અલ્તાફના ઘરથી થોડે દૂર એક પાનના ગલ્લા પાસે પોતાના એક ફ્રેન્ડ સાથે ગપ્પાં મારી રહેલા ખબરી રોશનનું ધ્યાન ડસ્ટર એસયુવીમાં જઈ રહેલા અલ્તાફ અને લાલા પર પડ્યું એ સાથે તે સ્વગત બબડી ઊઠ્યો.

પ્રતીકાત્મક તસવીર
‘અરે, યે તો અલ્તાફ હૈ.’
અલ્તાફના ઘરથી થોડે દૂર એક પાનના ગલ્લા પાસે પોતાના એક ફ્રેન્ડ સાથે ગપ્પાં મારી રહેલા ખબરી રોશનનું ધ્યાન ડસ્ટર એસયુવીમાં જઈ રહેલા અલ્તાફ અને લાલા પર પડ્યું એ સાથે તે સ્વગત બબડી ઊઠ્યો.
રોશન ડૉન હૈદરનો અત્યંત વફાદાર ખબરી હતો. તેને હૈદર અને અલ્તાફની કટ્ટર દુશ્મની વિશે ખબર હતી અને હૈદર માટે આ માહિતી કેટલી ઉપયોગી હતી એનો તેને અંદાજ હતો. તેણે તરત જ હૈદરને કૉલ લગાવ્યો, પરંતુ હૈદરે કૉલ રિસીવ કર્યો નહીં.
રોશને ત્વરિત વેગે નિર્ણય લઈ લીધો અને અલ્તાફની ડસ્ટર તરફ ઇશારો કરતાં તેની સાથે ઊભેલા યુવાનનો હાથ પકડીને થોડા ફુટ દૂર ઊભી રાખેલી પોતાની મોટરસાઇકલ તરફ ભાગતાં તેને કહ્યું, ‘મન્નુ, યે ગાડી કે પીછે બાઇક ભગા.‘
થોડી સેકન્ડમાં જ તે બંનેએ અલ્તાફનો પીછો શરૂ કરી દીધો હતો.
‘કિસી ભી હાલત મેં વો ગાડી કે પીછે રહના હૈ.‘ રોશને બાઇક ચલાવી રહેલા દોસ્તને કહ્યું. એ દરમિયાન તેણે ફરી વાર હૈદરને કૉલ લગાવી દીધો હતો. આ વખતે હૈદરે તેનો કૉલ ડિસકનેક્ટ કર્યો.
રોશન ધૂંધવાઈ ઊઠ્યો. બહુ મોટી રકમ કમાવાની તક સામે ચાલીને મળી હતી અને હૈદર તેનો કૉલ ઉઠાવી રહ્યો નહોતો! તેને ખબર હતી કે હૈદર કેટલો બિઝી હોય છે. તેને યાદ આવ્યું કે પોતે પોલીસથી બચવા માટે ફોન-નંબર બદલાવી નાખ્યો હતો એટલે હૈદર પાસે એ નંબર નહીં હોય એટલે જ હૈદરે કૉલ ઊંચક્યો નહીં હોય.
તેણે તરત જ હૈદરને વૉટ્સઍપ પર મેસેજ મોકલ્યો, ‘ભાઈ, મૈં રોશન હૂં. અલ્તાફ અપને ઘર સે અભી અભી નિકલા હૈ ઔર ઉસકે આદમી લાલા કે સાથ બાહર જા રહા હૈ. મૈં ઉસકા પીછા કર રહા હૂં.‘
તેનું ધ્યાન વારે-વારે ફોનની સ્ક્રીન પર પણ જતું હતું અને સાથે-સાથે આગળ જઈ રહેલી ડસ્ટર પર પણ જતું હતું. ડસ્ટરની સ્પીડ વધી ગઈ હતી. રોશને ફરી વાર તેના મન્નુનો ખભો દબાવતાં કહ્યું, ‘મન્નુ ગાડી ભગા. સમજ લે વો ડસ્ટર અપને લિએ લૉટરી હૈ. વો હમારી નઝરોં સે દૂર ગઈ તો સમજ લે અપન કો જિસ મેં લૉટરી લગી હો વો ટિકટ ગુમ હો ગઈ!‘
મન્નુએ બાઇકની સ્પીડ વધારી દીધી.
રોશન પોતાના મોબાઇલ ફોનની સ્ક્રીન પર સતત ચેક કરતો રહેતો હતો, પરંતુ હૈદરનો મેસેજ આવ્યો નહીં. તે ઊંચા-નીચો થઈ રહ્યો હતો. તેને અચાનક હૈદરના શૂટર એવો પોતાનો જૂનો દોસ્ત યાદ વેડા વસીમ આવી ગયો. તેણે તરત જ તેને કૉલ લગાવ્યો.
વેડાએ તરત જ તેનો કૉલ રિસીવ કરતાં પૂછ્યું, ‘બોલ રોશનિયા, આજ તો કાફી વક્ત કે બાદ મુઝે યાદ કિયા!’
‘અરે, વો સબ બાતેં બાદ મેં કરેંગે. અભી તૂ કહાં પે હૈ, મૈં તુઝે મેરા લાઇવ લોકેશન ભેજતા હૂં. તૂ પહુંચ!’ રોશને ટુ ધ પૉઇન્ટ વાત કરી.
‘ક્યૂં? કહાં? ક્યા હુઆ?’ વેડાએ અનેક સવાલો એકસાથે પૂછી લીધા.
‘અરે! વો સબ છોડ તૂ! સુન, અલ્તાફ કાફી દિનોં કે બાદ અપને ઘર સે બાહર નિકલા હૈ. ઔર ઉસકી ડસ્ટર અભી મેરે સે થોડે હી આગે હૈ. મૈં ઔર મન્નુ ઉસકાયા પીછા કર રહે હૈં, તૂ ફટાફટ પહુંચ. બાદ મેં સબ બાતેં કરતે હૈં, પહલે તૂ મુઝે ફૉલો કર. મૈં તુઝે અભી મેરા લાઇવ લોકેશન ભેજ રહા હૂં! તૂ એક બાર જહાં ભી હૈ વહાં સે ભાગ. બાદ મેં મુઝે કૉલ કર!’
રોશને કૉલ ડિસકનેક્ટ કર્યો અને તરત જ વેડાને પોતાનું લાઇવ લોકેશન મોકલાવ્યું.
lll
‘લાલા, ગાડી જલદી ભગા નહીં તો બડા લફડા હો જાએગા.’
અલ્તાફ ઉચાટભર્યા અવાજે કહી રહ્યો હતો.
lll
રોશને મોકલેલા લાઇવ લોકેશનની લિન્ક પર ક્લિક કરીને યેડાએ જોયું તો રોશન તેનાથી માત્ર પોણો કિલોમીટર જ દૂર હતો.
વેડા એ વખતે તેના દોસ્તની સાથે ક્યાંક બાઇક પર જઈ રહ્યો હતો. તેણે બાઇક ચલાવી રહેલા દોસ્તને કહ્યું, ‘ગાડી ઘુમા લે, વાંગ્યા. મૈં બોલૂં વો લોકેશન કી ઓર ગાડી ભગા!’
lll
રોશને ફરી એક વખત હૈદરનો કૉલ લગાવી જોયો. તે હૈદરની શાબાશી મેળવવા ઇચ્છતો હતો. જોકે હૈદરે ત્યારે પણ તેનો કૉલ રિસીવ ન કર્યો.
એ દરમિયાન અલ્તાફની ડસ્ટરે એક ટ્રાફિક સિગ્નલ ક્રૉસ કર્યું. રોશનની બાઇક ટ્રાફિક સિગ્નલ સુધી પહોંચે એ પહેલાં સિગ્નલ રેડ થઈ ગયું. મન્નુએ બાઇકની સ્પીડ ઓછી કરી નાખી.
રોશને તેના ખભા પર જોરથી હાથ માર્યો. ‘અરે, બેવકૂફ સિગ્નલ કી ઐસીતૈસી કર ઔર ગાડી ભગા! સમજ લે કિ વો ગાડી છૂટી તો અપને હાથ સે લાખો રૂપયે નિકલ ગએ!’
મન્નુ સહેજ ખચકાયો, કારણ કે ટ્રાફિક સિગ્નલની ડાબી બાજુએ ત્રણ-ચાર ટ્રાફિક પોલીસમેન ઊભા હતા અને તેમની બાજુમાં કોઈ ટ્રાફિક પોલીસમેનની બાઇક પણ પડી હતી. પરંતુ રોશને તેને એટલા જોરથી કહ્યું કે તેણે ટ્રાફિક પોલીસની પરવા કર્યા વિના બાઇક ભગાવી.
બે ટપોરીઓને હેલ્મેટ વિના બાઇક પર જતા અને રેડ સિગ્નલની પરવા કર્યા વિના બાઇક ભગાવતા જોઈને હેડ કૉન્સ્ટેબલ વિચારેએ પોતાની બાઇક ચાલુ કરીને તેમની પાછળ ભગાવી. એ દરમિયાન બીજા પોલીસમૅને રસ્તા પર આગળ તહેનાત થયેલા ટ્રાફિક પોલીસમૅનને સંદેશો પહોંચાડી દીધો હતો હતો કે ‘એક બાઇક રેડ સિગ્નલ હોવા છતાં ટ્રાફિક પોલીસની ટીમની નજર સામે ભાગી છે.’
વિચારેએ રોશનની બાઇકનો પીછો શરૂ કર્યો હતો એ દરમિયાન જ વેડા પણ એ જગ્યાએ પહોંચી ગયો હતો. તેણે પણ તેના સાથીદાર વાંગ્યાને સિગ્નલ કુદાવી દેવા કહ્યું. તેની બાઇક રોશનનો પીછો કરી રહેલા વિચારેની બાઇકને ક્રૉસ કરીને ભયંકર ઝડપે આગળ નીકળી ગઈ. વિચારેને કાળ ચડ્યો. આમ પણ સવારે તેનો પત્ની સાથે ઝઘડો થયો હતો એને કારણે તેનો મૂડ ખરાબ હતો એમાં વળી આવા ખેપાની યુવાનો તેની નજરે પડ્યા હતા. તેણે પણ પોતાની બાઇકની સ્પીડ વધારી દીધી.
અલ્તાફ અને લાલા ‘ખબર ઇન્ડિયા’ની ઑફિસથી થોડે દૂર પહોંચ્યા ત્યારે અલ્તાફે જોયું કે લોકો એક કાર તરફ દોડી રહ્યા છે અને બીજી બાજુ શોએબ અને તેનો સાથીદાર બબલુ બાઇક પર ભાગી રહ્યા છે. અલ્તાફને એક ક્ષણમાં સમજાઈ ગયું કે મામલો હાથમાંથી નીકળી ગયો છે! તેણે પોતાના કપાળ પર જોરથી હાથ પછાડ્યો. એ જ વખતે તેને લાગ્યું કે કોઈ બાઇક તેની કારની એકદમ બાજુમાં આવી ગઈ છે. તે એ તરફ જોવા માટે ફર્યો એ સાથે એક ગોળી છૂટી અને તેની જમણી આંખને છરકો કરીને પસાર થઈ ગઈ! એ વખતે તેણે ડાબી તરફ જોયું પણ હોત તો કદાચ એ ગોળી તેના લમણામાં ઘૂસી ગઈ હોત!
અલ્તાફની કાર નજીક પહોંચી ગયેલો વેડા બીજી ગોળી છોડે એ પહેલાં વિચારે સહિત બીજા પોલીસમેન પણ ત્યાં પહોંચી ગયા હતા. પોલીસે વેડાને અને તેના દોસ્તને પકડી પાડ્યા.
બીજી બાજુ પોલીસ ટીમે વિજય સિંહા અને તેના ડ્રાઇવરને તાત્કાલિક કૂપર હૉસ્પિટલમાં પહોંચાડ્યા. એ પછીની થોડી મિનિટ્સમાં તો એ વાત વાયુવેગે ફેલાઈ ગઈ કે ‘ખબર ઇન્ડિયા’ ટીવી ન્યુઝ ચૅનલના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંહાની કાર રોકીને તેમને ગોળી મારી દેવાઈ છે.
lll
શૈલજા સિંઘલના ઇન્ટરવ્યુનું પ્રસારણ ‘સહી ન્યુઝ’ ચૅનલ પર રશ્મિના સ્પેશ્યલ શોમાં શરૂ થઈ ગયું. એ સાથે જ શૈલજાએ શાહનવાઝ વિરુદ્ધ કરેલા સ્ફોટક આક્ષેપોથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો. બીજી બાજુ એ મુદ્દે આખા દેશમાં લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. સોશ્યલ મીડિયા પર શાહનવાઝની ફેવરમાં અને વિરુદ્ધમાં લડાઈ જામી ગઈ. રશ્મિ જાણે આસમાનમાં વિહરી રહી હતી. ઑબેરૉયની ખુશીનો પણ પાર નહોતો. શાહનવાઝ અને શૈલજા સાથે રશ્મિ માથુર વિશે પણ દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર રશ્મિના ફૉલોઅર્સ ધડાધડ વધી રહ્યા હતા.
lll
‘સહી ન્યુઝ’ અને ‘ખબર ઇન્ડિયા’ ચૅનલ વચ્ચે પૃથ્વીરાજ અને શાહનવાઝની તરફેણમાં અને વિરુદ્ધમાં દર્શકો સામે સીસીટીવી ફુટેજ અને શૈલજાના ઇન્ટરવ્યુનો કસ કાઢીને પોતાના ટીઆરપી વધારવાની હોડ જામી હતી.
એ વખતે દેશની અન્ય ટીવી ન્યુઝ ચૅનલ પર ‘સહી ન્યુઝ’ અને ‘ખબર ઇન્ડિયા’ના લોગો સાથે બંને ચૅનલનું ફુટેજ દર્શાવાઈ રહ્યું હતું અને એમાં જુદી-જુદી ચૅનલના ઍન્કર્સ બૂમબરાડા પાડીને બૉલીવુડની સ્ટાર વૉર્સ વિશે સાચીખોટી માહિતી આપી રહ્યા હતા. કોઈ ચૅનલ પર કહેવાઈ રહ્યું હતું : ‘હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જામી પાવર વૉર!’ તો કોઈ ચૅનલ પર એવા ઍન્કર બરાડા પાડી રહી હતી કે ‘ગ્લૅમર વર્લ્ડ કે અન્ડરવર્લ્ડ?’ અને કેટલીક ચૅનલ પર ‘સ્ટાર વૉર્સ’ શબ્દો સાથે ‘બ્રેકિંગ ન્યુઝ’ દર્શાવાઈ રહ્યા હતા. જેમની પાસે ફુટેજ નહોતું એવી ટીવી ચૅનલ ‘ખબર ઇન્ડિયા’ કે ‘સહી ન્યુઝ’ની કર્ટસી સાથે એના લોગો સાથે ફુટેજ દર્શાવી રહી હતી. તો કેટલાક ઍન્કર્સ એવું કહીને દર્શકોને ગેરમાર્ગે પણ દોરી રહ્યા હતા કે અમારી પાસે આ મામલે સ્ફોટક સ્ટોરી છે. એક ચૅનલ પર ઍન્કર બરાડા પાડતાં-પાડતાં કહી રહ્યો હતો કે ‘અન્ડરવર્લ્ડને પણ શરમાવે એવી ‘સ્ટાર વૉર્સ’ બૉલીવુડમાં જામી પડી છે. બે સુપરસ્ટાર પૃથ્વી અને શાહનવાઝ એકબીજાને પછાડવા માટે પૂરી તાકાત અજમાવી રહ્યા છે એવી અંદરની વાત અમને મળી છે. વધુ માહિતી માટે જોતા રહો અમારી ચૅનલ...’
જાણે કોઈ ન્યુક્લિયર વૉર થવાની હોય અને એનું રહસ્ય જાણી આવ્યા હોય એ રીતે ઍન્કર્સ શબ્દો બહેલાવીને વાતો રજૂ કરી રહ્યા હતા. એક ચૅનલ પર શાહનવાઝ અને પૃથ્વીરાજ એકબીજા સાથે દ્વંદ્વ યુદ્ધ કરી રહ્યા હોય એવાં ઍનિમેટેડ દૃશ્યો દર્શાવાઈ રહ્યાં હતાં. તો કોઈ ચૅનલ પર વળી શાહનવાઝ અને પૃથ્વીરાજની જૂની ફિલ્મોના સીન્સ ઉઠાવીને, એ બંને હાથમાં પિસ્ટલ પકડીને ગોળી ચલાવતા હોય એવાં દૃશ્યો મિક્સ કરીને, અડધા પડદા પર પૃથ્વીરાજ પિસ્ટલથી ગોળી છોડતો હોય અને અડધા પડદા પર શાહનવાઝ ગોળી છોડતો હોય એવાં દૃશ્યો હાસ્યાસ્પદ રીતે દર્શાવાઈ રહ્યાં હતાં.
‘આ હૉસ્પિટલમાંથી સીસીટીવી ફુટેજ કઈ રીતે લીક થયું એની તપાસ કરાવો. અને નહીં તો ચૂંટણીઓ નજીક જ આવી રહી છે અને મારી પાર્ટી તમારી સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લેશે એ વાતનું હું તમને પાકું પ્રૉમિસ આપું છું!’
પૃથ્વીના પિતા પ્રતાપરાજ ચીફ મિનિસ્ટર હરિભાઉને ફોન પર કહી રહ્યા હતા.
પૃથ્વીરાજ પાયલનું ગળું દબાવી રહ્યો હોય એ દૃશ્ય ટીવી ચૅનલ પર પ્રસારિત થતું જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
પૃથ્વીના બંગલામાં પ્રવેશેલી એ યુવતી કોણ હતી એ વિશે જાણવા માટે સુબ્રતોની એજન્સીના માણસો ઉધામા કરી રહ્યા હતા એ વખતે એ યુવતી નિર્વસ્ત્ર અવસ્થામાં અનાવૃત પૃથ્વીને વળગીને સૂતી હતી!
‘યુ આર ટુ ગુડ ઇન બેડ!’ પૃથ્વી તેને કહી રહ્યો હતો. તેના શ્વાસની ગતિ તેજ હતી.
તે યુવતી હસતાં-હસતાં બોલી, ‘નૉટ ઓનલી ફૉર બેડ, આઇ ઍમ ઑલ્વેઝ ઍન્ડ એવરીવેર બેસ્ટ! શાહનવાઝને પૂરો ભરોસો બેસી ગયો છે કે હું તારી દુશ્મન બની ગઈ છું. અને મેં એવું માની લીધું છે કે તે મને સાચો પ્રેમ કરે છે! તેણે મને કહ્યું છે કે તારી સામે બદલો લેવા માટે તે મને બધી જ મદદ કરશે. એ બેવકૂફે મને કહ્યું કે તેં મને જખમ પહોંચાડ્યો છે એનું દુ:ખ મને થયું છે એનાથી વધુ તેને થયું છે!’
‘હા, મેં તને જખ્મી તો કરી છે.’ એ યુવતીના ગળા પરનાં નિશાન તરફ ઇશારો કરતાં પૃથ્વી ખડખડાટ હસી પડ્યો.
એ યુવતી પાયલ હતી!
વધુ આવતા શનિવારે...