‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શોના ગરબાના મ્યુઝિક કમ્પોઝિશનમાં અજય-અતુલ એ સ્તર પર ઓપન હતા કે તેઓ એકેએક નાનામાં નાની વાત સાંભળવા અને સમજવા બેસી જતા અને એ જ તો આ આખા શોની બ્યુટી હતી કે તેમણે દરેક કામમાં એવી જ ચીવટ દેખાડી
‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ શો જ નહીં, પણ સમગ્ર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનાં સ્વપ્નદ્રષ્ટા નીતા અંબાણી સાથે અમે.
‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’.
આપણે વાત કરીએ છીએ ઇન્ડિયાના પહેલા બ્રૉડવે શોની અને એમાં આપણી વાત ચાલતી હતી અમે કોરિયોગ્રાફ કરેલા ગરબાની. ટચ વુડ. ગરબો એ સ્તરનો બન્યો કે શો સાથે જોડાયેલી એકેએક વ્યક્તિ એ જ કહેતી હતી કે આખા શોની જાન જો કોઈ હોય તો એ આ ગરબો છે. મ્યુઝિક કમ્પોઝર અજય-અતુલે જ્યારે ગરબાના મ્યુઝિક પર કામ શરૂ કર્યું ત્યારે તેમણે અમને સાથે રાખ્યા હતા. હેતુ માત્ર એ જ કે ગરબાની ઑથેન્ટિસિટી અકબંધ રહે અને કોરિયોગ્રાફી તથા મ્યુઝિકની રિધમમાં કોઈ ઉતાર-ચડાવ ન આવે. એકેએક અને નાનામાં નાનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ગુજરાતી ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય એ વાતનું ધ્યાન અજય-અતુલે રાખ્યું હતું. આમ પણ ટ્રેડિશનલ કમ્પોઝિશનની બાબતમાં અજય-અતુલને કોઈ પહોંચી ન શકે. તેમણે કમ્પોઝ કરેલાં મરાઠી સૉન્ગ્સ સાંભળશો તો આ વાત સમજાશે અને તમે આફરીન પણ થઈ જશો કે એ મ્યુઝિકની તાકાત કેવી છે.
ADVERTISEMENT
અજય-અતુલે જે કમ્પોઝિશન તૈયાર કર્યું હતું એ અદ્ભુત હતું. અમારે એમાં માત્ર સજેશન કરવાનાં હતાં. જો મેજર સજેશનની વાત કરીએ તો અમે એ સજેશન કર્યું હતું કે આપણે કમ્પોઝિશનમાં છ સ્ટેપના ગરબાને ફૉલો કરવાને બદલે કંઈક નવું કરીએ, જેથી આવ્યા હોય તેઓ ગરબાના જાણકાર હોય તો પણ તેમના માટે નવું બની જાય. તેમણે તરત જ હા પાડી અને પછી શરૂ થયું એ કામ.
પાંચ મિનિટનો એ ગરબો અને એની શરૂઆત છંદથી થાય અને એ છંદ પણ સીધો હાઈ પીચ પર જેથી જેવો ગરબો શરૂ થાય કે બીજી જ સેકન્ડે બધાના શરીરમાં એનર્જી આવી જાય અને ખુરશીમાં બેઠાં-બેઠાં જ તેમના પગ થિરકવા માંડે. અમે વાત સમજાવી નહોતા શકતા એટલે અમે જાતે જ એ ક્રીએટ કર્યું અને પછી તેમની સામે રજૂ કરીને કહ્યું કે અમે કંઈક આવું વિચારીએ છીએ. અજય-અતુલ એ સાંભળી, જોઈને અમારી સામે જોતા રહ્યા. અમને પૂછ્યું કે કોરિયોગ્રાફીમાં સીધી આ રિધમ શક્ય બનશે? એટલે અમે તેમને કહ્યું કે સો ટકા શક્ય બનશે, તમે એ ચિંતા છોડી દો અને પછી અમારા મનમાં જે વાત હતી એ વાતને અદ્ભુત રીતે કમ્પોઝિશનમાં લીધી. તમે માનશો નહીં, અત્યારે પણ એ કમ્પોઝિશન અમારા કાનમાં વાગે છે અને અમારાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એ રિધમ, એ બીટ, એ તાલ, એ સૂર અને એ એનર્જી. સિમ્પલી હૅટ્સ ઑફ. જો એમાં કોઈ શબ્દ ન હોય, લિરિક્સ ન હોય તો પણ એ કમ્પોઝિશનની એનર્જી સહેજ પણ ઓસરે નહીં અને તમારા પગ થિરકવા માંડે. ઍનીવે, એ પછી અજય-અતુલે અમને પૂછ્યું કે ગરબા માટે કોઈ બેસ્ટ સિંગર ધ્યાનમાં હોય તો તમે જ સૂચવો.
આદિત્ય ગઢવી.
હા, અમારા મનમાં તરત આ એક જ નામ આવ્યું અને તરત જ અજય-અતુલે કહ્યું કે તમે કહો છો એટલે ઑબ્વિયસ્લી બેસ્ટ જ હોવાનો, આપણે તેની પાસે જ ગવડાવીએ. આવું કોણ કરી શકે એ તમે વિચારો? એ જ જેને પોતાની ટીમ પર વિશ્વાસ હોય અને જે પોતાની ટીમ પર શ્રદ્ધા ધરાવતા હોય કે આપણે જે દિશામાં જઈએ છીએ ત્યાંથી બેસ્ટ જ આપણી પાસે આવવાનું છે.
ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ફોકમાં બહુ સારું કામ કરતા યુવા કલાકાર એવા આદિત્ય ગઢવીને મુંબઈ બોલાવવામાં આવ્યા અને અહીં જ રેકૉર્ડિંગ કરવામાં આવ્યું. તમે માનશો નહીં, પણ રેકૉર્ડિંગ સમયે અજય-અતુલ એ સ્તર પર ઓપન હતા કે તેમણે આદિત્યને પણ કહ્યું કે આ કમ્પોઝિશન જોયા પછી હવે તમને કંઈ લાગતું હોય તો આપણે એમાં પણ ચેન્જ કરીએ અને આદિત્યએ અમુક સજેશન્સ કર્યાં તો એ પણ અજય-અતુલે માન્ય રાખ્યાં.
અમારી એક વાત ક્લિયર હતી કે અમને કંઈ રેગ્યુલર નહોતું જોઈતું, કંઈ એવું નહોતું જોઈતું જે અગાઉ ક્યાંય સાંભળી ચૂક્યા હોઈએ એટલે અમે છંદની બાબતમાં પણ બહુ સિલેક્ટિવ હતા. આદિત્યએ પણ એ જ કર્યું. તેણે રેગ્યુલર કહેવાય એવા છંદ લેવાને બદલે એવા-એવા છંદ અને એ છંદની વચ્ચે એવા-એવા શ્લોક ઉમેર્યા કે સાવ નવું જ સર્જન ઊભું થયું અને એ સર્જને ખરેખર ગુજરાતી ગરબાને નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં થયેલા અમારા એ શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન મ્યુઝિકલ : સિવિલાઇઝેશન ટુ નેશન’ને એક એવી ઊંચાઈએ પહોંચાડ્યો જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી.
આ જ શો અને ગરબાના રેકૉર્ડિંગ સમયની કેટલીક મજા આવે એવી વાતો સાથે હવે આપણે મળીશું આવતા રવિવારે...
અમને કંઈ રેગ્યુલર નહોતું જોઈતું જે અગાઉ ક્યાંય સાંભળી ચૂક્યા હોઈએ એટલે અમે છંદની બાબતમાં પણ બહુ સિલેક્ટિવ રહ્યા. આદિત્યએ પણ એ જ કર્યું. તેણે રેગ્યુલર એવા છંદ લેવાને બદલે એવા-એવા છંદ અને એ છંદની વચ્ચે એવા-એવા શ્લોક ઉમેર્યા કે સાવ નવું જ સર્જન ઊભું થયું.

