Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > સીમાંકનની તલવાર : દક્ષિણ ભારતનું કદ વેતરાઈ જશે?

સીમાંકનની તલવાર : દક્ષિણ ભારતનું કદ વેતરાઈ જશે?

01 October, 2023 01:15 PM IST | Mumbai
Raj Goswami

કેરલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણ જેવાં રાજ્યોની લાંબા સમયથી દલીલ છે કે સીમાંકનથી એમને નુકસાન થશે. હવે એ વિવાદ ફરી જાગ્યો છે. તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને સીમાંકન કવાયતને ‘દક્ષિણ ભારતીય રાજ્યોના માથા પર લટકતી તલવાર’..

પ્રતીકાત્મક તસવીર

ક્રોસલાઈન

પ્રતીકાત્મક તસવીર


લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપતું મહિલા અનામત બિલ તાજેતરમાં સંસદના વિશેષ સત્રમાં જોરશોરથી પસાર કરવામાં આવ્યું હતું અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી એને દેશની ૬૦ કરોડ મહિલાઓને રક્ષાબંધનની ભેટ તરીકે ઊજવી રહ્યું છે, પરંતુ અસલમાં મહિલાઓ માટે અનામત બેઠકો ક્યારે અમલમાં આવશે એનો આધાર ૨૦૨૬ની સીમાંકન કવાયત પર નિર્ભર કરે છે. 
મહિલા અનામત સાથે સંબંધિત ‘બંધારણ (૧૨૮મો સુધારો) બિલ’ની જોગવાઈઓમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે બિલ કાનૂન બને એ પછી વસ્તીગણતરીના આંકડા પૂરા થશે અને મતવિસ્તારોનું પુનઃ સીમાંકન થશે એ પછી જ બિલ અમલમાં આવશે.
બંધારણીય નિષ્ણાતોનું કહેવું છે કે સંસદનાં બંને ગૃહોમાં બિલ પસાર થાય એ પછી એને કાયદો બનવા માટે દેશની ઓછામાં ઓછી ૫૦ વિધાનસભાઓની મંજૂરીની જરૂર પડે, કારણ કે આ બિલ રાજ્યોના અધિકારોને પણ અસર કરે છે. બિલમાં નોંધવામાં આવ્યું છે કે ૨૦૨૩ પછી કરવામાં આવનારી વસ્તીગણતરીના આંકડાઓના પ્રકાશન પછી અનામત માટે સીમાંકનની કવાયત શરૂ કરવામાં આવશે.
એ અનુસાર ૨૦૨૬ પછી જે વસ્તીગણતરી કરવામાં આવશે એના આધારે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકારે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ૨૦૨૧માં વસ્તીગણતરીની કવાયત અટકાવી દીધી હતી. ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં મહિલા અનામતને અમલમાં લાવવા માટે સરકારે પ્રક્રિયા ઝડપી કરવી પડશે.
નિષ્ણાતો કહે છે કે વસ્તીગણતરી અને સીમાંકન બંને કવાયત કેટલી સમયમર્યાદામાં પૂરાં થશે એ ‘જો અને તો’ની સ્થિતિ પર આધાર રાખે છે એટલે ૨૦૨૯ની લોકસભામાં મહિલા માટે ૩૩ ટકા બેઠકો અલાયદી ન હોય એ પણ શક્ય છે અને તો એનો અર્થ એ થયો કે આખી વાત ૨૦૩૪ પર જશે.
દેશમાં છેલ્લી વસ્તીગણતરી ૨૦૧૧માં કરવામાં આવી હતી અને એ જ વર્ષે એના કામચલાઉ આંકડા જારી કરવામાં આવ્યા હતા. એમ તો ૩૩ ટકા મહિલાઓને ચૂંટી શકાય એમ છે, પરંતુ પંચાયતોની જેમ અસલી સત્તા તેમના પતિઓ પાસે જ રહી શકે છે. 
બિલમાં કહેવામાં આવ્યું છે કે સીમાંકનની દરેક પ્રક્રિયા પછી અનામત બેઠકોની ફેરબદલી (રોટેશન) કરવામાં આવશે. વિગતો સંસદ દ્વારા પછીથી નક્કી કરવામાં આવશે. આ બંધારણીય સુધારાથી સરકારને સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત આપવાની સત્તા મળશે. 
બેઠકોની ફેરબદલ અને સીમાંકન નક્કી કરવા માટે એક અલગ કાયદો જરૂરી રહેશે. પંચાયતો અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓમાં પણ એક-તૃતીયાંશ બેઠકો મહિલાઓ માટે અનામત છે. આ દરેક ચૂંટણીમાં બેઠકોનું આરક્ષણ બદલાતું રહે છે. અનુસૂચિત જાતિઓ માટે બેઠકો મતવિસ્તારમાં તેમની વસ્તીના પ્રમાણમાં અનામત રાખવામાં આવે છે.
જ્યાં લોકસભાની માત્ર એક-એક બેઠક છે એ લદ્દાખ, પૉન્ડિચેરી અને ચંડીગઢ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકો કેવી રીતે અનામત રાખવામાં આવશે એ હજી સ્પષ્ટ નથી. મણિપુર અને ત્રિપુરા જેવાં કેટલાંક પૂર્વોત્તર રાજ્યોમાં બે-બે બેઠકો છે, જ્યારે નાગાલૅન્ડમાં એક લોકસભા બેઠક છે.
વાસ્તવમાં સીમાંકનને લઈને રાજ્યોમાં અલગ જ ચર્ચા અને વિવાદ ચાલે છે. સીમાંકનના પરિણામે સંસદીય અને વિધાનસભા બેઠકોની કુલ સંખ્યામાં ફેરફાર થશે. ૧૯૫૧ની વસ્તીગણતરી પછી જ્યારે સીમાંકન કરવામાં આવ્યું ત્યારે લોકસભાની બેઠકો ૪૮૯થી વધીને ૪૯૪ થઈ હતી. ૧૯૬૧ની વસ્તીગણતરી પછી એ વધીને ૫૨૨ અને અંતે ૧૯૭૧ની વસ્તીગણતરી પછી ૫૪૩ થઈ હતી. ત્યારથી એ સંખ્યા બદલાઈ નથી. 
૧૯૭૬માં બંધારણના ૪૨મા સુધારામાં લોકસભાની બેઠકોની સંખ્યા સ્થગિત કરી દીધી હતી અને ૨૦૦૧ની વસ્તીગણતરી સુધી ૨૫ વર્ષ માટે સીમાંકન મુલતવી રાખ્યું હતું. એ સમયે ઇન્દિરા ગાંધીની આગેવાની હેઠળની કૉન્ગ્રેસ સરકારે કટોકટીના યુગ દરમિયાન આ સસ્પેન્શનનું કારણ ‘પરિવાર નિયોજન નીતિઓ’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે એ રાજ્યોને એમના પ્રજનન દર ઘટાડવા અને સમગ્ર દેશમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે સમય આપવા માગે છે. ૨૦૦૨માં અટલ બિહારી વાજપેયીની ભાજપ સરકારે સીમાંકન વધુ ૨૫ વર્ષ માટે વિલંબિત કરી દીધું હતું.
બંધારણનો નિર્દેશ છે કે રાજ્યોને વસ્તીના દર પ્રમાણે બેઠકો મળવી જોઈએ. સીમાંકનનો મૂળ હેતુ એક ઉમેદવારે મતવિસ્તારમાં કેટલા લોકોનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ એ શોધવાનો છે. એની પાછળ તર્ક એ છે કે મતદાર ગમે એ રાજ્યનો હોય, દરેક મતનું મૂલ્ય એકસમાન રહે. વાસ્તવમાં ૧૯૭૬માં ઓછી વસ્તી ધરાવતાં રાજ્યોના વિરોધને કારણે જ ઇન્દિરા ગાંધી સરકારે ૨૦૦૧ સુધી સીમાંકન સ્થિર કરી દીધું હતું.
સમય જતાં એવું બન્યું કે દક્ષિણનાં રાજ્યોમાં પ્રજનન દર પર અસરકારક નિયંત્રણ આવી ગયું, જ્યારે ઉત્તરીય રાજ્યોમાં વસ્તી વધતી જ રહી. એનો અર્થ એ થયો કે જે રાજ્યો વસ્તીનિયંત્રણનો પ્રયાસ નથી કરતાં એ વધુ બેઠકોનો દાવો કરે છે અને પરિવાર નિયોજનને પ્રોત્સાહન આપનારાં દક્ષિણી રાજ્યોને એમની બેઠકો ઘટાડવાની ચિંતા હોય છે.
કેરલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગણ જેવાં રાજ્યોની લાંબા સમયથી દલીલ છે કે સીમાંકનથી એમને નુકસાન થશે. હવે એ વિવાદ ફરી જાગ્યો છે. મહિલા અનામત બિલને આવકારતાં તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટૅલિને સીમાંકન કવાયતને ‘દક્ષિણ ભારતીય રાજ્યોના માથા પર લટકતી તલવાર’ ગણાવી હતી. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના રાજકીય પ્રતિનિધિત્વને નુકસાન ન થાય એ જોવા કહ્યું હતું.
