Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બે દિગ્ગજ કલાકારોના અહમના ટકરાવમાં સંગીતકાર સરદાર મલિકની કારકિર્દી રોળાઈ ગઈ

બે દિગ્ગજ કલાકારોના અહમના ટકરાવમાં સંગીતકાર સરદાર મલિકની કારકિર્દી રોળાઈ ગઈ

Published : 28 September, 2025 02:36 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

‘મને ‘માં કે આંસુ’ ના એક ગીત ‘ચલા ચલ મુસાફિર કભી તો મિલેગી મદીને કી  ગલિયાં’નું રેકૉર્ડિંગ યાદ આવે છે. મેં રફીસા’બને કહ્યું, ‘ચલા ચલ’ ગાતે સમય જો જગહ (મુરકી)  હૈ વો આપ હી લે સકતે હૈં.’ તો કહે, ‘જબ તક આપ સહી જગહ બતાયેંગે નહીં, હમ કૈસે ગા સકેંગે?

અનુ મલિક અને સરદાર મલિક

વો જબ યાદ આએ

અનુ મલિક અને સરદાર મલિક


 સારા બનીને અમે જોયું છે 
કારણ વગરનું બધું ખોયું છે 
તમે નસીબની વાત કરો છો 
અમે મહેનતનું પણ જતું જોયું છે

નામ, નસીબ અને નફો કુદરતનો ખેલ છે. કોને, ક્યારે, કેટલું આપવું એ ઈશ્વર નક્કી કરે છે. અમુક લોકો નસીબના બળિયા હોય છે જે ઓછી મહેનતે લીલાલહેર કરે છે. જ્યારે  અમુક લોકો મહેનત કરીને, લાયકાત હોવા છતાં નામ અને દામથી અળગા રહે છે. ‘સારંગા’ની અપાર સફળતા બાદ સંગીતકાર સરદાર મલિકને મોટા બૅનરની અનેક ફિલ્મોની ઑફર આવી. તેમને થયું કે હવે તકદીરનું પાસું બદલાયું પરંતુ તેમનું કમનસીબ કે બે વ્યક્તિઓના અહંકારના ટકરાવને કારણે તેમણે કીર્તિ અને કલદારથી હાથ ધોવા પડ્યા.  



સરદાર મલિકની કમનસીબીની દાસ્તાનનાં બે મુખ્ય કિરદાર હતાં સાહિર લુધિયાનવી અને લતા મંગેશકર. ગીતકાર તરીકે સાહિર લુધિયાનવીની પ્રથમ ફિલ્મ હતી ‘ખેદ.’  સંગીતકાર  સરદાર મલિકે આ ફિલ્મ માટે  સાહિર લિખિત એક ગીત મીના કપૂરના સ્વરમાં રેકૉર્ડ કર્યું જેના શબ્દો હતા ‘તંગ આ ચૂકે હૈં કશ્મકશેં ઝિંદગી સે હમ’. ફિલ્મ અધૂરી જ રહી ગઈ એટલે આ ગીત ‘પ્યાસા’ માટે એસ. ડી. બર્મને ‘એડલિબ’માં (તાલ વિના) મોહમ્મદ રફીના સ્વરમાં રેકૉર્ડ કર્યું. પાછળથી આ જ ગીત ‘લાઇટ હાઉસ’ માટે સંગીતકાર એન. દત્તાએ આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ કર્યું.  


૧૯૬૧માં ‘સારંગા’ની સફળતા બાદ અનેક મોટા બૅનરની ફિલ્મો માટે સરદાર મલિકને કામ મળ્યું. એમાંની એક ફિલ્મના ગીતકાર હતા સાહિર લુધિયાનવી. ફિલ્મ માટે એક ગીતનું લતા મંગેશકર સાથે રિહર્સલ ચાલતું હતું. એક પંક્તિમાં લતાજી વારંવાર અટકી જતાં. એ સમયે લતાજીએ સાહિરને વિનંતી કરી, અમુક શબ્દોમાં સુધારો કરો. તેમણે ચોખ્ખી ના પાડી. (સાહિરના મુંહફટ મિજાજના અનેક કિસ્સા  છે. એ વિશે વિસ્તારથી લખી શકાય) તેઓ માનતા કે ગીતની લોકપ્રિયતામાં સૌથી મોટો ફાળો ગીતકારનો, ત્યાર બાદ સંગીતકારનો અને અંતમાં ગાયક કલાકારનો હોય છે. તેમણે કહ્યું કે ‘યે સબ પઢે-લિખોં કા કામ હૈ.’ આ સાંભળી લતાજી સમસમી ઊઠ્યાં. પોતાની તરફદારી કરશે એ આશાએ તેમણે સરદાર મલિક સામે જોયું પણ તેમની સ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી હતી. બે દિગ્ગજ કલાકારો વચ્ચે કોની તરફેણ  કરવી એ મુશ્કેલ હતું. તેમણે ચૂપ રહેવાનું પસંદ કર્યું. નારાજ થયેલાં લતાજી ત્યાંથી ચાલી નીકળ્યાં. સાહિરને કશું કહેવાય એવું નહોતું એટલે તેમનો ગુસ્સો સરદાર મલિક પર ઊતર્યો. 

થોડા દિવસ પછી સરદાર મલિકને પ્રોડ્યુસરના ફોન આવવા લાગ્યા કે લતાજી સાથે કંઈ મનમુટાવ થયો છે? તે રેકૉર્ડિંગ માટે આવવાની ના પાડે છે. સરદાર મલિક પાસે કોઈ જવાબ નહોતો. મારી લાઇબ્રેરીનાં વર્ષો પહેલાંના એ રેડિયો-ઇન્ટરવ્યુમાં જ્યારે સવાલ પૂછાયો કે ‘સારંગા’ની અનહદ લોકપ્રિયતા બાદ પણ તમારી કારકિર્દી ઊંચકાઈ નહીં એનું કારણ શું હતું? એના જવાબમાં કોઈનું નામ લીધા વિના મભમ વાત કરતાં તે કહે છે, ‘મને ખબર નથી. બસ, હું એટલું જાણું છું કે બે વ્યક્તિઓના અહમના ટકરાવને કારણે મને નુકસાન થયું. મારી અનેક ફિલ્મોના પ્રોડ્યુસરે મોં ફેરવી લીધાં એટલું જ નહીં, મને રેકૉર્ડિંગ માટે સ્ટુડિયો મળવા મુશ્કેલ થઈ ગયા. આ ઇન્ડસ્ટ્રીમાં ટકવું હોય તો તમારે ઘણાં સમાધાનો કરવાં પડે. કોઈની સામે હાથ જોડીને કામ માગવા જવાનું મારા સ્વભાવમાં નથી. ખુદ્દારીથી કામ કર્યું અને જે ફિલ્મો હાથમાં આવી એમાં સંતોષ માન્યો. જોકે એ માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.’


આ કૉલમનો શિરસ્તો છે કે એમાં કોઈ પણ જાતની ગૉસિપને સ્થાન નથી. ભલે સરદાર મલિકે ખૂલીને વાત ન કરી પરંતુ જે બન્યું એ હકીકત હતી. ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજોએ આ વાતની મારી સાથે પુષ્ટિ કરી છે. એમાં સચ્ચાઈ લાગે એનું બીજું એક મુખ્ય કારણ છે સાહિર લુધિયાનવી અને લતા મંગેશકર બે એવાં વ્યક્તિત્વ જે પોતપોતાનાં ક્ષેત્રના મહારથી હોવા છતાં   અનેક લોકો સાથે તેમને મતભેદ હતા. આ કિસ્સામાં ‘પાડાને વાંકે પખાલીને ડામ’ની જેમ સરદાર મલિકનું નુકસાન થયું. 

ભાગ્યની લાઇટ ચાલુ હોય કે ન હોય, કર્મના દીવાને કદી ફૂંક ન મરાય. બદલાયેલી પરિસ્થિતમાં સરદાર મલિકે પોતાની મહેનતથી નાના બૅનરની ફિલ્મો મેળવી. ‘સારંગા’ બાદ તેમની ફિલ્મો હતી ‘મદન મંજરી’ (૧૯૬૧), ‘પિક પૉકેટ’ (૧૯૬૨), ‘બચપન’ (૧૯૬૩), ‘નાગ જ્યોતિ’ (૧૯૬૩), ‘નાગ મોહિની’ (૧૯૬૩), ‘મહારાણી પદ્મિની’ (૧૯૬૪), ‘જંતર મંતર’ (૧૯૬૪), ‘રૂપસુંદરી’ (૧૯૬૪), ‘પંચરત્ન’ (૧૯૬૫) અને ‘ગ્યાનીજી’ (૧૯૭૭). 

તેમની ફિલ્મોનાં થોડાંક યાદગાર ગીતો છે ‘મુઝે તુમસે મહોબ્બત હૈ, મગર મૈં કહ નહીં સકતા’ (બચપન-મોહમ્મદ રફી) ‘મેરે હમ ઓ સનમ, તૂ જહાં મૈં વહાં’ (બચપન- મોહમ્મદ રફી /સુમન કલ્યાણપુર), ‘બહારોં સે પૂછો, મેરે પ્યાર કો તુમ, તુમ્હારે તરાને હમ ગા રહે હૈં’ (મેરા ઘર મેરે બચ્ચે – મુકેશ /સુમન કલ્યાણપુર), ‘આસમાંવાલે તેરી દુનિયા સે જી ભર ગયા’ (લૈલા મજનૂ – તલત મહમૂદ/ લતા મંગેશકર), ‘ચલ દિયા કારવાં, લૂટ ગએ હમ વહાઁ’ (લૈલા મજનૂ-તલત મહમૂદ) વર્ષો જૂના ઇન્ટરવ્યુમાં સરદાર મલિક કહે છે, ‘મુકેશ બહુ મોટા કલાકાર હતા. તેમણે અદ્ભુત ગીતો ગાયાં પરંતુ લોકો તેમને કહેતા કે તમે ક્યાંક ને ક્યાંક થોડા ઊણા ઊતરો છો. હું કહેતો એવું નથી, ‘સારંગા તેરી યાદ મેં’ માટે તેમણે ખૂબ મહેનત કરી હતી. દરેક ટેક પછી પૂછે, ‘ઠીક હૈ?’ અંતે ૨૫મા રીટેકમાં ગીત ઓકે થયું. મને કહે, ‘આપ કો પસંદ આયા ઇસકી ખુશી હૈ. અબ કોઈ નહીં કહેગા કિ મૈં ફીકા પડતા હૂં.’ મેં કહ્યું, ‘કોઈ ઉસ્તાદ ભી ગલતી નહીં નિકાલ સકતા. You are the best.’

‘લતા મંગેશકર અને રફીસા’બ બે એવા કલાકાર છે જેમની બરોબરી કોઈ ન કરી શકે. ગીત ૧૯-૨૦ હોય તો એને ૨૧નું કરી શકે. બીજા હોય તે ૨૦નું ૧૯ કરે. એને ૨૦નું કરતાં નાકે દમ આવી જાય.
‘રફીસા’બ જૈસા ઇન્સાન નહીં મિલેગા. થોડા દિવસો પહેલાં હું અનુ (મલિક)ના એક રેકૉર્ડિંગમાં ગયો હતો. અનુ રફીસા’બ સાથે રિહર્સલ કરતો હતો. મને જોઈ રફીસા’બ ઊભા થઈ ગયા. મેં ચરણસ્પર્શ કરવાની ચેષ્ટા કરી તો અટકાવીને કહે, ‘આપકી જગહ મેરે દિલ મેં હૈ’ આટલું કહી મને ભેટી પડ્યા. આટલો મોટો માણસ, જેની હું પૂજા કરું તે મને પ્રેમથી ગળે લગાડે એ મારાં ખુશનસીબ. અફસોસ, ૧૦ દિવસ બાદ તેમનું અવસાન થયું. 

‘મને ‘માં કે આંસુ’ ના એક ગીત ‘ચલા ચલ મુસાફિર કભી તો મિલેગી મદીને કી  ગલિયાં’નું રેકૉર્ડિંગ યાદ આવે છે. મેં રફીસા’બને કહ્યું, ‘ચલા ચલ’ ગાતે સમય જો જગહ (મુરકી)  હૈ વો આપ હી લે સકતે હૈં.’ તો કહે, ‘જબ તક આપ સહી જગહ બતાયેંગે નહીં, હમ કૈસે ગા સકેંગે? કંઈ લોગ તો હાથ સે બતાતે હૈં. આપ તો ગા કે બતાતે હો.’ તેઓ હંમેશાં બીજાની જ તારીફ કરતા.’ 

ઇન્ટરવ્યુના અંતમાં સરદાર માલિક કહે છે, ‘જીવનમાં ઘણા ઉતારચડાવ જોયા. સંગીતને સારસર્વસ્વ ગણીને ઈમાનદારીથી કામ કર્યું. ઇન્ડસ્ટ્રીમાં કોઈએ સાથ ન આપ્યો ત્યારે એકલો ઝઝૂમ્યો. નાનાં-મોટાં કામ કર્યાં અને ટ્યુશન કરીને ઘરનો નિભાવ કર્યો. પુત્રોને સંગીતની તાલીમ આપી. આજે અનુ સંગીતના ક્ષેત્રે આગળ વધી રહ્યો છે એનો આનંદ છે.’ 

સરદાર મલિકના ત્રણ પુત્રો અનુ મલિક, ડબ્બુ મલિક (પુત્રો અરમાન-અમાલ મલિક) અને અબુ મલિક પોતપોતાની રીતે સંગીતના ક્ષેત્રમાં વ્યસ્ત છે. ૨૦૦૬ની ૨૭ જાન્યુઆરીએ અંતિમ વિદાય લેનાર વિસરાયેલા સરદાર મલિકની જીવની ‘સારંગા’ના આ ગીતમાં તાદૃશ ઝિલાઈ છે:

હાં દીવાના હૂં મૈં, હાં દીવાના હૂં મૈં 
ગમ કા મારા હુઆ એક બેગાના હૂં મૈં 
મૈં કિસીકા નહીં, કોઈ મેરા નહીં 
ઇસ જહાં મેં કહીં ભી બસેરા નહીં 
મેરે દિલ કા કહીં ભી અંધેરા નહીં 
મેરી ઇસ શામ કા હૈ સવેરા નહીં 
હાયે ભૂલા હુઆ એક ફસાના હૂં મૈં 

Whatsapp-channel Whatsapp-channel

28 September, 2025 02:36 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK