લાઇમસ્ટોન સૌથી ખરાબ પથ્થરની કૅટેગરીમાં સૌથી ઉપર આવે છે. લાઇમસ્ટોન પોરબંદરમાં સૌથી વધુ મળે છે તો કચ્છ અને જૂનાગઢમાં પણ લાઇમસ્ટોન મળે છે

પ્રતીકાત્મક તસવીર
મહેલ બનાવવા માટે એ સમયે આખી ખાણ ખાલી કરવામાં આવતી અને એ ખાણમાંથી નીકળેલા પથ્થરોને એ સમયમાં ચાલતી હોય એવી સંજ્ઞા (સાઇન) આપવામાં આવતી. સૌથી નીચેથી નીકળેલો પથ્થર મહત્ત્વના કહેવાય એવા પિલરમાં વાપરવાનો.
આપણે વાત કરીએ છીએ, ગાંધીનગરમાં આવેલા અક્ષરધામની. આજે તો હવે કામની બાબતમાં મોટા ભાગનું કામ ઑફિસમાં થતું હોય છે. બહારનું બધું દીકરાઓ સંભાળે અને ગાઇડન્સ લેવલ પર મારું ઇન્વૉલ્વમેન્ટ હોય, પણ અક્ષરધામ બન્યું એ સમયે તો હું પૂરેપૂરો ઍક્ટિવ હતો. મંદિર માટે વાપરવાના હતા એ સૅન્ડસ્ટોન લેવા માટે હું પોતે રાજસ્થાન જતો. આ બંસી પહાડપુર પથ્થરનું નામ એ એરિયાના કારણે જ પડ્યું છે. અહીંના જેવા સૅન્ડસ્ટોન દેશમાં બીજે ક્યાંયથી મળતો નથી.
પથ્થરોમાં અનેક પ્રકારો છે પણ એ તમામ પથ્થરોમાં સર્વશ્રેષ્ઠ પથ્થર જો કોઈ હોય તો એ આ બંસી પહાડપુરનો સૅન્ડસ્ટોન. આ પથ્થર જેવી મજબૂતી આરસીસી બાંધકામથી પણ ન મળે, જેનું ઉદાહરણ જો કોઈ હોય તો એ રાજસ્થાનના મહેલો છે. તમે જુઓ, કેટલો જૂનો ઇતિહાસ છે. સદીઓ વીતી ગઈ એ મહેલોને બન્યાને અને એ પછી, આજે પણ આપણને પથ્થરોનું બાંધકામ અડીખમ જોવા મળે છે.
દરેક ચીજવસ્તુઓને ચેક કરવાની રીત હોય છે. એવી જ રીતે પથ્થરને ચકાસવાની પણ અનેક રીત છે. એક સમય એવો હતો કે પથ્થર ચકાસવાની કોઈ રીત નહોતી. એવા સમયે થમ્બરૂલ પર પથ્થરોની ચકાસણી થતી અને સીધો હિસાબ મૂકવામાં આવતો.
ખાણમાં ઉપરનો જે પથ્થર હોય એ નવો પથ્થર અને નવો પથ્થર એટલે નબળો પથ્થર. એની સામે જેટલો ઊંડો પથ્થર એટલો એ મજબૂત પથ્થર. એ પથ્થરે હજારો ટનનું વજન સહન કર્યું હોય એટલે એનો ઉપયોગ કરવાનો. સૌથી સારામાં સારો પથ્થર એ કહેવાય. મંદિર બનાવવાની બાબતમાં પણ આ જ વાતનું ધ્યાન રાખવાનું અને નીચેના ભાગમાં મજબૂત પથ્થર વાપરવાનો જ્યારે ઉપરના ભાગમાં એટલે કે ગુંબજમાં ખાણની ઉપરથી મળ્યો હોય એ પથ્થર વાપરવાનો.
મંદિર કે પછી મહેલ કે પછી તમે એનો ઉપયોગ જ્યાં કરતાં હો એ જગ્યાએ પિલ્લર પણ આ મજબૂત પથ્થરોના જ બને.
પહેલાં તો મંદિર બહુ બનતાં નહીં, પણ એ સમયે ટેક્નૉલૉજી પણ એટલી આગળ વધી નહોતી કે લોકોને પથ્થરના ટેસ્ટની ખબર પડે. આગળ કહ્યું એમ, એ સમયે સીધો થમ્બરૂલ વાપરીને એવું નક્કી થતું કે પાંચસો ફૂટનો મહેલ બનાવવાનો હોય તો પાંચસો ફૂટની ખાણ શોધવાની અને એ મહેલના બાંધકામમાં પણ એ જ નિયમ રાખે કે જે પથ્થર સૌથી છેલ્લે નીકળ્યો એને સૌથી પહેલાં એટલે કે તળિયે અને પિલ્લરમાં વાપરવો, કારણ કે એનામાં વજન સહન કરવાની ક્ષમતા હોય, જો એ વજન સહન કરી શકે તો જ આખો મહેલ ઊભો થાય.
મહેલ બનાવવા માટે એ સમયે આખી ખાણ ખાલી કરવામાં આવતી અને એ ખાણમાંથી નીકળેલા પથ્થરોને એ સમયમાં ચાલતી હોય એવી સંજ્ઞા (સાઇન) આપવામાં આવતી. સૌથી નીચેથી નીકળેલો પથ્થર સૌથી નીચે અને મહત્ત્વના કહેવાય એવા પિલ્લરમાં વાપરવાનો. વચ્ચેથી નીકળેલો પથ્થર એની ઉપરના માળે અને સૌથી છેલ્લે એટલે કે ઉપરથી નીકળેલો પથ્થર સૌથી ઉપરના માળે, દાખલા તરીકે ટેરેસ કે પછી ટેરેસ પર બનાવવામાં આવતા ગુંબજ અને એ બધી જગ્યાએ વાપરવામાં આવે.
હવે પથ્થરને તપાસવાની હવે અનેક રીત અને ટેસ્ટિંગ આવી ગયાં છે. મશીન મારફત એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માપી શકાય છે તો ફ્લક્ચ્યુઅલ ટેસ્ટ મારફત પથ્થરમાં કેટલું ફ્લક્યુએશન આવી શકે છે એનો ટેસ્ટ પણ થાય છે. આ ઉપરાંત બિંબ એટલે કે પિલ્લર માટે વાપરવામાં આવતા પથ્થર પર કેટલું વજન આવે તો એ તૂટે એના માટેના પણ ટેસ્ટ છે, જે ટેસ્ટ હવે દરેક સમયે કરવામાં આવે છે. આ ટેસ્ટ વિનાનો પથ્થર આજના સમયમાં વપરાશમાં લેવામાં નથી આવતો, પણ બંસી પહાડપુર સૅન્ડસ્ટોનની સૌથી મજાની વાત સાંભળો, જ્યારે આ બધા ટેસ્ટ શોધાયા નહોતા ત્યારે પણ ક્યારેય બંસી પહાડપુરમાંથી બનેલા મહેલો કે મંદિરોને કોઈ નુકસાન થયું નથી. ભારે જાનમાલની નુકસાની આપી ગયા હોય એવા ધરતીકંપ અને સુનામી વચ્ચે પણ એ મહેલો, એ મંદિરો અકબંધ જ રહ્યાં છે.
પથ્થરનો વપરાશ કરતા હો એ સમયે સૌથી અગત્યની વાત જો કોઈ ધ્યાનમાં રાખવાની હોય તો એ કે પથ્થર ભેજરહિત હોવો જોઈએ. પથ્થરમાં ભેજ હોય તો એ પથ્થર ભૂકો થઈ જાય છે. પથ્થર પાણી કેટલું પીએ છે એ જાણવા માટે પણ ટેસ્ટ હોય છે, જેમાં પાણી નાખીને જોવામાં આવે છે કે પથ્થર કેટલું પાણી ચૂસે છે. પાંચથી દસ ટકા પાણી પીતો પથ્થર સામાન્ય ગણાય. પાણી પીવાની બાબતમાં જો કોઈ પથ્થર સૌથી ખરાબ હોય તો એ લાઇમસ્ટોન છે. લાઇમસ્ટોન ઘણું પાણી પી જાય એટલે એનો વપરાશ કરવો જોખમકર્તા છે.