સીમાંકનનો વિરોધ કરતી ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને તેલંગણના મંત્રી કે. ટી. રામા રાવે તો દક્ષિણનાં તમામ રાજ્યોને સીમાંકન સામે એક થઈને વિરોધ કરવાની અપીલ કરી છે. તેમના તર્ક પ્રમાણે દેશની કુલ વસ્તીમાં માત્ર ૧૮ ટકા હિસ્સો ધરાવતાં દક્ષિણી રાજ્યો દેશના જીડીપીમાં ૩૫ ટકા યોગદાન આપે છે એમને શા માટે લોકસભામાં અન્યાય થવો જોઈએ?
‘ઇન્ડિયાઝ ઇમર્જિંગ ક્રાઇસિસ ઑફ રિપ્રેઝન્ટેશન’ શીર્ષકવાળા ૨૦૧૯ના અહેવાલ અનુસાર ઓછી વસ્તી ધરાવતાં રાજ્યોનું હાલમાં લોકસભામાં વધુ પ્રતિનિધિત્વ છે અને ૨૦૨૬ પછી સીમાંકન કરવામાં આવે તો તેઓ ઘણી બેઠકો ગુમાવશે. અભ્યાસ મુજબ ૨૦૨૬ પછી એકલા બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૨૧ બેઠકો વધશે, જ્યારે કેરળ અને તામિલનાડુમાં ૧૬ બેઠકો ઘટશે.
અભ્યાસમાં અંદાજ મૂકવામાં આવ્યો છે કે જો વધતી વસ્તી અનુસાર લોકસભાની સંખ્યા વધારવામાં આવે તો એમાં ૮૪૮ બેઠકો હશે. એમાં ઉત્તર પ્રદેશમાં લોકસભાની ૧૪૩ બેઠકો થશે, જ્યારે કેરળમાં માત્ર ૨૦ બેઠકો હશે. દક્ષિણ ભારતનું પ્રતિનિધિત્વ ૧૨૯ બેઠકો પરથી ઘટીને ૧૦૩ બેઠકો પર આવી જશે; જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને રાજસ્થાનનું કુલ પ્રતિનિધિત્વ ૧૭૪થી વધીને ૨૦૫ બેઠકો પર પહોંચી જશે.
દક્ષિણનાં રાજ્યોને ચિંતા છે કે સીમાંકન પછી રાષ્ટ્રીય સ્તરે એમનું પ્રતિનિધિત્વ ઘટી જશે. રાજકીય નિષ્ણાતો કહે છે કે પ્રતિનિધિત્વ ઓછું હોવાથી જ પૂર્વોત્તરની અવગણના થઈ છે અને સમય જતાં દક્ષિણનાં રાજ્યોની વલે પણ એવી જ થશે.
સીમાંકનની બીજી ‘આડઅસર’ એ છે કે લોકસભામાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના ઉમેદવારોની અનામત બેઠકોની સંખ્યા પણ બદલાઈ જશે. દક્ષિણનાં રાજ્યોમાં એસસી અને એસટી સમુદાયોમાં પણ પ્રજનન દર ઘટ્યો છે એટલે લોકસભામાં એમની સંખ્યામાં પણ ફેરફાર થશે. 
એની સાથે સંકળાયેલો બીજો વિવાદ એ છે વર્તમાન મહિલા અનામત બિલમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે જોગવાઈ નથી. સામાજિક કાર્યકર્તાઓની માગણી છે કે લોકસભામાં એસસી અને એસટી માટે અનામત બેઠકોમાંથી એક-તૃતીયાંશ બેઠકો આ કૅટેગરીની મહિલાઓ માટે અનામત રાખવામાં આવે. ઓબીસી અનામત માટે દેશમાં જાતિ જનગણના કરવી જરૂરી છે. ૨૦૨૪ની ચૂંટણીમાં આ મુદ્દો જોર પકડવાનો છે. ભાજપ જનગણનાની તરફેણમાં નથી, જ્યારે વિરોધ પક્ષો એના માટે દબાણ વધારી રહ્યા છે. 
દરમિયાનમાં, દક્ષિણ ભારતની પ્રતિનિધત્વની ફરિયાદનો કોઈ ઉપાય ખરો? બે સંભવિત ઉપાય છે. એક, લોકસભામાં જે રાજ્યોને નુકસાન થાય તેમને રાજ્યસભામાં એ ભરપાઈ કરી આપવામાં આવે અને બે, કેન્દ્રમાં વડા પ્રધાન દક્ષિણ ભારતમાંથી હોય. 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2023 01:15 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK