‘સારંગા તેરી યાદ મેં નૈન હુએ બેચેન’ જેવું કર્ણપ્રિય ગીત મુકેશના સ્વરમાં સાંભળીએ ત્યારે દિલના તાર ઝણઝણી ઊઠે. ગીત તો સૌના હૈયે અને હોઠે છે પરંતુ બહુ ઓછા સંગીતપ્રેમીઓને યાદ હશે કે આ ગીતની ફિલ્મ ‘સારંગા’ના સ્વરકાર હતા સરદાર મલિક.
સારંગા ફિલ્મનું પોસ્ટર
ક્રિકેટમાં શતક બનાવનાર બૅટ્સમૅનને સૌ યાદ કરે છે પરંતુ ઓછા રન કર્યા છતાં સામે છેડે ઊભા રહીને તેને સાથ આપનાર ખેલાડીને આપણે ભૂલી જઈએ છીએ. હિન્દી ફિલ્મના દિગ્ગજ સંગીતકારોની વાતો કરતાં આપણે એવા સંગીતકારોને ભાગ્યે જ યાદ કરીએ છીએ જેમણે સંખ્યાની દૃષ્ટિએ ઓછું પણ ગુણવત્તાસભર કામ કર્યું હતું. આ પહેલાં એવા જ એક ગુણી પરંતુ ગુમનામ સંગીતકાર રામલાલની વાત કરી ત્યારે ઘણા મિત્રોએ સરાહના કરતાં કહ્યું કે આવા બીજા કલાકારોને પણ યાદ કરજો. એટલે આજે વાત કરવી છે એવા જ એક વિસરાયેલા સંગીતકારની.
‘સારંગા તેરી યાદ મેં નૈન હુએ બેચેન’ જેવું કર્ણપ્રિય ગીત મુકેશના સ્વરમાં સાંભળીએ ત્યારે દિલના તાર ઝણઝણી ઊઠે. ગીત તો સૌના હૈયે અને હોઠે છે પરંતુ બહુ ઓછા સંગીતપ્રેમીઓને યાદ હશે કે આ ગીતની ફિલ્મ ‘સારંગા’ના સ્વરકાર હતા સરદાર મલિક. આ ગીત ઉપરાંત ‘સારંગા’ના પંડિત ભરત વ્યાસ લિખિત ‘હાં દીવાના હૂં મૈં’ (મુકેશ), ‘લાગી તુમસે લગન સાથી છૂટે ના’ (મુકેશ–લતા મંગેશકર), ‘પિયા કૈસે મિલૂં તુમ સે મેરે પાંવ પડી ઝંજીર’ (મોહમ્મદ રફી–લતા મંગેશકર) અને બીજાં ગીતો આજે પણ સંગીપ્રેમીઓ ભૂલ્યા નથી. અફસોસ કે આ સંગીતકારની વર્તમાન ઓળખ કેવળ અનુ મલિકના પિતા સુધી સીમિત થઈ ચૂકી છે.
ADVERTISEMENT
સરદાર મલિકનો જન્મ ૧૯૨૫ની ૧૩ જાન્યુઆરીએ પંજાબના કપૂરથલામાં થયો. બાળક સરદારને નાનપણથી સંગીતનો શોખ. તેનો એક મિત્ર હતો પ્રકાશ. તે સરસ હાર્મોનિયમ વગાડે. તેની પાસેથી હાર્મોનિયમ શીખવાનું શરૂ કર્યું. એક વાર એવું બન્યું કે મશહૂર તવાયફ મુબારક બેગમના કોઠા પાસેથી પસાર થતાં તેનું ગાયન સાંભળ્યું એટલે બાળક આકર્ષાઈને અંદર પહોંચી ગયો અને સંગીતની મોજ માણવા લાગ્યો. બેત્રણ વાર આવી રીતે ચોરીછૂપીથી કોઠા પર ગયા બાદ એક દિવસ ઘરે ખબર પડી એટલે ખૂબ માર પડ્યો. જોકે સંગીતનો શોખ જોઈ માબાપે બાળકને તબલચી મુબારકઅલી પાસે તબલાં શીખવા મોકલ્યો.
બાળક સરદારને સંગીત ઉપરાંત નૃત્યનો પણ શોખ હતો. કિશોર વયે તેમણે રાજદરબારના મહાનુભાવોનાં નાનાં બાળકોને સંગીતનાં ટ્યુશન આપવાનું શરૂ કર્યું. ભણવામાં રસ નહોતો એટલે મન થતું કે ઘર છોડી ભાગી જવું જોઈએ. કાચી ઉંમરે એક દિવસ ભાગીને લાહોર પહોંચ્યો જ્યાં એક ઓળખીતા બૅરિસ્ટર હતા. તેમણે એક મુલાકાતમાં કિશોર સરદાર મલિકને કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈ કામ પડે તો લાહોર આવજે. એટલે તેના ભરોસે તે લાહોર આવ્યો પરંતુ આટલી કાચી વયના કિશોરને જોઈ તેમણે શરણ ન આપ્યું. નછૂટકે કિશોર ઘેર પાછો આવ્યો.
એક દિવસ કિશોરે છાપામાં ‘ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર’ની જાહેરખબર જોઈ. પંડિત રવિશંકરના ભાઈ ઉદયશંકરની અલ્મોડાસ્થિત આ સંસ્થામાં ગાયન, વાદન, નર્તન અને બીજી લલિતકલાનો અભ્યાસક્રમ શરૂ થયો હતો. કિશોરે નક્કી કર્યું ત્યાં ઍડ્મિશન લેવું જોઈએ પણ ફી પોસાય એમ નહોતી. હવે શું કરવું? મનમાં વિચાર આવ્યો કે સાહસ કરવું પડશે. કપૂરથલાના રાજા જગજિતસિંહને મળવા તે રાજદરબાર પહોંચ્યો પણ ચોકીદારો અંદર જવા ન દે. નજર ચૂકવી અંદર પહોંચી તેણે રાજા સામે નૃત્ય કરવાનું શરૂ કર્યું. રાજાએ આ રીતે જોખમ લઈ આવવાનું કારણ પૂછ્યું તો કહે, હું અલ્મોડા જવા ઇચ્છું છું. મને મદદ કરો. નસીબ સારાં એટલે રાજાના દિલમાં રામ વસ્યા અને તેમણે મદદ કરી.
૧૫ વર્ષની ઉંમરે સરદાર માલિકે અલ્મોડામાં તાલીમ શરૂ કરી. સંગીતમાં ઉસ્તાદ અલાઉદ્દીન ખાન, બેલેમાં ઉદયશંકર, કથકમાં શંકરન નામ્બુદ્રી અને ભારત નાટ્યમમાં પિલ્લાઈ સ્વામી તેમના ગુરુ હતા. એ દિવસોમાં એ જ સંસ્થામાં નૃત્યકલાની તાલીમ લેતા બીજા બે યુવાનો (પ્રોડ્યુસર-ડિરેક્ટર) મોહન સૈગલ અને ગુરુ દત્ત સાથે મૈત્રી થઈ.
મારી લાઇબ્રેરીમાં વર્ષો પહેલાં સરદાર મલિકે આપેલો એક રેડિયો ઇન્ટરવ્યુ છે. આ અલભ્ય ઇન્ટરવ્યુમાં તેમણે પોતાના જીવનની અનેક મજેદાર વાતો શૅર કરી છે. અલ્મોડાના દિવસો યાદ કરતાં તે કહે છે, ‘હું અને ગુરુ દત્ત રૂમ-પાર્ટનર હતા. ગુરુ દત્તને વાંચનનો શોખ. મોડી રાત સુધી વાંચ્યા કરે. મને અડધી રાતે હાર્મોનિયમ પર રિયાઝ કરવાનો મૂડ આવે એટલે ગુરુ દત્તને ખલેલ પડે. એક દિવસ ગુરુ દત્તે ઉદયશંકરને ફરિયાદ કરી. ઉદયશંકર કહે, ‘રિયાઝનું તો એવું છે કે એનો મૂડ ગમે ત્યારે આવે.’ મેં આનો તોડ કાઢવા ગુરુ દત્તને કહ્યું, ‘એક રાત તું સૂઈ જા, એક રાત હું સૂઈ જઈશ.’
બીજા વિશ્વયુદ્ધહને કારણે કલ્ચરલ સેન્ટર બંધ થયું. એટલે સરદાર મલિક અને મોહન સૈગલે એક ગ્રુપ બનાવી દેશભરમાં બેલે નાટકો ભજવવાનું શરૂ કર્યું. ગામેગામ જાય અને પર્ફોર્મન્સ આપે. પરંતુ એક દિવસ બન્નેએ આ પ્રવૃત્તિ બંધ કરી. એના કારણ વિશે વાત કરતાં સરદાર મલિક કહે છે, ‘અમે બન્ને એક મહાનુભાવના ઘરે ડાન્સના કાર્યક્રમ માટે ગયા હતા. ત્યાં અમારું અપમાન થયું. અમને કહે, ‘આટલા મોટા સેન્ટરમાં શીખીને આવ્યા છો પણ તમને નૃત્યની સમજ નથી, સંગીતની સમજ નથી.’ એ દિવસે બહુ ખરાબ લાગ્યું. મોહન સૈગલ કહે ‘હું મુંબઈ જાઉં છું. તું પણ ચાલ. ઇન્ડસ્ટ્રીમાં કામ મળી રહેશે.’
‘ગુરુ દત્તને તો પ્રભાત સ્ટુડિયોમાં કામ મળી ગયું પણ અમે બન્ને સ્ટુડિયોનાં ચક્કર કાપતા હતા. અંતે એક ફિલ્મ મળી ‘રેણુકા’ (૧૯૪૭), જેમાં મને કોરિયોગ્રાફર તરીકે મોકો મળ્યો. પાછળથી આ જ ફિલ્મમાં સંગીત આપવાનો મોકો મળ્યો. આ ફિલ્મમાં મારાં બે સોલો ગીત અને ઝોહરાબાઈ અંબાલાવાલી સાથે બે ડ્યુએટ ગીત રેકૉર્ડ થયાં. મને થયું, હું પ્લેબૅક સિંગર પણ બની ગયો. પરંતુ ‘જુગનૂ’ આવી અને એમાં રફીસા’બનાં ગીતો સાંભળી મારું જોશ ઠંડું પડી ગયું.’
‘રેણુકા’ બાદ સંગીતકાર તરીકેની સરદાર મલિકની ગાડી ધીમે-ધીમે ચાલવા લાગી. સંગીતકાર તરીકે જે ફિલ્મો મળી એ હતી ‘રાઝ’ (૧૯૪૯), ’સ્ટેજ’ (૧૯૫૧), સૌપ્રથમ તેમના કામની નોંધ લેવાઈ ફિલ્મ ‘ઠોકર’માં (૧૯૫૩). આ ફિલ્મનું ‘અય ગમે દિલ કયા કરું’ (તલત મહમૂદ અને આશા ભોસલે) અત્યંત લોકપ્રિય થયું હતું.
ત્યાર બાદની તેમની ફિલ્મો હતી ‘લૈલા મજનૂ’ (સંગીતકાર ગુલામ અહમદ સાથે -૧૯૫૩), ‘આબ–એ–હયાત’ (૧૯૫૪), ‘ચોર બઝાર’(૧૯૫૪), ‘ઔલાદ’ (૧૯૫૫), ‘ચમક ચાંદની’ (૧૯૫૭), ‘ટૅક્સી 555’ (૧૯૫૮), ‘માં કે આંસુ’ (૧૯૫૮), ‘મેરા ઘર મેરે બચ્ચે’ (૧૯૬૦) અને ‘સુપરમૅન’ (૧૯૬૦). સરદાર મલિકની કારકિર્દીની સીમાચિહન ફિલ્મ હતી ‘સારંગા’ (૧૯૬૧). ધીરુભાઈ દેસાઈની આ ફિલ્મના કલાકારો હતાં જયશ્રી ગડકર અને સુદેશ કુમાર. આ ફિલ્મનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં.
મજાની વાત એ છે કે ફિલ્મનું સૌથી વધુ લોકપ્રિય ગીત ‘સારંગા તેરી યાદ મેં’ પાછળથી ઉમેરાયું હતું. શરૂઆતમાં મોહમ્મદ રફીના સ્વરમાં બૅકગ્રાઉન્ડ સ્કોર તરીકે એક મિનિટનું આ ગીત કેવળ ‘એડલીબ’માં (તાલ વિના) રેકૉર્ડ થયું હતું. આ પૂરી વાતનો ઘટસ્ફોટ વિખ્યાત મેન્ડોલિનવાદક કિશોર દેસાઈએ મારી સમક્ષ કર્યો હતો જે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે. ‘મને લાગ્યું કે આટલી સરસ રચના એક પૂરા ગીત તરીકે ફિલ્મમાં હોવી જોઈએ. પ્રોડ્યુસર ધીરુભાઈ કહે કે મારી પાસે બજેટ નથી. મેં આગ્રહ કર્યો અને કહ્યું કે હું પૈસા નહીં લઉં. એ ઉપરાંત મુકેશજીને અને બીજા મ્યુઝિશ્યન્સને (જેમાંના એક હતા વાયોલિનવાદક પ્યારેલાલ) વિનંતી કરીશ કે તમે ઓછામાં ઓછા પૈસા લો. સૌ માની ગયા. ભરત વ્યાસે એ જ મુખડું રાખી નવું ગીત લખ્યું અને આ ગીતનું રેકૉર્ડિંગ થયું.’
‘સારંગા’નાં ગીતોની રૉયલ્ટીના અઢળક રૂપિયા નિર્માતા ધીરુભાઈ દેસાઈને મળ્યા. એ દિવસોમાં સંગીતકારને રૉયલ્ટી નહોતી મળતી. સરદાર મલિકે મન મનાવ્યું કે ચાલો કલદાર નહીં પણ કીર્તિ તો મળી. ચારેકોર તેમની વાહ-વાહ થઈ ગઈ. નામી નિર્માતાઓ બિગ બજેટની ફિલ્મો માટે તેમને ઑફર આપવા માંડ્યા. પણ તેમનું નસીબ બે ડગલાં આગળ હતું. એક ઘટના એવી બની કે સરદાર મલિકને કામ મળતું બંધ થઈ ગયું. એ વાત આવતા રવિવારે.


