નવા જમાનાએ સ્ટાર્ટઅપનો નવો કન્સેપ્ટ આપ્યો છે. ઘરેડમાંથી બહાર નીકળવાની સગવડ કરી આપી છે. ગૅરેજમાં બેઠાં-બેઠાં ગ્લોબલ આઇડેન્ટિટી ઊભી કરી શકાય છે. હિંમતની આબોહવા મૅચ્યોરિટી આપે છે.
પ્રતીકાત્મક તસવીર
તમે અર્લી ઍડલ્ટહુડમાં હો કે વેઇટિંગ ફૉર એક્ઝિટ હો, જિંદગી વિકલ્પો આપે છે જ. બિઝનેસ મૅગેઝિન્સના કવરપેજ પર યંગ પ્રોફેશનલ્સના ફોટો દર્શાવે છે કે આગળ વધવાના મોકા આબોહવામાં છે જ. દરેકની આંખોમાં સપનાં અંજાયેલાં હોય છે જ, પછી એ જીવનની શરૂઆત હોય કે સંધ્યા. એ સપનાંઓ લઈ જે ધરતી પર પગ મૂકો ને ઝટકો લાગે એ તમારું રજવાડું. મનમાં છોછ ન હોય તો માટી વેચીને પણ માલદાર થવાય. ગ્રૅજ્યુએટ વડાપાંઉવાળાની લારી પર સૌથી વધુ માખીઓ કુતૂહલની બણબણતી હોય છે. ત્રીસીનો દાયકો સામાન્ય રીતે જિંદગીને દિશા ચીંધી આપતો હોય છે. મનગમતો વ્યવસાય જો સારી આવક પણ રળી આપે તો રોજ જલસા. નહીં તો જે મળે એ ગમાડવું એ પણ શાણપણની નિશાની છે. ફિકરની ફાકી કરનારાના ગ્લાસ રોજ સાંજ પડે ટકરાતા હોય છે. બધાં પત્તાં મરજી મુજબ નથી મળતાં પણ ન મળેલાં પત્તાંની જગ્યાએ જોકર ગોઠવી રમવાની આવડત કેળવવી પડે. હસતાં-હસતાં હારવાની આદત કેળવવી પડે. ક્યારેક સ્પર્ધામાં રમી રહેલા ઉત્તમ ખેલાડીની સામેનો ખેલાડી વધુ કાબેલ નીકળે. એટલે હારનારની કક્ષા ઓછી નથી થઈ જતી. ‘ભલે, આ બાજી તારી’ કહી નાસીપાસ ન થયા વગર ઊભા થઈ જવાની એક ઓર જ મઝા છે. એક ટ્રેન છૂટી તો બીજી આવશે, આખું સ્ટેશન થોડું છોડી દેવાય? ઘણી વાર સંજોગો જ તમને કોઈ દિશા તરફ ખેંચે છે. બધાએ જ આ અનુભવ્યું હશે. ત્યારે તટસ્થ ભાવે જાતને વહેવા દેવી. ઓશોના શબ્દોમાં ‘હોશ’માં રહેવાનું. ઉપરવાળાના સંકેતને સમજવાની કોશિશ કરવી. પતંગ તો પવન પારખીને જ ચગાવાય. શબ્દોનો શોખ હોય ભલે, પણ ‘ઇકૉનૉમિસ્ટ’ વાંચતાં કોણ રોકે છે? બૅન્કિંગની કરીઅર હોય તો ફાઇનૅન્સમાં MBA કરતાં કોણ રોકે છે? માથામાં પર ગોઠવાયેલી ઘડીબંધ ગ્રે-મૅટરમાં શબ્દોની સાથે-સાથે આંકડાઓ પણ સરસ રીતે ગોઠવાઈ જતા હોય છે. વહેતા રહેવું.
અર્લી ઍડલ્ટહુડને આ વરદાન છે. એક આંખમાં અવનવાં સપનાં તો બીજી આંખમાં અજાણી આશંકા. આખું આકાશ ઊડવા માટે જ છેને? નવા જમાનાએ સ્ટાર્ટઅપનો નવો કન્સેપ્ટ આપ્યો છે. ઘરેડમાંથી બહાર નીકળવાની સગવડ કરી આપી છે. ગૅરેજમાં બેઠાં-બેઠાં ગ્લોબલ આઇડેન્ટિટી ઊભી કરી શકાય છે. હિંમતની આબોહવા મૅચ્યોરિટી આપે છે. ઍમૅઝૉન પ્રાઇમ પર આવતી ડ્રામેડી સિરીઝ ‘Do You Wanna Partner’માં જીવનની ત્રીસીમાં ઊછરતી યુવતીઓ ‘બિઅર સ્ટાર્ટઅપ’થી વ્યાવસાયિક જોખમ ઉઠાવે છે, પુરુષપ્રધાન પરંપરાને પડકાર આપે છે. વુમનપાવર જે રીતે રજૂ થાય છે એ યાદ રહી જાય છે. પ્રેમ, મિત્રતા, કારકિર્દી અને કુટુંબના તાણાવાણાને જોડતી ક્લાસિક ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ પણ ત્રીસીના ત્રણ મિત્રોની આકાંક્ષાઓ અને અસમંજસતાને જે રીતે રજૂ કરે છે એ કોના હૃદયને નથી સ્પર્શતી? કારણ કે આપણે બધા જ આ મૂંઝવણમાંથી પસાર થયા છીએ. આર્થિક સ્થિરતા હોય કે નહીં, માનસિક સ્થિરતા તમને સરળતાથી વહેવા દે છે. એ જ તો છે ઍડલ્ટહુડ. પેલી ‘હોશ’માં રહેવાની કળા હવે આવડી ગઈ હોય છે. હવે સંતાનોની પતંગને ક્યારેક ઢીલ આપીને તો ક્યારેક ફીરકીમાં લપેટીને આકાશમાં ઊડતી રાખવાની જવાબદારી નિભાવવાની છે. એની પણ એક ઓર મજા છે.
ADVERTISEMENT
‘મને આ જોઈએ, એ જોઈએ’ જીદ કરનારો બન્ટી ડૅડી બનતાં જ પૂછે, ‘બોલ બેટા, તને શું જોઈએ?’ એ જ રીતે ‘મને આ ન ભાવે, તે ન ભાવે’ બોલનારી પિન્કી મમ્મી બનતાં જ પૂછે, ‘બોલ, આજે તારા માટે શું બનાવું?’ (મિત્રો, આ વાક્યો જવાબદારીનાં ઉદાહરણો તરીકે જ લેવા વિનંતી.) એક સવારે પ્રોવિડન્ટ ફન્ડ અને ગ્રૅચ્યુઇટીની રકમ ખાતામાં જમા થઈ ગયાનો મેસેજ આવે ત્યારે સમજી જવાનું કે સવારનું નહીં, સંધ્યાનું અલાર્મ વાગ્યું છે. શરૂઆતમાં નિવૃત્તિનું મૌન અને વર્ષોથી ઝંખેલો આરામ સુખદ લાગે. દોડધામ જેમ-જેમ અટકી જાય તેમ-તેમ ઘડિયાળના કાંટા પણ જાણે ધીમા પડતા જાય. જીવનસાથીની આદત પડી ગઈ હોય છે. તેની ગેરહાજરીમાં મૌન ધીમે-ધીમે ખાલીપામાં ફેરવાઈ જાય છે. વગર શબ્દે આંખોમાં વાંચી શકાતી વાતો અચાનક સ્મૃતિ બની જાય છે. દીવાલો વધુ બોલવા લાગે છે ને માણસ વધુ શાંત થતો જાય છે. મિત્રો ઓછા થતા જાય છે ને સંતાનો પણ દૂર થતાં જાય છે. સમાજ પણ જાણે હવે ઇચ્છે છે કે એકલા રહેતાં શીખી જાઓ.
પણ મનને તો સૂર્યાસ્ત પછી પણ ઉષ્મા જોઈતી હોય છે. મૌનમાં પણ સંગાથ જોઈતો હોય છે. નાનકડા એવા કોલોરાડો ટાઉનમાં રહેતી એડી તદ્દન એકલું-એકલું અનુભવે છે. પતિનું મૃત્યુ અને દૂર ગયેલાં સંતાનોને કારણે રાતે એકલાં ઊંઘ નથી આવતી. ઊંઘ ન આવે તો માથે હાથ ફેરવનારું પણ કોઈ નથી. કોને કહે? એક સવારે બાજુમાં રહેતા એકલા વિધુર લુઈને મળવા પહોંચી જાય છે. શરમ છોડી પૂછે છે, ‘તમે રાતે મારે ત્યાં રહેવા આવશો? હું પણ સાવ એકલી જ છું.’ લુઈ આશ્ચર્ય પામી જોવા લાગે છે. ‘ના, ના, મને બીજું કશું જોઈતું નથી. એ બધું તો ઘણું પાછળ છૂટી ગયું. પથારીમાં પડ્યા-પડ્યા કોઈક વાત કરનારું જોઈએ છે. બોલનારું, સાંભળનારું જોઈએ છે. ન બોલે, ચૂપ રહે તો પણ બાજુમાં કોઈક હોય એવું જોઈએ છે.’
‘Our Souls at Night’ મૂવી એકલતા કેવી કોરી ખાનારી હોય છે એ બતાવે તો છે શાંતિથી, પણ જોનારને અંદરથી ખળભળાવી નાખે છે.
બાય ધ વે, અર્લી ઍડલ્ટહુડથી લઈને એકલા સિનિયર સિટિઝન બનવા સુધીની યાત્રા હવે કોઈની વ્યક્તિગત નથી રહી. એ વધતા વૃદ્ધાશ્રમોની ઇમારતોમાં પ્રતિબિંબિત થાય છે. એ સામૂહિક વાસ્તવિકતા બની ગઈ છે. એક છત અને ત્રણ ટાઇમ ભોજન મળે છે પણ ત્યાં સંવાદ, સ્પર્શ અને આત્મીયતાની અછત હોય છે. તો યુવાનો માટે સંવેદનાથી શરૂ થતો સ્ટાર્ટઅપનો આ વિચાર રોજગારનું મૉડલ ન બની શકે?
- યોગેશ શાહ (યોગેશ શાહ શ્રી ખડાયતા સમાજ-બૉમ્બેના ભૂતપૂર્વ પ્રમુખ છે અને એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની લિટક્લબ સાથે સંકળાયેલા છે.)


