે. પ્રેમની પરાકાષ્ઠા સંભોગ હોઈ શકે, પરંતુ સંભોગની પરાકાષ્ઠા પ્રેમ હોવો જરૂરી નથી. કામસૂત્રમાં કહ્યું છે કે પુરુષને એક જ વાર ઑર્ગેઝમ હોય, પણ સ્ત્રીઓને મ​લ્ટિપલ ઑર્ગેઝમ હોઈ શકે. પ્રેમ વિના ફોરપ્લે સંભવ છે, પણ પ્રેમ વિના આફ્ટરપ્લે સંભવ નથી. સોળસો વર્ષ પહેલાં વાત્સ્યાયને એક પ્રકરણ ફોરપ્લે પર અને એક આફ્ટરપ્લે પર લખ્યું હતું. સેક્સ એજ્યુકેશન પ્રાગયૌવને એટલે કે કિશોરાવસ્થામાં આપવું એવું પણ કામસૂત્રમાં લખ્યું છે. આમાંનું ઘણું દુનિયાના વૈજ્ઞાનિકો હવે છેક સાબિત કરી શક્યા છે. આ છે ભારતીય પ્રભુતા, દુનિયાથી આગળ હોવાનું પ્રમાણ. કામસૂત્ર દુનિયાનો સૌથી જૂનો ગ્રંથ છે જે આટલો વિગતવાર, પદ્ધતિસર અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે લખાયેલો છે. વાત્સ્યાયન ગુજરાતના ખંભાતથી સાડાત્રણસો કિલોમીટર દૂર આવેલા નગરક ગામના હતા. સોળસો વર્ષ પહેલાં લખાયેલો આ ગ્રંથ પ્રાચીન હોવા છતાં અર્વાચીન છે. આપણે ત્યાં ગીતામાં કૃષ્ણ કહે છે કે મારું અસ્તિત્વ કામેચ્છામાં પણ છે. કુરાન-એ-શરીફમાં છે કે ઔરત આદમી કા ઔર આદમી ઔરત કા લિબાસ હૈ. આપણે ત્યાં મંદિર જેવા પવિત્ર સ્થાને આ જ્ઞાનને મૂકવામાં આવ્યું; કારણ કે સેક્સ એ હીનતા નથી, પાપ કે અધર્મ નથી પણ સંસારની આધાર​​​શિલા છે એ સમજણ આપણે ત્યાંના વિદ્વાનોમાં હતી.’

દેશનું ભવિષ્ય ઉજ્જવળ
આપણા દેશનું સુકાન એક ખૂબ જ નિખાલસ અને દૃઢ ઇચ્છાશક્તિ ધરાવતા વડા પ્રધાનના હાથમાં છે એટલે દેશ સિક્યૉર છે એવું માનતા ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘દેશને આગળ વધારવો હોય તો સેક્સ્યુઅલ એજ્યુકેશન આપવું જ પડશે. વર્ષો પહેલાં મેં એ પ્રપોઝલ પાર્લમેન્ટમાં મૂકી હતી. હું માનું છું કે વધી રહેલું પૉપ્યુલેશન અને એઇડ્સ જેવી બીમારી દેશ માટે વિકટ પ્રશ્નો છે જેના પર લગામ લગાવવી હોય તો સેક્સ્યુઅલ એજ્યુકેશન એ એકમાત્ર ઉપાય છે.’ ડૉ. પ્રકાશ કોઠારીએ થોડા સમય પહેલાં જ સેક્સ્યુઅલ એજ્યુકેશનને લગતી વિડિયો સિરીઝ લૉન્ચ કરી છે, જેનો લાભ તમામ લોકો લઈ શકે એવા હેતુથી ઇન્ટરનેટ પર નિઃશુલ્ક રાખી છે. ગૂગલ પર Sex education and Prakash Kothari આટલું ટાઇપ કરીને કોઈ પણ એ જોઈ શકે છે.

મારા લાઇફ-પાર્ટનરનો સાથ, ઈશ્વરની કૃપા અને હાર્ડ વર્ક સાથે આગળ વધવામાં મને સૌથી મોટું બળ મળ્યું તો એ છે બોલ્ડ ડિસિઝન લેવાની મારી ક્ષમતા. મારામાં ગટ્સ હતા, હું સાહસિક હતો અને મેડિકલમાં એ સાહસ દેખાડ્યું જે મને પદ્મશ્રી જેવાં અનેક સન્માનો અપાવી ગયું. હિંમત સાથે થોડા બોલ્ડ નિર્ણયો જીવનમાં ક્યારેક જરૂરી હોય છે એ યાદ રાખજો. એ દિશામાં મરીઝની વાત આપણે માનવી જોઈએ... તેઓ કહે છેને...  ફક્ત એક જ ટકો કાફી ને પૂરતો છે મહોબ્બતમાં બાકીના ૯૯ ટકા તું ખર્ચી નાખ હિંમતમાં...

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2024 01:00 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK