યુરોપ અને ભારતના કેસ તદ્દન અલગ હતા. ત્યાં ધર્મ શાસન ચલાવવા તત્પર રહેતો, અહીં ધર્મ માર્ગદર્શન કરતો
કમ ઑન જિંદગી
પ્રતીકાત્મક તસવીર
રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા પછી ચર્ચા જાગી છે કે ભારતમાં ધર્મનિરપેક્ષતાનું હવે શું ભવિષ્ય છે? વડા પ્રધાન દ્વારા પ્રાણપ્રતિષ્ઠા થઈ એને લીધે ઘણા એવું વિચારવા માંડ્યા છે કે શાસક વર્ગ જ ધાર્મિક હોય તો ધર્મ નિરપેક્ષતા કઈ રીતે ટકે?
ભારતમાં ધર્મનિરપેક્ષતાને હંમેશાં ખોટી જ દૃષ્ટિથી જોવામાં આવી છે. વાસ્તવમાં ભારત જ્યારે આઝાદ થયું ત્યારે હિન્દુ અને મુસ્લિમ નેતાઓ ધર્મના નામે રાજનીતિ કરતા હતા, ઝીણા સહિતના મુસ્લિમો ધર્મના નામે અલગ દેશ માગી રહ્યા હતા. એ નેતાઓ પૂરતું સીમિત હતું. ધર્મગુરુઓ અને ખાસ કરીને હિન્દુ ધર્મગુરુઓ સત્તા માટે તત્પર નહોતા કે નહોતા શાસનમાં કોઈ દખલગીરી કરતા. બંધારણમાં સેક્યુલરિઝમની જોગવાઈ કરવામાં આવી ત્યાં સુધી બરાબર, પણ દેશને સેક્યુલર બનાવવા માટે જે આત્યંતિક પગલાં લેવાયાં એનાથી નુકસાન થયું. ડાબેરી સામ્યવાદીઓ ઈશ્વરમાં માનતા નથી એટલે તેમને સેક્યુલરિઝમના ચૅમ્પિયન માની લેવામાં આવ્યા અને તેઓ રીતસર ચડી જ બેઠા. તેમને દોડવું હતું અને ઢાળ મળ્યો. ડાબેરી લેખકોએ દેશના સૌથી મોટા હિન્દુ ધર્મને નબળો અને નકામો ચીતરવાના તમામ પ્રયાસો કર્યા. દેશની નવી પેઢીને ધર્મથી વિમુખ કરી દેવા માટે પાઠ્યપુસ્તકોમાં ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી. અન્ય ધર્મ અને એના શાસકોને સેક્યુલરિઝમના નામે ગ્લૉરિફાય કરવામાં આવ્યા. ખરેખર તો ડાબેરીઓને સેક્યુલરિઝમના રખેવાળ ગણવા એ જ મોટી ભૂલ હતી. સેક્યુલરિઝમનો અર્થ થાય છે શાસન અને ધર્મ બંનેને અલગ રાખવાં. પ્રજાના રોજબરોજના ભૌતિક જીવનમાં ધર્મની દખલ ન હોય, શાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમો અને કાયદાઓ અનુસાર જીવન જીવાતું હોય, દરેક ધર્મને સમાન પ્રાધાન્ય અપાતું હોય. આ ધર્મનિરપેક્ષતા છે. સેક્યુલરિઝમનો અર્થ ધર્મનો વિરોધ એવો થતો નથી અને ડાબેરીઓ હળાહળ ધર્મવિરોધી પ્રાણીઓ છે. તેમણે ધર્મનિરપેક્ષતાની વિભાવનાને ભારતમાં ધર્મવિરોધી બનાવી દીધી. ભારત આઝાદ થયું ત્યારે યુરોપ અને પશ્ચિમના દેશોમાં શાસનપદ્ધતિમાં સેક્યુલરિઝમ અનિવાર્ય એટલા માટે હતું કે એ પહેલાં ત્યાં રાજવહીવટમાં ધર્મની દખલ વધુ પડતી હતી જે ભારતમાં નહોતી અને એટલે અહીં દંભી ધર્મનિરપેક્ષતાનું તૂત ચલાવવાની અનિવાર્યતા નહોતી. જોકે કેટલાક લોકોની ધાર્મિક માન્યતાઓ અને ફાયદા માટે એ ચલાવાયું.
સેક્યુલરિઝમનો ઉદય યુરોપમાં થયો જ્યાં શાસનમાં ધર્મની માત્ર દખલગીરી જ નહોતી, પાદરીઓ અને ચર્ચ પોતે સત્તા ચલાવતાં. ચર્ચનો પ્રભાવ રાજાઓ પર એટલો વધુ હતો કે તેમને પૂછ્યા વગર કશું જ થઈ શકે નહીં. કેટલાય રાજાઓએ ચર્ચના કહ્યાગરા થઈને શાસન ચલાવ્યું. અમુકે વિરોધ પણ કર્યો. પોપ બોનીફેસ આઠમો તો ચર્ચને જ સર્વસત્તાધીશ માનતો હતો. ઇટલી અને ફ્રાન્સ સહિત કેટલાય દેશોમાં એનો દબદબો હતો. એણે તો એવું જાહેર કર્યું હતું કે મુક્તિ માટે આ જગતના કોઈ પણ જીવંત પ્રાણીએ કૅથલિક ચર્ચને જ સર્વોચ્ચ માનવું આવશ્યક છે અને પોપ જ સર્વસત્તાધીશ છે. એણે રાજ્યના કામકાજમાં અને વિદેશને લગતી બાબતોમાં પણ હસ્તક્ષેપ કરવા માંડ્યો. આ હસ્તક્ષેપ એટલો વધી ગયો કે ફ્રાન્સના એ સમયના રાજા ફિલિપ ધ ફેર સાથે ઝઘડા થવા માંડ્યા. ફિલિપને આમ પણ પાદરીઓની દખલ સામે વાંધો હતો એટલે પોપ સાથેનો ઝઘડો વધ્યો. અગાઉ કોઈ પોપે ન લીધું હોય એવું પગલું પોપ બોનીફેસે લીધું. એણે રાજા ફિલિપને જ નાતબહાર મૂકી દીધો, તેને ધર્મવટો આપ્યો. જોકે ફિલિપ મજબૂત રાજા હતો. તેણે પોપ બોનીફેસને કેદ પકડી લીધો. ત્રણ દિવસ પછી રાજાએ પોપને મુક્ત કર્યો, પણ કેદમાં મારવામાં આવેલા માર અને પકડાયાના આઘાતને લીધે એક મહિનામાં મૃત્યુ પામ્યો. ઇટલી, સિસિલી, ફ્રાન્સ વગેરે પ્રદેશો પર સત્તા ચલાવવાના બોનીફેસના અભરખા આ રીતે અધૂરા રહ્યા. આવી જ રીતે ઇંગ્લૅન્ડના રાજા હેન્રી બીજાના સમયમાં થૉમસ બકેટ નામના એક વાળા પાદરીએ ચર્ચને રાજ્ય કરતાં વધુ શક્તિશાળી બતાવવા પ્રયત્ન કર્યા હતા અને અંતે તેની હત્યા થઈ ગઈ હતી. આ તો બંને ઉદાહરણ માત્ર છે. યુરોપમાં રાજ્ય-વહીવટમાં ચર્ચની દખલ એટલી બધી હતી કે વિચારકો ધર્મમુક્ત શાસન બાબતે વિચારવા માંડ્યા જે અગાઉ ત્યાં અસ્તિત્વમાં હતું પણ ખરું. ત્યાં તો ખ્રિસ્તી ધર્મના બે સંપ્રદાયો એકબીજાના લોહીના તરસ્યા હતા અને એકબીજાના સાધુઓ અને ધર્મગુરુઓની હત્યાઓ કરાવતા રહેતા, અન્ય ધર્મના લોકોને પકડીને તેમના પર ભયંકર સિતમ આચરવામાં આવતો અને આ જુલમ માટે તેમણે ખાસ યંત્રો બનાવડાવ્યાં હતાં.
ADVERTISEMENT
ભારતનો કેસ આનાથી ઘણો અલગ હતો. ધર્મ નાગરિકોને અને શાસકોને જીવવાનો રસ્તો દેખાડતો હતો ખરો, પણ શાસન નહોતો ચલાવતો. ડાબેરી લેખકોએ એવું નરેટિવ બનાવ્યું કે ભારતમાં રાજાઓ પર પુરોહિતોનું સંપૂર્ણ વર્ચસ હતું અને તેઓ જ પાછલા બારણે શાસન ચલાવતા હતા. વાસ્તવિકતા આનાથી અલગ હતી. પુરોહિતો શાસકોને ધર્મ મુજબ ચલાવવાનો ઉપદેશ આપતા હતા, રાજકાજમાં દખલગીરી કરતા નહોતા. ભારતીય ધર્મશાસકોમાં પણ રાજાને સર્વોચ્ચ માનવાનું કહેવાયું છે, પુરોહિતને નહીં. હા, રાજા જે ધર્મનો હોય એ ધર્મનું પ્રચલન વધે એ વિશ્વભરમાં બનતી એક સ્વાભાવિક ઘટના છે એટલે ભારતમાં પણ જે ધર્મના રાજાઓ આવ્યા એ ધર્મનો ઉદય થયો. ચંડ અશોકે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યા પછી બૌદ્ધ ધર્મના પ્રસારમાં વધુ તેજી આવી. એક સમય એવો આવ્યો જ્યારે ભારતના મોટા ભાગના પ્રદેશો પર બૌદ્ધ ધર્માવલંબી રાજાઓનું શાસન આવ્યું. એ પછી શંકરાચાર્ય અને પુષ્યમિત્ર શૃંગના પ્રયાસોથી બૌદ્ધધર્મી શાસકો ફરી હિન્દુ બન્યા અથવા તેમના સ્થાને હિન્દુ શાસકો આવ્યા. ડાબેરી લેખકોની મહેરબાનીથી જ આપણે પુષ્યમિત્ર શૃંગ જેવા રાજા વિશે ખાસ જાણતા નથી. સામાન્ય માણસ કદાચ પુષ્યમિત્ર શૃંગ વિશે કશું જાણતો હોય તો તેને એટલું જ ભણાવાયું હોય કે આ બ્રાહ્મણ રાજાએ હજારો બૌદ્ધ ભિક્ષુઓની કતલ કરાવી હતી અને બૌદ્ધ ભિક્ષુને મારનારને ઇનામ આપતો હતો. પુષ્યમિત્ર શૃંગના અસલ પ્રદાનથી ભારતની સામાન્ય પેઢીને અંધારામાં રાખવામાં આવી એ સેક્યુલરિઝમને કારણે જ શક્ય બન્યું.
ભારતમાં આઝાદી સમયે સેક્યુલરિઝમના ત્રણ ચૅમ્પિયન હતા : ગાંધીજી, નેહરુ અને ડૉ. આંબેડકર. આમાં ગાંધીજી અત્યંત ધાર્મિક પ્રકૃતિના હતા, નેહરુને ધર્મ સાથે ખાસ લેવાદેવા નહોતી અને ડૉ. આંબેડકર હિન્દુ ધર્મના વિરોધી હતા. તેમણે કહ્યું હતું કે હું હિન્દુ તરીકે જન્મ્યો છું, પણ હિન્દુ તરીકે મરીશ નહીં. તેમણે અને તેમના હજારો અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. ગાંધીજીનું સેક્યુલરિઝમ પણ ધર્મની આસપાસ ફરનાર હતું અને તેમના રાજકીય દૃષ્ટિકોણને પોષનાર હતું. નેહરુનું સેક્યુલરિઝમ એટલું કટ્ટર હતું કે સોમનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ન જાય એવું ઇચ્છતા હતા. તેમણે રાજાજીને પત્રો લખીને સોમનાથ નહીં જવા સમજાવ્યા હતા, પણ રાજેન્દ્ર પ્રસાદ સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા. નેહરુને આ બાબતે ખૂબ ખોટું લાગ્યું હતું. તેમણે રાજેન્દ્ર પ્રસાદને લખ્યું હતું કે ‘આ ઘટનાના રાજકીય અર્થો કાઢવામાં આવશે. અમને પૂછવામાં આવશે કે એક ધર્મનિરપેક્ષ સરકાર આવાં આયોજનોમાં કઈ રીતે જોડાઈ શકે?’
ભારતમાં હિન્દુત્વ મહત્ત્વનું પરિબળ બનીને ઊભર્યું એનાથી સેક્યુલરિઝમ સામે ખતરો ઊભો થયો છે એવું નરેટિવ સર્વથા સત્ય નથી. શાસન હિન્દુ મંદિરો તરફ ધ્યાન આપી રહ્યું છે, પણ અન્ય ધર્મનાં ધાર્મિક સ્થળોને નુકસાન થાય એવાં કોઈ પગલાં લઈ રહ્યું નથી. ધર્મનિરપેક્ષતા એ ધર્મ સામે દુશ્મની નથી, શાસનમાં ધર્મની કારણ વગરની દખલગીરી ન હોય એ ધર્મનિરપેક્ષતા છે. એમાં કોઈને પોતાનો ધર્મ પાળવાની મનાઈ નથી, વડા પ્રધાન પણ એમાં આવી જાય. રાષ્ટ્રવાદ અને સેક્યુલરિઝમનો વિરોધ નથી. ભાજપ અને એની પિતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શરૂઆતથી જ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદનું સમર્થન કરતાં આવ્યાં છે. સમસ્યા એ છે કે રાષ્ટ્રવાદને ભૂતકાળમાં ભારતના વિવિધ ભાગો પર રાજ કરી ચૂકેલા અન્ય ધર્મના શાસકો સાથે જોડી દેવામાં આવ્યો છે અને એટલે રાષ્ટ્રવાદને એક ચોક્કસ ધર્મનો વિરોધી ગણી લેવામાં આવ્યો છે. હવે ભારતમાં કોઈ સેક્યુલરિઝમની વાત કરતું નથી, કારણ કે એ દંભી હતું અને એવા સેક્યુલરિઝમની કોઈ યથાર્થતા ઉપયોગિતા પણ રહી નથી. સાચી ધર્મનિરપેક્ષતા હજી આવશ્યક છે અને આવકાર્ય પણ છે.