Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તબક્કો, મારા જીવનની સૌથી મોટી ભૂલનો

તબક્કો, મારા જીવનની સૌથી મોટી ભૂલનો

05 September, 2022 04:17 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

લેખકને મળવાની કે પછી દિગ્દર્શકે આપેલી ડીવીડી પર ફિલ્મ જોવાની તસ્દી લીધા વિના જ મેં નાટકની ના પાડી દીધી, જેનો રંજ મને જિંદગીભર રહેવાનો છે

ચાર મેઇન કલાકાર અને એક બાળકલાકાર સાથે અમે કરેલું પચાસમું નાટક એટલે  ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી.’

જે જીવ્યું એ લખ્યું

ચાર મેઇન કલાકાર અને એક બાળકલાકાર સાથે અમે કરેલું પચાસમું નાટક એટલે ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી.’


હજી ૧૮ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં ત્યાં મારો દીકરો અમાત્ય અમારા બધાથી હજારો કિલોમીટર દૂર લંડન ભણવા માટે પહોંચી ગયો. આજે આપણે અહીં રેસિઝમની વાતો કરીએ છીએ, પણ મને કહેવા દો કે લાલુએ લંડનમાં પણ રેસિઝમ ફેસ કર્યું છે. અમુક ઇન્ડિયન મિત્રો સિવાય ગોરા લોકો એશિયન વિદ્યાર્થીઓ સાથે વાત કરવા પણ તૈયાર ન થાય. મારા દીકરાનો એ પિરિયડ ખૂબ જ ખરાબ હતો. તેણે જે વાતો કે તેના અનુભવ લખીને મોકલ્યા એ મને હાડોહાડ ઊતરી ગયા. અમાત્યની ભાષા, લાગણી વ્યક્ત કરવાની ક્ષમતા અને દિલમાં અંદર ઊતરી જાય એવી પ્રવાહી શૈલી વાંચીને હું રાજી પણ એટલો જ થાઉં. જોકે મારે આજે એક વાત અહીં સ્વીકારવી છે કે એ સમયે મને ખબર નહોતી કે અજાણતાં જ આ રીતે મારા દીકરામાં લેખક થવાનાં બીજ ઊંડાં ઊતરવા માંડ્યાં છે. મિત્રો, અત્યારે આ ટૉપિક ચાલે છે ત્યારે મારે બીજા પણ એક વિષય પર વાત કરવી છે. માબાપની ભૂલ. હા, મારે આ વિષય પર પણ આજે વાત કરવી છે.
લાલુનો ભણવાનો ખર્ચ વર્ષનો લગભગ વીસેક લાખ રૂપિયાનો હતો, બ્રુનેલ હાઈ સ્કૂલની ફી, હૉસ્ટેલમાં રહેવાનું અને ખાવાપીવાનું. આ ખર્ચ મારા માટે થોડો વધારે પડતો હતો, પણ હું ખર્ચવા તૈયાર હતો, કારણ કે મારી ઇચ્છા હતી કે મારો દીકરો લંડન ભણવા જાય. મારી આ ઇચ્છા પાછળ ક્યાંક ને ક્યાંક મારાં અતૃપ્ત સપનાંઓ પણ જવાબદાર હતાં. મને મારી મરજી મુજબનું ભણવા નહોતું મળ્યું એટલે મારું એ સપનું હું લાલુ દ્વારા પૂરું કરતો હતો, પણ આ બહુ મોટી ભૂલ છે અને મોટા ભાગનાં માબાપ આ જ ભૂલ કરતાં હોય છે. હું ડૉક્ટર ન બની શક્યો એટલે મારા દીકરાને ડૉક્ટર બનાવું, હું આર્કિટેક્ટ બની નહીં એટલે મારી દીકરી આર્કિટેક્ટ બને. આ અને આ પ્રકારના અભરખાનો ભોગ બાળકોએ બનવું પડતું હોય છે અને તેમણે દુખી થવું પડે છે. તમારાં અધૂરાં સપનાં તમે સંતાનો દ્વારા પૂરાં કરો એ તદ્દન અયોગ્ય અને ગેરવાજબી છે. તેમને જે કરવું છે એ કરવા દેવામાં તમે સહકાર આપો એ જ સૌથી મહત્ત્વનું છે, પણ માબાપ આ વાત ભૂલી જાય છે અને પોતાનાં અધૂરાં સપનાંનો ભાર બાળકોના ખભા પર નાખી દે છે. મેં પણ એ જ ભૂલ કરી હતી અને મારી એ ભૂલનું પરિણામ મારો દીકરો ત્યાં ભોગવતો હતો, પણ શું થાય?
બધું મને સમજાયું ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું. ઍનીવેઝ, હું અહીંની વાત કન્ટિન્યુ કરું.  

અહીં મેં નવું નાટક ‘પતિ નામે પતંગિયું’ ચાલુ કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. આ નાટકમાં હું પોતે ઍક્ટિંગ કરવાનો નહોતો. નાટકમાં કુલ પાંચ કલાકારો અને એમાં એક બાળકલાકાર. વાર્તા બે કપલની હતી, જેમાં એક કપલમાં અમે જયદીપ શાહ અને અલ્પના બુચને લીધાં. અલ્પના બુચ અત્યારે ટીવીની દુનિયાનું બહુ મોટું નામ થઈ ગયું છે. ‘અનુપમા’ સિરિયલમાં તે અનુપમાની સાસુની ભૂમિકા કરે છે. અલ્પના બુચની જરા વિસ્તૃત ઓળખાણ આપું તો એ છેલ-પરેશવાળા છેલભાઈની દીકરી, ઍક્ટર મેહુલ બુચની વાઇફ અને હિન્દી ફિલ્મના લેખક-દિગ્દર્શક સંજય છેલની બહેન. અલ્પના બુચ સામે જયદીપ શાહને અમે કાસ્ટ કર્યો હતો. જયદીપ ખૂબ જ મંજાયેલો કલાકાર અને કૉમેડીમાં બહુ સારો ઍક્ટર. 



બીજા કપલમાં મેં મારા ફેવરિટ શેખર શુક્લ અને તેની સાથે નવી છોકરી પૂજા મેહારને કાસ્ટ કરી. પૂજા અત્યારે ક્યાં છે એની ખબર નથી, પણ છેલ્લે કોઈકે મને કહ્યું હતું કે તે સાઉથની ફિલ્મોમાં ખૂબ સારા રોલ કરી રહી છે. બાળકલાકાર તરીકે મેં માસ્ટર ઋષભને લીધો, જે કમલેશ દાવડાની શિવમ ઍકૅડેમીનો સ્ટુડન્ટ હતો. મિત્રો, તમને એક વાત કહું. અમને જ્યારે પણ બાળકલાકાર જોઈતા હોય ત્યારે અમે કમલેશને ફોન કરીએ, તે તેની ઍકૅડેમીમાંથી બે-ત્રણ બાળકલાકારો મોકલી આપે, એમાંથી એકને અમે પસંદ કરીએ. બાળકલાકાર ઋષભ હવે તો મોટો થઈ ગયો છે. ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનમાં તેણે ખૂબ નાટક કર્યાં અને ઇનામ પણ મેળવ્યાં. હવે તે કમર્શિયલ નાટકોમાં પણ ભાગ લેતો થઈ ગયો છે. 


નાટકનું ટાઇટલ ‘પતિ નામે પતંગિયું’ બદલીને અમે ટાઇટલ ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી’ રાખ્યું. નાટકનું ડિરેક્શન મેં કર્યું અને ૨૦૦૯ની ૭ જૂને અમારી કંપનીનું પ૦મું નાટક ઓપન થયું. એક વાત કહું તમને. આજે આ લખું છું ત્યારે ક્રમ પર મારું ધ્યાન ગયું છે, એ સમયે તો અમને આ આંકડાઓ પર ધ્યાન પણ નહોતું. બસ, અમે નાટક કર્યે જતા હતા. 

‘પરણ્યા તોયે પૂંછડી વાંકી’ નાટક ઠીક-ઠીક ગયું અને અમારી એને માટેની માનસિક તૈયારી પણ હતી. અલ્ટિમેટલી નાટક રિવાઇવલ હતું, પણ મોટો ફાયદો એ કે નાટકની પ્રોડક્શન કૉસ્ટ બહુ મોટી નહોતી, નાટકના આર્ટિસ્ટ પણ ઓછા હતા એટલે પડતર કિંમત ઓછી હોવાને લીધે નાટકમાં થોડો પ્રૉફિટ થયો.


જૂનમાં અમારું આ નાટક ઓપન થયું અને એ પછી વિપુલ મહેતા, જે બહારના પ્રોડક્શનનું નાટક કરવા ગયો હતો એ નાટક પણ ઓપન થઈ ગયું હતું એટલે વિપુલ પણ ફ્રી થઈ ગયો હતો. વિપુલ ફરી મારી પાસે આવ્યો અને તેણે મને કહ્યું કે ભાવેશ માંડલિયા પાસે તમારા માટે એક સરસ નાટક છે. વિપુલે મને એક ફિલ્મની ડીવીડી આપી, જે ફિલ્મનું નામ હતું ‘ધી મૅન વુ સ્યુસ ધ ગૉડ’. વિપુલે કહ્યું કે આમાં માણસની વાત છે, જે ભગવાન પર કેસ કરે છે. મેં એ ફિલ્મ જોઈ પણ નહીં અને વિપુલને કહી દીધું કે આપણે ત્યાં લીગલ સિસ્ટમ બહુ વીક છે, ફેંસલો આવતાં વર્ષો નીકળી જાય છે એટલે લીગલ સિસ્ટમ પર કોઈ નાટક બનાવવાનો અર્થ નથી. જ્યારે હું આ કહી રહ્યો હતો ત્યારે હું કેટલી મોટી ભૂલ કરતો હતો એની મને જાણ નહોતી. મેં ફિલ્મ ન જોઈ, વિપુલ સાથે બહુ લાંબી કે વિગતવાર ચર્ચા ન કરી, એટલું જ નહીં, મેં અમારા લેખક ભાવેશ માંડલિયા સાથે વાત ન કરી કે તેના મનમાં શું છે અને તે આ નાટક કઈ રીતે કરવા માગે છે, જેને કારણે મેં મારા જીવનનું એક બહુ મોટું સફળ નાટક ગુમાવ્યું. એ નાટક પછી ભાવેશ માંડલિયાએ ભરત ઠક્કરને આપ્યું, એ નાટકનું નામ હતું ‘કાનજી વિરુદ્ધ કાનજી’, જે ત્યાર બાદ હિન્દીમાં ‘કિશન વર્સસ કનૈયા’ના નામે ભજવાયું અને પછી ‘ઓહ માય ગૉડ’ના નામે ફિલ્મ પણ બની, જે સુપરહિટ સાબિત થઈ.

એ વખતે મેં ગાંઠ બાંધી લીધી કે ક્યારેય લેખક-દિગ્દર્શક સાથે ચર્ચા કર્યા વગર કોઈ પણ નાટક રિજેક્ટ નહીં કરી દેવાનું. ઍનીવેઝ, મારી ના પછી વિપુલ મહેતાએ મને બીજો કયો આઇડિયા સંભળાવ્યો અને એ આઇડિયાને કારણે હું કેમ એક્સાઇટ થઈ ગયો એની વાત આપણે કરીશું આવતા સોમવારે.

 નાટકનું ટાઇટલ ‘પતિ નામે પતંગિયું’ બદલીને અમે ‘પરણ્યા તોયે પૂંછડી વાંકી’ ટાઇટલ રાખ્યું. નાટકનું ડિરેક્શન મેં કર્યું અને ૨૦૦૯ની ૭ જૂને અમારી કંપનીનું પ૦મું નાટક ઓપન થયું. આજે આ લખું છું ત્યારે નાટકના ક્રમ પર મારું ધ્યાન ગયું છે, એ સમયે તો અમારું આ આંકડાઓ પર ધ્યાન પણ નહોતું. બસ, અમે નાટક કર્યે જતા હતા. 

જોક સમ્રાટ
સગાઈ થયા બાદ છોકરાએ છોકરીનો ફોટો મૂકીને લખ્યું : ‘માય ફિયાન્સી.’
છોકરીએ છોકરાનો ફોટો મૂકીને નીચે લખ્યુંઃ ‘માય ફાઇનૅન્સિસ.’

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2022 04:17 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK