Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > કેટલીક વાર સમય બગાડવાનો અર્થ જીવન સુધારવા જેવો પણ થતો હોય છે

કેટલીક વાર સમય બગાડવાનો અર્થ જીવન સુધારવા જેવો પણ થતો હોય છે

Published : 21 September, 2023 05:29 PM | IST | Mumbai
JD Majethia

સમય બચાવવો જોઈએ, એનો વેડફાટ અટકાવવો જોઈએ. વિજ્ઞાન પણ એ જ દિશામાં કામ કરે છે એટલે તમારે પણ સજાગ થઈને એ કામ કરવું રહ્યું. જોકે અમુક બાબતોમાં સમય બગડે એ પણ હિતાવહ છે, કારણ કે એ રીતે બગડેલો સમય જીવન જીવવાનું નવું ઝનૂન આપતો હોય છે

પ્રતીકાત્મક તસવીર

જેડી કૉલિંગ

પ્રતીકાત્મક તસવીર


આપણે વાત કરીએ છીએ સમય બગાડવા વિશે અને તમને ગયા ગુરુવારે વિસ્તારપૂર્વક કહ્યું એમ, જગતમાં જે કોઈ પણ ઇન્વેન્શન થયાં એ બધાની પાછળ એક જ હેતુ કામ કરતો રહ્યો છે, સમય કેવી રીતે બચાવવો અને એ બચાવવામાં કઈ રીતે વધારે ને વધારે ઉપયોગી થઈ શકાય. પહેલાં લોકો પગપાળા જતા, એ પછી ગાડાં આવ્યાં એટલે એ રીતે સમય બચવાનો શરૂ થયો. એ પછી બસ ને ટ્રેન આવી, ત્યાર પછી પ્લેન આવ્યાં અને એ પછી સુપર ફાસ્ટ પ્લેન આવ્યાં. આ બધાની પાછળનો તમે હેતુ જુઓ તો તમને દેખાશે કે વાત


સમય બચાવવાની જ છે. ટ્રેન કરતાં પ્લેન વધારે ઝડપથી પહોંચાડવા માંડ્યું પણ પછી તો લોકોને એમાં પણ પ્રૉબ્લેમ થવા માંડ્યો, સમયનો વેડફાટ દેખાવા લાગ્યો.



વિમાનમાં જતા હોય તો સાલ્લું ઍરપોર્ટ જવું પડે, ત્યાં એક કલાક ઊભા રહેવું પડે, પછી ત્યાંથી બીજા બધા લોકો સાથે જવાનું. જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચીને પ્લેનમાંથી ઉતારીને ફ્લાઇટમાંથી પાછા બહાર આવવાનું અને પછી સામાનની લાઇનમાં ઊભા રહેવાનું. સામાન આવતાં વાર લાગે એટલે સમયનો એ વેડફાટ. ત્યાંથી પછી બહાર નીકળો એટલે બહાર ફરીથી સમય બગાડવાનો. આ આખી કડાકૂટમાંથી બહાર નીકળવા માટે સમય બગડતો જોઈને લોકોને થયું કે આ રીતે થોડો સમય બગાડવાનો હોય. ન જ બગાડવાનો હોય, કારણ કે એકેક મિનિટ બહુ કીમતી છે. કહો કે એકેક મિનિટ હજારો-લાખોની છે.


જે લોકોને એવું લાગ્યું એણે એમાં પણ રસ્તો કાઢ્યો અને પોતપોતાની રીતે જ્યાં પણ સમય બચાવવાનું સૂઝ્યું ત્યાંથી સમય બચાવવાનું શરૂ કર્યું. ઓછામાં ઓછો સામાન લઈને જાઓ તો તમારે બૅગ માટે ફરીથી લાંબી લાઇનમાં ન ઊભા રહેવું પડે. સામાન ચેકઇનમાં મૂકીને એ આખી પ્રોસેસમાંથી પસાર ન થવું પડે. કૅબિન બૅગેજમાં જ સામાન લઈ જાઓ. લોકો એ લઈ જતા થયા એટલે ફરી એમાં પણ નવી સુવિધા ઉમેરવામાં આવી. આટલા ફુટ બાય આટલા ફુટની બૅગ હોય એ જ કૅબિન લગેજમાં ચાલે, એ સિવાયની બૅગને પ્લેનમાં અંદર નહીં લઈ જવાની. આવો વિચાર પ્લેનવાળાઓએ કર્યો, કારણ કે એ લોકોનો પણ સમય બગડતો હતો!

