‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શોમાં સૌથી લાંબી કોઈ આઇટમ હોય તો એ આપણો ગરબો હતો અને એ ગરબામાં સૌથી અગત્યનું કંઈ હોય તો એ નૉન-ગુજરાતીઓનો પર્ફોર્મન્સ હતો
‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ની યાદગાર ક્ષણ.
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના શુભારંભ સાથે શરૂ થયેલા શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ની આપણે વાત કરીએ છીએ. આ શોની સૌથી મોટી ખાસિયત જો કોઈ હોય તો એ આપણો ગુજરાતીનો ગરબો છે. ઑલમોસ્ટ પાંચ મિનિટ અને પાંચ સેકન્ડ ચાલતા આ ગરબાની કોરિયોગ્રાફી અમે કરી છે અને કમ્પોઝિશન અજય-અતુલનું છે. મ્યુઝિક-ડિરેક્ટર અજય-અતુલે આખા શોનું કમ્પોઝિશન કર્યું છે, પણ અમે કહીશું કે આ ગરબા માટે તેમણે જે મહેનત કરી છે એ અકલ્પનીય છે. અકલ્પનીય અને ધારણા પણ ન થઈ શકે એ સ્તરની. આદિત્ય ગઢવીએ એ ગરબો ગાયો છે અને એ ગરબામાં અમુક એવા છંદ અને દુહાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે અગાઉ તમે સાંભળ્યા પણ ન હોય.
ગરબાની કોરિયોગ્રાફીની વાત કરીએ તો આ ગરબામાં કુલ ૩૪ ડાન્સર અને ૪ પ્રોપ-ડાન્સર એમ કુલ ૩૮ ડાન્સર હતા. આ ગરબાના મ્યુઝિકની રિધમ જ એવી હતી કે પાંચ મિનિટ અને પાંચ સેકન્ડના આ ગરબામાં અડધી સેકન્ડ પણ શ્વાસ લેવાનો સમય નહોતો મળતો અને અમને પણ એ જ જોઈતું હતું. હા, આ હકીકત છે. અમે ઇચ્છતા હતા કે ગરબો ચાલુ થાય એ દરમ્યાન અડધી ક્ષણ માટે પણ ઑડિયન્સમાંથી કોઈ બેસી રહેવું ન જોઈએ અને એવું જ થયું હતું. ગરબો ચાલુ થાય અને હજી તો માંડ દસ સેકન્ડ પસાર થઈ હોય ત્યાં તો તરત જ ઑડિયન્સના પગ થિરકવા લાગે અને એ ગરબામાં ઓતપ્રોત થઈ જાય. અહીં અમારે કહેવું છે કે સાચું સંગીત અને સાચી કોરિયોગ્રાફી એ જે તમારા ઑડિયન્સને એમાં ઓતપ્રોત કરી દે અને તમારી સાથે ખેંચી જાય. ખેંચી પણ જાય અને તમને એના રંગમાં રંગી દે.
અમે તમને કહ્યું એમ આ ગરબામાં કુલ ૩૮ ડાન્સર હતા, જેમાં મોટા ભાગના નૉન-ગુજરાતીઓ હતા. આ ખરેખર ગર્વ લેવા જેવી ક્ષણ છે કે નૉન-ગુજરાતીઓ પણ આજે ગરબામાં એક્સપર્ટ થઈ રહ્યા છે. જરા વિચાર કરો કે વીસ દિવસમાં એકવીસ શો હતા અને એ એકવીસ શોમાં મૅક્સિમમ શો વર્કિંગ ડેઝમાં હતા. એ પણ વિચારો કે મોટા ભાગના વર્કિંગ ગુજરાતી કે પછી મોટા ભાગના સ્ટડી કરતા ગુજરાતીઓ અને એ પછી પણ પર્ફોર્મન્સની બાબતમાં સહેજ પણ કચાશ નહોતી અને રિહર્સલ્સની બાબતમાં સહેજ પણ નિષ્ફિકરાઈ નહોતી.
આપણા ગુજરાતી ગરબામાં જે ૩૮ ડાન્સર હતા એમની વાત કરીએ તો એમાં મહારાષ્ટ્રિયન પણ હતા અને યુપી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તથા ગુજરાતના આર્ટિસ્ટ પણ હતા તો સાથોસાથ એ ગ્રુપમાં ‘રઈસ’ અને ‘રામલીલા’ જેવી ફિલ્મોની કોરિયોગ્રાફીમાં મેઇન કલાકારની બૅકસાઇડ પર દેખાતા એ આર્ટિસ્ટ પણ હતા જેમને તમે ફિલ્મોમાં જોયા છે. કહેવાનો ભાવાર્થ એ જ કે આ બધા પ્રોફેશનલ ડાન્સર હતા, જે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શો શરૂ થયાની ઑલમોસ્ટ ૪પ મિનિટ પછી સ્ટેજ પર આવતા હતા.
અહીં જરા અમારે આડવાત કહેવી છે. એવી આડવાત જેની કોઈએ કલ્પના સુધ્ધાં ન કરી હોય. અમે એવું ધાર્યું નહોતું કે નીતાબહેન અંબાણી કે મુકેશભાઈ અંબાણી આ શો જોશે, પણ તેમણે આ શો જોયો એટલું જ નહીં, આ શો માણ્યો પણ ખરો. બન્યું એમાં એવું કે અંબાણી ફૅમિલી સાથે અમારો વર્ષોથી ઘરોબો અને એ ઘરોબો હોવાને કારણે તેમને શું જોઈએ છે અને તેમના મનમાં શું ચાલે છે એ વાત પણ અમારા મનમાં ચાલ્યા કરે. આ જ કારણ છે કે ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’માં પણ તેમને શું જોઈતું હશે એ વાત અમારા મનમાં સતત ચાલતી હતી.
તેમની ઇચ્છા અને અમારું પ્રેઝન્ટેશન.
આ બન્ને વચ્ચ અમે તાદામ્ય કેવી રીતે જાળવ્યું એની વાત આપણે હવે કરીશું આવતા રવિવારે.
આપણા ગુજરાતી ગરબામાં જે ૩૮ ડાન્સર હતા તેમની વાત કરીએ તો એમાં મહારાષ્ટ્રિયન પણ હતા અને યુપી એટલે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના તથા ગુજરાતના આર્ટિસ્ટ પણ હતા. સાથોસાથ આ ગ્રુપમાં ‘રઈસ’ અને ‘રામલીલા’ જેવી ફિલ્મોની કોરિયોગ્રાફીમાં મેઇન કલાકારની બૅકસાઇડ પર દેખાતા એ આર્ટિસ્ટ પણ હતા.

