સૌકોઈએ મંદિરના પુનઃનિર્માણ માટે યથાશક્તિ સાથ-સહકાર આપવો જોઈએ એવી જાહેરાત થતાંની સાથે જ જામ દિગ્વિજયસિંહે સ્ટેજ પરથી ઊભા થઈ પોતાનાં ઑર્નામેન્ટ્સ કાઢીને સરદારના પગમાં મૂકી દીધાં હતાં!
સોમનાથ મંદિરના શિલાન્યાસ સમયે જામ દિગ્વિજયસિંહ જાડેજા.
નવાનગરના રાજવી જામ દિગ્વિજયસિંહની વાત શરૂ થયા પછી અનેક મિત્રોએ તેમના વિશેના કિસ્સા મોકલ્યા છે તો એક વાચકમિત્રએ તો ન્યુઝપેપરનું કટિંગ મોકલીને કહ્યું કે હજી થોડા વખત પહેલાં જ પોલૅન્ડના ઍમ્બૅસૅડર અને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા ત્યારે તેમણે જામ દિગ્વિજયસિંહને યાદ કર્યા હતા. આપણે કહેવું જ રહ્યું કે ગોંડલના રાજવી ભગવતસિંહજીની જેટલી વાતો અને વાહવાહી લોકો સુધી પહોંચી છે એના કરતાં અનેકગણી ઓછી વાતો જામ દિગ્વિજયસિંહની બહાર આવી છે, જે આપણાં બદનસીબ છે. જામ દિગ્વિજયસિંહની વાતને આગળ વધારતાં પહેલાં તેમની બીજી પણ એક વાત કહેવાની.
આપણે ત્યાં રમાતી રણજી ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ જેમના નામ પરથી બની છે એ જામ રણજિતસિંહજી જાડેજા એટલે દિગ્વિજયસિંહજીના પિતા. જામ રણજિતસિંહજીનું હુલામણું નામ રણજી હોવાથી તેઓ એ નામે વધારે જાણીતા બન્યા અને પછી ક્રિકેટર બન્યા ત્યારે એ જ નામથી ઓળખાવા લાગ્યા. જામ દિગ્વિજયસિંહ પણ ક્રિકેટર હતા અને તેઓ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની મૅચો રમ્યા છે, પણ આપણી વાત સોમનાથ મંદિરના પુનઃનિર્માણની ચાલી રહી છે એટલે આપણે એ વિષય પર ફરી પાછા આવીએ.
સરદાર પટેલે પ્રભાસપાટણમાં જ્યારે મંદિરના પુનઃનિર્માણની વાત કરી ત્યારે સ્ટેજ પર તેમની સાથે જામ દિગ્વિજયસિંહજી પણ બેઠા હતા. મંદિરના પુનઃનિર્માણના કામમાં લોકોને પણ જોડાવાનું સરદારે કહ્યું ત્યારે જામ દિગ્વિજયસિંહ પહેલી એવી વ્યક્તિ બન્યા જેમણે સ્ટેજ પરથી જ રકમ લખાવી દીધી અને સરદારને વચન પણ આપ્યું કે પૈસાના વાંકે ક્યારેય મંદિરનું કામ અટકશે નહીં. મંદિર માટે કામ શરૂ થયું ત્યારે સરદાર પટેલ અને જામ દિગ્વિજયસિંહજી મારા દાદા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાને મળ્યા અને મંદિરના પુનઃનિર્માણની વાત કરી. દાદા પાસેથી એ સાંભળેલી વાતોની ચર્ચા આપણે પછી કરીએ. અત્યારે વાત કરીએ જામ દિગ્વિજયસિંહની.
જામ દિગ્વિજયસિંહજી જ હતા જે મંદિરના પુનઃનિર્માણના કાર્યમાં બેઠા હતા અને તેમણે જ શિલાન્યાસ કર્યો હતો. જામ દિગ્વિજયસિંહજી હોવાને કારણે જ સરદારને વિશ્વાસ હતો કે મંદિરનું કામ ક્યારેય અટકશે નહીં અને એ યોગ્ય રીતે પૂર્ણ પણ થશે. જામ દિગ્વિજયસિંહજીએ પોતાની તિજોરી તો મંદિર માટે ખુલ્લી રાખી જ હતી, સાથોસાથ તેમણે અન્ય રાજા-મહારાજાઓને કહીને પણ દાન લાવવાનું કામ કર્યું હતું. આ એ સમયની વાત છે જે સમયે રાજા-મહારાજાઓ પોતાની આન-બાન અને શાન અકબંધ રાખે; પણ સોમનાથ મહાદેવની વાત હતી એટલે જામ દિગ્વિજયસિંહજીએ કોઈ જાતની શેહશરમ રાખ્યા વિના, સંકોચ અનુભવ્યા વિના મંદિર માટે કામ કર્યું અને હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને ફન્ડ પણ ઊભું કર્યું.
એક નાનકડો કિસ્સો યાદ આવે છે એ પહેલાં કહી દઉં. જામ દિગ્વિજયસિંહનું સન્માન એક વાર નહીં પણ બબ્બે વાર ખુદ રાણી વિક્ટોરિયાએ પણ કર્યું હતું અને તેમને માનદર્શક પદવીઓ પણ આપી હતી.
આઝાદી પછી રાણી વિક્ટોરિયાએ દેશની કેટલીક રાજવી ફૅમિલીને ખાસ આમંત્રણ આપીને લંડન બોલાવી, જેમાં જામ દિગ્વિજયસિંહજી પણ હતા. ડિનર માટે ગયા ત્યારે જામસાહેબના હાથમાં એક નાનકડી ચિઠ્ઠી હતી. બધાએ એના વિશે પૂછ્યું, પણ જામસાહેબ ચૂપ રહ્યા. ડિનર પૂરું થયું અને પછી ક્વીને જ્યારે બધાનો આભાર માન્યો કે અમે ઇન્ડિયામાં હતાં એ દરમ્યાન આપ સૌનો જો સાથ ન મળ્યો હોત તો અમે આટલો લાંબો સમય રહી શક્યા ન હોત, ભવિષ્યમાં ક્યારેય અમારી જરૂર હોય તો આપ વિના સંકોચે અમને જાણ કરી શકો છો.
એ વખતે જામસાહેબે ચિઠ્ઠી કાઢી અને રાણીની જે ખાસ વ્યક્તિ હતી તેને આપીને કહ્યું કે ‘રાણીસાહેબને કહો કે ભવિષ્ય તો બહુ દૂરની વાત છે, અમને અત્યારે વર્તમાનમાં તેમની જરૂર છે. અમે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરીએ છીએ. એના માટે તેઓ જે કંઈ સહાય આપી શકે એ સ્વીકારવા અમે તૈયાર છીએ!’
રાણીસાહેબે સહાય કરી હતી, પણ એનો આંકડો ક્યારેય બહાર આવ્યો નહીં. એના માટે એવું માનવામાં આવે છે કે એ રકમ તેમણે ગુપ્તદાન તરીકે આપી અને મહારાજાએ તેમની ઇચ્છા પૂરી પણ કરી.
મહારાજા જામ દિગ્વિજયસિંહજીની મંદિર પ્રત્યેની આસ્થા, સરદાર પટેલ પ્રત્યેનો આદર અને સોમનાથ મહાદેવ પ્રત્યેની શ્રદ્ધાને જોઈને જ સરદાર પટેલે તેમને સોમનાથ બોર્ડના ચૅરમૅન બનાવ્યા હતા. હા, જામ દિગ્વિજયસિંહ ટ્રસ્ટના પ્રથમ ચૅરમૅન બન્યા અને તેમની નિગરાનીમાં સોમનાથ મંદિરનું તમામ કામ પૂરું થયું.