તમે જુઓ, સમય બચાવવાનું કામ બધા પોતપોતાની રીતે કરતા રહ્યા. જે શ્રીમંત હતા, જેમની મિનિટો તો કરોડોની છે એવા લોકોએ એનાથી પણ આગળનો રસ્તો વિચાર્યો અને તેમણે પોતાનું જ પ્રાઇવેટ જેટ ઊભું કરી દીધું. ઍરપોર્ટ જાઓ, અંદર વિમાનમાં બેસો એટલે પ્લેન ઊપડે અને ઊતરો એટલે કોઈ બૅગ લેવાની ચિંતા નહીં. આપણી ગાડી બહાર ઊભી હોય એટલે સીધા એમાં બેસી જવાનું અને ત્યાંથી સીધા કામ પર કે પછી ઘરે પહોંચી જવાનું. અરે, કેટલાક લોકો તો હેલિકૉપ્ટર પોતાની અગાસી પર સીધું લૅન્ડ કરે છે એટલે તમે સમજો, દરેક વ્યક્તિના સમયની કિંમત કેટલી વધતી જાય છે અને જેમ-જેમ સમયની કિંમત વધતી જાય છે, સમયનું મૂલ્ય વધતું જાય છે એમ-એમ એવાં સાધનો શોધતાં જાય છે જે બધાના સમયનો બચાવ કરવાનું કામ કરે છે. હવે વાત અહીંથી નવી દિશામાં જાય છે.


સમય બચાવીને કરવાનું શું તો કહે કે એ બધો સમય વધારે ઉપયોગમાં આવે અને વધારે સારી રીતે તમે વિકાસ કરી શકો, પ્રગતિ કરી શકો. તમે પ્રગતિ કરો તો તમારા ફૅમિલીની પ્રગતિ થાય, તમે વિકાસ કરો એટલે તમારા દેશનો વિકાસ થાય અને તમે આગળ વધો એટલે તમારી સાથે દેશ પણ આગળ વધે. જુઓ તમે, આ આખી સાઇકલ કેવી રીતે ગોઠવાયેલી છે. માણસની આવક વધે એટલે એ વધારે ટૅક્સ ભરે અને તે વધારે ટૅક્સ ભરે એટલે દેશને વધારે આવક થાય, દેશને વધારે આવક થાય એટલે દેશ વધારે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, વધારે સારી સુવિધાઓ આપે.

વાત સાંભળવામાં અને સમજવામાં સારી લાગે અને તમને લાગતું હશે કે હા, સાલ્લું આ તો બહુ સારું કહેવાય પણ આ હકીકતમાં તો એક પ્રકારનું ટ્રૅપ છે. આ ટ્રૅપ છે શું એ સહેજ જાણીએ.

ચોવીસે કલાક તમે આ સમયની ગણતરી કિંમતમાં જ આંકો તો તમે એવી ચીજોને ભૂલી જાઓ છો જેનું મૂલ્ય જીવનમાં બહુ મોટું હોય છે. હું બીજા કોઈની શું કામ વાત કરું, મારી જ વાત કરું. હમણાં જ, ગયા મહિને એક એવો પ્રસંગ બન્યો જેની વાત મારે તમને કરવી છે. એ વાત કરતી વખતે મને અત્યારે, આ ઘડીએ પણ હસવું આવે છે અને ચોક્કસપણે કહું કે મારી બહેન ચંદ્રિકા આ વાંચશે એટલે તેને પણ હસવું આવવાનું જ છે પણ એ હસવાની સાથોસાથ તેનો મારા પરનો ગુસ્સો પણ થોડો વધશે. આમ તો એ કદી ગુસ્સો નથી કરતી, બહુ પ્રેમ કરે છે મને. મારી બહેન ચંદ્રિકા અને મારો ભાણેજ રવિ બન્નેને મારા માટે અપાર લાગણી અને એ પછી પણ તેને આ વખતે મારા પર સહેજ ગુસ્સો આવવાનો જ છે.

પહેલાં એ વાત કરું.

તમને ખબર જ છે કે હમણાં મારી વ્યસ્તતા વધારે જ પડતી વધી ગઈ છે. ‘વાગલે કી દુનિયા’ તો તમે માણી જ રહ્યા છો તો સાથોસાથ ગયા વર્ષથી મનોરંજનની એ દુનિયામાં અમારી ‘પુષ્પા ઇમ્પૉસિબલ’ પણ ઉમેરાઈ તો આ વર્ષે ‘હૅપી ફૅમિલી-કન્ડિશન્સ અપ્લાય’ વેબ સિરીઝ પણ આવી અને હવે મૂવી ‘ખિચડી’ આવવાની છે. ‘ખિચડી’માં તો મેં ઍક્ટિંગ પણ કરી છે અને એની સાથોસાથ પ્રોડક્શનની પણ બહુ બધી જવાબદારી. આ દિવાળીએ ‘ખિચડી’ રિલીઝ કરવી છે અને તમને ખબર જ છે કે દિવાળી જેવા દિવસો તમે રિલીઝ માટે પસંદ કરો તો કેટલી મહેનત કરવી પડે અને કેવી-કેવી લમણાઝીંકમાંથી તમારે પસાર થવું પડે. એ બધું પણ અત્યારે ચાલી રહ્યું છે તો તમને બધાને હજી એક ખુશખબર આપું. થોડો વખતમાં અમારો હજી એક નવો ટીવી શો, અમારી નવી સિરિયલ તમને સોની ટીવી પર દેખાશે. તો એનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને સાથોસાથ નવી બે વેબ સિરીઝનું પણ કામ ચાલે છે. એ ઉપરાંત પણ બીજા બે પ્રોજેક્ટ હાથમાં છે. આ બધી વાત થઈ કામની, આ સિવાયની પણ મારી જે કોઈ બીજી જવાબદારીઓ છે એ લટકામાં. આ બધી વ્યસ્તતા વચ્ચે મારે બહેન ચંદ્રિકાના ઘરે જવાનું. ચંદ્રિકાએ હમણાં નવું ઘર લીધું, કાંદિવલીમાં જ્યાં તે હમણાં જ શિફ્ટ થઈ. અમે રક્ષાબંધન પણ માણી લીધું અને એ ઘરે આવવા વિશે પણ પંદર-વીસ વાર વાત કરી લીધી, સમય પણ નક્કી કર્યા અને એ પછી પણ હું હજી સુધી એના નવા ઘરે જઈ નથી શક્યો.

મારી બધી શુભેચ્છા, મારા વિશિસ તેની સાથે છે. ચંદ્રિકાને પણ ખબર છે કે તેને હું કેટલો પ્રેમ કરું છું, પણ હશે, સમયનો અભાવ અને એ અભાવને લીધે ઘણી વાર આપણે કઈ વાતનો ભોગ આપવો એ જાતે જ નક્કી કરવું પડે કે નહીં એટલે નહીં, નહીં ને નહીં જ. મારે આ કરવું જ પડશે. એ નહીં કરું તો નહીં ચાલે. અત્યારે પણ હું એ જ મક્કમતા સાથે નક્કી કરીને બેઠો છું કે મારે મારું કમિટમેન્ટ જાળવવું પડશે. જો હું એ જાળવીશ તો જ તમારા સુધી મારો આ આર્ટિકલ પહોંચાડી શકીશ.

ચંદ્રિકાની વાત પૂરી કરી લઉં. હવે જઈશ એને ત્યાં એ નક્કી છે. મારે એમ જ પંદર-વીસ મિનિટ માટે ત્યાં નથી જવું, નિરાંતે જવું છે. જમીને ત્યાં કલાક સુધી બેસવું છે અને એને લીધે જ આ ડિલે ચાલે છે. આ વાંચતી વખતે તમને કેવું લાગશે કે સગો ભાઈ તેની બહેનની ઘરે હજી સુધી નથી ગયો, જે બહેન તેના ઘરથી માંડ પંદરેક કિલોમીટર દૂર રહે છે. પણ સાચું કહું, આ જ સવાલ હું તમને પૂછું છું, તમે તમારી નજીકની વ્યક્તિને ઘરે નિરાંતે બેસવા, શાંતિથી જમવા છેલ્લે ક્યારે ગયા? કંઈ કર્યા વિના ચા-કૉફી અને ગપ્પાં છેલ્લે તમે ક્યારે માર્યાં?

સમય બચાવવાની જે રૅટ-રેસ ચાલે છે એ રૅટ-રેસ વચ્ચે જાતને એક વખત આ જ વાત પૂછજો અને પછી જો મનમાં એની અસર થાય તો તરત જ પ્રોગ્રામ બનાવી લેજો, કારણ કે કેટલોક બગડેલો સમય જીવન જીવવાનું નવું ઝનૂન આપતો હોય છે.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2023 05:29 PM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK