Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલો શો એકદમ ઍવરેજ અને બીજા શોથી નાટક ગિયરમાં

પહેલો શો એકદમ ઍવરેજ અને બીજા શોથી નાટક ગિયરમાં

19 September, 2022 04:52 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

હા, નાટક ‘આ કોકિલાનું કંઈક કરો’માં એવું જ બન્યું હતું. પહેલો શો એકદમ ઍવરેજ રહ્યો એટલે મેં મારા રોલને ઇમ્પ્રોવાઇઝ કરવાનું શરૂ કર્યું અને પછી નાટક એવું પકડાયું કે સડસડાટ ચાલી પડ્યું

‘આ કોકિલાનું કંઈક કરો’ નાટક અમારે અપદ્યગદ્ય શૈલીમાં કરવું હતું, પણ એ તો અમારાથી ન થયું, નાટકના ટાઇટલમાં અમે પ્રાસાનુપ્રાસ જાળવવાની કોશિશ જરૂર કરી હતી. જે જીવ્યું એ લખ્યું

‘આ કોકિલાનું કંઈક કરો’ નાટક અમારે અપદ્યગદ્ય શૈલીમાં કરવું હતું, પણ એ તો અમારાથી ન થયું, નાટકના ટાઇટલમાં અમે પ્રાસાનુપ્રાસ જાળવવાની કોશિશ જરૂર કરી હતી.


આપણી વાત ચાલે છે ‘આ છોકરીને મંગળ છે’ ટાઇટલ સાથે અમે શરૂ કરેલા અમારા નવા નાટકની. નાટકની વનલાઇન તો મેં તમને ગયા સોમવારે કહી હતી. લીડ કૅરૅક્ટર કોકિલાના ફાધરના રોલમાં જગેશ મુકાતીને કાસ્ટ કર્યો, તો કોકિલાના મોટા ભાઈના રોલ માટે વિપુલ મહેતાએ મને ફોર્સ કર્યો. મારે આ પ્રકારના કૅરૅક્ટર રોલ નહોતા કરવા. હું લીડ રોલ કરવા માગતો હતો અને લીડ રોલમાં લોકો મને ખુશી-ખુશી સ્વીકારતા હતા, પણ વિપુલનો આગ્રહ હતો એટલે વધારે આનાકાની કર્યા વિના મેં હા પાડી દીધી.

જગેશ અને હું ફાઇનલ થયા પછી કોકિલાની ભાભીના એટલે કે મારી વાઇફના રોલમાં દીપાલી ભુતાને લીધી, દીપાલી ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનની જ દેન કહેવાય અને વિપુલ મહેતાની સ્ટુડન્ટ. તમે તેને અમારાં અસંખ્ય નાટકોમાં જોઈ છે. બીજા ઘણા આર્ટિસ્ટની જેમ જ દીપાલીનું પણ એવું કે બને ત્યાં સુધી તે અમારાં નાટકો સિવાય કામ કરે નહીં. ઍનીવેઝ, બીજા કાસ્ટિંગની વાત કરીએ. કોકિલાના નાના ભાઈના રોલમાં અમે યતીન પરમારને લીધો, તો અમેરિકાથી આવેલા અને જેને કોકિલાને પરણાવવાની કોશિશ કરવામાં આવે છે એ તેજસના રોલમાં સ્વપ્નિલ અઝગાવકરને લીધો. આ સ્વપ્નિલ આમ મરાઠી, મૂળ ગોવાનો, પણ ગુજરાતી એવું સરસ બોલે કે કોઈ ધારી પણ ન શકે કે આ છોકરો ગુજરાતી નથી. એ પછી વાત આવી વિશ્વાસ અને કોકિલાની, એટલે કે લીડ પૅરની. વિશ્વાસ એક દિવસ અચાનક બહારથી આવે છે અને આખા ઘરને વિશ્વાસ દેવડાવે છે કે એ બધાં સપનાં પૂરાં કરશે. વિશ્વાસ માટે કોને ફાઇનલ કરવો એની વિચારણા ચાલતી હતી એ દરમ્યાન અમે કોકિલા માટે લીના શાહને ફાઇનલ કરી. ગુજરાતી રંગભૂમિ પર હિરોઇન મટીરિયલ કહેવાય એવી ઍક્ટ્રેસ ઓછી છે અને એ ઓછી ઍક્ટ્રેસમાં લીનાનું નામ આવે. લીના પર અમે જ્યારે પણ ભરોસો મૂક્યો છે ત્યારે તેણે એ ભરોસો સાર્થક પુરવાર કર્યો છે અને હંમેશાં ડિલિવર કર્યું છે, જે અમે તેની પાસેથી ઇચ્છ્યું છે. લીના ફાઇનલ થયા પછી અમે વિશ્વાસના કૅરૅક્ટર માટે હેમંત ઝાને લાવ્યા. હેમંત બહુ સરસ કલાકાર છે. તેને કોઈ પણ રોલ આપો, હેમંત એ રોલ પર પોતાની છાપ છોડી જ જાય. 
અમારા નાટકનાં રિહર્સલ્સ શરૂ થયાં. મેં અગાઉ કહ્યું છે એમ, નાટકનો સ્ક્રીનપ્લે ફાઇનલ થયા પછી અમારે ત્યાં એક પછી એક સીન લખાતા જાય છે. એક સીન લખાય અને સેટ થાય એ દરમ્યાન બીજો સીન લખાતો હોય. બીજી કોઈ વાત કરું એ પહેલાં હું મારી વાત કરું. 



ડિરેક્ટર વિપુલ મહેતાને ખબર હતી કે મોટા ભાઈના કૅરૅક્ટરમાં મેં સંજયભાઈને લીધા છે તો એ ચોક્કસ ડિલિવર કરશે એટલે નાટક જેમ લખાતું ગયું એમ એ મારો રોલ વધારતો જ ગયો. હું અત્યારે કહીશ કે મેં કરેલા ખૂબ સારા પર્ફોર્મન્સમાં તમે વિનાસંકોચ આ નાટકનું નામ લઈ શકો. નાટક રિલીઝ થયું એ વખતે અમે એનું ટાઇટલ બદલીને ‘આ છોકરીને મંગળ છે’માંથી ‘આ કોકિલાનું કંઈક કરો’ કર્યું હતું. આ નાટક અત્યારે ઑનલાઇન અવેલેબલ છે. તમે જોજો, ખૂબ સરસ અને હિલેરિયસ પ્લે છે. 


નાટકમાં મારી અને દીપાલીની કેમેસ્ટ્રી બહુ સરસ છે અને બાકીની ટીમે પણ ઓવરઑલ બહુ સારું કામ કર્યું છે. નાટક સારું ગયું, સુપરડુપર હિટ નહોતું, પણ નાટક હિટ તો હતું જ. આ નાટકના પણ અમે ૧૧૦ શો કર્યા અને નાટક પૅકઅપ કરવાના સમયે અમે એને ડિજિટલ મીડિયા માટે થ્રી કૅમેરા સેટ-અપ સાથે શૂટ પણ કર્યું. નાટક રિલીઝ થયા પછી હું એને મારી રીતે સતત વધારે ને વધારે કૉમેડી અને સ્પાઇસી બનાવતો ગયો, જ્યાં પણ તક મળે ત્યાં એમાં ગેગ્સ ઉમેરતો ગયો, જેને લીધે નાટકના દરેક શોમાં મારો રોલ વધારે મજેદાર રીતે ઊભરતો રહ્યો

૨૭ ઑક્ટોબરે અમે ‘આ કોકિલાનું કંઈક કરો’ ઓપન કર્યું. આ અમારું એકાવનમું નાટક અને ૨૦૦૯નું અમારું ચોથું નાટક. અલબત્ત, નાટકનો શુભારંભ શો કંઈ ખાસ ગયો નહોતો. અમને થોડી વાર પૂરતું તો એવું જ લાગ્યું કે નાટક ઍવરેજ રહ્યું, પણ એ પછી પોસ્ટમૉર્ટમ કરતાં વિપુલને લાગ્યું કે એમાં કૉમેડીની બહુ જરૂર છે એટલે મેં પોતે મારા કૅરૅક્ટરને ડેવલપ કરી, ઇમ્પ્રોવાઇઝ કરી એમાં કૉમેડી ગેગ્સ ઉમેર્યા અને એને વધારે મજેદાર બનાવ્યું. હું નમ્રતા સાથે કહીશ કે આ જ કારણ હતું કે ત્યાર પછી નાટક સડસડાટ દોડ્યું. 


અગાઉ મેં મારા એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે મારું શ્રેષ્ઠ હ્યુમર એ બોરડમમાંથી આવેલું હ્યુમર છે. મારા આ સ્ટેટમેન્ટને જરા સમજાવું. અમે રોજ શો કરતા હોઈએ એટલે એક ને એક ડાયલૉગ, સિચુએશનથી કલાકારો કંટાળવા માંડે. કૅરૅક્ટર આર્ટિસ્ટને તો હજી પણ વાંધો ન આવે, પણ કૉમેડી ફ્રન્ટ જેણે સંભાળ્યો હોય એ ઍક્ટરને બધું મોઢે થઈ જાય કે ગોખાઈ જાય એટલે તેને મસ્તી સૂઝે અને એ મસ્તીમાંથી જે હ્યુમર બહાર આવે એ હ્યુમર ઑડિયન્સને બહુ મજા કરાવે. અહીં મારે એક વાત કહેવી છે કે જરૂરી નથી કે તમે જેટલું હ્યુમર ઇમ્પ્રોવાઇઝ કરો એ બધું બધાને ગમે. એક ઍક્ટરની સફળતા ત્યાં જ છે કે તે ગેગ્સ કે હ્યુમરની મમતમાં નથી રહેતો. ધારો કે મેં હ્યુમર લાવવા કોઈ ગેગનો ઉપયોગ કર્યો, પણ એમાં લાફ્ટર ન આવ્યું તો હું એના પ્રેમમાં પડ્યો રહીને એને વારંવાર વાપરું નહીં કે પછી રાહ ન જોઉં કે હ્યુમર આવે છે કે નહીં. કોઈએ એવું ન કરવું જોઈએ. જે હ્યુમર વર્ક નથી કરતું એને તરત જ સાઇડ પર મૂકી દેવામાં જ નાટકની ભલાઈ છે. એને કાઢી નાખવાનું, બીજા શોમાં હું એનો ઉપયોગ જ ન કરું. બીજી અને અગત્યની ટિપ. જે આપણે ત્યાં સામાન્ય રીતે કલાકારો ભૂલી જાય છે.

ઇમ્પ્રોવાઇઝ કરો, પણ પ્રમાણભાન રાખો, મૂળ વાર્તા ભુલાવી ન જોઈએ. આ બેઝિક નિયમ છે અને હું એને ચુસ્ત રીતે ફૉલો કરું છું અને આ જ વાત સૌકોઈએ ફૉલો કરવી જોઈએ. ઍનીવેઝ, આપણી વાત આગળ વધારીએ.

‘આ કોકિલાનું કંઈક કરો’ નાટકનાં રિહર્સલ્સ ચાલતાં હતાં એ દરમ્યાન મેં ભવન્સ કલાકેન્દ્રની કૉમ્પિટિશનમાં એક નાટક કરવાનું નક્કી કર્યું. હવે એની વાત કરું. ભવન્સની બ્રેન્ચ લંડન અને અમેરિકા ઉપરાંત દેશ-દુનિયામાં ઠેર-ઠેર છે તો અંધેરીમાં ભવન્સ કૉલેજ પણ છે. આ ભવન્સ કૉલેજમાં એ સમયે ૧૫૦-૨૦૦ સીટનું એક નાનું ઍમ્ફી થિયેટર હતું જે કોઈક કારણસર તોડી પડાયું. આ થિયેટર ઉપરાંત કૅમ્પસમાં એક ઓપન ઍર ઑડિટોરિયમ પણ છે. 

પ્રવીણ સોલંકી, લલિત શાહ, સ્વ. કમલેશ દરુ, રમાકાન્ત ભગત જેવા અનેક નાટ્યકર્મીઓએ નક્કી કર્યું કે આપણે ભવન્સ કલાકેન્દ્રને ડેવલપ કરીએ. બહુ સરસ કામગીરી ચાલે છે અને ઘણી પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિમાં એક મહત્ત્વની પ્રવત્તિ એટલે ફુલ લેંગ્થ નાટકની કૉમ્પિટિશન, જે દર વર્ષે થાય છે. 

આ કૉમ્પિટિશનનું મુંબઈના કલાકારોને બહુ મહત્ત્વ નથી હોતું, પણ મુંબઈ બહારના કલાકારો એટલે કે રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, નવસારી જેવાં શહેરોના કલાકારોને મન એનું બહુ મહત્ત્વ છે. મને લલિતભાઈએ કહ્યું કે સંજય મુંબઈથી કોઈ નાટક નથી આવતું. તું તો એસ્ટૅબ્લિશ પ્રોડ્યુસર છે. તું કૉમ્પિટિશન માટે એક નાટક કર, માટે જ કૉમ્પિટિશનમાં ભાગ લેવાનું મેં નક્કી કર્યું અને એક નાટક પ્રોડ્યુસ કર્યું. એ નાટક કયું અને એ કેવું રહ્યું એની ચર્ચા આપણે કરીશું હવે આવતા સોમવારે...

પ્રવીણ સોલંકી, લલિત શાહ, સ્વ. કમલેશ દરુ, રમાકાન્ત ભગત જેવા અનેક નાટ્યકર્મીઓએ નક્કી કર્યું કે આપણે ભવન્સ કલાકેન્દ્રને ડેવલપ કરીએ. બહુ સરસ કામગીરી ચાલે છે અને ઘણી પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિમાં એક મહત્ત્વની પ્રવૃત્તિ એટલે ફુલ લેંગ્થ નાટકની કૉમ્પિટિશન, જે દર વર્ષે થાય છે.

જોક સમ્રાટ

થોડા સમય પહેલાં મને મારી વાઇફના પપ્પા એટલે કે મારા સસરાનો ફોન આવ્યો હતો.
સસરા : જમાઈરાજ, શું કરો છો?
મેં કહ્યું : સહન...
એ દિવસ ને આજની ઘડી, મને તેમણે ફોન નથી કર્યો.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2022 04:52 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK