Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > કામમાં નહીં, પણ વિરોધમાં પાક્કા પાયે એકતા

કામમાં નહીં, પણ વિરોધમાં પાક્કા પાયે એકતા

01 April, 2024 09:12 AM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

મને ગુજરાત સરકાર નાટક માટે સ્કીમમાંથી ફન્ડ આપશે એવી વાતની જેવી અમદાવાદના પ્રોડ્યુસર, ડિરેક્ટર, કલાકારોને ખબર પડી કે તરત ૨૦૦ જણ પહોંચી ગયા યોગેશ ગઢવીની ઑફિસે અને દેકારો બોલાવી દીધો

નાટકનું કામ શરૂ કર્યું ત્યારે એમ હતું કે ગુજરાત સરકારનું ફન્ડ આવશે, પણ નાટક ઓપન થયું ત્યાં સુધીમાં ગુજરાત સરકાર બૅકફુટ થઈ ગઈ હતી.

જે જીવ્યું એ લખ્યું

નાટકનું કામ શરૂ કર્યું ત્યારે એમ હતું કે ગુજરાત સરકારનું ફન્ડ આવશે, પણ નાટક ઓપન થયું ત્યાં સુધીમાં ગુજરાત સરકાર બૅકફુટ થઈ ગઈ હતી.


અગાઉ તમને કહ્યું હતું એમ, મારા નાટક ‘મારી વાઇફ મૅરીકૉમ’ના અમદાવાદમાં શો ચાલતા હતા એ દરમ્યાન મારી ઓળખાણ યોગેશ ગઢવી સાથે થઈ, યોગેશભાઈ પોતે ડાયરાના બહુ સારા કલાકાર અને ‘ગોતી લો’ ફેમ સિંગર આદિત્ય ગઢવીના પપ્પા. ગુજરાત સરકારે યોગેશભાઈને ગુજરાત સાંસ્કૃતિક વિભાગના વડા બનાવ્યા અને તેમણે મને કહ્યું કે સરકારમાં નાટકને પ્રોત્સાહન આપવા માટે જે યોજના ચાલે છે એ યોજનાનો લાભ મુંબઈના પ્રોડ્યુસરને પણ મળે એવું હું ઇચ્છું છું. સાંભળતાં આ વાત બહુ સારી લાગી, પણ જો ગુજરાત સરકાર મુંબઈના પ્રોડ્યુસરોને આ યોજનાનો લાભ આપે તો ઘણી આડખીલી પણ ઊભી થાય એવું લાગતું હતું, પણ યોગેશભાઈ પોતાની વાતમાં મક્કમ હતા કે આ જે સ્કીમ છે એ માત્ર ગુજરાતના જ નાટ્ય-પ્રોડ્યુસરને મળે એવું નથી. એનો લાભ દેશના કોઈ પણ વિસ્તારના પ્રોડ્યુસરને આપી શકાય, પણ મિત્રો, અમદાવાદમાં જેવી ખબર પડે કે મુંબઈના પ્રોડ્યુસરને ગુજરાત સરકાર કોઈ લાભ આપે છે તો તરત જ અમદાવાદના નિર્માતા-દિગ્દર્શકો ભેગા મળી અમદાવાદના ઠાકોરભાઈ હૉલની બાજુમાં આવેલા રવિશંકર રાવલ ભવન ખાતે ભેગા થઈ જાય અને તરત વિરોધ શરૂ કરી દે. આવું અગાઉ બન્યું હતું એટલે આપણા મુંબઈના પ્રોડ્યુસરોને એ લાભ નહોતો મળતો. અમે મુંબઈના છીએ, પણ છીએ તો ગુજરાતીજને. અમે પણ ગુજરાતી ભાષા માટે જ આ કામ કરીએ છીએ. આ જે ભેદભાવ છે એ માત્ર ગુજરાતમાં જ છે એવું નથી. 


આપણે ત્યાં મુંબઈમાં પણ આ ભેદભાવ છે. પ્રબોધન ઠાકરે હૉલ હોય કે દીનાનાથ મંગેશકર હૉલ હોય કે પછી હોય મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંચાલિત કોઈ હૉલ હોય, એ બધામાં આપણાં ગુજરાતી નાટકો કે પછી ગુજરાતી ભાષાના કોઈ પણ પ્રોગ્રામ હોય તો ઑડિટોરિયમનું ભાડું વધારે હોય, જ્યારે મરાઠી પ્રોગ્રામનું, મરાઠી નાટકોનું ભાડું ઓછું હોય. મરાઠીઓ અમને પારકા ગણે તો ગુજરાતના ગુજરાતીઓ પણ અમને પોતાના ગણે નહીં. ગુજરાતમાં અમને કોઈ અવૉર્ડ મળે કે અમારું બહુમાન થાય તો તરત જ ગુજરાતના કલાકારો દેકારો બોલાવી દે. આ જ કારણ છે કે મુંબઈના ગુજરાતી કલાકારોને ગુજરાત ગવર્નમેન્ટ તરફથી મોટા ભાગે અવૉર્ડ આપવામાં નથી આવતા અને લાભ આપવાનું પણ ટાળવામાં આવે છે. યોગેશ ગઢવીએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી અને મને કહ્યું કે નાટકની આ જે સ્કીમ ગુજરાત સરકાર ચલાવે છે એને અંતર્ગત નિયમાનુસાર મારે તમને એ પૈસા આપવા છે. સ્વાભાવિક છે કે મારો કોઈ વિરોધ હોય નહીં એટલે મેં હા પાડી, પણ સાથોસાથ નક્કી કર્યું કે હું એ પૈસામાંથી કમર્શિયલ નાટક નહીં બનાવું અને સાથોસાથ એ પણ નક્કી કર્યું કે મારે ત્રણ શો પૂરતું જ નાટક નથી બનાવવું. ગુજરાતમાં નાટકના વધારે શો કરી શકાય એ માટે અમારી પાસે માર્કેટિંગ નેટવર્ક તો તૈયાર હતું જ એટલે હું એના વધારેમાં વધારે શો કરીશ. વાત આવી કે આપણે નાટક કયું કરવું?
મરાઠીમાં એક નાટક આવ્યું હતું, ટાઇટલ એનું ‘છાપા કાટા’. નાટકનું લીડ કૅરૅક્ટર રીમા લાગુએ કર્યું હતું તો નાટકનાં લેખિકા ઇરાવતી કર્ણિક હતાં. ઇરાવતીના એક વન-ઍક્ટ પ્લે પરથી અમે અગાઉ ‘હરખપદૂડી હંસા’ નાટક બનાવ્યું હતું એ તમને યાદ દેવડાવી દઉં. અમે નક્કી કર્યું કે આપણે ઇરાવતીના ‘છાપા કાટા’ પરથી નાટક બનાવીએ અને ગુજરાત સરકારની સ્કીમના પૈસા એમાં વાપરીએ. અમે તો રાઇટ્સ લઈ લીધા અને નાટક પર કામ શરૂ કર્યું તો બીજી તરફ અમદાવાદમાં એ વાત સ્પ્રેડ થઈ કે સંજય ગોરડિયાને ગુજરાત સરકારની સ્કીમમાંથી યોગેશ ગઢવી ફન્ડ આપવાના છે. બધું નિયમાનુસાર જ હતું. ક્યાંય એક પણ નિયમ તોડવામાં નહોતો આવ્યો અને એ પછી પણ અમદાવાદના ૨૦૦ જેટલા કલાકાર, નિર્માતા, દિગ્દર્શકો પહોંચી ગયા રવિશંકર રાવલ ભવનની ઑફિસ. જનારાઓમાં ઘણા બધા મારા મિત્રો હતા. એ સમયે મને ખરેખર બહુ દુઃખ પણ થયું હતું કે આ તે કેવી માનસિકતા? મને લાભ મળે એનો અર્થ એવો બિલકુલ નથી કે તમને લાભ નહીં મળે તો પણ તમે આવી ઈર્ષ્યા કરો? પણ હશે, જેવો જેનો સ્વભાવ.



બધાએ પહોંચીને યોગેશભાઈની ઑફિસમાં દેકારો બોલાવી દીધો અને પછી એ જ બન્યું જેની શંકા હતી. એ લોકોના પ્રેશરમાં આવીને યોગેશભાઈએ મને સ્કીમનો લાભ આપવાની ના પાડી દીધી, પણ આ બાજુ મારી હાલત કફોડી થઈ ગઈ. મારે તો અહીં પણ દાળ બફાઈ ગઈ હતી એટલે એ ખાઈ લેવા સિવાય છૂટકો નહોતો.


એ નાટકનું દિગ્દર્શન વિપુલ મહેતા કરતો હતો તો નાટકનું લેખન વિનોદ સરવૈયાનું હતું. નાટકના લીડ કૅરૅક્ટરમાં અમે પ્રતિમા ટી.ને ફાઇનલ કર્યાં હતાં. પ્રતિમાબહેન સાથે મેં એ કરેલું પહેલું નાટક. એ નાટક પછી મને આજ સુધી બીજું નાટક કરવાનો ચાન્સ નથી મળ્યો. પ્રતિમા ટી. ઉપરાંત નાટકમાં એક યંગ છોકરીનું પણ કૅરૅક્ટર હતું, જેને માટે અમે લીના શાહને કાસ્ટ કરી તો નાટકમાં તુષાર ઈશ્વર અને જગેશ મુકાતી પણ હતા. આ જ દિવસોમાં સેટ-ડિઝાઇનર છેલભાઈ વાયડાનું અવસાન થયું હતું તો તેમના પાર્ટનર એવા પરેશભાઈ દરુની તબિયત પણ એકદમ નાજુક હતી એટલે અમે પહેલી વાર પ્રસાદ વાલાવલકરને સેટની જવાબદારી સોંપી અને ટેક્નિકલ ટીમ રાબેતા મુજબ અમારા નાટકમાં હોય એ જ કન્ટિન્યુ કરી. ‘કિટ્ટા બુચ્ચા’ નામના આ અમારા નાટકની પહેલી ઍડ આપી ત્યારે અમે ઑલરેડી એમાં લખી નાખ્યું હતું કે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અનુદાનને પાત્ર. પણ એ પછી અમને કહેવામાં આવ્યું કે ફન્ડ નહીં મળે એટલે આ નાટક અમે અમારી રીતે રિલીઝ કર્યું.

૨૦૧પની ૧૧મી ઑક્ટોબર, રવિવાર. સમય સાંજે ૭.૪પ વાગ્યાનો.
નાટક માટે મેં તમને પહેલાં જ કહ્યું હતું કે અમારે કમર્શિયલ નાટક નહોતું બનાવવું એટલે અમે બૉક્સ-ઑફિસ ધ્યાનમાં રાખી જ નહોતી. નાટક બૉક્સ-ઑફિસ પર રિલીઝ કર્યું અને એ જ બન્યું જેનો ડર હતો. નાટક સુપરફ્લૉપ ગયું. બૉક્સ-ઑફિસ પર પણ એ ચાલ્યું નહીં અને સોલ્ડ આઉટ શોમાં પણ એ બહુ ચાલ્યું નહીં. માંડ-માંડ આ નાટકના અમે ૩૩ શો કર્યા અને મેં ખાસ્સી મોટી નુકસાની કરી. 


મને એક વાત નથી સમજાતી કે અમે મુંબઈવાળાઓએ તો ક્યારેય અમદાવાદ કે ગુજરાત કે મુંબઈ એવા ભાગલા નથી પાડ્યા. અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર જેવાં ગુજરાતનાં શહેરોમાંથી કેટલાય કલાકારો મુંબઈ આવે છે અને હું તેમને મારા નાટકમાં કામ કરવાનો અવસર આપું છું. અનેક કલાકારોને મેં મારા નાટકના લીડ ઍક્ટર સુધ્ધાં બનાવ્યા છે, પણ મને તો ક્યારેય એવું નથી થતું કે આવું મારે ન કરવું જોઈએ જ્યારે અમદાવાદમાં અમારી સાથે સાવ ઊલટું થાય છે. જેવી તેમને ખબર પડે કે અમને જરાક લાભ મળે છે તો તરત જ દોડીને પહોંચી જાય અને અમારો વિરોધ કરવા માંડે. મિત્રો, એક વાત હું કહીશ કે કામ કરવામાં નિષ્ઠા નહીં દાખવનારા આ ગુજરાતના ગુજરાતીઓ, વિરોધ કરવામાં એકતા એકદમ નિષ્ઠાથી કરે છે. 

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 09:12 AM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK